દ્વિતીય અધ્યાય – માનવ શરીરનું સર્જન
દ્વિતીય અધ્યાયમાં મુખ્ય વિષય રહ્યો છે માનવ શરીરનું નિર્માણ. પરમાત્માની પ્રેરણાથી આત્માને મનુષ્ય શરીર કઈ રીતે પ્રાપ્ત થાય છે તેનું અહીં સચોટ દર્શન છે. આ વર્ણનથી દેહ-આત્માનો વિવેક પણ આપોઆપ સમજાઈ જાય છે. ત્યારબાદ આ શરીરનું આયુષ્ય પૂર્ણ થતાં જે તે આત્માઓની શી ગતિ થાય તે પણ અહીં નિરૂપવામાં આવ્યું છે. આ ઉપનિષદ કહે છે કે જે મનુષ્ય બ્રહ્મવિદ્યા વિહોણા રહે છે તેઓને આ દુઃખમય સંસારચક્રમાં વારંવાર ભટકવું પડે છે. અને જેઓ બ્રહ્મવિદ્યાને આત્મસાત્ કરી લે છે તેઓ અક્ષરધામ પામી ત્યાં પરમાત્માનું પરમ સુખ ભોગવે છે.
તૃતીય અધ્યાય - પરબ્રહ્મની ઉપાસના
પહેલા બે અધ્યાયોમાં પરબ્રહ્મનું માહાત્મ્ય સુપેરે નિરૂપ્યું. હવે તૃતીય અધ્યાયમાં તેવા મહાત્મ્યજ્ઞાને સહિત પરમાત્માની ઉપાસના કરવાનો આદેશ છે. ઉપનિષદ કહે છે, 'येन पश्यति येन वा शृणोति येन वा गन्घान् जिघýति येन वा वाचं व्याकरोति येन वा स्वादु चाऽस्वादु विजानाति।' (ઐતરેય ઉપનિષદ–૩/૧) જેમની પ્રેરણાથી આ આત્મા આંખ વડે જોઈ શકે છે, કાન વડે સાંભળી શકે છે, નાસિકા વડે ગંધોને સૂંઘી શકે છે, જીભ વડે શબ્દોને છૂટા પાડી ઉચ્ચારી શકે છે, કે પછી સ્વાદુ કે અસ્વાદુ રસને સારી રીતે જાણે છે તે પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. કારણ કે આ શરીર અને આ ઇંદ્રિયો જ જો આપણી પાસે ન હોત તો શું થાત? મોક્ષ માટેની કોઈ સાધના જ ન થઈ શકે. તો દયાળુ પરમાત્માએ તે બધું કૃપાએ કરીને આપ્યું. શરીર આપ્યું, ઇંદ્રિયો આપી, ઇંદ્રિયોમાં શક્તિનો સંચાર કર્યો. બધું અનુકૂળ કરી આપ્યું. તો હવે આપણે પણ તેમની ઉપાસના કરી, રીઝ વી મોક્ષ સાધી લેવો જોઈએ. એમ અહીં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે.
બ્રહ્મ દૃષ્ટિ – प्रज्ञानं ब्रह्म।
પરબ્રહ્મનું યથાર્થ માહાત્મ્ય સમજવું હોય, કે પછી તેમની યથાર્થ ઉપાસના કરવી હોય, અક્ષરરૂપ તો થવું જ પડે, બ્રહ્મ ભાવથી રસબસ થવું જ પડે, અને એટલે જ એ અક્ષરબ્રહ્મને જાણવા જ પડે. આ સકળ વેદાંતનો સાર સિદ્ધાંત છે. તેથી આ ઉપનિષદમાં પણ 'प्रज्ञानं ब्रह्म' (ઐતરેય ઉપનિષદ–૩/૩) એમ અક્ષરબ્રહ્મનો પ્રજ્ઞાનસ્વરૂપ કહીને બોધ કરાવાયો છે. અને વળી 'यदेतद् हृदयं मनश्र्चैतत्... सर्वाण्येतानि प्रज्ञानस्य नामघेयानि भवन्ति।' (ઐતરેય ઉપનિષદ–૩/૨) આ આપણું દય, મન વગેરે જે કાંઈ છે તે બધું જ પ્રજ્ઞાન બ્રહ્મનાં જ નામ છે અર્થાત્ તે બધું અક્ષરબ્રહ્મમય છે. બ્રહ્મરૂપ છે. એમ બ્રહ્મદૃષ્ટિ કરવાનો સુંદર ઉપદેશ પણ કર્યો છે.
દિવ્ય ફળ – अमृतः समभवत्।
હવે આ રીતે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની માહાત્મ્યજ્ઞાને સહિત ઉપાસના કરનારને કેવું ફળ મળે તે જણાવી આ ઉપનિષદનું સમાપન થાય છે. 'अमृतः समभवत्।' (ઐતરેય ઉપનિષદ – ૩/૪) આવા બ્રહ્મરૂપ પરમાત્માનો ઉપાસક દિવ્ય અક્ષરધામને પામી અમૃતત્વને કહેતાં જન્મમરણના બંધનથી છૂટી પરમ મુક્તિને પામે છે.
આ રીતે આ ઐતરેય ઉપનિષદ આપણને પરમાત્મા સર્વકારણ, સર્વકર્તા, સર્વનિયામક તથા સર્વપોષક છે એમ કહી સૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ કરાવે છે. અને આવા પરમાત્માની ઉપાસના આપણે કરવી, તે ઉપાસના નિર્વિઘ્ને તથા યથાર્થ થાય તે માટે આપણા આત્માને બ્રહ્મભાવથી વિભૂષિત કરવો અને આમ કરીને પરમ કલ્યાણ પામવું વગેરે સિદ્ધાંતો સમજાવી મોક્ષના માર્ગનું સચોટ દર્શન કરાવે છે. અસ્તુ.