Essays Archives

એક સફળ અને વિરલ સંસ્થાના સફળ અને વિરલ સંસ્થાપક તરીકેની કાર્યદક્ષતાનો સનાતન સિદ્ધાંત, ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના ૬૬મા શ્લોકમાં ઝળકે છે : 'જે વ્યક્તિ જેવા ગુણે યુક્ત હોય તે વ્યક્તિને તેવા કાર્યમાં વિચારીને પ્રેરવો ને જો એ કાર્યને વિશે જે યોગ્ય ન હોય તો તે કાર્યને વિશે ક્યારેય ન પ્રેરવો.'
શાસ્ત્રીજી મહારાજ એટલે આ શ્લોકને ચરિતાર્થ કરનારા વિરલ સૂત્રધાર. ધૂળ જેવા માણસનોય એમને ખપ અને ધુરંધરો પાસેથીય તેઓ સહજતાથી કાર્ય લઈ શકે !
લીંબાસી ગામના સાકર ભગત હતા. શરીરે દૂબળા અને દમના રોગી. સતત ખૂબ ઉધરસ ખાધા કરે. બે દીકરાના બાપ હતા. તેમને સંસ્થામાં સમર્પિત તરીકે લેવાની વાત ચર્ચાઈ. તે વખતે એ ડોસાના હાલ-હવાલ જોઈને બધાએ ના પાડી; એમ કે 'તેમને સંસ્થામાં લઈશું તો ઉપરથી આપણે તેમની સંભાળ રાખવી પડશે. માટે આવાને સેવામાં ન રખાય.'
પણ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ જુદી હતી. તેઓએ કહ્યું કે 'આ તો મણિ જેવા થશે, સેવા કરશે ને દમ પણ મટી જશે.' વળી, કહ્યું : 'આમને આપણે અક્ષર મંદિરના કોઠારી બનાવવા છે.'
અને ખરેખર ! બન્યું પણ એવું. તે સાકર ભગત ગોવિંદ સ્વામી સાથે રહ્યા ને કોઠારની સેવામાં જોડાયા ને ઘી, ગોળ, ખાંડ વગેરેનો કુશળતાથી વ્યવહાર કર્યો. પછી તો આખા મંદિરનો કોઠાર સંભાળતા અને સાથે સાથે બધા જ હરિભક્તોની સરભરા પણ કરતા અને કોઠારમાં આર્થિક વહીવટમાં પણ કુશળ નીવડ્યા ! એવી રીતે કુશળતાપૂર્વક ૧૨ વર્ષ કોઠાર સંભાળ્યો અને સંસ્થાની સેવા કરી.
આવા નાના માણસ પાસે પણ શાસ્ત્રીજી મહારાજ કામ લઈ શકતા અને ભણેલા-ગણેલા વિચક્ષણ ધુરંધરો પાસે પણ યોગ્ય કાર્ય કરાવતા.
વિદ્વાન અને બુદ્ધિશાળી સંત શ્રીજીસ્વરૂપ સ્વામી એક સમર્થ વક્તા હતા. પણ તેઓ ચિત્રાસર, શ્રીજીપુરા અને પુરુષોત્તમપુરામાં જમીનનું વહીવટી કામ કરતા અને ખેતી સંભાળતા. શાસ્ત્રીજી મહારાજે તેમને તે કામ છોડાવી, તેમની આવડતનો ઉપયોગ કરી, સત્સંગ પ્રચારમાં જોડ્યા. હજારો લોકોને વિશેષ સમાસ થયો.
કોઈ વ્યક્તિ પોતાના કાર્યમાં નિષ્ણાત તો હોય, પણ યોગ્ય કાર્યમાં તેને યોગ્ય રીતે પ્રેરવો તે શાસ્ત્રીજી મહારાજની વિશેષતા હતી. પ્રખર વિચક્ષણ અને ઉચ્ચ ભણતરથી અલંકૃત નિર્ગુણ સ્વામી એવા એક ધુરંધર અને સમર્થ સંત હતા. શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોના વ્યાવહારિક પ્રશ્નો ઉકેલવાનાં કાર્યો તથા મંદિરનાં સરકારી-દરબારી કાર્યો નિર્ગુણ સ્વામી પાસે કરાવતા અને નિર્ગુણ સ્વામી કુશળતાથી મોટા મોટા અધિકારીઓ પાસેથી કામ કરાવી જાણતા.
સાચે જ, શાસ્ત્રીજી મહારાજ એક અજોડ વ્યક્તિ-પારખુ હતા.
ચાણસદના તરુણવયના શાંતિ ભગતને જોયા અને શાસ્ત્રીજી મહારાજે પ્રથમ નજરે જ તેમનું હીર પારખી લીધું હતું. સમગ્ર સંસ્થાની જવાબદારી તેમના શિરે મૂકી અને તે નાના શાંતિ ભગતે પ્રમુખસ્વામી મહારાજ બનીને આ સંસ્થાને વિશ્વફલક પર મૂકી દીધી.
આવી રીતે દરેકમાં ક્ષમતા અને આવડત જોઈને તેનું મહત્ત્વ સમજી, તેની શ્રેષ્ઠ શક્તિઓનો સંસ્થાના હિતમાં વિનિયોગ થાય, એવું માનવસંચાલન કરવામાં શાસ્ત્રીજી મહારાજની કુશળતા અનન્ય હતી. એટલે જ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને તેઓ તેના સમય કરતાં અનેકગણી આગળ લઈ જઈ શક્યા — સહજતાથી, સરળતાથી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS