આવા અક્ષરથી પણ પર પુરુષોત્તમ! - अक्षरात् परतः परः
આમ તો ખરેખર! આ મુંડક ઉપનિષદમાં જે રીતે અક્ષરબ્રહ્મનું નિરૂપણ થયું છે તે જોતાં તો એમ જ લાગે કે હવે પરબ્રહ્મનો મહિમા કઈ રીતે કહેશે? અને આમ લાગવું તે સ્વાભાવિક પણ છે. કારણ કે સર્વ જગતનું કારણ, વ્યાપક અને આધાર બધું જ અક્ષરબ્રહ્મ! તો પરબ્રહ્મ માટે શું કહેવું? તેથી કોઈને એમ પણ ભ્રાન્તિ થઈ જાય કે આ અક્ષર અથવા તો બ્રહ્મ શબ્દથી કહેવાયેલું તત્ત્વ પરમાત્મા જ તો નહીં હોય ને? બસ! આ જ વાત અંગિરા મુનિ હવે સમજાવશે. તેઓને ખૂબ સ્પષ્ટપણે ખ્યાલ છે કે તેઓ શું બોલી રહ્યા છે. આ તો વેદવાણી છે. પરબ્રહ્મનો યથાર્થ મહિમા ગાવા બેસીએ તો તે ગાઈ શકાય એવો જ નથી. ‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह।’ (તૈત્તિરીય ઉપનિષદ આનંદવલ્લી - ૪) આમ તેમના માટે કહેવાયું છે. વળી, જેટલો કાંઈ તેમનો મહિમા ગાઈએ તે તો અક્ષરબ્રહ્મમાં જ સમાઈ જાય તેમ છે. એટલે જ પરબ્રહ્મનો યથાર્થ મહિમા ગાવાની એક વિશિષ્ટ રીત અંગિરા મુનિ અહીં દર્શાવી રહ્યા છે. તેઓએ કહ્યું, પરમાત્મા માટે તો એટલું કહી શકાય કે - ‘अक्षरात् परतः परः’ (મુંડક ઉપનિષદ - ૨/૧/૨) સર્વથી પર એવા જે અક્ષરબ્રહ્મ એનાથી પણ પર એ પરમાત્મા છે. કહેતાં તેઓ તો અક્ષરના પણ નિયામક છે, વ્યાપક છે, આધાર છે અને ઉપાસ્ય છે. જેમ કોઈ એક વ્યક્તિને અબજોપતિ અને સત્તાધીશ તરીકે વર્ણવીને પછી કહેવામાં આવે કે એ તો આ બીજી વ્યક્તિનો દાસ છે તો તે બીજી વ્યક્તિની મોટપ કેવી કહેવાય! એવી આ વાત છે. પરમાત્મા તો 'અક્ષરાધિપતિ' છે. અક્ષરબ્રહ્મ તો તેના દાસ છે.
