'બ્રહ્મસૂત્ર' એ પ્રસ્થાનત્રયીનું તૃતીય પ્રસ્થાન છે. પરાશરના પુત્ર શ્રીમાન્ બાદરાયણ વ્યાસ આ ગ્રંથના પ્રણેતા છે. ઉપનિષદની શ્રુતિઓ અને સ્મૃતિ ગ્રંથોના આધારે લખાયેલો આ ગ્રંથ છે.
'બ્રહ્મસૂત્ર' નામાભિધાન
બ્રહ્મ અને પરબ્રહ્મને નિરૂપતાં સૂત્રો એટલે બ્રહ્મસૂત્ર. અર્થાત્ આ ગ્રંથમાં ઉપનિષદ તથા ગીતા જેવાં શાસ્ત્રોમાં ઉપદેશાયેલી અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મને નિરૂપતી બ્રહ્મવિદ્યાનું જ સયુક્તિક પ્રતિપાદન અને પ્રસાધન થતું હોઈ તેને 'બ્રહ્મસૂત્ર' કહેવામાં આવે છે.
બ્રહ્મસૂત્રનું સ્વરૂપ
આ ગ્રંથ સૂત્ર સ્વરૂપે રચાયો છે. 'अल्पाक्षरमसन्दिग्घं सारवद् विश्वतो मुखम्। अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः॥' અલ્પાક્ષરવાળું હોય, અતિ મોટાં વાક્યો જેવું ન હોય, તાત્પર્યના સારને સમાવી શકે તેવું સક્ષમ હોય, અને અસંદિગ્ધ હોય ઇત્યાદિ સૂત્રનાં લક્ષણો છે. આ લક્ષણો પ્રમાણે જ મહર્ષિ વ્યાસજીએ આ ગ્રંથ રચ્યો હોઈ તેને સૂત્રગ્રંથ ગણવામાં આવે છે. આ સૂત્રગ્રંથ ચાર અધ્યાયોમાં વહેંચાયેલો છે. પ્રત્યેક અધ્યાયમાં પેટા વિભાગ તરીકે ચાર ચાર પાદ આવેલા છે. તે પ્રત્યેક પાદ જુદાં જુદાં અધિકરણોમાં અર્થાત્ પાદના પેટા વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યાં છે. અને તે પ્રત્યેક અધિકરણમાં એક અથવા એકથી વધારે સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બ્રહ્મસૂત્રની શૈલી
આ ગ્રંથની શૈલી તર્કપ્રધાન છે. ખાસ કરીને ઉપનિષદોમાં ઉપદેશાયેલા સિદ્ધાંતોનું અહીં સયુક્તિક પ્રસાધન કરવામાં આવ્યું છે. સમગ્ર ગ્રંથમાં જ્યારે જ્યારે કોઈ સિદ્ધાંતની સ્પષ્ટતા કે સાબિતી કરવી હોય ત્યારે સૂત્રકર્તા પ્રથમ ચર્ચાનો વિષય પ્રસ્થાપિત કરે. ત્યારપછી તે વિષયમાં સંભવિત શંકાને રજૂ કરે. તેમાં પણ જે પૂર્વપક્ષીય વિગતો છે તેને પહેલાં મૂકે. તે પૂર્વપક્ષનું મજબૂત તર્કસભર દલીલો દ્વારા ખંડન કરતો ઉત્તરપક્ષ રજૂ કરે અને છેલ્લે તાત્પર્યનિર્ણયનો ઉદ્ઘોષ કરે. આ રીતે તર્કપ્રધાન શૈલીને અનુસરતો આ બ્રહ્મસૂત્ર ગ્રન્થ 'તર્કપ્રસ્થાન' તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. વેદાંતના અતિ સૂક્ષ્મ અને અતિ ગૂઢ સિદ્ધાંતોનું અહીં શાસ્ત્રીય ચર્ચાની રીતે પ્રતિપાદન થયું હોવાથી આ ગ્રંથ લોકભોગ્ય કરતાં વિદ્વદ્ભોગ્ય વધુ રહ્યો છે.
બ્રહ્મસૂત્ર એટલે વેદાંતદર્શન, ઉત્તરમીમાંસા
સૂક્ષ્મ અને અમહર્ષિ કપિલ રચિત સાંખ્ય, મહર્ષિ પતંજલિ રચિત યોગ, મહર્ષિ ગૌતમ રચિત ન્યાય, મહર્ષિ કણાદ રચિત વૈશેષિક અને મહર્ષિ જૈમિનિ રચિત પૂર્વમીમાંસા — આ પાંચ દર્શનો ભારતવર્ષમાં પ્રખ્યાત છે. દરેક દર્શનોના સૂત્ર ગ્રંથો પણ તે તે આચાર્યોએ લખેલા પ્રસિદ્ધ છે. તે જ દર્શનોની હરોળમાં મહર્ષિ વ્યાસ રચિત આ બ્રહ્મસૂત્ર ગ્રંથ આવતો હોઈ તેને દર્શન તરીકે ઓળખવામાં આવે છે. ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે. તેના સિદ્ધાંતોનું જ અહીં દર્શન કરાવાયું છે, તેથી એને 'વેદાંતદર્શન' એ નામે પણ ઓળખવામાં આવે છે. વળી, શ્રીજૈમિનિએ લખેલ કર્મકાંડ આધારિત પૂર્વમીમાંસાનાં સૂત્રો પછી આ સૂત્રો રચાયાં હોઈ આ સૂત્રોને 'ઉત્તરમીમાંસાં' તરીકે પણ ઓળખવામાં આવે છે.
