Essay Archives

ક્ષમા આપવાની એક આગવી રીત હોય છે, જેનાથી જીવનમાં પરિવર્તન આવે છે

સંતો અને મહાપુરુષો માત્ર ઉપદેશ નથી આપતા. તેમના જીવન કાર્ય દ્ધારા આપણને શીખવે છે કે સંસારમાં રહીને કેવી રીતે ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરી શકાય છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને યોગીજી મહારાજના જીવન તરફ નજર કરીએ તો સમજાય છે કે તેમના સમયમાં કેટલાય પડકાર વચ્ચે તેઓ સમતા રાખીને જીવન જીવ્યા હશે. તેમના જીવનના સંદેશા આપણને શીખવે છે કે જ્યાં સુધી તમે બીજાને ક્ષમા આપી શકતા નથી ત્યાં સુધી શાંતિ મળતી નથી, પણ સંતો વ્યક્તિના સ્તરને જોઈને, અંતરાત્માથી ક્ષમા આપી શકે છે.
એક વાર સ્વામીશ્રી લંડનમાં હતા. હરિભક્તો અને સંતોએ તેમને કહ્યું કે ‘સ્વામી! એક મહાપ્રશ્ન થયો છે.’ સ્વામીશ્રી કહે ‘શું પ્રશ્ન છે?’ સંતોએ કહ્યું ‘લંડન આપણા મંદિરના પાર્કિંગમાં ગાડીઓ ઉપર કોઈ સ્ક્રેચ પાડી જાય છે. આ કોણ છે તે પકડાતું નથી.’ થોડા સમય પછી બરાબર ધ્યાન રાખવામાં આવ્યું ત્યારે એક નાનો બાળક પકડાયો. બધા લોકો આ બાળકને પ્રમુખસ્વામી મહારાજ પાસે લઈ આવે છે.
આ સમયે બધા આશ્ચર્ય પામી ગયા કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સહજ ક્ષમા આપવાની રીત કંઈક અલગ છે. આ સ્થિતિમાં આપણી પાસે કોઈ આવા બાળકને લઈને આવે તો આપણે શું કરીએ? પહેલાં તો બાળકને ધમકાવવા લાગીએ અને પોતાની જ ગાડી ઉપર લીટા પાડ્યા હોય તો કદાચ એકાદ ધોલ પણ મારી દઈએ, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ એવું નથી કરતા. પૂજ્ય સ્વામીશ્રી બાળકને પૂછે છે ‘તું શું કરે છે?’ તે બાળક કહે કે ‘હું કાર ઉપર લીટા પાડું છું અને માત્ર મર્સીડીઝ ગાડીઓ ઉપર.’ સ્વામીશ્રી તેને પૂછે છે કે ‘આ સારું કામ છે?’ બાળક કહે, ‘ખરાબ.’ પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું કે ‘તો તું આવું શા માટે કરે છે?’ તો તે બાળકે જવાબ આપ્યો કે ‘મારા પપ્પાની કાર કરતાં આ બધી ગાડીઓ સારી છે એટલે મને ઈર્ષ્યા આવે છે.’ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘તારે આવી ગાડી જોઈએ છે?, તને આવી ગાડી મળે તો તું લીટા પાડીશ?’ બાળક કહે, ‘ના.’ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, ‘જો તું ખૂબ ભણીશ તો આનાથી પણ સારી ગાડી તને મળશે.’ બાળકે સ્વામીજીને પૂછ્યું, ‘પ્રોમિસ?’ તો પ્રમુખસ્વામી મહારાજ કહે, ‘હા પ્રોમિસ.’
બાળક લીટા પાડતો બંધ થઈ ગયો. પ્રોબ્લેમનો અંત આવી ગયો અને તેને માફી પણ મળી ગઈ. તે શાંતિથી જીવતો પણ થઈ ગયો. એટલે કે આવા બાળકોને સમજાવવાના કાર્યને પણ પ્રમુખસ્વામી મહારાજ સહજ રીતે ઉકેલી નાખે છે.
‘શું આપણે આપણા બાળકોને આ રીતે શાંતિથી શિખવાડી શકીએ છીએ? આપણે તો દીકરી કપ-રકાબી લઈને આવતી હોય અને તમે કહો, ‘જોજે પાડતી નહીં.’ પણ તમે ગુસ્સાથી કહો એટલે તેનાથી ના પડતી હોય તોપણ ક્યારેક પડી જાય! માટે જ ‘Be gentle on the people who love you.’ (તમને જે પ્રેમ કરતા હોય તેવા લોકો પ્રત્યે ઉદાર બનો). આખો દિવસ, વર્ષોથી જે કુટુંબીજનો તમારી સાથે હોય એને વધુ chance આપજો. ક્ષમા આપવાની પણ એક રીત હોય છે અને તેનાથી માણસ સુધરે છે, આ વાત આપણને પ્રમુખસ્વામી મહારાજ શીખવે છે.
અમદાવાદનો પ્રસંગ છે. ૧૯૮૫ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિ-શતાબ્દી મહોત્સવ યુનિવર્સિટીના મેદાનમાં બે મહિના સુધી યોજાયો હતો.જેમાં પ્રદર્શનો–બાળનગરી–સભાગૃહ–સ્ટોલ પણ કરેલાં. બહારના માણસોએ પણ સ્ટોલ રાખેલા હતા.
ઉત્સવ બાદ ત્રણ ચાર વર્ષ પછીનો પ્રસંગ છે, એક યુવાન મને મળવા આવ્યો, તેનું નામ હતું હેમંત. તે સત્સંગી નહોતો. તેનો સ્વભાવ જરા વિચિત્ર હતો. એ યુવાન કહે, ‘મારે તમને એક વાત કહેવી છે. મને ખૂબ બળતરા થાય છે. મને ગમે-તેમ કરીને પ્રમુખ સ્વામી પાસે લઈ જાઓ. મને ત્રણ ચાર વર્ષથી ખૂબ બળતરા થાય છે. એક વાર તો મને પ્રમુખસ્વામી મહારાજ પાસે લઈ જાઓ. હું મારી જે પીડા છે, તે તમને નહીં કહી શકું.’ તે સમયે સ્વામીશ્રી સારંગપુરમાં હતા.
જ્યારે તેને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પાસે લઈ જવામાં આવ્યો ત્યારે તે યુવાન ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો. પ્રથમવાર તેણે પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કર્યાં અને કહ્યું, ‘મેં આપનું બગાડવામાં કશું બાકી રાખ્યું નથી, મેં તમને ગાળો બોલી છે. મેં આપના ઉત્સવ વખતે સ્ટોલ રાખ્યો હતો અને મારી નબળાઈથી સ્ટોલ ચાલ્યો નહીં. એટલે મેં તમારા ફોટા લઈ અને તેના ઉપર ધૂળ નાખી, પગથી કચડ્યો અને થૂંક્યો વગેરે ઘણું અપમાનજનક વર્તન કર્યું.’ ...પણ આટલું સાંભળતાં જ પ્રમુખસ્વામી મહારાજ તે યુવાનના માથે પ્રેમથી હાથ ફેરવે છે. સ્વામીશ્રી કહે, ‘તું શાંત થા. અમે આવું યાદ રાખતા જ નથી. તું પણ ભૂલી જા.’ એ યુવાન રડતાં રડતાં કહે, ‘તમારો મેં સતત દ્રોહ કર્યો છે.’ સ્વામીશ્રી એના માથે હાથ મૂકી ક્ષમા આપતા જાય અને કહેતા જાય કે ‘હવે તું એ વાત ભૂલી જા.’
પછી પ્રમુખસ્વામી મહારાજ મંદિરમાં દર્શન કરવા ગયા અને ત્યાં હજારો માણસો ભેગા થયા હતા, કેટલાય મહાનુભાવો હતા. ત્યાં ફરીથી આ યુવકને સ્વામીશ્રીએ જોયો એટલે ભીડની વચ્ચે જઈને સ્વામીશ્રીએ તેનો હાથ પકડ્યો અને કહ્યું કે ‘ભગવાનના દરબારમાં ક્યારેય ઉધારના ચોપડા હોતા નથી, જમાના જ ચોપડા હોય છે.’ ત્યારે તે યુવકની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી.
વર્ષ-૧૯૮૯ના આ બનાવ પછી મેં પણ તે યુવાનને ઝાઝો જોયો નથી. પરંતુ, પ્રમુખસ્વામી મહારાજે તેને અપાર ક્ષમા આપ્યા પછી શું પરિવર્તન આવે છે, તે વાત હવે આવે છે. ઉપરોક્ત ઘટનાને દાયકાઓ વીતી ગયા પછી જ્યારે અમેરિકાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શિકાગોની પ્રતિષ્ઠા થઈ પછી અમારી પાસે તેના અદભૂત ફોટોગ્રાફ્સ આવ્યા. અમે પૂછ્યું કે ‘આવા સુંદર ફોટા કોણે પાડ્યા?’ ત્યારે એક યુવાનનું નામ અમારી પાસે આવ્યું. તે યુવાન એટલે પેલો હેમંત. હેમંતે કહ્યું, ‘પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થયાં તે દિવસથી મેં નક્કી કર્યું હતું કે મેં તેમના ફોટો સાથે અણછાજતું વર્તન કર્યું ત્યારે હવે હું સુંદર ફોટોગ્રાફ્સ પાડીશ. તે દિવસથી હું પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અને અન્ય ફોટોગ્રાફ્સ લઉં છું.’ ચોક્કસ તમે તે ફોટોગ્રાફ્સ નિહાળો તો તમને લાગે કે આના જેવા અદભૂત ફોટોગ્રાફ્સ જવલ્લે જ જોવા મળે!
આમ, કોઈને ક્ષમા આપવાથી તેના જીવનમાં પરિવર્તન આવે છે અને આપણે જો ક્ષમા આપી શકતા નથી તો આપણે બરાબર આપણું જીવન પણ જીવી શકતા નથી. માટે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે પણ બીજાને સાચા દિલથી ક્ષમા આપતાં શીખીએ. ખાસ કરીને દૂરના કરતાં, નજીકની વ્યક્તિને વધુ ક્ષમા આપતાં શીખીએ.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS