‘તમામને એવું બળ મહારાજ તથા સ્વામી તથા શાસ્ત્રીજી મહારાજ આપશે, આખું બ્રહ્માંડ ડોલશે. આપણે છેલ્લો જન્મ કરીને આવરદા હવે પૂરી કરીને સ્વામીશ્રીજીને દેહ અર્પણ કર્યો છે. તેથી સ્વામીશ્રીજી, સ્વામી શાસ્ત્રીજી મહારાજ ઘણા જ રાજી થઈ ગયા છે. તો હવે આપ રાજી રહેશો.’
‘તમ દુવારે આખા દેશમાં દિગ્વિજય કરવાનો છે તે પ્રાર્થના કરી છે. તો તમો બધા સંતો ને પારસદો નિર્દોષ થઈ જાશો. તમ દુવારે લાખો જીવનાં કલ્યાણ થશે.’
સાથે સાથે મુંબઈના સત્સંગ મંડળ અને હરિભક્તોને સંબોધીને તેમનામાં પણ યોગીજી મહારાજ આ નવ યોગેશ્વરોના મહિમાની લાલાશ ચઢાવી દેતાઃ
‘ઓહોહો! મુંબાઈ મંડળને ધન્ય છે કે આવા યોગેશ્વરો સંતો-પારસદોની સેવા પ્રેમથી કરી રહ્યા છે. ભવિષ્યમાં તેઓ સત્સંગ ખૂબ વધારશે. તે અત્યારે નાનું ઝાડ હોય પણ પાણી પાવાથી વિઘા-વૃક્ષ થઈ જાય છે. તે છાંયો તથા ફળ બંને આપે છે. તો હવે ભવિષ્યમાં સંતો બળિયા થાશે.’
યોગીજી મહારાજની આ દિવ્ય પ્રેમધારા વહ્યાંને આજે છ-છ દાયકાઓ વીતી ગયા છે. આજે એ શબ્દો સાકાર થયેલા અનુભવાય છે. એ નવ યોગેશ્વરોએ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના વિરલ સંતશિષ્ય તરીકે જ નહીં, પરંતુ સાધુતા અને ઉચ્ચ આધ્યાત્મિક જીવનશૈલીનું સૌ માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિનુ ભગત (મહંત સ્વામી મહારાજ), રમણ ભગત (ડૉક્ટર સ્વામી), રણછોડ ભગત (કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામી), મહેન્દ્ર ભગત (ત્યાગવલ્લભદાસ સ્વામી), અરુણ ભગત (ઈશ્વરચરણદાસ સ્વામી), નારાયણ ભગત (વિવેકસાગરદાસ સ્વામી), પ્રાગજી ભગત (ઘનશ્યામચરણદાસ સ્વામી) તરીકે ઓળખાયેલા એ નવ યોગેશ્વરો આજે લાખો લોકોને આધ્યાત્મિક પ્રેરણા અને ઊર્જા આપી રહ્યા છે. એ સદ્ગુરુ સંતોની છ-છ દાયકાની મૈત્રી (સંપ-સુહૃદભાવ-એકતા) અને સાધુતા બી.એ.પી.એસ. સંસ્થામાં જ નહીં, પરંતુ હિન્દુ ધર્મના આધ્યાત્મિક ઇતિહાસમાં એક અનોખું ઉદાહરણ બની રહી છે. ગુરુપદે આવ્યા પછી 2017માં એડિસનમાં એક સભામાં મહંત સ્વામી મહારાજ બોલી ઊઠ્યા હતાઃ ‘દુનિયાની કોઈ શક્તિ કે કોઈપણ અમારા સૌનો સંપ ક્યારેય તોડાવી શકશે નહીં.’ એ નવ યોગેશ્વરોની આવી અજોડ એકતા-મૈત્રીમાં, પોતાના જ ગુરુબંધુ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુભક્તિનો જે અનોખો રંગ ઉમેરાયો છે, તે સૌને અહોભાવ અને સુખદ આશ્ચર્ય પણ ઉપજાવે છે. યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને હવે મહંત સ્વામી મહારાજ પ્રત્યે એવી જ ગુરુભક્તિથી ઓપતા આ સદ્ગુરુ સંતો એક આધ્યાત્મિક દીવાદાંડી સમાન બની રહ્યા છે.
બી.એ.પી.એસ. સંસ્થાના આધારસ્તંભ સમા આ સદ્ગુરુ સંતોની ગુરુભક્તિનો એક સ્મૃતિ-અધ્યાય આ અંકમાં પ્રસ્તુત છે. અહીં પ્રગટ કરેલાં તેમનાં સંબોધનોમાંથી આપણને સૌને ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટની ઉપાસનાનો એક વિરલ ઉપનિષદ-બોધ પ્રાપ્ત થાય છે.
પરમ પૂજ્ય પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનાં ચરણે કોટિ કોટિ વંદન...