Essays Archives

સુખ-દુઃખ માપનનું એક અનોખું ઉપકરણ :
જગતમાં સર્વત્ર સબ્રે સુખની એષણા છે, રાત-દિવસ તે માટેનો જ સતત પુરુષાર્થ છે. સવારથી સાંજ સુધીની સઘળી પ્રવૃત્તિઓનું પ્રેરકબળ છે : સુખ પ્રાપ્તિની તીવ્ર ઇચ્છા. સુખની સંકલ્પનાઓ વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી. વિશ્વમાં જેટલી વ્યક્તિઓ તેટલી સુખની વ્યાખ્યાઓ. માણસનું મન એષણાઓનું અવિરત સર્જન ર્ક્યાં કરતું એક કારખાનું છે. આમાંથી કેટલી એષણાઓ સંતોષાશે, એ બાબત તેના નિયંત્રણમાં નથી. બસ તેને તો ઇચ્છાઓના સર્જનનો જ નિરંતર અભ્યાસ છે. કોઈ મોટો ઔદ્યોગિક પ્લાન્ટ, માર્કેટિંગ કે વેચાણનો વિચાર કર્યા વિના, ચીજવસ્તુઓનું જેમ ઉત્પાદન કર્યે જ રાખે. અને ગોડાઉનોમાં તેના ઢગ ખડકાય; મનમાં પણ આ રીતે એષણાઓના ઢગ ખડકાયે જાય છે, તેમાંથી માંડ બે-પાં_ચ ઇચ્છાઓ ફળે કે સંતોષાય છે, અને પરિણામે સુખનો આંક (Co-Efficient of Happiness) નાનો - નગણ્ય બનતો જાય છે. કારણ કે સુખનો આંક = સંતોષાયેલી ઇચ્છાઓ, સર્જાયેલી ઇચ્છાઓ.
પરિણામે ભાગ્યે જ કોઈ માણસ સુખી દેખાય છે. કાંઈકનું કાંઈક દુઃખ તે રડતો જ ફરે છે. અઢળક સંપત્તિમાં આળોટતો હોવા છતાં, આંતરિક વેદનાથી કણસતો રહે છે. એના ઐયાશીભર્યાં જીવનનું અકરાંતિયાપણું તેને ચેન પડવા દેતું નથી. એકાદ ક્ષણ ગુલાબી મિજાજ અને બીજી જ ક્ષણે દુઃખનો દરિયો ! બીચારો જાણે શ્રીમંતાઈનું દરિદ્ર સંતાન ! આનું કારણ શું ?
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં અંત્યના ૩૮માં એક નાનકડું, પરંતુ અદ્‌ભુત ઉપકરણ (Instrument) આપે છે. આજના આધુનિક સંચાલન (Modern Management) ના યુગમાં મૅનેજરો, સુપરવાઇઝરો, કામદારો વગેરેમાં Motivation મોટિવેશન કેવું છે, Supervisory ability કેવી છે, તેમનામાં leadership style કેવી છે. તેઓ માણસને વધારે મહત્ત્વ આપે છે કે ઉત્પાદનને - આ બધું જાણવા માટે સાદી પ્રશ્નાવલીઓ કામ આવતી નથી. માનવ - વર્તણૂકના પ્રખર અભ્યાસીઓએ તૈયાર કરેલાં કેટલાંક Instruments, જેમાં ૪૦-૫૦ એવાં વિધાનોની યાદી હોય કે તેની સામે નોંધાયેલા જવાબો પરથી, ઉત્તરદાતાઓમાં Motivationની માત્રા તેની Leadership Style ઇત્યાદિ અમુક Score ના સ્વરૂપે સારી રીતે જાણી શકાય છે. ભગવાન સ્વામિનારાયણ અહીં એવું એક ઉપકરણ દર્શાવે છે, તેમાંની એક એક બાબતને જો કોઈ વ્યક્તિ પોતાના ઉપર પરિશુદ્ધ પ્રામાણિકતાથી અને નિષ્પક્ષપાતીપણે લાગુ પાડે તો તેનાં દુઃખનું મૂળગત-યથાર્થ કારણ તેને મળી જાય. મહારાજના આ ઉપકરણમાં છ બાબતોની એક નાનકડી યાદી છે :
૧. દ્રવ્યાદિકનો લોભ
૨. સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના
૩. રસને વિષે જિહ્‌વાની આસક્તિ
૪. દેહાભિમાન
૫. કુસંગીમાં હેત અને
૬. સંબંધીમાં હેત
મહારાજ કહે છે કે 'આ છ વાનાં જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે ય થાય જ નહીં....'
આપણે આ છયે બાબતોને એક પછી એક જરા વિસ્તારથી સમજીએ :
૧. દ્રવ્યાદિકનો લોભ
માણસ જેમાં સુખ માની બેઠો છે તે સઘળા ભૌતિક પદાર્થો - મહેલાતો, સંગેમરમરની ફરસો, વૈભવી ઓરડાઓ, નવું નકોર રાચરચીલું મખમલી ગાલીચાઓ મદહોશ મયખાનાં, મોટરો, દરદાગીના, સાજ સજાવટ, અદ્યતન પ્રસાધનો, રોશનીની ઝાકમઝોળ, કીર્તિ-પ્રતિષ્ઠા, સત્તા, પડ્યો બોલ ઝીલતા હજૂરિયાઓ, વિવિધ વાનગીઓથી છલકાતા ભોજનથાળો, સુરીલું સંગીત ઇત્યાદિક, સઘળા વૈભવી ખજાના ઉપર તે બિરાજેલ હશે, પરંતુ તે જીવવાની રીત નહીં શીખ્યો હોય, જીવવાનો મર્મ તેણે નહીં જાણ્યો હોય, જીવનને જોવાની આગવી દૃષ્ટિ નહીં કેળવી હોય. જીવનના અંતિમ લક્ષ્યથી સાવ અજાણ હશે, તો તેના અંતરમાં 'ખાલીખમ' સર્જાશે; જે તેને સુખનો એક શ્વાસ પણ નહીં લેવા દે; એના સાચા સુખનો આધાર કાચા તાંતણે લટકતો રહેશે.
જો તે દ્રવ્યાદિકમાં જ લોભાયો હશે તો તેની સામે માણવા જેવું ઘણું હશે અને તોય માણી નહીં શકે. પ્રથમ વર્ષાથી ભીંજાયેલી ધરાની મહેક, મેઘધનુષ્યના રંગો, વહેતાં ઝરણાં, ચરતાં હરણાં મહેકતાં ફૂલો, કલાપીની કેકા, કોયલનો ટહુકો, મંદિરની શાંતિ અને સત્પુરુષના સ્નેહલ સ્પર્શથી એ વંચિત રહી જશે !
૨. સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના
સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી-પુરુષ સમાનતાના ઉમદા ખ્યાલોને જો ખોટી રીતે સમજી, પોતાનાં આગવાં અર્થઘટનો કરી, તેની ઉપર તર્ક અને બુદ્ધિનો ઢોળ ચડાવી; એ વિકલ્પનાને જો વિકૃત સ્વરૂપ આપી, મર્યાદાનો લોપ કરી, જો વિલાસિતા વિકસે-વકરે તો વ્યક્તિ ખુવાર થાય, સમાજ ખુવાર થાય, દેશ ખુવાર થાય. લક્ષ્મણરેખાની અંદર રહેવામાં શીલનું રક્ષણ થાય, સંસ્કૃતિનું રક્ષણ થાય - વ્યક્તિ, સમાજ અને દેશની અસ્મિતા વધે. આમ થાય તો સ્ત્રીદાક્ષિણ્યની ભાવના ફૂલે-ફાલે અને સમાજમાં સ્ત્રીના હોદ્દાનું ગૌરવ જળવાય.
ભગવાન બુદ્ધને એક વખત શિષ્ય આનંદે કહ્યું :'તથાગત, હવે આપણે સ્ત્રીઓને દીક્ષા આપવાનું શરૂ કર્યું.'
બુદ્ધ ઘડીક સ્થિર થઈ ગયા; પછી બોલ્યા, ' આનંદ, બૌદ્ધ ધર્મનું આયુષ્ય ૬૦૦૦ વર્ષનું હવે ૬૦૦ વર્ષનું થઈ ગયું.!'
