Essay Archives

ભગવાન કહે છે?:
ब्रह्मभूतः प्रसन्नात्मा
न शोचति न कांक्षति।
समः सर्वेषु भूतेषु
मद्भक्तिं लभते पराम्॰
અર્થાત્‌ જે બ્રહ્મરૂપ થયો છે, કહેતાં આત્મસ્વરૂપનો જેને આવિર્ભાવ થયો છે અને પ્રસન્નમન છે એટલે ક્લેશ કર્માદિ દોષથી જેનું મન કલુષિત નથી અને કશાયનો પણ શોક કરતા નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતા નથી, સર્વ ભૂતમાં જે સમ છે, એટલે કોઈનો પણ આદર નહીં કરનારા અર્થાત્‌ સર્વ વસ્તુને તૃણવત્‌ માને છે, તે ભક્ત મારે વિષે પરાભક્તિને પામે છે. અર્થાત્‌ જેને આત્માનો સાક્ષાત્‌ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર થાય છે. શંકરાચાર્ય ચર્પટમંજરિકામાં લખે છેઃ
योगरतो वा भोगरतो वा
सङ्गरतो वा सङ्गविहीनः।
यस्य ब्रह्मणि रमते चित्तं
नन्दति नन्दति नन्दत्येव॥
યોગ સાધે કે ભોગ ભોગવે, સંગરહિત કે સંગસહિત વર્તે, જેનું ચિત્ત ભગવાનમાં રમમાણ છે તે અખંડ આનંદમાં જ રહે છે, આનંદમાં જ રહે છે, આનંદમાં જ રહે છે. એટલે કે ચિત્તની પ્રસન્નતા સામાન્ય-મામૂલી વસ્તુ નથી. બ્રહ્માનંદ, નિજાનંદ, પરમાનંદ, અખંડાનંદ એવો સર્વોપરી આનંદ છે. કેટલાય ગુણોનો સમન્વય છે. સંપૂર્ણપણે ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થાની નિવૃત્તિનું ફળ છે.
સર્વે ગુણોથી સંપન્ન, સર્વે દોષે રહિત સ્વામીશ્રીએ આ ગુણો સાધનાથી મેળવેલા નથી. તેઓ અનાદિસિદ્ધ છે. ભગવાનને વિશે, પરા-ભક્તિના કારણે અનંત ગુણો તેમનામાં છે. આપણું ચિત્ત પણ જેટલું સ્વામીશ્રીમાં ખેંચાશે એટલા ભગવાનના ગુણ પાકે પાયે આપણામાં આવશે. બાકી ગુણો મેળવી બ્રહ્મ થવું અશક્ય છે. બ્રહ્મના સંગે જ બ્રહ્મ થવાય. સ્વામીશ્રીની ચિત્તની પ્રસન્નતાનો એક પ્રસંગ યાદ આવે છે?: મુંબઈમાં એક સમય અલ્પાહાર કરી સ્વામીશ્રી તે સ્થાનેથી ઊઠી ન શક્યા. કારણ, હરિભક્તોને મળવાનું શરૂ થઈ ગયું. લગભગ 50 જેટલાએ તો અંગત પ્રશ્નોમાં માર્ગદર્શન મેળવ્યું હશે. એક જ જણની વાતો?- દુઃખ, મુશ્કેલીઓની વાત સાંભળોને તો ભેજું આઉટ(out) થઈ જાય! સ્વામીશ્રી બધાને મળી પ્રાર્થના, ધૂન કરી, આશીર્વાદ આપી બહાર આવ્યા. અમે સંતો બેઠા હતા, પણ સ્વામીશ્રીને એકદમ પ્રસન્નચિત્ત જોયા. જરાય થાક કે કંટાળો નહીં. અમારા આનંદમાં એમણે પોતાનો આનંદ ઠાલવ્યો. સવા બાર વાગી ગયા હતા. ચાર-ચાર કલાક એક જ આસને સૌની વિટમણાઓમાં ભાગીદાર થવા છતાં સ્વામીશ્રી જરાય કંટાળ્યા ન હતા!
સ્વામીશ્રી ક્યારેય ચિંતિત દેખાતા નથી, થાકેલા દેખાતા જ નથી. જાણે કોઈ કામ જ નથી કે કાંઈ કરતા નથી, નવરા હોય એવું મુખારવિંદ રહે છે, પણ એક ક્ષણ નવરા રહેતા નથી. આરામ તો કથનમાત્ર છે. સાથે હરિકૃષ્ણ મહારાજ છે, પણ તેમનું અખંડ અનુસંધાન, ભગવાનના સર્વકર્તાપણાનું અખંડ અનુસંધાન. સંતો-હરિભક્તો તો એમનું સર્વસ્વ છે. પોતાની ક્ષણે-ક્ષણ એમના માટે જ છે. પોતાની દેહક્રિયા પણ ભૂલી જાય છે. ભજન-ભક્તિ, સેવા, કથાવાર્તા, ઉપદેશાત્મક વચનો, ઠાકોરજીનાં દર્શન, પૂજા બધું જ પોતા માટે જ કરે છે. બીજાને ઉપદેશ આપવા, દાખલો બેસાડવા, વર્તાવવા, દેખાડવા નહીં. બધું સહેજે જ કરે છે. કારણ, સહજાનંદ સિવાય એમને કાંઈ છે જ નહીં. સહજાનંદનો સહજ-આનંદ.
સહજાનંદના સહજ આનંદમાં હંમેશાં તલ્લીન રહીને સૌને તે દિવ્ય આનંદ વહેંચતા પ્રમુખસ્વામી મહારાજને કોટિ કોટિ વંદન.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS