પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની વિનમ્રતા, સરળતા, સાધુતા, નિઃસ્વાર્થ પ્રીત તેમજ હરિભક્તો પ્રત્યેની અમાપ મહિમા-દૃષ્ટિની મારા મન પર અમીટ છાપ રહી છે. અનેક પ્રસંગોએ તે છાપ વધુ દૃઢ અને બળવત્તર બનતી રહી છે.
સને ૧૯૯૪માં મહેસાણામાં પરમ પૂજ્ય સ્વામીશ્રીની ૭૪મી જન્મજયંતી ઊજવવાની હતી. તે પ્રસંગે વ્યક્તિગત દર્શનની વિગત સમજાવવા આગલી રાત્રે પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે હું ગયો. દર વર્ષે જન્મજયંતીની સભા બાદ પરમ પૂજ્ય સ્વામીશ્રી સૌને વ્યક્તિગતદર્શન આપતા. વિશાળ ભક્તસમુદાયને વ્યક્તિગત મળવામાં ત્રણ કલાકથી વધુ સમય દર વખતે થતો તેથી કેટલાક સમયથી બે લાઇનમાં દર્શનની વ્યવસ્થા ચાલુ કરી હતી. જેથી બે વ્યક્તિ એક સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીને મળે અને સમય બચે. આ વખતે તેમાં સુધારો કર્યો અને વિચાર્યું કે ચાર લાઈન કરવી જેથી પરમ પૂજ્ય સ્વામીશ્રીનો સમય પણ બચે અને ભીડો ઓછો પડે. આ વિગત મેં પરમ પૂજ્ય સ્વામીશ્રીને સમજાવી કે તરત જ તેઓએ પૂછ્યું, 'ચાર વ્યક્તિ એક સાથે કઈ રીતે આવે?' મેં કહ્યું, 'કેમ? જેમ બે આવે તેમ ચાર આવે!' દૂર દૂરનાં ગામડાંઓમાંથી અને શહેરોમાંથી આવેલા દરેક હરિભક્તને વ્યક્તિગત મળીને રાજી કરવા માંગતા પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ જરાય રુચ્યું નહીં. મારો જવાબ સાંભળી અરુચિ જણાવતાં તેઓ એકદમ મૌન જ થઈ ગયા. આ જોઈ હું પણ સ્તબ્ધ થઈ ગયો.
આ અંગે મેં બીજા આયોજક સંતોને પણ વાત કરી એટલે અમે સૌ મળી પરમ પૂજ્ય સ્વામીશ્રીને કહેવા ગયા કે, 'આપની રુચિ મુજબ કરીશું...' પણ અમે બોલવાનું પૂરું કરીએ તે પહેલાં જ તેઓ બોલવા લાગ્યા કે 'શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે. માટે તમે બધાએ જે વિચાર્યું છે તે બરાબર છે!'
મેં કહ્યું, 'આપ રાજી રહેજો.'
પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે, 'રાજી જ છીએ. તમારા બધામાં ભગવાન રહ્યા છે. તમે જે કર્યું છે એ બરાબર છે.'
તેઓનાં આ નમ્રતાભર્યાં વચન સાંભળી સૌ સ્થિર થઈ ગયા. રાતોરાત આયોજન બદલી નાંખ્યું. તેઓની રુચિ મુજબ બે વ્યક્તિ જ એક સાથે લાઇનમાં આવે તેવું ગોઠવી દીધું.
બીજા દિવસની સવારે એટલે કે જન્મજયંતીની સવારે પૂજા પૂર્ણ થયા બાદ આમતેમ જોતાં પરમ પૂજ્ય સ્વામીશ્રી કોઈકને શોધતા હોય તેવું જણાયું. સેવકોએ પૂછતાં મને બોલાવ્યો. મને પૂજાનું પ્રસાદીનું પુષ્પ આપતાં કહે, 'આખી રાત મેં વિચાર કર્યો કે તમે બધાએ કેટલુંય વિચારીને આયોજન કર્યું હોય અને હું બધું બદલી નાંખું તે ઠીક નથી. માટે તમે જેમ વિચાર્યું છે તેમ જ રાખજો!'
પોતાની જન્મજયંતીના દિવસે આ મહાન ગુરુ એક તુચ્છ શિષ્ય પાસે દાસ, સેવક થઈને રહ્યા છે! એ વિચારે મારી આંખોમાં ઝ ળઝ ળિયાં આવી ગયાં.
મેં વિનંતી કરી, 'હવે વધુ કાંઈ ન કહેતા. અમે આપની ઇચ્છા મુજબ બધું ગોઠવી દીધું છે...'
તે દિવસે પોણા બાર વાગે જન્મજયંતીની સભા પૂરી થઈ. ત્યારબાદ ૩૫,૦૦૦ જેટલા ભક્તોને વ્યક્તિગતદર્શન આપતા પરમ પૂજ્ય સ્વામીશ્રી હાથ જોડીને પોણા બે કલાક સુધી બેઠા હતા!
ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે પરમ પૂજ્ય સ્વામીશ્રી વિદેશયાત્રાએ પધાર્યા હતા. દ્વિશતાબ્દીના ઉપક્રમે પૂર્વ આફ્રિકામાં નૈરોબીમાં કેન્યાટા કૉન્ફરન્સ હૉલમાં તા.૧૦-૫-૧૯૮૦ના રોજ એક વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું. તેના સુશોભન કાર્યમાં આગલી આખી રાત ઉજાગરો થયો હતો. મુખ્ય દિને સાંજની સભા શરૂ થઈ ત્યાં સુધી સૂવાનો મેળ પડ્યો નહોતો. આ ઉજાગરાને કારણે સભા શરૂ થઈ અને મને ઊંઘ આવવા લાગી. ક્યાં જવું? પરમ પૂજ્ય સ્વામીશ્રીના ખૂબ સુંદર અને ભવ્ય સિંહાસનની પાછળ જઈ તેને માથું ટેકવી હું બેઠો બેઠો જ સૂઈ ગયો. તેમાં સભાના કાર્યક્રમનો ખ્યાલ પણ ક્યાંથી આવે?
સભા પૂરી થઈ ને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સિંહાસનથી સહેજ વળીને બૂમ પાડીને મને જગાડ્યો. મને ખૂબ હેતપૂર્વક કહે, 'જુ ઓ, આવતી કાલે ઉપવાસ છે. મેં તમારા માટે ખાવાનું રસોડામાં ઢંકાવી રાખ્યું છે. ગાડી પણ તૈયાર રખાવી છે, હવે તરત નીકળી જાવ.'
આંખો ચોળતો ચોળતો હું સ્વામીશ્રીની સ્નેહભરી સંભાળને સંભારતો સંભારતો જમવા નીકળી ગયો.
સને ૧૯૮૩માં સ્વામીશ્રીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આથી, તે વર્ષે ગુરુપૂનમના સમૈયામાં સભા બાદ વ્યક્તિગત દર્શનની વ્યવસ્થા રાખવામાં નહોતી આવી. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે કીર્તનગાન થઈ રહ્યું હતું. તે સમયે મેં તેઓને કહ્યું, 'આ કીર્તન બાદ આપના આશીર્વાદ છે અને ત્યારબાદ આપ તરત ઉતારે પધારજો.'
પરમ પૂજ્ય સ્વામીશ્રીએ હરિભક્તોને વ્યક્તિગત દર્શન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં તેઓની તબિયતની વાત કરી, પણ તેઓનો આગ્રહ એવો ને એવો જ રહ્યો. એટલે મેં વાસ્તવિકતા જણાવી કે, 'બાપા! અમે વ્યક્તિગત દર્શનની કોઈ વ્યવસ્થા કરી નથી અને હમણાં તો આપના આશીર્વાદ શરૂ થશે. હવે વ્યવસ્થા શક્ય થાય તેવું છે જ નહીં.'
આ સાંભળીને પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે, 'અરે, ન શું થાય? ધારે તે થાય. પચાસ-પચાસ હરિભક્તો વચ્ચે એક એક સ્વયંસેવક ગોઠવી દેવાનો. તે પાછો ડાફાડોળિયાં મારે તેમ નહીં. બધાને બરાબર જોતો હોય, કોઈ ઊભો થાય કે તરત બેસાડી દે...'
મેં કહ્યું, 'પરંતુ બાપા ! આપ કહો છો તેવા તૈયાર સ્વયંસેવક અત્યારે ક્યાંથી મળે? અને આ ખીચોખીચ સભા ભરાઈ છે, તેમાં ગોઠવવાનું શક્ય થાય તેવું નથી.'
પરમ પૂજ્ય સ્વામીશ્રી ભાવમાં આવી ગયા, 'તમે અમથા ડરો છો, ધારીએ તો બધું થાય...'
મેં કહ્યું, 'તે બધી વાત સાચી પણ અત્યારે કઈ રીતે શક્ય થાય?'
તેઓ કહે, 'તમે ટ્રાય તો કરો!'
મેં કહ્યું, 'આપ કહો છો તેથી ટ્રાય કરું પણ સફળ થાય તેમ લાગતું નથી.'
આટલો વાર્તાલાપ થયો ત્યાં તો કીર્તનગાન પૂરું થયું. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદની જાહેરાત કરી હું સભામંડપ પાછળ ગયો. સભા-વ્યવસ્થામાં સેવા આપતા અરુણભાઈને મેં પરમ પૂજ્ય સ્વામીશ્રીની રુચિ જણાવી. તેમણે કહ્યું, 'થઈ જશે.'
તરત જ ચુનંદા સ્વયંસેવકોને બોલાવી તેમણે સૂચના આપી દીધી. આશીર્વાદ બાદ બધા સભામાં વચ્ચે ગોઠવાઈ ગયા. કોઈપણ જાતની ધક્કામુક્કી વગર વ્યક્તિગત દર્શન શિસ્તબદ્ધ સંપન્ન થતાં હતાં. વ્યક્તિગત દર્શનમાં ધક્કામુક્કી ન થાય તેનો વર્ષોથી અમે ઉકેલ શોધતા હતા, તે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વાતવાતમાં આપી દીધો હતો. સૌને શાંતિથી મળીને સ્વામીશ્રી જ્યારે સ્ટેજ પરથી ઊતરતા હતા ત્યારે મને કહે, 'તમે બહુ સરસ આયોજન કર્યું, તમારો આભાર!'
કોનું આયોજન અને કોને આભાર!
હું આભો બની પરમ પૂજ્ય સ્વામીશ્રી સામે જોઈ રહ્યો.
સને ૧૯૮૯માં ભરૂચમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીનો જન્મ જયંતી ઉત્સવ શાનદાર રીતે ઊજવાઈ રહ્યો હતો. સભા ચાલુ હતી. મંચ પરથી પરમ પૂજ્ય સ્વામીશ્રીનાં દિવ્ય જીવન અને કાર્યના અદ્ભુત ગુણગાન થઈ રહ્યાં હતાં. તે દરમ્યાન પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બે નાની ઉંમરના નવયુવાન સંતોને એક પછી એક મંચ પર બોલાવ્યા. આ સંતોએ કેટલાક સમય પહેલાં પરમ પૂજ્ય સ્વામીશ્રીને પત્ર દ્વારા પોતાના કેટલાક પ્રશ્નો જણાવ્યા હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પોતાની જન્મ જયંતીની ચાલુ સભાએ તેમને બોલાવી વાતચીત કરી, તેમની મૂંઝ વણ ટાળી, શાંતિ આપી.
સને ૧૯૯૯માં તીથલમાં પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીની જન્મ જયંતીનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો હતો. મંચ પર ચાલુ કાર્યક્રમે સ્વામીશ્રીએ મને બોલાવ્યો. એક સંતના મંડળમાં કેટલીક જરૂરિયાત ઊભી થયેલી તેની ચિંતા તેઓ રજૂ કરવા લાગ્યા. વાત ટાળતાં મેં તેઓને વિનંતી કરતાં કહ્યું, 'તે તો બધું પછી પણ થશે. આપની જન્મ જયંતીના આ ભવ્ય કાર્યક્રમમાં આપને વળી એ ક્યાંથી યાદ આવ્યું?'
અલબત્ત, સ્વામીશ્રી તો એ ભવ્ય કાર્યક્રમથી જાણે તદ્દન અલિપ્ત હતા અને નાની વ્યક્તિની સેવા કરવાની પળે પળને સાચવી જાણવામાં જ સાચો આનંદ માણતા હતા.
૧૯૯૫માં પરમ પૂજ્ય સ્વામીશ્રીના અમૃત મહોત્સવ પૂર્વે મુંબઈમાં દાદર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવ પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાંનિધ્યમાં થયો. તે વખતે મંદિરથી થોડાક કિલોમીટર દૂર આવેલા મહોત્સવ સ્થળ 'સ્વામિનારાયણ નગર'માં સેવા કરતા સૌ સંતો દર્શને મંદિરે ગયેલા. નવા વર્ષના પવિત્ર દિવસોમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણસ્પર્શનો લાભ સૌ સંતોને મળવાનો હતો. એક તો ઉત્સવ અને તેમાં વળી આજે બેસતા વર્ષનો દિવસ. પરમ પૂજ્ય સ્વામીશ્રી ખૂબ જ વ્યસ્ત હતા. તેવા અતિ વ્યસ્ત સંજોગોમાં પણ તેઓએ મને એક નાના સંતનું નામ જણાવી કહ્યું કે, 'તે આવે તો મને ભેગા કરજો. તેમનો પત્ર આવ્યો છે.'
ભવ્ય કાર્યક્રમોમાં પણ નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નો ટાળવા પરમ પૂજ્ય સ્વામીશ્રી કેવા તત્પર હોય છે!
સને ૧૯૮૬માં પોષી પૂનમ સ્વામીશ્રીએ સારંગપુરમાં ઊજવેલી. શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ-મંદિરની પાછળ આવેલા બોરસલી અને લીંબડાના ઝાડ વચ્ચે નાનો સભામંડપ કરેલો. હરિભક્તોની સંખ્યા મંડપથી વધુ હતી તેથી કેટલાક હરિભક્તો, પાછળ મંડપની બહાર બેઠા હતા. તેમની પર થોડો તડકો પડતો હતો. આશીર્વાદ આપતાં પહેલાં મને બોલાવી પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે, 'વ્યક્તિગત દર્શનમાં તડકામાં બેઠેલા પાછળના હરિભક્તોને પહેલાં લઈ લેજો.'
પરમ પૂજ્ય સ્વામીશ્રીની સૂચના અનુસાર મેં જાહેરાત કરી. આશીર્વાદ દરમ્યાન મારો ઉલ્લેખ કરતાં પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે, 'સંત તો દયાળુ હોય છે, તેથી તડકામાં બેઠેલાની પણ ચિંતા કરે છે.'
નાનામાં નાના હરિભક્તની ચિંતા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જ કરી હતી. તેમને વહેલા લેવાનું સૂચન પણ તેઓએ જ કર્યું હતું. છતાં તેનો યશ તેઓ બીજાને આપી રહ્યા હતા !