ભગવાન કર્તા છે, એમ માનવાથી ભક્તિની શક્તિ પ્રગટ થાય છે
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી જે બોધપાઠ શીખી રહ્યા છીએ તેમાં અગાઉ જાણ્યું કે God is - ભગવાન છે અને હવે જાણીએ કે God is everywhere - ભગવાન સર્વ કર્તા છે.
જેમણે અત્યાધુનિક રોકેટનું નિર્માણ કર્યું, જેમણે બનાવેલા રોકેટને કારણે માણસ ચંદ્ર ઉપર પહોંચી શક્યો અને સ્પેસ મિશનની કામગીરીમાં જેમના હાથ નીચે પાંચ હજાર જેટલા વિજ્ઞાનીઓ કાર્યરત હતા એવા વિશ્વ વિખ્યાત એરોસ્પેસ એન્જિનિયર અને રોકેટ આર્કિટેક્ટ Wernher von Braun - વર્નર ફૉન બ્રાઉન એમ માનવા તૈયાર નહોતા કે આ બ્રહ્માંડ આકસ્મિક રીતે બન્યું હોય કે આ મનુષ્ય પણ આકસ્મિક રીતે બન્યો હોય. તેઓ કહેતા “What random process could produce the brain of a man or the human eye? My experiences with science led me to God… It is best not to think, but just to believe.” ‘કઈ આકસ્મિક પ્રક્રિયાથી મનુષ્યનું મગજ બની શકે અથવા એક આંખ બની શકે? મારા વૈજ્ઞાનિક અનુભવો મને ભગવાન પાસે દોરી ગયા છે. માટે કંઈ વિચારવાની જરૂર નથી, ફક્ત ભગવાનમાં માનવાની જ જરૂર છે.’
આધુનિક વૈજ્ઞાનિકો human brainનું રહસ્ય સમજાવતાં કહે છે કે માણસનું મગજ એટલું અદ્ભુત છે કે તે એકસાથે કેટલાં બધાં કામ કરી શકે છે. જેમકે, તમે વર્તમાનમાં બેસીને વાત સાંભળતા હો, ભૂતકાળની વાત પણ વિચારતા હો અને ભવિષ્યની ચિંતા પણ કરતા હો છો. પછી એ જ સમયે તમે આંખ વડે આસપાસ જે બની રહ્યું છે એ જોઈ શકો છો, નાક વડે શ્વાસ લઈ રહ્યા હો છો, હૃદયના ધબકારા ચાલતા હોય છે, શરીરની અંદર લોહીનું ભ્રમણ, અન્નનું પાચન... માનવ મગજ આવી અનંત ક્રિયાઓ એકસાથે કરે છે એવું શ્રેષ્ઠ ક્ષમતાયુક્ત છે.
તમને કોઈ ફોન આવે અને સામેવાળી વ્યક્તિ માત્ર ‘હેલ્લો’ એમ બોલે ત્યારે તમે અવાજ ઉપરથી પણ ઓળખી જાવ છો કે આ તો ચોક્કસ વ્યક્તિ છે અને તમે વ્યક્તિને પૂછો પણ છો કે આજે તમને શરદી થઈ છે? તમે તે વ્યક્તિનો શરદીવાળો અવાજ પણ ઓળખી જાવ છો. આંખ બંધ કરીને પણ તમે સ્વાદ પારખીને કહી શકો છો કે તમે જે જીભ ઉપર મૂક્યું તે દૂધપાક છે કે કઢી છે? ઘણી વાર લોકો વાતો કરતાં કહેતા હોય છે કે આજે દાળ પીધી, પરંતુ ચાર વર્ષ પૂર્વે એક મોટા પ્રસંગ દરમિયાન દાળ પીધી હતી તેના જેવો સ્વાદ નથી. તમને રસોડામાં ચમચી પડી કે વાટકી પડી તેની ખબર તેના અવાજ-રણકારથી ખબર પડી જાય છે. થાળી પડે અને તે પાણીમાં પડે તોપણ તેનો અવાજ જુદો હોય છે. આવા જુદા-જુદા અવાજ, સ્વાદ, દૃશ્યો, વિચારો, અનુભવો મગજ એક સાથે યાદ રાખે છે અને ઓળખી શકે છે. Your brain remembers and processes millions and trillions of processes. (તમારું મગજ લાખો-કરોડો વસ્તુઓ યાદ રાખી શકે છે અને તે માટેની પ્રક્રિયા કરે છે)
વૈજ્ઞાનિકો કહે છે કે ‘તમે ક્યારેય એવું માનતા નહીં કે તમે ડફોળ (અણસમજુ-મૂર્ખ) છો.’ આ દુનિયાએ આપણને ડફોળ ઠરાવી દીધા છે. કોઈ એક ચોક્કસ વિષયની પરીક્ષામાં કોઈ પરીક્ષાર્થી ઓછા માર્ક્સ લાવે તો તે ડફોળ છે કે તેની આવડત ઓછી છે એવું ક્યારેય વિચારતા નહીં, પરંતુ એવું વિચારવું કે તે બીજી રીતે આગળ વધશે. પ્રખ્યાત વૈજ્ઞાનિક એડિસન ક્યારેય સ્કૂલ-કોલેજમાં ગયા નહોતા, છતાં તેણે બનાવેલા બલ્બના અજવાળે આપણે ભણીએ છીએ.
ભગવાનમાં શ્રદ્ધા રાખીને તમે કાર્ય કરશો તો તમારા લલાટમાં જે લખ્યું છે, તે તમારા હકનું તમને મળશે જ. તમે સ્વયં તમારી શક્તિ જાણો.
તમારા મગજની ક્ષમતા દસ લાખ કમ્પ્યૂટર ભેગા કરો એટલી છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ બ્રહ્માંડમાં જેટલા અણુ છે એટલે કે ૧ની પાછળ ૮૦ મીંડાં લગાડો એટલાં કમ્પ્યૂટરની પ્રક્રિયા કરતાં પણ વધુ પ્રક્રિયા એક સેકન્ડમાં એક માનવ મગજ કરી શકે છે.’ હવે આવી ક્ષમતા તમારા મગજ પાસે છે છતાં પણ એવું કહેતા હો કે આપણે તો કંઈ ન કરી શકીએ? એવું નથી. તમે તમારા મગજની આ બધી ક્ષમતા સામે દૃષ્ટિ કરશો તો તમને લાગશે તમે વિશાળ ક્ષમતાના આસામી છો.
Be Positive (હકારાત્મક બનો). જો તમે આ બધી બાબતો પર દૃષ્ટિ કરશો તો તમને સાહજિક રીતે મનાવા લાગશે કે ભગવાન છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આપણને સમજાવે છે કે ભગવાન છે અને તે ભગવાન બધે જ છે. ભગવાન જ કર્તા છે. ભગવાન જ સત્તા છે. મન-શરીર, વિજ્ઞાન બધાથી ઉપર ભગવાન બેઠા છે, પરંતુ તફાવત ક્યાં છે? ખબર છે? આપણે તો માત્ર વાણીથી બોલીએ છીએ કે ‘ભગવાન કર્તા છે’ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અંતરથી માને છે કે ‘ભગવાન કર્તા છે’. આ બે વચ્ચે બહુ મોટો તફાવત છે.
એક પ્રયોગ કરીએ - તમે જમણો હાથ ઊંચો કરો અને નીચો કરો. હવે તમે જ જવાબ આપો કે આ હાથ ભગવાને ઊંચો કર્યો કે તમે ઊંચો કર્યો? આપણને માનવામાં આવતું જ નથી કે આ હાથ ભગવાને ઊંચો કર્યો. તમે એવું સમજો છો કે ‘મારા હાથમાં સ્નાયુઓ છે અને મગજે તેને સિગ્નલ આપ્યું અને મગજમાં મેં વિચાર કર્યો એટલે હાથ ઊંચો-નીચો થયો, આમાં ભગવાન વચ્ચે ક્યાં આવ્યા?’ આ બધામાં ભગવાનને માનવા-સ્વીકારવા અઘરા છે. આ સ્થિતિમાં તમે એ સ્વીકારી લો છો કે તમારા વિચારથી જ બધું કાર્ય થાય, પરંતુ એક જ પ્રશ્ન કરું કે કોઈકને હાથમાં લકવો થઈ ગયો હોય ત્યારે તે વિચારે કે મારો હાથ ઊંચો-નીચો થાય, પણ ગમે તેટલો વિચાર કરે તોય હાથ હલે નહીં.
માત્ર વિચારવાથી કંઈ થતું નથી. કેટલાક લોકો એમ વિચારે છે કે આજથી હું વોકિંગ કરીશ, આજથી હું ડાયેટિંગ કરીશ પણ કરી શકે છે? દરેક બાળક જે બેટ ખરીદે છે, તે એવું વિચારે કે હું સચીન તેંડુલકર બની જઉં. કેવળ વિચારથી બનાતું નથી આપણે આપણા જ વિચાર અનુસાર ચાલી શકતા નથી તો આ દેહ અને બ્રહ્માંડ કઈ રીતે ચાલે?