આ જ પરમાત્માનો મહિમા ગાતાં અંગિરા મુનિએ કહ્યું કે, ‘एतस्माज्जायते प्राणो मनः सर्वेन्द्रियाणि च। खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य घारिणी।’ (મુંડક ઉપનિષદ - ૨/૧/૩) અર્થાત્ આ પરમાત્મામાંથી જ પ્રાણ, મન, આંખ, કાન વગેરે સર્વ ઇન્દ્રિયો, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે બધું જ ઉત્પન્ન થાય છે. આમ પરમાત્માની જગત-કારણતા જણાવતાં જણાવતાં જ અંતે કહ્યું કે, ‘पुरुष एवेदं विश्वं कर्म तपो ब्रह्म परामृतम्।’ (મુંડક ઉપનિષદ - ૨/૧/૧૦) આ પુરુષ કહેતાં પુરુષોત્તમ જ આ સમગ્ર વિશ્વના, સમગ્ર કર્મના અને ખુદ અક્ષરબ્રહ્મના પણ આત્મા છે. આમ, તેમની સર્વોપરી નિયામકતા અને વ્યાપકતા પણ દર્શાવી છે. અને આવા તો પરમાત્માના અલૌકિક કીર્તિને ગાતા ઘણા મંત્રો આ ઉપનિષદમાં છે જ, પરંતુ જ્યારે એ પરમાત્મા માટે એમ કહેવામાં આવે કે ‘अक्षरात् परतः परः’ (મુંડક ઉપનિષદ-૨/૧/૨) એટલે એમાં આ બધું જ માહાત્મ્ય સમાઈ જાય છે. એટલે કે સર્વથી પર એવા અક્ષરબ્રહ્મના પણ જગત્કારણતા, વ્યાપકતા કે સર્વાધારતા વગેરે જે કોઈ ગુણો છે તે બધા તે અક્ષરબ્રહ્મથી પણ પર એવા પરબ્રહ્મની ઇચ્છાને આધીન જ છે. એમ વિશિષ્ટ રીતે પરમાત્માનો મહિમા ગાયો છે. આમ પુરુષોત્તમની ખરી મોટપ સમજવા પણ અક્ષરબ્રહ્મને જાણવા જરૂરી થઈ પડે છે. એવું આ ઉપનિષદનું તાત્પર્ય ચોખ્ખું સમજાય છે.
સાથે સાથે અહીં એ વાત પણ સમજી લઈએ કે આ ઉપનિષદમાં પરમાત્માનો મહિમા ‘अक्षरात् परतः परः’ એમ અક્ષરની અપેક્ષાએ શ્રેષ્ઠતા દર્શાવી ગાવામાં આવ્યો. એટલે એમ પણ નક્કી થઈ ગયું કે આ ઉપનિષદમાં અક્ષર શબ્દથી કહેવાયેલ તત્ત્વ તે પરમાત્મા નથી જ!
ખરેખર! ‘अक्षरात् परतः परः’ એ ત્રણ શબ્દોમાં બધું જ છે. અક્ષરનો મહિમા છે. પુરુષોત્તમનો મહિમા છે. અને તત્ત્વ દૃષ્ટિએ અક્ષર તથા પુરુષોત્તમનાં સ્વરૂપોનો પરસ્પરનો નિત્ય ભેદ પણ છે!
સમાપન
આ રીતે અક્ષર અને પુરુષોત્તમ એવા બે દિવ્ય તત્ત્વોનાં સ્વરૂપનું તથા તેમના દિવ્ય ગુણોનું સુંદર છણાવટ સાથે નિરૂપણ અંગિરા મુનિએ આ ઉપનિષદમાં સમજાવ્યું. આ જ બ્રહ્મવિદ્યા છે. આ જ પરા વિદ્યા છે. આ જ અધ્યાત્મવિદ્યા છે. અને આ જ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત છે. તેથી જ તો ‘येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૩) એ મંત્રનાદમાં તો જાણે આ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત પડઘાઈ રહ્યો છે. અથવા તો આ મંત્ર ખરેખર અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતનો પર્યાય બનીને ગુંજતો રહ્યો છે એવું લાગ્યા વિના રહેતું નથી.
આ બ્રહ્મવિદ્યા આપણે પણ કઈ રીતે આત્મસાત્ કરી શકીએ?, આ પરબ્રહ્મ કોણ?, આ અક્ષરબ્રહ્મ કોણ?, આ અક્ષરબ્રહ્મ કે પરબ્રહ્મનું આપણી સાધનામાં કેવું સ્થાન છે?, યથાર્થ રીતે આપણે આ બ્રહ્મવિદ્યા સંપાદન કરીએ તો કેવાં કેવાં ફળ મળે? વગેરે ઘણી રહસ્યમયી બાબતો હજુ આ ઉપનિષદમાં ભરેલી છે જે આપણે હવે આવતા અંકમાં માણીશું.