રાજીપાના વિચારથી જીવન કપટમુક્ત અને ખટપટમુક્ત બને છે
ભગવાન સ્વામિનારાયણે ‘શ્રીહરિચરિત્રામૃતસાગર’માં કહ્યું છે કે, ‘નિષ્કપટપણું એ અમૃત સરખો ગુણ છે.’ ભગવાનને આ ગુણ ઘણો જ ગમે છે. રામચરિતમાનસના સુંદરકાંડમાં શ્રીરામચંદ્રજીના મુખે આ શબ્દો મુકાયા છે કે
‘નિર્મલ મન જન સો મોહિ પાવા ।
મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા ॥’
નિર્મળ મનનો વ્યક્તિ મને પામે છે. મને છળ-કપટ ગમતાં નથી. તુલસીદાસે નિષ્કપટપણાને નવમી ભક્તિ ગણાવતાં કહ્યું છે :
‘નવમ સરલ સબ સન છલહીના ।’
મોક્ષમાર્ગે ભગવાન અને સંત આગળ નિષ્કપટ રહેવું અતિ અગત્યની વાત છે. અયોધ્યાપ્રસાદજી મહારાજે પણ લખ્યું છે કે
‘શરણ આયે સબહી તરે, એક કપટી ન તરે મહારાજ...’
ભવસાગર પાર ઊતરવા કપટનો ત્યાગ કરવો પડે. આવું કપટમુક્ત જીવન બને છે રાજીપાના વિચારથી. મનુષ્ય કનક (સંપત્તિ), કાન્તા (સ્ત્રી) અને કીર્તિ મેળવવા કપટનો આશરો લેતો હોય છે. આ ત્રણેયની લાલસા કપટ અને ખટપટ કરાવે છે. જીવા ખાચર સંપ્રદાયમાં કીર્તિ કમાવા કપટના કાદવમાં અને ખટપટના ખાડામાં ફસાયા હતા તે જાણીતી વાત છે.
માંગરોળના શેઠ ગોવર્ધનભાઈની ફોઈ પૂતળીબાઈએ સોનું ઓળવી લેવાના ઇરાદાથી ગુરુ રામાનંદ સ્વામી સાથે કપટ કરેલું તે પ્રસિદ્ઘ ઇતિહાસ છે. કપટ અને ખટપટની આ વૃત્તિ જો રાજીપાનો વિચાર હોય તો દૂર થાય છે.
સદ્. બ્રહ્માનંદ સ્વામીને શ્રીજીમહારાજે માત્ર બાર રૂપિયા આપી વરતાલમાં મંદિર બાંધવાની આજ્ઞા કરેલી. બાર રૂપિયામાં નાનું દેરું પણ ન બને તો મંદિર તો ક્યાંથી સંભવે? પણ બ્રહ્માનંદ સ્વામીએ પોતાની વ્યવહારકુશળતા અને મહારાજની કૃપાથી સર્વોપરી મંદિર તૈયાર કરી દીધું. તેની પ્રતિષ્ઠા પણ ધામધૂમથી થઈ ગઈ. તે અરસામાં કેટલાક વિઘ્નસંતોષીઓએ શ્રીજીમહારાજને કહ્યું કે, ‘આ બ્રહ્માનંદ સ્વામીએ તો તેમના પૂર્વાશ્રમના પ્રદેશ મારવાડમાંથી ઘણા લોકોને અહીં લાવીને કામે રાખ્યા છે અને આ મંદિર તેઓને ભળાવી દેશે. માટે તેઓને અહીંથી બીજે સ્થાયી કરો તો સારું.’ શ્રીજીમહારાજ આવી વાહિયાત વાતોમાં ફસાય તેવા તો નહોતા. પરંતુ તેઓએ ચરિત્ર એવું જ કર્યું અને બ્રહ્માનંદ સ્વામીને પ્રતિષ્ઠાના દિને જ આજ્ઞા કરી કે, ‘હવે અહીંનું કામ પૂરું થયું છે. તમે અમારી સાથે ચાલો. અહીં તમારે રોકાવું નથી.’ બ્રહ્માનંદ સ્વામી શ્રીજીમહારાજની આ આજ્ઞા પાછળ રહેલી દ્વેષીઓની ચાલબાજી સમજી ગયા. પરંતુ તેઓએ ગાંઠ વાળી હતી કે,
‘મનગમતું સર્વે મેલીને, એક તમને રીઝાવા રે...’