ભગવાન સ્વામિનારાયણે 'શિક્ષાપત્રી'માં ઠેકઠેકાણે આજ્ઞા કરીને, મુમુક્ષુઓની ભાવી હજારો પેઢીઓને ચેતવી છે. ગૃહસ્થના વિશેષ ધર્મ સમજાવતાં શ્લોક-૧૩૬માં કહે છે કે '...પોતાની મા, બહેન અને દીકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વષે ન રહેવું..' સધવા સ્ત્રીઓને શીખ આપતાં શ્લોક-૧૬૦માં કહે છે કે 'રૂપ ને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવ પણ ન કરવો.'
'વિધવા સ્ત્રીઓને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં.' (શ્લોક-૧૬૪)
જ્યારે જ્યારે જ્યાં જ્યાં આ લક્ષ્મણરેખા લોપાઈ ત્યાં ત્યાં, ત્યારે ત્યારે અનર્થો સર્જાયા છે. સમાજો તૂટ્યા, સંપ્રદાયો સાફ થઈ ગયા. જ્યાં જ્યાં આ વિવેક ચુકાયો ત્યાં સંઘો સંકેલાઈ ગયા. વિશ્વમાં સર્જાયેલાં ભીષણ યુદ્ધોનાં મૂળભૂત કારણોમાંનું એક મુખ્ય કારણ, એ આ મર્યાદાનું થયેલ ઉલ્લંઘન છે.
આધુનિકતાના ઓઠા હેઠળ નાનાં છિદ્રો પાડવાના પ્રયાસ કર્યા ન કર્યા, ત્યાં તો આ છિદ્રો બાકોરાં બની ગયાં !! પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે 'ચારિત્ર્ય ચૂક્યા તો જીવનની ઇમારત પડતાં વાર નહીં લાગે.'
૩. રસને વિષે જિહ્‌વાની આસક્તિ :
વર્તમાન પેઢીમાં જો એક અતિ ભયંકર દૂષણ વ્યાપી ગયું હોય તો તે છે રસાસ્વાદનું ચોરે-ચૌટે, પોળોને નાકે, ઠેર ઠેર ભેળસેળિયા પદાર્થોમાંથી તૈયાર કરેલી ખાણીપીણીની વિવિધ વાનગીઓ ટનબદ્ધ આરોગાઈ જાય છે. ભૂખ્યાડાંસ ટોળાની જેમ લોકો આ વાનગીઓ ઉપર તૂટી પડે છે !! તેમાં વપરાયેલ ઘટકો, બનાવટમાં જળવાયેલી સ્વચ્છતા કે શુદ્ધિ-કશાની પરવા કર્યા વિના, જિહ્‌વા ઇન્દ્રિયને રીઝવવાની રાતદિવસ જે મથામણ ચાલે છે, તે જોઈને એમ જ લાગે કે જાણે મનુષ્યનું અવતરણ માત્ર આહારને આરોગવા જ થયું ન હોય! એવી વાનગીઓને ચાળે ચડેલી વ્યક્તિ કોઈક વાર ઘેર પણ એવી જ સ્વાદિષ્ટ વાનગી બને એવો હઠાગ્રહ સેવે છે, અને જો એમાં કાંઈક ઊણપ જણાય તો પત્નીની મારઝૂડથી માંડી હત્યા કરવા સુધીના કિસ્સા સમાજમાં નોંધાયા છે. જાણીને દુઃખ અને વિસ્મય થાય કે સામાન્ય પાનની કિંમત રૂપિયા ૫ થી માંડીને રૂપિયા ૫૦ સુધીની હોય છે. કેટલાક પ્રાપ્ત આંકડા અનુસાર, આ દેશમાં બહુમાળી મકાનોની અટારીએથી, ડબલ-ડેકર બસોની બારીએથી, રસ્તે ચાલતાં ફૂટપાથ પર રોજ એક હજાર ટન પાનનો કૂચડો ફેંકાય છે!! લાખો લોકો પોતાના શરીરમાં આ કચરો નાખી માંદગીને નોંતરે છે, બહાર કચરો ફેંકી જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડે છે. એક રસનાને રાજી રાખવા સમગ્ર દેશનું આરોગ્ય, સ્વચ્છતા અને પર્યાવરણનો ભોગ અપાય છે.
ભગવાન સ્વામિનારાયણ સ્વચ્છતાના પ્રખર હિમાયતી હતા, એક મહાન પર્યાવરણવાદી હતા. તેઓ 'શિક્ષાપત્રી'માં રસાસ્વાદ ને પાપ તરીકે ઓળખાવે છે. તેના શ્લોક-૨૮ માં કહે છે કે
'ભક્તિનું અથવા જ્ઞાનનું અવલંબન કરીને સ્ત્રી દ્વવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો.'
'શિક્ષાપત્રી'ના શ્લોક ૧૮૯માં 'રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી' એમ કહ્યું.
લાડુ કે મીઠાઈ જમીએ તો મજા આવે, પણ જમ્યા જ કરીએ તો ? નદીમાં પાણીનો વિપુલ જથ્થો વહી રહ્યો હોય, પરંતુ આપણા ખોબલામાં માય એટલું પાણી પીએ તો તૃપ્તિ થાય, સુખ આવે.
મર્યાદાની રેખાથી સહેજ અંદર રહેવામાં સુખ સમાયેલું છે. શેક્સપિયર કહે છે : 'He is well paid that is well satisfied.'
૪. દેહાભિમાન
ક્ષુલ્લક એવી રોજ-બ-રોજની બાબતોમાં પણ આપણું દેહાભિમાન ડોકાતું રહે છે. આપણી મહત્તાની આપણે સતત માવજત કરતા રહીએ છીએ. જગતમાં ઠેક-ઠેકાણે જોવા મળતા સંઘર્ષો વસ્તુતઃ તો ક્ષુદ્ર અહંકારોનો ટકરાવ હોય છે. ઘણી વખત તો વ્યક્તિને ખ્યાલ પણ ન આવે એ રીતે એનો અંહકાર દેખા દે છે, ભલભલા દાર્શનિકો પણ એનાથી બાકાત નથી હોતા.
જાણીતો તત્ત્વચિંતક ડાયોજિનિયસ એક વાર પ્લેટોને મળવા ગયેલો. તર્ક અને બુદ્ધિમાં પ્લેટો, ડાયોજિનિયસથી ઘણો આગળ. એનો શિષ્ય સમુદાય શ્રીમંત વર્ગનો. એટલે પોતે પણ જરા ઠાઠમાં રહે. એના શિષ્યમંડળમાં એરિસ્ટોટલ અને સિકંદર જેવી હસ્તીઓ. એરિસ્ટોટલ એક વખત પ્લેટોના નિવાસસ્થાનમાં પ્રવેશ કરતો હતો ત્યારે ડાયોજિનિયસ સામે જ ઘરમાંથી બહાર આવી રહ્યો હતો. એરિસ્ટોટલને, ડાયોજિનિયસ ગુસ્સે ભરાયેલો હોય એમ લાગ્યું. ખૂબ વિનમ્રતાથી તેણે તેનું અભિવાદન કર્યું.
'સલામ, મહાશય.'
'તમારા જેવા બનાવટી ફિલસૂફોની સલામ ઝીલવાનો અર્થ જ નથી. તમે અને તમારા ગુરુ બધા એક જ માળાના મણકા છો.' ડાયોજિનિયસ ઘૂરક્યો.
'અમારી મરામત કરો એ તો સમજ્યા, પરંતુ અમારા ગુરુએ શું બગાડ્યું?'
'એ પાજી દંભી છે અને અભિમાની છે.'
'આપને એમ કેમ લાગ્યું?'
'એક બાજુ ફિલસૂફીની વાતો કરે છે, બીજી બાજુ સુંદર કપડાં ઠઠારે છે, મહેલાતોમાં મહાલે છે. દંભ નથી તો શું ? ફિલસૂફનાં વસ્ત્ર તો તૂટેલાં - ફાટેલાં હોય.'
'તો એક વાત કહું ?' એરિસ્ટોટલે શાંતિથી પૂછ્‌યું.
'બોલ.' ડાયોજિનિયસ વળી ઘૂરક્યો.
