સેવા એ સાચા સત્સંગીનો SECOND NATURE બની જાય છે...
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલામ સાહેબે પ્રમુખસ્વામી મહારાજ ઉપર પુસ્તક ‘પરાત્પર’ લખ્યું. તે સમયે ખૂબ ચર્ચા થઈ કે એવું પ્રથમવાર બન્યું છે કે કોઈ વિજ્ઞાની અને તે પણ કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ હોય તેમણે કોઈ ધર્મગુરુ માટે પુસ્તક લખ્યું હોય. આ સ્થિતિમાં ડૉ. કલામ સાહેબને એક વાર એક મોટા હિન્દુ પંડિત, એક મુસ્લિમ ધર્મના ઇમામ તથા એક ખ્રિસ્તી ધર્મના પાદરીએ પ્રશ્ન કર્યો કે સાહેબ! તમે પ્રમુખસ્વામી ઉપર પુસ્તક શા માટે લખ્યું? એ સમયે ડૉ. કલામ સાહેબે જવાબ આપ્યો હતો કે ‘હું સાક્ષી છું કે ગાંધીનગરના અક્ષરધામ ઉપર જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ જો પ્રમુખસ્વામી મહારાજે ઉદાર દિલથી ક્ષમા ન આપી હોત તો ગુજરાતમાં મોટાં રમખાણો થયાં હોત. આ સ્થિતિમાં એક સંત તરીકે પ્રમુખસ્વામી મહારાજે મારા હૃદય ઉપર અમીટ છાપ પાડી કે ‘પોતાને પીડા થાય છે છતાં ક્ષમા આપે એ જ સાચા સંત છે. દુ:ખના પ્રસંગમાં ક્ષમા આપવી એક બાબત, પણ દુ:ખનો પ્રસંગ જ વિસારી દેવો એ ખૂબ જ વિશાળ બાબત છે.’
આ ઘટના પછી સૌ મને પૂછતા કે ‘‘અક્ષરધામ હુમલાના એક વર્ષ પછી વાર્ષિક તિથિ(anniversary) છે તો તમે શું કરશો?’ ત્યારે મેં પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું કે ‘સૌ પૂછે છે કે અક્ષરધામ હુમલાને એક વર્ષ થયું ત્યારે તમે શું કરશો?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે તે સૌને સમજાવો કે ‘‘નરસા પ્રસંગની કોઈ ઉજવણી ન હોય, ઉજવણી તો સારા પ્રસંગની જ હોય છે. દુ:ખની એક ક્ષણ પણ યાદ રાખવી ન જોઈએ અને સુખદ વાત હોય તો તેને જીવનભર ન ભૂલવી જોઈએ.’’
પ્રમુખસ્વામી મહારાજના આવા જવાબથી ડૉ. કલામ પ્રભાવિત થઈ ગયા હતા. દુ:ખના પ્રસંગમાં ક્ષમા આપવી એક બાબત, પણ દુ:ખનો પ્રસંગ જ વિસારી દેવો એ બીજી બાબત છે. પ્રમુખસ્વામી મહારાજની આ ક્ષમાભાવના ડૉ. કલામને ખૂબ સ્પર્શી ગઈ હતી.
બીજો પ્રસંગ છે, નેલ્સન મંડેલાનો. ૨૭ વર્ષ જેલમાં રહ્યા પછી જ્યારે નેલ્સન મંડેલા બહાર આવે છે અને તે સમયે તેમને જેલમાં મોકલનારા જ્હોન ફોસ્ટર હોદ્દા પરથી ઊતરી ગયા હતા. નેલ્સન મંડેલાને મીડિયા જ્યારે જ્હોન ફોસ્ટર વિશે અભિપ્રાય પૂછે છે ત્યારે મંડેલાએ માત્ર એટલું જ કહ્યું કે He is a decent man. (તેઓ એક સારા માણસ છે.) આ ક્ષમા આપવાની તાકાત છે. તમે જો તમારા પૂર્વગ્રહને પકડી રાખો છો, તો એનો અર્થ એ થાય કે દુશ્મનને મારવા માટેનું ઝેર તમે જાતે જ લો છો અને દુશ્મનને કંઈ થતું નથી.
એકનો એક joke કોઈ બે-ત્રણ વાર સંભળાવે તો આપણે વારંવાર હસતા નથી, તો પછી એકનો એક દુ:ખનો પ્રસંગ વારંવાર શા માટે સંભારવો અને દુ:ખી થવું. માટે ક્ષમા આપતાં શીખો અને દુ:ખ વિસારતાં શીખો. બીજાને ક્ષમા આપીને તેની સેવા કરવી એ એક પ્રેમ પ્રદર્શન કરવાની રીત છે. પ્રમુખસ્વામી મહારાજ કહે છે, ‘તમે જેને ચાહો છો, તેની તમે સેવા પણ કરો.’ આપણે તો ‘Thank You’ કહેવાની પણ તસ્દી લેતા નથી તો સેવા તો દૂરની વાત રહી.
વર્ષ-૨૦૦૧માં ભૂકંપ આવ્યો ત્યારે તે સમયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ફોન આવ્યો. સ્વામીશ્રીને ભૂકંપના સમાચાર આપતાં તેઓ સહકારની માગણી કરે તે પહેલાં જ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘સાહેબ! અમારાં રસોડાં ક્યારનાય શરૂ થઈ ગયાં છે.’ સ્વામીશ્રીની આજ્ઞાથી સંતો અને સ્વયંસેવકો ભુજ ઉપરાંત ગુજરાતના તમામ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા અને ગરમ ભોજનનાં રસોડાં શરૂ કરી દીધાં છે.
આ જ ભૂકંપ સમયની વાત છે કે અમે બાપાને ફોન કરીએ કે ‘બાપા! ગરમ ભોજનના રસોડાને હવે પહોંચી નહીં શકાય. આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઈઝેશનો કહે છે કે ગરમ રસોડા કરીએ અને ક્યાંક ફૂડ પોઇઝનિંગ થઈ જાય તો?’
ત્યારે સ્વામીશ્રી કહે, ‘ગરમ રસોડાં એટલા માટે છે કે લોકોને એકલી ભૂખ નથી, પણ અંદર દુઃખ પણ છે.’ અને પછી સ્વામીશ્રીએ પ્રેમથી અમને સમજાવ્યું કે ‘જો સગી માતા હોય અને તમને ઠંડું દૂધ આપે, તેના કરતાં, ગરમ દૂધ આપે તો કેવું ગમે? કેમ કે તેમાં પ્રેમ રહેલો છે. એટલે ગરમ રસોડાં ચાલુ રાખો.’
સ્વામીશ્રી દિવસ-રાત અમદાવાદથી અમને ફોન કરે અને ભૂકંપપીડિતોનું ધ્યાન રાખતાં પૂછે કે ‘આજે શું menu છે?’ બોલો, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તો કોઈ દિવસ menu પ્રમાણે રસોઈ બને? તો સ્વામીશ્રી કહે કે ‘ભૂકંપપીડિતોને એવું ન થવું જોઈએ હું અન્નક્ષેત્રનું ભોજન જમું છું. અમારા માટે રોજ સ્પેશિયલ રસોઈ બને છે એવું લાગવું જોઈએ. એમાં પ્રેમની લાગણી સમાયેલી છે.’
આ જ સ્થિતિમાં એક વાર સ્વામીશ્રીનો ફોન આવ્યો કે ‘ભુજમાં એવા ઘણા સુખી-સંપન્ન લોકો છે, જેઓ આપણા રાહતકેમ્પની લાઇનમાં ઊભા રહેતાં શરમ અનુભવે છે.’ તે સમયે ગરમ રસોડામાં રોજના ૪૫ હજાર માણસો લાઇનમાં ઊભા રહેતા હતા. એટલે સ્વામીશ્રી કહે, ‘જે લાઇનમાં ઊભા નથી રહેતા તેમના માટે તમે ટિફિન ભરીને તેમના ટેન્ટમાં પહોંચાડો. તે સમયે ઘણા લોકો ટિફિન લેવાની પણ ના પાડશે, ત્યારે તમે કહેજો કે આ પ્રસાદ છે, ટિફિન નથી. તમે ગ્રહણ કરો.’
સેવા માટે આટલી બધી ચિંતા રાખી સૌનું માન-સન્માન સાચવે એવા પ્રમુખસ્વામી મહારાજ છે. બી.એ.પી.એસ.ની સેવામાં તેમણે નિ:સ્વાર્થ પ્રેમનો ભાવ ભર્યો છે. અહીં હરિભક્તો નાના-મોટા બધામાં સ્વામીશ્રીએ અનેરો ભાવ સ્થાપ્યો છે.
આવો જ સેવાનો પ્રસંગ છે કે અમદાવાદમાં અગાઉ ખારીકટ કેનાલ ઊભરાઈ હતી. ઓઢવ બાજુના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. અમે ટ્રેક્ટરમાં ફૂડપેકેટ લઈને જતા હતા. રસ્તામાં બધાં ફૂડપેકેટ મેળવવા બૂમાબૂમ-પડાપડી કરે. એક સોસાયટીમાં કોઈ બૂમાબૂમ કે પડાપડીની હલચલ જોવા મળી નહીં. અમે સોસાયટીની નજીક તપાસ કરવા ગયા. અમને આશ્વર્ય થયું. જોયું તો અગાસીમાં રસોડું શરૂ થઈ ગયું હતું. અમે તેમનો આભાર માનવા ગયા ત્યાં એક સત્સંગીએ આવીને કહ્યું કે ‘બ્રહ્મવિહારી સ્વામી! જય સ્વામિનારાયણ. અમે અહીં રાહત કામ માટે રસોડું શરૂ કરી દીધું છે.’ બસ, સેવા કરવા માટે કોઈની રાહ જોવાની હોય નહીં. પ્રમુખસ્વામી મહારાજના જીવનને જોતાં આવું શિક્ષણ બી.એ.પી.એસ.ના સત્સંગીને સ્વયં પ્રાપ્ત થાય છે.
આમ, પ્રમુખસ્વામી મહારાજનો શિષ્ય સેવા કરવા માટે approval(સંમતિ)ની રાહ જુએ નહીં, સ્વયંભૂ સેવા કરવા લાગે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગની નિશાની છે. પ્રમુખસ્વામી મહારાજે ગળથૂથીમાં સેવાના સંસ્કાર આપ્યા છે અને સેવા કરવી એ સાચા સત્સંગીઓનો second nature બની ગયો છે.