બ્રહ્માનંદ કહે મન, કર્મ, વચને, ગુણ તમારા ગાવા રે...’
તેઓને શ્રીજીમહારાજને રાજી કરવાનો વિચાર હતો. તેથી ન તો તેઓએ દલીલ કરી, ફરિયાદ કરી, મોરચો માંડ્યો. પદ બચાવવા કોઈ કપટ ન કર્યું. વિરોધીને પરાસ્ત કરવા કોઈ ખટપટ ન કરી. બસ! મહારાજે જે કહ્યું તે સ્વીકારી લીધું. તેઓને એવો પણ વિચાર ન આવ્યો કે, ‘ભગવાન તો કોઈકના શીખવ્યા થકા મારામાં વાંક નથી તો પણ મને કહે છે.’ અન્યથા તેઓ તો વાચાળ વિરોધીઓને પણ મૂંગાંમંતર કરી દે તેવા ચતુર હતા, પણ રાજીપાના વિચારને કારણે કપટ અને ખટપટથી મુક્ત રહી શક્યા. જીવનને સીધી લીટીમાં રાખી શક્યા.
મનુષ્યજીવનની પાંચ જીવલેણ વર્તણૂક જણાવતાં કહેવાયું છે :
‘There are five cancerous behaviours: criticizing, complaining, comparing, competing, contending.’ જેમ કૅન્સર શરીરને કોરી ખાય છે તેમ જીવનને કોરી ખાતી પાંચ વર્તણૂકો છે - સૌની ટીકા કર્યા કરવી, સૌ સામે ફરિયાદો કર્યા કરવી, સૌ સાથે પોતાની સરખામણી કર્યા કરવી, સૌ સાથે હોડ બક્યા કરવી અને સૌ સાથે સંઘર્ષમાં ઊતરતા રહેવું. જો રાજીપો લેવાનો વિચાર હોય તો આ પાંચેય કુટેવોથી બચી જવાય તેવું છે. તેનું ઉત્તમ ઉદાહરણ ભગતજી મહારાજ છે. ભગતજી મહારાજને કેવળ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવાનો વિચાર હતો તો તેઓ ટીકા કરવાનો અવકાશ અને આવડત હોવા છતાં કોઈની ટીકા-ટિપ્પણ કરવામાં પડ્યા નથી. ફરિયાદ માટે પૂરતાં કારણો હોવા છતાં ક્યારેય તેઓએ ફરિયાદી સૂર કાઢ્યો નથી. જૂનાગઢમાં ત્રણસો ત્યાગીઓની સાથે રહેવા છતાં કદી કોઈની સાથે સરખામણીમાં ઊતર્યા નથી, કોઈની સાથે હોડે ચડ્યા નથી અને કોઈની સાથે સંઘર્ષમાં ઊતર્યા નથી.
આમ, રાજીપાનો વિચાર આવી અનેક આપત્તિઓથી આપણને બચાવી લે છે. રામાયણમાં આ સંબંધી એક સુંદર વિગત નોંધવામાં આવી છે. કૈકેયીના વરદાનથી રામને વનમાં જવું પડ્યું, રામના વિરહથી દશરથનું મૃત્યુ થયું, લક્ષ્મણ-સીતા પણ વનમાં ચાલી નીકળ્યાં -આવાં અનેક કષ્ટોમાં રઘુકુળ મુકાઈ ગયું. તેથી ભરત અત્યંત ક્રોધિત થઈ ગયા. કુળના સુખને પલીતો ચાંપનાર કૈકેયીને મારી નાંખવા સુધીનો વિચાર તેઓને આવી ગયો, પરંતુ તેઓ તેમ કરી ન શક્યા તેનું કારણ જણાવતાં ભરત શત્રુઘ્નને કહે છે
‘हन्यामहमिमां पापां कैकेयीं दुष्टचारिणीम् ।
यदि मां धार्मिको रामो नासूयेन्मातृघातकम् ॥’
(अयोध्याकाण्डः ७३/२२)
- હું આ ઘડીએ દુષ્ટ અને પાપી કૈકેયીને મારી નાંખત; પણ આ ક્રિયાથી રામ રાજી નહીં થાય તેમ મને લાગે છે. તેથી હું કૈકેયી સાથે દુશ્મનાવટ કરી શક્તો નથી.
ભગવાનને રાજી કરવાના વિચારમાત્રથી ભરત શાંત બની રહ્યા, તો શું સ્વામીશ્રીને રાજી કરવાના વિચારમાત્રથી આપણે કપટ-ખટપટથી મુક્ત ન રહી શકીએ ?!
ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં મહંતપદે હતા ત્યારે કેટલાક દ્વેષીઓએ તેઓને હેરાન-પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. કેટલાક તો સ્વામી ધામમાં જાય એવી માનતા કરતા. કેટલાક તો સ્વામી પર બેલાં (પથરા) ફેંકી તેઓને પતાવી દેવાની પેરવી કરતા. કેટલાક સ્વામીનું ખોટું દેખાય તે માટે મંદિરમાં ચીજ-વસ્તુઓનો પણ ઘણો બગાડ કરતા. સ્વામી વિરુદ્ઘ કાન-ભંભેરણી પણ કરતા. સ્વામી આ સઘળું જાણતા પણ હતા. છતાં તેઓને કોઈના વિષે રાગદ્વેષ બંધાયો નથી. તેઓએ છેવટ સુધી સૌની સેવા કરી, સૌનૈ સાચવ્યા. તેનું કારણ જણાવતાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે : ‘ધૂળ જેટલો પણ જે માણસમાં માલ નથી તેની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે. કેમ જે તેને મંદિરમાં રાખવાનો ખપ છે ને મહારાજને રાજી કરવા છે.’ (6/51)
આમ, મહારાજને રાજી કરવાના વિચારથી વ્યક્તિ ક્યારેય કપટ-ખટપટમાં ફસાતી નથી. આથી મોટો બીજો કયો લાભ રાજીપાના વિચારનો ગણવો?!
કેવળ એક ભગવાન અને સંતને જ રાજી કરવાના વિચારવાળો ભક્ત કપટ-ખટપટથી તો મુક્ત થાય જ છે પણ કાર્યનો યશ કોને ફાળે જશે? મારી યોગ્ય કિંમત અંકાશે કે નહીં? જેવા કોઈ જ વિચારો ન રહેતાં તેની તમામ શક્તિઓ કાર્યસિદ્ઘિ પાછળ એ રીતે વપરાય છે કે અશક્ય કાર્યો પણ પાર પડી જાય. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગને કહ્યું છે કે ‘There is no limit to what a man can do or where he can go, if he doesn’t mind who gets the credit.’ કાર્યનો યશ કોને મળશે એનો વિચાર પડતો મૂકીને કાર્ય કરનારી વ્યક્તિ શું કરી શકશે? અને ક્યાં પહોંચી જશે? એની કલ્પના થઈ શકે તેમ નથી.
માત્ર પાંચ સંતો અને મુઠ્ઠીભર હરિભક્તોથી શાસ્ત્રીજી મહારાજે શરૂ કરેલી બી.એ.પી.એસ. સંસ્થા સો વર્ષમાં તો આખા વિશ્વમાં પથરાઈ જશે એની કોને કલ્પના હશે? પણ આજે એ થયું છે કારણ કે અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત પ્રવર્તાવીને શાસ્ત્રીજી મહારાજને ભગવાન તથા ગુરુને જ રાજી કરવાનો વિચાર હતો. આ મહાન કાર્યનો યશ કોને ફાળે જશે તેની લેશ પરવા તેઓને નહોતી. આમ, રાજીપાના વિચારથી કાર્યસિદ્ઘિ પણ સરળ અને ઢૂંકડી બની જાય છે.