2. અસ્મિતા હોય તો અખંડ આનંદ રહે
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ એક પ્રસંગ વર્ણવતા. એક વાર ભાવનગરના મહારાજા વજેસિંહ બાપુ દરબાર ભરીને બેઠેલા. તેમાં બાપુએ પ્રથમ હોકો ગગડાવ્યો. તે પછી તે હોકો ક્રમશઃ જે દરબારીઓ હતા તેમાં ફરવા લાગ્યો. જે જેટલા ગામનો ધણી હોય તેનો તે પ્રમાણે હોકો પીવામાં વહેલો નંબર લાગે. તેમાં બે સાંતી(100 વીઘા)ના ગરાસના એક ગરાસિયાને ચાલીસમા નંબરે હોકાની ફૂંક મારવા મળી.
પણ તેને એવો કાંટો ચડી ગયો કે ગામમાં પહોંચ્યો ત્યારે માર્ગે ચાલતાં કોઈની ગણતી રાખે નહીં. ઊંચું જોઈને ચાલતો જાય. તેમાં રસ્તે રમતાં નાના ટાબરિયાંઓને ઠેબે ચડાવી દીધાં. એક વડીલે તેનો હાથ પકડીને પૂછ્યું કે ‘શું લાધ્યું છે તે આમ ફાટ્યો-ફૂલ્યો ફરે છે?’ ત્યારે તેણે કહ્યું: ‘અરે ! આજે તો અઢારસેં પાદરના ધણી વજેસિંહ બાપુના હોકાની ફૂંક લઈને આવ્યો છું!’
આ દરબારને ચાલીસમા નંબરેય ફૂંક મારવા મળી તેનો અમલ ચડી ગયો. ચાલીસમા નંબરે વજેસિંહની ફૂંક તો ક્યાંય દબાઈ-દટાઈ ગઈ હશે ને કેટલાય બીજાના થૂંકના લપેડા ચડી ગયા હશે! પણ તોય તેને કેફ ચડી ગયો. તે જિંદગીભર એ કેફ રહ્યો કે, ‘હું નાના ગામનો ગરાસિયો ને મને બાપુની ફૂંક મળી?! અહોહો!’
આ દરબારને ભાવનગર નરેશની મહત્તા હતી તો તેનો અલ્પ સંબંધ થતાંય કેફ ચડી ગયો. તેમ આપણનેય પ્રાપ્તિની અસ્મિતા હોય તો આઠે પહોર આનંદ આનંદ રહે.
કવિ દલપતરામે આ જ ભાવનું એક વ્યંગ્ય કવિત રચતાં લખ્યું છે:
‘રાંડી રાંડના તનુજ કહે થઈ રાજી રાજી,
માજી હું ગયો નજીક શેઠજીની મેડીના;
હરખની વાત માત શી કહું જો આજ તણી;
છોકરાં છ-સાત સાથ હતા મારી હેડીના;
એવે સમે નગરના શેઠજી હવેલીમાંથી;
આવીને ઊભા નજીક બારીની કઠેડીના;
મને પછી આપોઆપ શેઠજીએ બોલાવ્યો;
કહ્યું જા જઈને કૂતરાને હાંક્ય રે ગધેડીના.’
અહીં છોકરાને શેઠે ગાળ દઈને કામ ચીંધ્યું તોય આનંદ આનંદ થઈ ગયો. કારણ, શેઠનો મહિમા. આવા મહિમામાંથી જ અસ્મિતા પ્રગટે. આપણને પણ તે અસ્મિતા જેટલી હોય એટલો સત્સંગમાં આનંદ રહે.
નિષ્કુળાનંદજીના કીર્તનની કડીઓ -
‘શીદને રહીએ રે કંગાલ રે સંતો, જ્યારે મળ્યો મહામોટો માલ,
પૂરણ બ્રહ્મ પુરુપોત્તમ પામી, ખામી ન રહી એક વાલ;
અમલ સહિત વાત ઓચ્ચરવી, માની મનમાં નિહાલ...’
તથા
‘રાંકપણું તો રહ્યું નહીં, કોઈ મા કે’શો કંગાલ;
નિરધનિયાં તો અમે નથી, મહામળ્યો છે માલ.’
તથા
‘અણચિંતવી આનંદ હેલી રે, ચાલ્યો અમૃત રસ રેલી રે;
તેમાં પડ્યા સાકરના કરા રે, વરસ્યા મોતીડાના મેઘ ખરા રે.’
વગેરેમાં અસ્મિતામાંથી ઘૂંટાઈને આવતો આનંદ, કેફ સ્પષ્ટ રીતે પડઘાતો જોઈ શકાય છે. આવા કેફવાળાને લોકલાજ પણ ન નડે. એક વાર ભુજના વિધવા કાયસ્થ ભક્ત લાધિમાને શ્રીજીમહારાજે કહ્યું કે, ‘તમે નવોઢાનો વેશ સજીને ભીડના નાકેથી માથે બેડું મૂકી અહીં અમારી પાસે આવો.’
તે સમયના રૂઢિચુસ્ત જમાનામાં એક વિધવા સ્ત્રીએ આ રીતે જાહેરમાં નીકળવું તે એક કઠણ કામ હતું; પરંતુ લાધિમાએ તેમ કર્યું. રસ્તામાં લોકો પૂછતાં કે ‘અરે, લાધી! આ કોનું ઘર માંડ્યું?’ ત્યારે લાધિમા કેફથી કહેતા કે, ‘પુરુષોત્તમનારાયણનું.’
આમ, અસ્મિતાથી અંતરમાં અખંડ આનંદ રહે છે.
રામધારીસિંહ દિનકરે લખ્યું છે કે -
‘આતે હી જિસકા રુચિર ધ્યાન, મન મેં ભર જાતા થા સુવાસ;
ઇસ એક કલ્પના સે હી નર, ઉડને લગતા થા અનાયાસ.
હમ બાપુ કે હૈ સમયુગીન, એક હી સમય, એક હી કાલ;
હમ સાંસ લે રહે વહી વાયુ, જો છુકર ઉનકો જાતી હૈ.
હૈ ધન્ય વિધાતા જિસને, ગાંધીયુગમેં હમકો જન્મ દિયા!’
તેઓને ગાંધીજી સાથે રહેવા મળ્યું તેનો મહિમા હતો. એ મહિમાને કારણે એવી અસ્મિતા પ્રગટ થયેલી કે સદાય ધન્યતા જ અનુભવાતી.
આપણને પણ આજે ‘પ્રમુખ’યુગમાં જન્મ મળ્યો છે તેવો મહિમા હોય તો સદા આનંદ રહે.
આવા અસ્મિતાયુક્ત ભક્તના જીવનમાં મોળી વાતને કદી સ્થાન સ્થાન રહેતું નથી. યોગીજી મહારાજ કહેતા તેમ -
‘બળભરી વાત મુખે કરવી, મોળી વાત કે’દી ન ઉચ્ચરવી;
મુખોમુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ;
આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય.’
અનેક નિરાશા ઊપજે તેવા સંજોગોમાં પણ યોગીજી મહારાજ કાયમ કેફથી જ વાતો કરતા રહેલા. તેઓ કહેતા : ‘મને તો એક રોટલો ખાવા મળે તો તે ખાઈને સૂઈ રહું પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે તે માટે દાખડો કરું.’
અસ્મિતાના બળે મોળી વાત, નિરાશા, હતાશા વગેરેનો પડછાયો પણ તેમનાથી હજારો જોજન દૂર હતો!