અક્ષરબ્રહ્મ - વિશ્વનો આધાર - ‘यस्मिंल्लोका निहिता लोकिनश्र्च।’
આ અક્ષરબ્રહ્મ સર્વનો આધાર પણ છે. અંગિરા મુનિએ કહ્યું, ‘यस्मिंल्लोका निहिता लोकिनश्र्च तदेतदक्षरं ब्रह्म।’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૨) જેના આધારે આ અનંતકોટિ બ્રહ્માંડોમાં આવેલા અનંત લોકો અને તે લોકના રહેવાસીઓ અને અધિપતિઓ રહેલા છે. તેવું આ અક્ષરબ્રહ્મ છે. આ જ વાત કઠ ઉપનિષદમાં યમરાજાએ બાળબટુ નચિકેતાને સમજાવી છે, ‘तदेव शुक्रं तद् ब्रह्म तदेवामृतमुत्व्यते। तस्मिंल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्र्चन।’ (કઠ ઉપનિષદ - ૫/૮, ૬/૧). ભગવદ્ગીતામાં પણ અક્ષરબ્રહ્મ માટે કહેવાયું, ‘सर्वभृच्चैव’ (ગીતા - ૧૩/૧૪), ‘भूतभतृ च’ (ગીતા - ૧૩/૧૬) અર્થાત્ એ અક્ષરબ્રહ્મ સર્વ ભૂતપ્રાણીમાત્રનું ધારણ-પોષણ કરનાર છે.
આમ અક્ષરબ્રહ્મને વિશ્વકારણ, વિશ્વવ્યાપક તથા વિશ્વઆધાર રૂપે વર્ણવ્યાં. હવે તેના અન્ય સ્વરૂપનો પરિચય કરાવે છે.
અક્ષરબ્રહ્મ - પરમાત્માને રહેવાનું ધામ - परमं ब्रह्मघाम
હે શૌનક! આ જ અક્ષરબ્રહ્મ અન્ય સ્વરૂપે પરમાત્માનું તથા તે પરમાત્માના બ્રહ્મરૂપ ઉપાસક એવા અનંતકોટિ મુક્તોનું દિવ્ય નિવાસ સ્થાન પણ છે. ‘एष वः पुण्यः सुकृतो ब्रह्मलोकः।’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૬) આ બ્રહ્મલોક, કહેતાં અક્ષરધામ પુણ્યમય છે. અતિ પવિત્ર છે. સારાં ભક્તિમય કર્મો કરવાથી પ્રાપ્ત કરી શકાય એવો છે. વળી, ‘तपःश्रद्धे ये ह्युपवसन्त्यरण्ये शान्ता विद्वांसो भैक्षचर्यां चरन्तः। सूर्यद्वारेण ते विरजाः प्रयान्ति यत्राऽमृतः स पुरुषो ह्यव्ययात्मा॥’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૧) જે ભક્તો વનવાસી થઈ શ્રદ્ધા સાથે, શાન્ત ચિત્તે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી પરમાત્માની ઉપાસના કરે છે તેઓ દેહ પડતાં અર્ચિરાદિ માર્ગે કરીને એ અક્ષરધામમાં જાય છે જ્યાં અમૃતસ્વરૂપ અવિનાશી પરમાત્મા નિવાસ કરી રહ્યા છે.
વળી, હે વત્સ! ‘परमं ब्रह्मघाम यत्र विश्वं निहितं भाति शुभ्रम्’ (મુંડક ઉપનિષદ - ૩/૨/૧) અન્ય સર્વ ધામ કરતાં આ બ્રહ્મધામ ‘परमम्’ કહેતાં શ્રેષ્ઠ છે. કારણ કે આ તો સાક્ષાત્ પરમાત્માનું સ્થાન છે અને એ સ્થાનમાં માયાનો સ્પર્શ સુધ્ધાં નથી. ત્યાં તો બધું દિવ્ય છે. શૌનક! એ અક્ષરધામની શું વાત કરું! ‘न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः। तमेव भान्तमनु-भाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति॥’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૧૦) એ અક્ષરધામમાં તો સૂર્ય પણ પ્રકાશી શકતો નથી, આ ચન્દ્ર અને તારાઓ કે વીજળી પણ પ્રકાશી શકતાં નથી. તો પછી આ લોકના સામાન્ય અગ્નિની તો વાત જ ક્યાંથી હોય! એટલું જ નહીં, વાસ્તવિકતા તો એ છે કે એ અક્ષરધામના દિવ્ય પ્રભાવશાળી પ્રકાશથી જ આ સૂર્ય, ચન્દ્ર વગેરે બધું પ્રકાશી રહ્યું છે.
આમ, અક્ષરબ્રહ્મ અક્ષરધામ રૂપે એક દિવ્ય સ્થાન પણ છે. હવે હજું એક અક્ષરબ્રહ્મનું દિવ્ય કાર્ય સમજાવે છે.
અક્ષરબ્રહ્મ - અક્ષરધામમાં મૂર્તિમાન સેવકરૂપે - दिव्ये ब्रह्मपुरे प्रतिष्ठितः
એક જ અક્ષરબ્રહ્મનાં જુદાં જુદાં સેવા-કાર્યો મહર્ષિ અંગિરા ખૂબ જ સ્પષ્ટતા અને ગંભીરતાથી સમજાવી રહ્યા છે. વિસ્તાર સાથે સમજાવી રહ્યા છે.
અક્ષરબ્રહ્મ એક સ્થાન રૂપે પરમાત્મા તથા મુક્તોને ધારી રહ્યા છે. તે જ સ્થાનમાં તેઓ પોતે પણ મૂર્તિમાન બિરાજી રહ્યા છે. તે વાત કરતાં અંગિરાએ કહ્યું - ‘दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः।’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૭) દિવ્ય બ્રહ્મપુર, કહેતાં અક્ષરધામમાં સર્વના આત્મા સમાન આ જ અક્ષરબ્રહ્મ વિરાજમાન છે. અને તે પણ મૂર્તિમાન દિવ્ય કરચરણાદિકે યુક્ત છે. ‘मनोमयः प्राणशरीरनेता।’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૭) તે દિવ્ય મન, પ્રાણ, શરીર વગેરે સર્વાંગ સંપૂર્ણ છે. એમના શરીરની આકૃતિ પણ સુંદર છે - ‘हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम्। तत्व्छुभ्रं ज्योतिषां ज्योतिस्तदात्मविदो विदुः॥’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૯) ‘हिरण्मये परे कोशे।’ અર્થાત્ 'અતિ પ્રકાશમાન અને સર્વોત્કૃષ્ટ એવા અક્ષરધામમાં ‘ब्रह्म’ અર્થાત્ તે જ અક્ષરબ્રહ્મ પરમાત્માના સેવક રૂપે રહ્યું છે. તે રજોગુણ આદિ ત્રણે ગુણે સદાય રહિત, નિર્વિકાર, ‘शुभ्रम्’ કહેતાં સર્વાંગ સુંદર, અત્યંત શુદ્ધ અને તેજસ્વીઓનું પણ તેજ છે. એમ જેને જ્ઞાની આત્માઓ જાણે છે.' માટે આપણે પણ જાણવું જોઈએ.
આમ, અક્ષરબ્રહ્મના એક વિશિષ્ટ સ્વરૂપનો અંગિરા મુનિએ ખ્યાલ આપ્યો. હવે અક્ષરબ્રહ્મનું હજુ એક અગત્યનું સેવા કાર્ય અંગિરા સમજાવી રહ્યા છે.
અક્ષરબ્રહ્મ સેતુ રૂપે - अमृतस्यैष सेतुः
શૌનક! અત્યાર સુધી અક્ષરબ્રહ્મનાં જે જે સેવા કાર્યો જાણ્યાં તે બધાં જ દિવ્ય છે. પરંતુ હવે જે વાત કરીશ તે તો આપણા જેવા મુમુક્ષુ મનુષ્યો માટે ખૂબ જ હિતની વાત છે. ઉપયોગની વાત છે. તેથી જાણવી અનિવાર્ય છે. કારણ કે સર્વકારણ, સર્વવ્યાપક કે સર્વાધારપણે અક્ષરબ્રહ્મને જોવા, જાણવા, અનુભવવા સહેલા નથી. અક્ષરધામ અને તે અક્ષરધામમાં રહેલું પરમાત્માના સેવકરૂપ અક્ષરબ્રહ્મ પણ આપણે જ્યાં સુધી બ્રહ્મરૂપ નહીં થઈએ ત્યાં સુધી જોઈ, જાણી, અનુભવી નહીં શકાય. આ બધું તો ત્યારે જ જોઈ, જાણી, અનુભવી શકાય જો તે અક્ષરબ્રહ્મ જ કૃપા કરી મનુષ્યરૂપે પધારી આપણને દૃષ્ટિગોચર થાય. આપણા જેવા થઈ આપણી સાથે રહે. તેથી સર્વજન-સુલભ એવા અક્ષરબ્રહ્મના એ સ્વરૂપની હવે હું તને વાત સમજાવીશ. આવા ભાવથી અંગિરાએ કહ્યું, ‘अमृतस्यैष सेतुः’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૫) આ અક્ષરબ્રહ્મ જ અમૃતત્વનો - મોક્ષનો - પરમાત્માની પ્રાપ્તિનો પરમ સેતુ છે. જેમ સેતુનો આશરો લઈ લોકો મોટી મોટી વિકરાળ નદીઓને પણ સહેલાઈથી તરી જાય છે તેમ આ સેતુરૂપ અક્ષરબ્રહ્મનો આશરો લઈ મુમુક્ષુઓ ભવસાગર તરી જાય છે. અક્ષરબ્રહ્મના આ સ્વરૂપને જ 'ગુરુ' કહેવામાં આવે છે. તેથી જ જ્યારે ગુરુનાં લક્ષણ કહેવાનો પ્રસંગ આવ્યો ત્યારે અંગિરા મુનિએ સ્પષ્ટપણે કહ્યું કે એ ગુરુ ‘श्रोत्रियम्’ કહેતાં સકળ શાસ્ત્ર રહસ્યના સાક્ષાત્કારવાળા, ‘ब्रह्म’ કહેતાં સાક્ષાત્ અક્ષરબ્રહ્મ અને ‘निष्ठम्’ કહેતાં પરમાત્મામાં નિષ્ઠાવાળા હોવા જોઈએ. (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૨)