આવા બ્રહ્મજ્ઞાનના અખાડામાં તૈયાર થયેલા કુબેરભાઈ દ્વારા શુદ્ધ નિષ્ઠાના પ્રવર્તનનું કાર્ય પણ શાસ્ત્રીજી મહારાજે વિચારી રાખ્યું હતું. તેઓની યોજના હતી કે એક તરફ શુદ્ધ ઉપાસનાનાં મંદિરો થતાં રહે, અને બીજી તરફ અક્ષર-પુરુષોત્તમ સિદ્ધાંતનું જ્ઞાન પ્રવર્તતું રહે. આ માટે તેઓના આયોજન અનુસાર સંતોની જેમ નિષ્ઠાવાન હરિભક્તો પણ જ્ઞાનના પ્રવર્તન અર્થે સતત વિચરતા હતા. તેમાં સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ તથા ઝાલાવાડ પ્રદેશમાં ગામડે ગામડે કુબેરભાઈ ફરતા. તેમને જ્ઞાનપ્રચારની ધગશ ખૂબ હતી. કુબેરભાઈ એટલે વાતોના કુબેરભંડારી. તેમની પાસે વાતો ખૂટે જ નહીં. શાસ્ત્રીજી મહારાજની આ સેવાથી અત્યંત રાજી હતા.
કુબેરભાઈ એટલે નિયમ, નિશ્ચય અને પક્ષની મૂર્તિ. તેમના હૃદયમાં સમર્પણ અને પક્ષની એ પરમ ભાવના જગાડતો એક પ્રસંગ ભાવનગરમાં યોજાઈ ગયો હતો.
વાત એમ હતી કે કુબેરભાઈના આગ્રહથી શાસ્ત્રીજી મહારાજ ભાવનગર પધાર્યા હતા. શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં કુબેરભાઈને ઘેર બ્રહ્મજ્ઞાનનો અખાડો જામ્યો હતો. એક દિવસ કુબેરભાઈને શાસ્ત્રીજી મહારાજે કહ્યું : ‘આજે અમારે ગામમાં ઝોળી લઈ ભિક્ષા માગવા જવું છે.’
વીજળી પડી હોય તેવા પ્રત્યાઘાત સાથે ચોંકતા કુબેરભાઈએ શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી : ‘અહીં મારું ઘર અને બીજા સત્સંગીઓનાં પણ કેટલાંક ઘર છે. છતાં આપ ઝોળી માગવા જાઓ તે અમને કેટલું શરમભર્યું લાગે ?’
શાસ્ત્રીજી મહારાજે હસતાં હસતાં કહ્યું : ‘શ્રીજીમહારાજે પણ જાતે ઝોળી માગી હતી અને પરમહંસો પાસે પણ ઝોળી મંગાવી હતી. તેથી અનેક મુમુક્ષુ જીવોને દર્શન થાય અને તેમનું કલ્યાણ થાય એ જ હેતુ મહારાજનો હતો. આપણે પણ મહારાજની આજ્ઞા અનુસાર ઝોળી માગવા જવું છે.’
નિર્ગુણદાસ સ્વામી અને કુબેરભાઈએ સ્વામીશ્રીને જાતે ઝોળી માગવા નીકળવા ના કહી ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું : ‘અક્ષરપુરુષોત્તમ માટે આપણે શ્વપચને ઘેર વેચાવું પડે તોપણ તે ઓછું છે. માટે તન, મન અને ધનથી આપણે મહારાજ અને સ્વામીની સેવા કરવી, હરિભક્તોની સેવા કરવી, તેમને જમાડવા, પાણી પાવું, ગૃહસ્થ હરિભક્તો મંદિરમાં આવી માંદા થયા હોય તો તેમના દેહની સેવા કરવી, તેમનાં લૂગડાં પણ ધોઈ નાખવાં અને ‘એ સ્વયં સહજાનંદ સ્વામીની સેવા છે’ એમ માનવું.’
વળી કહ્યું : ‘આ મારી ઝોળીમાં જેનો જેનો કણકો આવશે તે તમામને મારે અક્ષરધામમાં લઈ જવા છે.’
અને શાસ્ત્રીજી મહારાજની ચરોતરી લહેકમાં ભાવનગરની શેરીએ શેરીએ ‘નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભુ’ની આહલેક ગુંજવા લાગી. ઝોળીના એક તરફના છેડા શાસ્ત્રીજી મહારાજે અને સામી બાજુએ કુબેરભાઈએ છેડા પકડ્યા હતા. ‘કુબેરભાઈ જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ ભિક્ષા માગવા નીકળ્યા છે’ તે વાત ગામમાં પ્રસરી, એટલે આખું ગામ આ દૃશ્ય જોવા ઊમટ્યું. જેમ શ્રીજીમહારાજની દૃષ્ટિમાં જાદુ હતો તેમ શ્રીજીના અખંડ ધારક સ્વામીશ્રીની સૌમ્ય મૂર્તિ જોઈ, સૌને થયું કે આ કોઈ અલૌકિક સંત છે. સતત ત્રણ દિવસ સુધી આ પ્રમાણે સ્વામીશ્રીએ ભાવનગરમાં આ દિવ્ય ઝોળી પ્રકરણ ચલાવ્યું. જેમાં સૌના કલ્યાણનો જ એક માત્ર આશય હતો. શાસ્ત્રીજી મહારાજના આવા પરમ કલ્યાણકારી આશયને સૂક્ષ્મતાથી નીરખતા કુબેરભાઈના હૈયે પક્ષ અને સમર્પણની ભાવનાનો રંગ સર્વોત્તમ નીખરી ઊઠ્યો હતો.
જોકે તેની શરૂઆત સારંગપુરના શિખરબદ્ધ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવથી થઈ હતી. સન 1916માં શાસ્ત્રીજી મહારાજે ભવ્ય મહોત્સવ યોજીને સારંગપુરમાં મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે ભાવનગરથી કુબેરભાઈ યજ્ઞના કામ માટે જોઈતી તમામ સામગ્રી - વાંસ, વળીઓ, વાજાં, ચોઘડિયાં, રસોઈનાં વાસણો, રસોઈયાઓ વગેરે લાવ્યા હતા.
સંપ્રદાયમાં જ્યાં પણ મોટો સમૈયો થાય, હજારો હરિભક્તો આવવાના હોય, ત્યારે શાસ્ત્રીજી મહારાજ તથા સંતો અને હરિભક્તો માટે તમામ પ્રકારની સગવડ આગળથી કરવાની કુબેરભાઈને ટેવ હતી. આવે સમયે સંતો તથા હરિભક્તોની સેવા એ ટાણાની ભક્તિ ગણાય એ તેઓ કદાપિ ચૂકતા નહીં. ગઢપુરમાં આસો સુદિ 12ને દિવસે મૂર્તિપ્રતિષ્ઠાનો શતવાર્ષિક પાટોત્સવ હતો ત્યારે પણ કુબેરભાઈએ ભાવનગરથી એકાદશીના ફરાળ માટે પુષ્કળ મેવા, મીઠાઈના ટોપલે ટોપલા ગઢપુર મોકલ્યા હતા.
આથી ફૂલદોલ, હરિજયંતી અને જલઝીલણીના ઉત્સવો હોય કે નવા મંદિરના મંડાણ હોય, શાસ્ત્રીજી મહારાજ કુબેરભાઈને પ્રસંગે પ્રસંગે સાથે રાખતા. તા. 15-3-1941ના રોજ ગઢડામાં શાસ્ત્રીજી મહારાજે હરિમંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની પટ પ્રતિમા પધરાવી ધામધૂમથી પ્રતિષ્ઠાની આરતી ઉતારી ત્યારે પણ કુબેરભાઈ વગેરેને તેમણે સાથે રાખ્યા હતા.
વડતાલ અને અમદાવાદ બન્ને દેશોના સત્સંગીઓમાં કુબેરભાઈનાં માન-સન્માન ખૂબ હતાં. વડતાલ સંસ્થા સાથે શ્રી જશભાઈ અને આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજ દ્વારા સમાધાનની વાટાઘાટ ચાલી રહી હતી ત્યારે વડતાલ સંસ્થાએ પણ કુબેરભાઈને પ્રતિનિધિ તરીકે સ્વીકારીને આગળ ધપવામાં સંમતિ દર્શાવી હતી.
શાસ્ત્રીજી મહારાજ કુબેરભાઈની ભક્તિને વશ થઈને અનેક વખત કૃપા વરસાવતા. તેનો એક પરિચય યોગીજી મહારાજના એક પત્રમાં થાય છે. તા. 19-8-1938, જન્માષ્ટમીના રોજ ગોંડલથી શાસ્ત્રીજી મહારાજને પત્ર લખતાં યોગીજી મહારાજ લખે છે :
‘અહોહો ! આપ તો પરમ દયાળુ છો ને દયાના સાગર છો. દરેકના દુઃખમાં ભાગ લઈને ટાળવા સમર્થ છો તેથી અરજી આપને ટૂંકામાં લખી જણાવું છું ને મારી અંતઃકરણ પૂર્વક સાક્ષાત્ માંગણી છે, તો સ્વીકારવા ખાસ તસ્દી લેશોજી. જેમ કુબેરભાઈની અરજી આપે સારંગપુરના મંદિરમાં 1 વાગે સાંભળી. વળી ભાવનગર જતાં કુબેરભાઈને ઠાકોરજીના દર્શન કરતાં આંખ્યમાં આંસુની ધારા થઈ, તે ઉપાધિ ઘણી જ ચસોટ (સચોટ) આપે ધારેલી, તમામ સંતે ધારેલી, હરિભક્તોએ ધારેલી, કોઈ રીતે સમાધાન થાય તેમ નો’તું - છતાં એક હરિભક્તની લાગણી ખાતર આપે પોતાની વૃત્તિ છોડી નાંખીને કુબેરભાઈને આનંદમય બનાવી દીધા તે કુબેરભાઈ આપનાં ગુણગાન ગાય છે. જે ધન્ય છે શાસ્ત્રીજી મહારાજને ! એમ પ્રસંગોપાત્ત ગુણ ગાય છે.
હજારો ઉપાધિઓ આવેલી તે આપે સાક્ષાત્ ટાળી છે. તો આ તો જરાક નજીવી ઉપાધિ છે. હું તો આપને મારા જીવનપ્રાણ માનું છું તેથી આપને લખું છું. આ તો અતિશે મનમાં લાગી આવ્યું ત્યારે ગરીબ તરીકે આપને લખવા વિનંતી કરી છે. હવે વિનયથી લખું છું. આપે જેમ કુબેરભાઈને ઉપર દયા કરી તેમજ આ વખતે અત્રે દયા કરશો.’
કુબેરભાઈને જ્ઞાનનું અંગ, પરંતુ ભક્તિની એવી જ ખેવના હતી. યોગીજી મહારાજની ભક્તિ એમના હૈયે સ્પર્શી ગઈ હતી. એમણે રૂબરૂ એ ભક્તિના સર્વોચ્ચ દર્શન કર્યાં હતાં.
સન 1938માં સારંગપુરમાં જળઝીલણીના ઉત્સવે ભાવનગરથી કુબેરભાઈ તથા શેઠ પ્રભુદાસભાઈ, કાનજીભાઈ વગેરે હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને ભાવનગર પધારવાની વિનંતી કરી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાના વતી યોગીજી મહારાજને ભાવનગર મોકલ્યા. યોગીજી મહારાજ શ્રદ્ધપક્ષમાં ભાવનગર પધાર્યા. કુબેરભાઈને ઘેર ઉતારો કર્યો. કુબેરભાઈને ઘેર કથાવાર્તાનો દિવસ-રાત અખાડો જામ્યો. યોગીજી મહારાજની બ્રહ્માનંદ ભરી અદ્ભુત વાતોની સાથે કુબેરભાઈ પણ વાતોનો પ્રવાહ છોડી સૌને રંગી દેતા. આ દરમ્યાન યોગીજી મહારાજ તથા સંતમંડળને ભાદરવા વદિ ચૌદશને દિવસે શેઠ શ્રી જયંતીલાલ છોટાલાલ પટેલને ઘેર જમવાનું આમંત્રણ હતું. આજે તેમના પિતાનું શ્રદ્ધ હતું. યોગીજી મહારાજની અનન્ય ભક્તિથી શ્રીજીમહારાજ તેમને વશ છે, તેવી પ્રતીતિ સાથે જયંતીભાઈના મામા શેઠ શ્રી પ્રભુદાસભાઈ તથા કુબેરભાઈ વગેરેએ યોગીજી મહારાજને પ્રાર્થના કરી : ‘આપને હાથે શ્રીજીમહારાજ અને સ્વામી સાક્ષાત્ થાળ જમે તેમ પ્રાર્થના કરો.’
યોગીજી મહારાજે હસીને કહ્યું : ‘મહારાજને પ્રાર્થના કરીએ. જરૂર સાક્ષાત્ થાળ જમશે.’
થાળમાં ખાંડના દસ લાડુ, દાળ, ભાત, બે શાક, ભજિયાં વગેરે મૂક્યાં હતાં અને ચાંદીના બે કટોરા પાણીના ભર્યા હતા. ઠાકોરજી પાસે થાળ મૂકીને જોગી મહારાજ પડદો બંધ કરી, ‘અવિનાશી આવો રે’ તથા ‘જમો થાળ જીવન જાઉં વારી’ અને ‘મારે ઘેર આવજો છોગલાંધારી’ એ ત્રણ થાળ બોલ્યા. અર્ધો કલાક થયો અને પછી પડદો ઉપાડ્યો તો થાળમાં પાંચ લાડુ, શાક, ભજિયાં, દાળ-ભાત વગેરે ઓછાં થયાં અને પાણીના બે કટોરા પણ ખાલી થઈ ગયા !
યોગીજી મહારાજની એ અનન્ય ભક્તિના સાક્ષી કુબેરભાઈ જીવ્યા ત્યાં સુધી તેના ગુણગાન ગાતા રહ્યા.
કુબેરભાઈને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અનન્ય સ્નેહભાવ હતો. અત્યંત હેત અને મમતાથી ઘણી વખત સ્વામીશ્રીનાં દર્શનમાત્રથી જ તેઓ દ્રવી જતા. તો તેમની ભક્તિ અને સમર્પણને લીધે તેમના પ્રત્યે શાસ્ત્રીજી મહારાજને પણ અપાર આદર હતો.
એક વાર શાસ્ત્રીજી મહારાજને સમાચાર મળ્યા કે કુબેરભાઈ બીમાર થયા છે અને શિયાણીમાં હવાફેર માટે ગયા છે. એટલે શાસ્ત્રીજી મહારાજ પોતાના અન્ય કાર્યક્રમો પડતા મૂકીને તાત્કાલિક શિયાણી કુબેરભાઈને મળવા પધાર્યા.
તે જ દિવસે ભયંકર વાવાઝોડું થવા લાગ્યું. અચાનક અહીં પધારેલા શાસ્ત્રીજી મહારાજનાં દર્શનથી કુબેરભાઈને ખૂબ શાંતિ થઈ ગઈ; પરંતુ અચાનક અણધાર્યું વાવાઝોડું અને તોફાન શરૂ થયું એટલે કાંઈક અણચિંતવ્યું બનશે એવી ભીતિથી તેમણે શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું : ‘આપ પધાર્યા એટલે અંતરમાં શાંતિ તો થઈ ગઈ, છતાં કંઈક ઊંડું ઊંડું અસુખ જેવું વર્ત્યા કરે છે તેનું શું કારણ ?’
શાસ્ત્રીજી મહારાજે સહેજ ગંભીર મુદ્રા સાથે કહ્યું : ‘આજે કોઈ અક્ષર-મુક્તે દેહત્યાગ કર્યો હોય એવું લાગે છે.’ બીજે દિવસે સમાચાર આવ્યા કે ‘જૂનાગઢમાં અક્ષરમુક્ત સ્વામીશ્રી બાલમુકુન્દદાસ સ્વામી ધામમાં પધાર્યા છે. તે વખતે શ્રીજીમહારાજ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તેમજ મુક્તો દિવ્ય વિમાનો લઈ તેમને તેડવા આવ્યા હતા - તેવાં ઘણાંને દર્શન થયાં.’
શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેનો તેમનો અદ્ભુત સ્નેહ સૌએ ઘણા પ્રસંગે નિહાળ્યો હતો. છેલ્લી ઉત્તરાવસ્થામાં શાસ્ત્રીજી મહારાજે મંદવાડ ગ્રહણ ર્ક્યો ત્યારે ભાવનગરથી કુબેરભાઈ દોડતાં તેઓનાં દર્શને પધાર્યા અને સ્વામીશ્રીનાં ચરણકમળમાં માથું મૂકી રડી પડ્યા. કુબેરભાઈને બીક હતી કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધારી જશે તો ? પરંતુ તેમને માથે હાથ મૂકતાં શાસ્ત્રીજી મહારાજે કહ્યું : ‘હમણાં પાંચ-સાત વર્ષ તો હું ધામમાં જવાનો નથી. માટે મૂંઝાશો નહીં.’
કુબેરભાઈએ હાથ જોડી કહ્યું : ‘પણ શ્રીજીમહારાજ આ જ રીતે સૌને છેતરીને ચાલ્યા ગયા હતા. એવું તો આપ નહીં કરો ને ?’ શાસ્ત્રીજી મહારાજે આ સાંભળી સૂચક હાસ્ય કર્યું પણ કશો ઉત્તર આપ્યો નહીં. રાત્રે કુબેરભાઈને પોતાની પાસે બોલાવી તેમની પાસે કથાવાર્તા કરાવી. તેમની વાતો સાંભળી અપાર રાજી થતાં શાસ્ત્રીજી મહારાજે કહ્યું : ‘અહો, આવી વાત સાંભળીને અંતર ઠરી જાય છે.’
મોડી રાત્રે નિયમ-ચેષ્ટા બાદ સૌ ઊઠ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે કુબેરભાઈને કહ્યું : ‘સૌને એમ કે મારી તબિયત સારી છે!’ એટલે કુબેરભાઈએ કહ્યું : ‘સ્વામી ! તમારું સ્વરૂપ તો સાકરના નારિયેળ જેવું છે. એટલે પંચભૂતનાં તત્ત્વો કોઈને દેખાય નહીં. એટલે સૌ એમ માને.’ કુબેરભાઈ જેવા બુદ્ધિશાળી પાસેથી આવો ઉત્તર સાંભળી સ્વામીશ્રી હસ્યા.
શાસ્ત્રીજી મહારાજે આવી જ સ્વાસ્થ્ય-લીલા થોડા જ સમય પછી પુનઃ ગ્રહણ કરી. સન 1951માં ગઢડાના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે તૈયારીઓ ચાલી રહી હતી. સૌ કોઈ ગઢપુર મંદિરની સેવામાં અહોનિશ મંડી પડ્યું હતું. કુબેરભાઈની દોરવણી નીચે પીતાંબરભાઈ, ઠાકરસીભાઈ, કાનજીભાઈ સોની વગેરે હરિભક્તો સહિત ભાવનગરનું તમામ મંડળ પણ પ્રતિષ્ઠા-ઉત્સવની અદ્ભુત તૈયારીમાં દિવસ-રાત એક કરી રહ્યું હતું. દેશ-વિદેશના ભક્તો અહોરાત્ર તેની ચરમસીમાની પ્રતીક્ષા કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો હતો. આથી પ્રતિષ્ઠાના દસેક દિવસ પહેલાં કુબેરભાઈએ સ્વામીશ્રીને વિનંતી કરી : ‘સ્વામી ! હવે દયા કરો અને મુહૂર્ત નજીક આવે છે તો ગઢડા પધારો.’
ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમને કહ્યું : ‘હું તો આજે ધામમાં જવાનો હતો, પણ આ આફ્રિકાના હરિભક્તોનો બહુ પ્રેમ એટલે જઈ શકાયું નહીં. ગઢડાનું તો મેં પતાવ્યું. મારી વિધિ કરી લીધી. હવે જોગી મહારાજ આરતી ઉતારશે.’ એટલું કહીને અટક્યા.
સાંભળનારા સૌની આંખમાંથી અશ્રુ ટપકવાં લાગ્યાં. તેમણે થોડી વારે કુબેરભાઈને કહ્યું : ‘આ બધાં મંદિર તમે સાચવજો.’ એમ કહી માથે ઓઢી પોઢી ગયા.
અને કુબેરભાઈને દહેશત હતી તેમ જ થયું. ગણતરીના દિવસોમાં જ શાસ્ત્રીજી મહારાજે પોતાની દેહલીલા સંકેલી લીધી. શાસ્ત્રીજી મહારાજની એ તીરોધાન લીલા બાદ એક જ અઠવાડિયા પછી તા. 16 મે, 1951ના રોજ યોગીજી મહારાજના સાંનિધ્યમાં ગઢડામાં ધામધૂમથી પ્રતિષ્ઠા ઉત્સવ થયો. શાસ્ત્રીજી મહારાજની પૂર્વ આજ્ઞા અનુસાર કુબેરભાઈએ ગઢડાના એ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા કરવામાં કંઈ બાકી ન રાખ્યું. પરંતુ તેમને માટે શાસ્ત્રીજી મહારાજની વિદાયનો આઘાત વજ્રાઘાત સમાન અસહ્ય હતો. જ્ઞાન અને સમર્પણની ચરમસીમાએ બેઠેલા આ ભક્તરાજ પોતાના આત્માને ગુણાતીત સત્પુરુષમાં સાંગોપાંગ જોડી દીધો હતો, તેથી તેમનો પ્રાણ પણ શાસ્ત્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયો હતો. માત્ર સાત જ મહિનામાં કુબેરભાઈએ પણ શાસ્ત્રીજી મહારાજના અહોરાત્ર રટણ સાથે દેહ છોડી દીધો. તારીખ 1-1-52ના રોજ ભાવનગર મુકામે તેઓ અક્ષરનિવાસી થયા.
સમૈયામાં હરિભક્તોથી વીંટળાયેલા, ઉપદેશ આપતા સફેદ વસ્ત્ર, મસ્તક પર સફેદ કાઠિયાવાડી પાઘડી અને રંગીન ચશ્માંધારી એ મહાન ભક્તરાજે 73 વર્ષ, 1 માસ, 27નું જીવન જીવી સૌરાષ્ટ્રના અનેક મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના સમજાવી, અભયપદના અધિકારી બનાવ્યા હતા. ગૃહસ્થાશ્રમી એકાંતિક ભક્તરાજ તરીકેનું એમનું જીવન પ્રેરણાની ગંગા સમાન હતું.
જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગસેવામાં સમર્પિત, શાસ્ત્રીજી મહારાજના અત્યંત કૃપાપાત્ર અને ગુણાતીતજ્ઞાનની નિષ્ઠાથી સત્સંગપ્રચારની ધગશથી થનગનતા, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પીઢ ભક્તરાજ તરીકે પ્રસિદ્ધ કુબેરભાઈ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આદિ શૂરવીર ભક્તોમાં સદા વંદનીય રહેશે.