બ્રહ્મસૂત્રનો પ્રતિપાદ્ય વિષય
ઉપનિષદોમાં પ્રતિપાદિત કલ્યાણમયી બ્રહ્મવિદ્યા જ અહીં પુનઃ સયુક્તિક સાબિત કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથનો વિચાર કરીએ તો ખાસ કરીને પ્રથમ અધ્યાયમાં જગતનું કારણ કોણ ? શા માટે ? કોણ પ્રકૃતિ આદિ સર્વના આધાર છે ? કોણ સર્વાન્તર્યામી છે ? કોણ સર્વનિયામક છે ? શા માટે ? વગેરે માનવ-મનને ગૂંચવતી શંકાઓ કે જે ઘણી વાર શ્રુતિમંત્રોના આધારે જ જાગી ઊઠી હોય, તેવી શંકાઓનું નિર્ણયાત્મક સમાધાન કર્યું છે.
દ્વિતીય અધ્યાય ખંડન પ્રધાન અધ્યાય રહ્યો છે. વૈદિક સનાતન સિદ્ધાંતથી વિરુદ્ધ નિર્બીજ સાંખ્યયોગ જેવા પ્રતિપક્ષ મતોની અહીં પુનઃ તર્કની સરેણીએ પાક્કી પરીક્ષા કરવામાં આવી છે. જેમાં તે પ્રતિપક્ષ મતોમાં તર્કોની શિથિલતા, વિપરીતાર્થતા, ભ્રાંતિમૂલકતા કે પછી મોક્ષ પ્રતિબંધકતા દર્શાવી સાચા અને સારા તર્કો દ્વારા તેનો નિરાસ કરી, શ્રુતિસંગત સિદ્ધાંતોની સત્યતાનો પુનઃ જયઘોષ કર્યો છે. પરિણામે આ સિદ્ધાંતો વધુ શક્તિશાળી અને પ્રભાવક બન્યા છે.
બ્રહ્મસૂત્રોનો તૃતીય અધ્યાય એટલે સાધનાનો અધ્યાય. પરમકલ્યાણ એ સર્વમુમુક્ષુઓનું લક્ષ્ય છે. તે પામવાનું મુખ્ય સાધન પરમાત્માની ઉપાસના છે - તો તે ઉપાસના કરવાની રીત અહીં સમજાવી છે. વળી, જેને પરમાત્માની ઉપાસના કરવી હોય તેને અક્ષરરૂપતા, બ્રહ્મરૂપતા અર્થાત્ અક્ષરબ્રહ્મ સાથે પોતાના આત્માની એકતા પ્રાપ્ત કરવી જ પડે. શ્રુતિસ્મૃતિસિદ્ધ આ સાધનને કઈ રીતે આત્મસાત્ કરી શકાય ? તે માટે બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ ? ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરેનો સંયમ કઈ રીતે કરવો ? વગેરે સાધનાની વાતો અહીં ખૂબ જ ગંભીરતાથી, સ્પષ્ટતા સાથે, દૃઢપણે અને સયુક્તિક પ્રસ્થાપિત કરવામાં આવી છે.
'ફળનો અધ્યાય' એમ બ્રહ્મસૂત્રના ચોથા અધ્યાય માટે કહેવામાં આવ્યું છે. બધાં જ સાધનોના ફળરૂપ અપુનરાવૃત્તિકર પરમ મોક્ષના સ્વરૂપનું અદ્ભુત પ્રતિપાદન થયું છે. તે મુક્તિને પામતા મુક્તો ભગવાનના અક્ષરધામ તરફ ગતિ કરે તે ઉપનિષદોમાં કહેલી અર્ચિરાદિ ગતિનું અહીં નિરૂપણ છે. મુક્તિ અવસ્થામાં મુક્ત જે રીતે બ્રાહ્મી તનુ પામીને પરબ્રહ્મની દાસભાવે ઉપાસના, દર્શન કરતો થકો શાશ્વતકાળ પર્યંત પરમાનંદને ભોગવે છે, તેવી ઘણી બધી અલૌકિક વાતોનો અહીં નિર્ણય કરવામાં આવ્યો છે.
ખરેખર ! બ્રહ્મસૂત્ર જેવો યુક્તિસભર ગ્રંથ રચી, વ્યાસજીએ આજના બૌદ્ધિકવર્ગને સાચા વિચારોની દિશા આપી છે.
આ રીતે આપણે પ્રસ્થાનત્રયીનો અર્થાત્ ૧. ઉપનિષદ, ૨. ભગવદ્ગીતા તથા ૩. બ્રહ્મસૂત્ર — એમ ત્રણ ગ્રંથોનો ટૂંકમાં પરિચય કેળવ્યો. હવે આ ત્રણ પ્રસ્થાનો દ્વારા સનાતન સિદ્ધાંતોનું પ્રસ્થાપન કઈ રીતે થયું તે આવતા અંકોમાં આપણે જોઈશું. અસ્તુ.