બીજું આપણને ક્યારેય નકારાત્મક વિચારો આવી જાય તો તેને અટકાવી શકીએ છીએ? ઘણો પ્રયત્ન કરીએ તોપણ ખોટા વિચારો નાબૂદ થતા નથી. વિચારો જો આપણા જ હોય તો અટકાવી દો ને! તેમજ શુભ વિચાર આવે અને ભૂલી જવાય તો ઘણી મહેનત કરીએ પણ પાછો આવતો નથી. આપણા જ વિચારો હોય તો ખોટા વિચારો ટાળો અને શુભ વિચારો લાવો. તે પણ શક્ય બનતું નથી. આપણા વિચાર ઉપર આપણો કાબૂ નથી. તો આપણા શરીર ઉપર કેટલો કાબૂ રહે? તેમજ કુદરત ઉપર, આ પૃથ્વી ઉપર કે બ્રહ્માંડ ઉપર માનવનો કેટલો કાબૂ? જો મનુષ્ય બ્રહ્માંડ, પૃથ્વી, શરીર કે વિચારનો કર્તા નથી તો તેના કર્તા તો કોઈક હોય ને! શાસ્ત્રો અને સંતો ભગવાનને કર્તા માને છે. તેમાં જ શાંતિ અને શક્તિ રહેલી છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આપણને શીખવે છે કે ભગવાન જ કર્તા છે. જ્યારે ગાંધીનગર અક્ષરધામ ખાતે ‘સત્-ચિત્-આનંદ’ વોટર શૉનું ઉદ્ઘાટન થયું ત્યારે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ખૂબ ગુણગાન ગાયા ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘આ બધું યોગીજી મહારાજના સંકલ્પને કારણે જ થાય છે.’ આવું સાંભળીને તરત જ અમારા બધાનાં મનમાં તર્ક આવ્યો કે યોગીજી મહારાજ અક્ષરધામ ગયા વર્ષ-૧૯૭૧માં અને આ વોટરસ્ક્રીન પ્રોજેક્શન ટેકનોલોજી તો વર્ષો પછી શોધાઈ તો આ ‘વોટર શૉ’ યોગીજી મહારાજનો સંકલ્પ કેવી રીતે હોઈ શકે? કેમ કે તે સમયે ‘વોટર શૉ’ શબ્દ તો યોગીજી મહારાજની ડિક્શનરીમાં પણ નહોતો.
આવું વિચારીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને પૂછવાનો પ્રયત્ન કર્યો એ સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મિત કરતાં કરતાં કહે કે ‘આપણાથી તો શેક્યો પાપડ પણ ભંગાતો નથી, આ બધું જ યોગીજી મહારાજ કરે છે.’
આ વાક્ય સાંભળીને પુન: તરત જ બીજો તર્ક ઊઠ્યો અને તરત જ અમે સ્વામીશ્રીને હાથ ઊંચો કરી બે આંગળી અને અંગૂઠો દેખાડી કહ્યું કે ‘સ્વામીશ્રી! હું શેકેલો પાપડ આમ કરીને આમ ભાંગી શકું છું!’
ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે મારો હાથ પકડ્યો અને કહ્યું કે ‘યોગીજી મહારાજનો સંકલ્પ ન હોય તો હાથ પણ ઊંચો થતો નથી. હું તારી સાથે વાત કરું છું એ પણ યોગીજી મહારાજનો સંકલ્પ છે અને તું સાંભળી શકે છે એ પણ યોગીજી મહારાજની દયા છે. આ શ્વાસોચ્છ્શ્વાસ ચાલે છે અને નસેનસમાં લોહી વહે છે તે પણ યોગીજી મહારાજની દયા. આ બ્રહ્માંડમાં બધું જ યોગીજી મહારાજ અને ભગવાન કરે છે.’
અગાઉ જે તફાવતની વાત કરી હતી તે આ જ હતી કે આપણે માત્ર બોલીએ છીએ કે ‘ભગવાન કર્તા છે’ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માને છે કે ‘ભગવાન જ કર્તા છે.’
આમ, આપણે પણ વિનમ્રતાથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જેમ જીવનમાં આત્મસાત્ કરીએ કે ‘ભગવાન છે અને ભગવાન જ કર્તા છે’ તો પછી આપણે ક્યારેય નિષ્ફળતાથી નાસીપાસ નહીં થઈએ અને સફળતાથી અભિમાની નહીં બનીએ અને ભગવાનની સાચી ભક્તિથી એવી શક્તિ ઉત્પન્ન થશે કે આપણા જીવનમાં અશક્ય શક્ય બનશે.