'અમારા ગુરુના વૈભવી પોષાકમાં અમને કદીય અભિમાન દેખાયું નથી, પણ પ્રયત્નપૂર્વક, જાણીબૂઝીને પહેરવામાં આવેલા તમારા આ ગંદા અને ચીંથરા જેવા લાગતા બેઢંગા પોષાકનાં પ્રત્યેક છિદ્રમાંથી તમારું અભિમાન ટપકે છે, ડાયોજિનિયસ પ્રયત્નપૂર્વક ગરીબ દેખાતો એ ઇતિહાસને પાને નોંધાયેલી હકીકત છે.
કરોળિયો સતત જાળું રચતો રહે છે, પરંતુ એ જાળું એનું જીવન છે, જ્યારે માણસ પોતાના અહમ્‌ની જાળમાં પોતે જ ફસાઈને મરે છે.
અહંકાર એક મોટો દુર્ગ છે. પ્રેમનું એક નાનું દ્વાર આપણને તેના સંકુચિત દાયરામાંથી બહાર લાવી શકે.
એક સૂફી કથા છે; ઝૂંપડીને દ્વારે ટકોરા પડ્યા.
'કોણ?' અંદરથી અવાજ આવ્યો.
'હું'
'શું કામ છે?'
'બારણું ઉઘાડો.'
'કેમ?'
'જગ્યા જોઈએ છે.'
'નહી મળે. એક 'હું તો છે ત્યાં બીજા 'હું ' માટે જગ્યા ક્યાંથી થાય.'
થોડીવાર મબ્ર છવાયું. વળી, ફરી ટકોરા પડ્યા.
'કોણ ? ' અંદરથી પ્રશ્ન થયો.
'તું.'
બારણું તરત જ ઊઘડી ગયું કારણ કે ત્યાં 'હું ' અને 'તું'ના ભેદ ભુલાઈ ગયા.
'પ્રેમગલી અતિ સાંકરી, તામેં દો ન સમાય.'
અહંનો જ્યાં સુધી અંશ હોય, ત્યાં સુધી સાચો પ્રેમ પ્રવેશી ન શકે, અને તો પછી સુખ ક્યાંથી થાય?
૫. કુસંગીમાં હેત
કુસંગીના સંગે કે છંદે જો કોઈ ચડે તો ખુવાર થઈ જાય. હરિલીલામૃત ૩-૧૫-૧૬માં કહ્યું છે કે
'કુસંગીનો સજ્જ્ન કોઈ સંગ, ચડે અંગ કુસંગ રંગ; જો ઊજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય.'
પ્રમુખસ્વામી મહારાજ, કુસંગને ઝેર તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે કે 'તેને અડાય નહીં, જોવાય નહીં, ખવાય નહીં.' બાઇબલમાં કુસંગીને 'શેતાન' તરીકે વર્ણવ્યો છે. આ 'શેતાન' લોકોને પોતાની જાળમાં ફસાવતો રહે છે. બાઇબલમાં કહ્યું છે કે, 'He is a master at fooling people.' સજ્જનનો સ્વાંગ સજી, લોભાવતા આવા કુસંગીના ફંદામાં જો ફસાયા તો દુઃખની ગર્તામાં ધકેલી દે.
યોગીજી મહારાજની બોધકથાઓમાં 'નકટાઓના ગામ'ની એક વાતમાં બધા નકટાઓએ ભેગા મળી ગામ વસાવ્યું એમ આવે છે; તેમનાં સંતાનો થયાં તે તો નાકવાળાં. છોકરાં તેમનાં માવતરને પૂછે, 'અમને નાક અને તમને કેમ નહીં?' તેઓ શરમાણાં અને છોકરાંઓનાં નાક કાપી નાખ્યાં!! કુસંગીના છંદે આપણું નાક કપાય છે.
૬. સંબંધીમાં હેત
સંબંધીમાં આત્મીયતા હોય પરંતુ તેમાં અતિશય આસક્તિ એ દુઃખનું કારણ બને છે. વર્તમાન યુવામાનસ વિકૃત બનતું જાય છે, વડીલો પ્રત્યેના આદરમાં ઝડપથી ઓટ આવતી જાય છે, ત્યારે વડીલોએ જ સમજ કેળવીને, સંતાનોમાં ઊંચી આશાઓ રાખવાનું છોડવાની ટેવ પાડવી પડશે, તેમના તરફથી વધુ પડતી અપેક્ષાઓ રાખવાથી કે પરાણે તેમને વળગ્યા રહેવાથી અંતે નિરાશા સાંપડશે - ભાંગી પડશે. વડીલો-વૃદ્ધોની હાલની દુર્દશા માટે સંબંધીઓમાં વધુ પડતી આસક્તિ એ પણ એક કારણ છે. હવે તો ક્યાંક આવો અભિગમ કેળવવો પડશે કે 'મારા સંતાનોને હું ધન કે વસ્તુ સંગ્રહનો નહીં પણ ક્રિયાત્મક પ્રેમ અને ઊંડા પરમાત્મ પ્રેમનો વારસો આપું, અને જીવનના એક વળાંકે તેમને પાંખો આવે અને પોતાનો માળો વસાવવા તેઓ ઊડી જાય ત્યારે આધાર અને આસક્તિનાં જાળાં વિખેરી નાંખી ઘરની એકલતાને, શાંત પ્રસન્નતાથી સભર કરી દઉં.'
યોગીજી મહારાજની સત્સંગ કથાઓમાં કાંધી ગામના બે ભાઈઓની વાત આવે છે. મોટો ભાઈ મુક્તરાજ હતો, નાનો સામાન્ય સત્સંગી. મોટાને નાનામાં ઘણું હેત, નાનો ભાઈ વહેલો મૃત્યુ પામ્યો અને વાસનાએ કરીને ભૂત થયો. થોડા સમય બાદ મોટાનું મૃત્યું થયું. મહારાજ તેડવા આવ્યા, વિમાન તેને તેડીને જતું હતું, ત્યા પેલો નાનો ભાઈ ઊભેલો; મોટાએ તેનામાં અતિશય હેતને કારણે વિમાનમાંથી તેના તરફ જોયું. મહારાજે તરત જ તેને વિમાનમાંથી કાઢી મૂક્યો; પછી બન્ને ભૂત થયા. ત્યાર પછી તો જૂનાગઢના બાળમુકુંદ સ્વામી અને કૃષ્ણચરણ સ્વામી જ્યારે કાંધી ગામે પધાર્યા ત્યારે જળ છાંટી તેમને બદરિકાશ્રમમાં તપ કરવા મોકલી દીધા, અને કહ્યું કે બીજે જન્મે સત્સંગમાં આવજો. જો વાસના હતી તો ફેરો ખાવો પડ્યો.
બાઇબલમાં તો કુટુંબીજનોમાં હેત રાખવા સામે ઇશુ ખ્રિસ્તે કેવા કડક શબ્દો વાપર્યા છે.
'Indeed, a Man's enemies will be presons of his own household. He that has greater affection for father or mother then for me is not worthy of me, and he that has greater affection for son or daughter than for me is not worthy of me.' (Matthew ૧૦: ૩૬, ૩૭)
આ રીતે ભગવાન સ્વામિનારાયણે આપેલું આ એક ઉત્તમ Checklist(ચેકલિસ્ટ) જો વ્યક્તિ પોતાના ઉપર અજમાવી જુએ તો તેનાં દુઃખનું મૂળગત કારણ મળી જાય; સુખ કેમ અનુભવાતું નથી એવા યક્ષપ્રશ્નો આપોઆપ ઉત્તર મળી જાય.
સાડા પાંચ અબજની વિશ્વની વસ્તીમાં; પંચવર્તમાને યુક્ત, બ્રહ્મનિષ્ઠ, એકાંતિક સંત એવા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સિવાય, કોઈ એવી વ્યક્તિ નથી કે જેને ઉપરનું એકે વાનું ન હોય ! આ જ વચનામૃતમાં છેલ્લે એક સરળ ઉપાય બતાવી દીધો કે તો પછી 'આવા એકાંતિક સંત સાથે પોતાના જીવને જડી દેવો અને તેમનાં વચનમાં મન-કર્મ-વચને વર્તવું.'


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS