Essays Archives

'હું તો અક્ષરપુરુષોત્તમનો બળદિયો છું' એ મંત્ર સાથે સત્સંગક્ષેત્રને ખેડતા શાસ્ત્રીજી મહારાજને મન અક્ષર ને પુરુષોત્તમ સર્વસ્વ હતા. પોતાના માલિકનો સિદ્ધાંત એ જ બળદનો સિદ્ધાંત. માલિકનું વચન એ જ બળદનું જીવન. માલિકનો સંકલ્પ એ જ બળદનું ધ્યેય !
એક મહાન સંસ્થાના પ્રારંભ માટે શાસ્ત્રીજી મહારાજે મુંબઈ, અમદાવાદ જેવાં શહેરોને બદલે સંસ્થાનાં મહાન શ્રદ્ધાકેન્દ્રો — મહામંદિરો રચવા માટે બોચાસણ, સારંગપુર જેવાં નાનાં ગામડાંઓ પર પસંદગી કેમ ઉતારી હશે ? દેખીતી રીતે જ એ તર્કબદ્ધ નથી જણાતું. આ સ્થળોની પસંદગી તેમણે કેવી રીતે કરી હશે ?
મુંબઈ હાઈકોર્ટના તત્કાલીન ગવર્નમેન્ટ એડવોકેટ અને વડતાલ સંસ્થાના કુલમુખત્યાર હરિપ્રસાદ ચોકસીના આ ઉદ્‌ગારોમાં તેનો ઉત્તર જડે છે :
''બોચાસણનું મંદિર કેમ કર્યું ?' મેં પૂછ્યું.
શાસ્ત્રીજી મહારાજે જવાબ આપ્યો : 'શ્રીજીમહારાજે કાશીદાસને વચન આપેલું તે સંકલ્પ પૂરો કરવા આ મંદિર કર્યું છે.'
'વળી સારંગપુર મંદિર શા માટે કર્યું ?'
શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યું કે 'આ સ્થાને શ્રીજીમહારાજે મંદિર કરવા સંકલ્પ કર્યો હતો. તે સંકલ્પ અમારા દ્વારા મહારાજે સિદ્ધ કર્યો.'
ગોંડળની વાત પૂછી. તો કહે : 'સદ્‌ગુરુ સ્વામી બાલમુકુંદદાસજીનો ઘણો આગ્રહ હતો કે અક્ષર દેરી ઉપર મંદિર થાય, પણ તે વાત પૂરી ન થઈ ત્યારે સદ્‌ગુરુ સ્વામી બાલમુકુંદદાસજી બોલ્યા હતા કે 'અમારો સંકલ્પ બીજા કોઈ સિદ્ધ કરશે.' ગુણાતીતાનંદ સ્વામીનું પવિત્ર સ્થાન સર્વ તીર્થનું તીર્થ. જેમ દાદા-ખાચરનો દરબાર, શ્રી ગોપીનાથજીની મૂર્તિ, તેમ આ પણ સદ્‌ગુરુ સ્વામી ગુણાતીતાનંદજીનું - અક્ષરધામનું સ્થાન છે, તેથી મંદિર કર્યું છે.'
ગઢપુરમાં મંદિર કરવામાં ઘણાં વિઘ્નો આવ્યાં, છતાં ત્યાં મંદિર આરસનું થયું. ત્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. ત્યાં બીજું મંદિર ન થાય એવું કહેવામાં હું પણ હતો. મેં એ વિષે પત્ર પણ લખ્યો હતો. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે લખ્યું કે 'તમો રૂબરૂ મળશો ત્યારે વાત કરીશ. શ્રીજીમહારાજનો સંકલ્પ અહીં (ટેકરા ઉપર) સર્વોપરી મંદિર થાય તેવો હતો.' અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે તે પ્રમાણે કર્યું.''
ટૂંકમાં, જે જગ્યાએ એક ઇતિહાસ હતો, જે જગ્યા શ્રીજીમહારાજની પ્રસાદીની હતી, જે જગ્યા શ્રદ્ધાની એક ગંગોત્રી સમી હતી, ત્યાં મંદિર કરવાનો શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ હતો. તે જગ્યાએ વિકટ પરિસ્થિતિ હોવા છતાં પોતાની આગવી સૂઝ વાપરીને તેમણે મંદિરો નિર્માણ કરી દીધાં.
બાહ્યદૃષ્ટિએ ભલે આ કાર્ય અતાર્કિક લાગે, પણ દીર્ઘદૃષ્ટિએ જોતાં તેમાં એમની સિદ્ધાંતનિષ્ઠાનો વિજયડંકો સંભળાય છે. કારણ કે, પોતાના ઇષ્ટદેવના સંકલ્પમાં અપાર શ્રદ્ધા, સંપ્રદાયના પ્રત્યેક અનુયાયીમાં અખૂટ બળ જન્માવે છે એ એક તર્કાતીત સત્ય છે.
એક આધ્યાત્મિક સંસ્થાના પાયા નંખાતા હોય ત્યારે, આવા અખૂટ બળના ઊર્જાસ્રોત સમા સ્થળની પસંદગી કરવાની તેમણે જે દીર્ઘ સૂઝ દાખવી છે તે કેવી અજોડ છે !


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS