Essay Archives

ભારત એક એવો દેશ છે, જ્યાં વહેલી સવારે આકાશમાં સૂર્યની લાલિમા પથરાય તે પહેલાં આધ્યાત્મિક પૂજા-વિધિ-વિધાનોની લાલિમા છવાઈ જાય છે. કોઈ યોગ કરે છે, કોઈ ધ્યાન ધરે છે, કોઈ પૂજા-પાઠ કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ મંત્રજાપ કરે છે, કોઈ ગીતાપાઠ કરે છે, તો કોઈ ભક્તિના અન્ય ઉપચારોમાં તલ્લીન થઈ જાય છે. વહેલી સવારથી મંદિરોના ઘંટનાદ ગુંજે છે, આરતીની જ્યોતિ ઝળહળે છે, ઘરોઘર ઘરમંદિરોમાં દીવા પ્રગટવા માંડે છે.
આવા નિત્ય પૂજાપાઠથી લઈને અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ ભારતને, સનાતન હિન્દુ ધર્મને વાઇબ્રન્ટ એટલે કે ચેતનવંતો બનાવે છે. વિધિ-વિધાનો વિનાનું હિન્દુ જીવન સંભવિત નથી. બાળકના જન્મ પૂર્વેથી શરૂ થયેલાં વિધિ-વિધાનો મૃત્યુ પછી પણ તેર દિવસ સુધી ચાલતી વિધિઓ હિન્દુ જીવનનો અભિન્ન ભાગ બની રહ્યા છે. આમ છતાં, આધુનિકતાના વાયરાને કારણે નવી પેઢી આ મજબૂત પરંપરાને શંકાની નજરે જોતી થઈ છે. એમને આ વિધિ-વિધાનો અર્થવિહીન લાગે છે. સમય, દ્રવ્ય અને શક્તિનો વ્યય લાગે છે. શું ખરેખર તેમ છે?
યજ્ઞ, મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા, મહાપૂજા, શિલાન્યાસ, વાસ્તુવિધિ, અંત્યેષ્ટિ વિધિ વગેરે શાસ્ત્રીય વિધિઓ શું અર્થવિહીન છે? આવી વિધિઓથી લઈને અનેક શુભ કાર્યો માટે પ્રયુક્ત થતાં શુભ મુહૂર્તો શું માત્ર અંધશ્રદ્ધા છે?
અમુક લોકો વ્યક્તિગત અહંકારને કારણે, પશ્ચિમના કહેવાતા બૌદ્ધિકોનું અંધ અનુકરણ કરીને, આપણી ધાર્મિક ક્રિયાઓ પાછળની ભાવના સમજ્યા વિના તેનું છીછરા તર્કોથી ખંડન કરે છે, પરંતુ વિશ્વની કઈ ધર્મ-સંસ્કૃતિમાં આવાં વિધિ-વિધાનો નથી??
અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનાં જંગલોમાં વસતા અજ્ઞાની આદિવાસીઓને પણ પોતાની ધાર્મિક વિધિઓ છે. તો વિશ્વમાં સૌથી સાયન્ટિફિક સંશોધનો કરનારા પ્રખર બુદ્ધિમંત યહૂદીઓ, વિશ્વમાં ધન-સત્તા-બુદ્ધિ-વિજ્ઞાનની ટોચે બેઠેલા લાખો યહૂદીઓ પણ ગૌરવપૂર્વક પોતાનાં ધાર્મિક વિધિ-વિધાનોને આજેય શ્રદ્ધાપૂર્વક અનુસરે છે.
જેમ કે, કોશર (શાસ્ત્રીય રીતે પવિત્ર માનવામાં આવતો ખોરાક) લેવો, માથે ટોપી પહેરવી, શુક્રવારે સૂર્યાસ્ત પછી કોઈ પ્રકારનું કાર્ય ન કરવું, સીનેગોગમાં જઈ પ્રાર્થના કરવી, સીનેગોગમાં સ્ત્રી-પુરુષોએ જુદાં બેસવું, સબાથ-દિનની સાંજે ઘરમાં મીણબત્તીઓ પ્રગટાવવી...
મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, તાઓ વગેરે સૌની પોતપોતાની આવી જ માન્યતાઓ અને ધાર્મિક વિધિઓ છે. બુદ્ધિશાળી ગણાતા પારસીઓમાં પણ બાળકને નૌજોત (પારસી દીક્ષા) અપાય છે. નૌજોત એટલે ઘેટાના ઊનની બનેલી એક દોરી, જેના એક છેડે ગાંઠ વાળી હોય. પારસીઓમાં પાંચ સમયની પ્રાર્થના કરવાનો રિવાજ છે. આ પાંચેય પ્રાર્થના વખતે નૌજોતની આ ગાંઠ છોડવાની અને ફરી બાંધવાની!
ટૂંકમાં, વિશ્વનો કયો સમાજ એવો હશે કે જ્યાં આવી ધાર્મિક વિધિઓનું મહત્ત્વ નહીં હોય?
પરંતુ એ બધાનો વિચાર કર્યા વિના પોતાના ધર્મનાં વિધિ-વિધાનો પર પ્રહાર કરીને કેટલાક બૌદ્ધિક હિન્દુઓ હિન્દુ ધર્મની સહિષ્ણુતાની કસોટી કરી રહ્યા છે. હા, એટલું સ્વીકારવું પણ પડે કે સંભવતઃ ધાર્મિક વિધિ-વિધાનોમાં ક્યાંક જડતા અને યાંત્રિકતા પ્રવેશી પણ ગઈ હોય. પરંતુ તેનો અર્થ એ નથી કે બધાં જ વિધિ-વિધાનો અર્થવિહીન હોય.
કેટલાંય વિધિ-વિધાનો એવાં છે કે જેને હવે વિજ્ઞાન પણ સ્વીકારવા લાગ્યું છે. યોગ, ધ્યાન, મંત્રજાપ, પ્રાર્થના, પૂજા, માનસીપૂજા, યજ્ઞ, મુદ્રા વગેરે બાબતો પર વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સંશોધનો કરી રહી છે. અમેરિકાની જગપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રસિદ્ધ સંશોધક ડૉ. હર્બટ બેન્સન કે થોમસ જેફરસન યુનિવર્સિટી અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંશોધક ડૉ. એન્ડ્રુ ન્યુબર્ગ જેવા કંઈક ધુરંધરો ધ્યાન, મંત્રજાપ, વગેરે ધાર્મિક વિધિઓ પર વિજ્ઞાનની દૃષ્ટિથી પ્રકાશ પાથરી રહ્યા છે. બાળકને ગર્ભમાંથી સંસ્કાર આપવાની વાતો ભારતીય સંસ્કૃતિમાં ઠેર ઠેર પડી છે. કેટલાક આધુનિકો તેને હાસ્યાસ્પદ ગણાવતા હતા, પરંતુ હવે તો વિજ્ઞાને પણ તેનો સ્વીકાર કરી લીધો છે.
આવાં સમર્થનો વિશે જાણીએ ત્યારે એમ ચોક્કસ લાગે કે ભલે આપણાં શાસ્ત્રોમાં આ વિધિ-વિધાનો પાછળનાં કારણો સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યાં ન હોય, પણ એની પાછળ ચોક્કસ મર્મ છે, નિશ્ચિત હેતુ છે, અનુભવપૂર્ણ જ્ઞાન છે, માનવજાતના હિતનું લક્ષ્ય છે.
અહંકાર કે અજ્ઞાનને કારણે ઘણા લોકો ભારતીય મુહૂર્ત-વિજ્ઞાનની પણ ઠેકડી ઉડાડે છે.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS