સન 1988માં બોડેલી વિસ્તારમાં સત્સંગ પાંગર્યાને 10 વર્ષ થતાં હતાં. એટલે અહીંના આદિવાસી વિસ્તારના હરિભક્તોને જોરદાર ઉત્સાહ હતો કે આપણે દશાબ્દી ઉત્સવ ઊજવવો છે. સૌના ઉત્સાહથી ખાંડિયા અમાદર ગામે દશાબ્દી ઉત્સવ ઊજવવાનું નક્કી થયું અને બધું આયોજન ગોઠવાયું. ઉત્સવમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પધારે એવી સૌની અપાર ભાવના હતી. આદિવાસી વિસ્તારમાં પછાત લોકોને તેઓનાં દર્શન-સત્સંગનો વિશેષ લાભ મળે એ હેતુથી અમે સાંકરી ખાતે બિરાજતા સ્વામીશ્રી પાસે વિનંતી કરવા ગયા. અમે વિચારેલો કાર્યક્રમ તેઓને બતાવ્યો. સ્વામીશ્રીએ તરત જ વાતને વધાવી લીધી. આ આદિવાસી વિસ્તારમાં સાધારણ સગવડ પણ ન મળે. સ્વામીશ્રીની એવી સાધારણ સગવડ પણ ન સાચવી શકીએ તો ઉંમરના પ્રભાવને કારણે તેઓનું સ્વાસ્થ્ય જોખમાય એવો વિચાર કરીને અમે તેઓના ઉતારા અંગે જરા અલગ વિચાર કર્યો હતો. એ વિશે અમે તેઓને જણાવતાં કહ્યું: ‘આપે આદિવાસી વિસ્તારમાં ખાંડિયા અમાદર ગામે પધારવાની સંમતિ તો આપી છે, પરંતુ એ આદિવાસી ગામ ખૂબ નાનું છે એટલે ત્યાં પૂરતી વ્યવસ્થા થઈ શકે તેમ નથી. માટે ત્રણેક કિલોમીટર દૂર પાવીજેતપુર ખાતે કંચનભાઈ નામના એક ભક્તના ઘરે આપના ઉતારાની બધી વ્યવસ્થા ગોઠવીશું.’
આ વાત સાંભળતાં જ સ્વામીશ્રી મને કહેઃ ‘અમારી સગવડની તમે કોઈ ચિંતા ન કરશો. આપણે જે વિસ્તારમાં કામ કરતા હોઈએ એ વિસ્તારના હરિભક્તોની લાગણી અને એમનો પ્રેમ આપણી આંખ સામે હોવો જોઈએ. તમે આટલાં વર્ષોથી વિચરણ કરો છો તો હરિભક્તોને લાભ મળે એવું ગોઠવવું. તમને પહેલો વિચાર એ આવશે કે આદિવાસી વિસ્તારમાં સંડાસની સગવડ ન હોય તો સંડાસ ક્યાં જવાનું? પણ જે હરિભક્તને ઘરે ઉતારો હોય ત્યાં પાછળ બે ફૂટ ઊંડો ખાડો કરાવવાનો અને તેના પર લાકડાંનાં બે પાટિયાં મૂકી દેવાનાં. સાઇડમાં ચારેબાજુ કાપડ બાંધી દેવાનું. કાપડ ન મળે તો કંતાન બાંધી દેવું અને પાણીનું માટલું મૂકવું!’
આ રીતે સ્વામીશ્રીએ જ અમારી મૂંઝવણ દૂર કરી ઉકેલ શોધી આપ્યો.
સ્વામીશ્રીની વાત અમે સ્વીકારી તો લીધી, પરંતુ હકીકતે ખાંડિયા અમાદર ગામમાં એવું કોઈ પાકું મકાન પણ નહોતું કે તેમાં સ્વામીશ્રીને એકાદ રાત રહેવાની વ્યવસ્થા આપી શકાય. છતાં અમે ગામમાં તપાસ કરી તો રણછોડભાઈ બારિયા નામના ભક્ત નવું મકાન બાંધી રહ્યા હતા. એમના ઘરે સ્વામીશ્રીના ઉતારાની વ્યવસ્થા કરી શકાય એમ વિચારી અમે ઘર જોવા ગયા. હજુ તો બાંધકામ ચાલતું હતું. માત્ર ચાર દીવાલો અને ઉપર છત હતી. પ્લાસ્ટર નહોતું થયું, નીચે ફ્લોરિંગ નહોતું થયું. કાંકરી પાથરેલી હતી. બારી-બારણાં પણ નહોતાં. એમ લાગ્યું કે સ્વામીશ્રી માટે આ સિવાય બીજે ક્યાંય ઉતારો શક્ય નથી, પરંતુ અહીં સ્થિતિ એવી હતી કે સ્વામીશ્રીને સૂવા માટે લાકડાની પાટ પણ બાજુના ઘરેથી મંગાવી હતી! સ્વામીશ્રીને ઠંડો પવન ન લાગે એટલે બારી ઉપર કંતાન બાંધવાં પડ્યાં. આવી સામાન્ય વ્યવસ્થા હોવા છતાં સ્વામીશ્રી અહીં પધાર્યા.
શિયાળાની કડકડતી ઠંડીનો એ સમય હતો. તા. 2-2-88નો એ દિવસ હતો. કોસીન્દ્રા, ઘેલપુર, જબુગામ, પાવીજેતપુર વગેરે ગામોમાં ઘૂમતાં ઘૂમતાં સ્વામીશ્રી સાંજે 7-30 વાગે ખાંડિયા અમાદર પધાર્યા ત્યારે ગામમાં હરખ સમાતો નહોતો. રણછોડભાઈ બારિયાના નવા બંધાઈ રહેલા ઘરે ઉતારો હતો. મકાનને બારી-બારણાં પણ લાગ્યાં ન હતાં. સ્વામીશ્રી માટે કંતાન લગાવીને સંડાસ-બાથરૂમ તૈયાર કર્યાં હતાં, પરંતુ સ્વામીશ્રીને તો અપાર આનંદ હતો.
રાત્રે અમાદર ફળિયામાં સભા યોજાઈ ત્યારે આજુબાજુનાં વાઘવા, વાલિયા, નાની-મોટી બેજ, ડુંગરવાટ, નાની-મોટી રાસલી, જબુગામ, જેતપુરપાવી, મોટી આમરોલ, મોટી બુમડી, ગડોથ, વાંકોલ, ભેંસાલી, વેદસિયા, કોલિયારી, હીરપરી, કુંડલ, કદવાલ, ખાંડીવાવ, ભીખાપુરા, બાર, નાની સામલ, ગોલાગામડી વગેરે ગામોમાંથી આદિવાસી ભાઈઓ - કોઈક વાહન દ્વારા તો કોઈ ચાલતાં - સ્વામીશ્રીનાં દર્શને ઊમટ્યા હતા.
ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવાએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ‘સ્વામીબાપા અને એમના સંતો આ વિસ્તારમાં સુવિધા ન હોવા છતાં જંગલમાં મંગલ કરવા પોતાની જે શક્તિ રેડી રહ્યા છે એનું વર્ણન થઈ શકે એમ નથી.’
ત્રણ હજારથી પણ વધુ આદિવાસીભાઈઓની ઉપસ્થિતિથી સભામંડપ છલકાતો હતો. કડકડતી ઠંડી હતી. અંતે આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ‘આપણે ભલે પછાત છીએ પણ આ સંસ્કારો મેળવ્યા એની ભગવાનને મન મહત્તા છે. ભગવાનને નાનો-મોટો એવો કોઈ ભેદ નથી. ભજે એના ભગવાન છે. શબરીને ત્યાં આવીને ભગવાન રહ્યા જ હતા ને! આપણે એમની સન્મુખ જેટલા ચાલીએ એનાથી અનંતગણા આપણી સામે તેઓ ચાલે છે. શુદ્ધ અંતરનો ભાવ આપો તો એ રાજી થઈ જાય છે. આપણે ભલે પછાત છીએ પણ જો વિચારો સારા હશે તો ઉજળિયાત કરતાં પણ સુખ-શાંતિ વધારે થશે. આપણે મનમાં લઘુતા ન માનવી. આપણે મોટા જ છીએ. ભગવાનને મન બધા મોટા જ છે.’
સ્વામીશ્રીના એ આશીર્વાદથી એ પછાત ભાઈઓના રોમરોમમાં અસ્મિતાનો આનંદ ઊછળી રહ્યો હતો.
એ આનંદ સાથે આદિવાસીઓએ નૃત્યો કરીને પોતાના આ પ્રાણપ્યારા તારણહારને વધાવ્યા. સૌનો ઉમંગ સમાતો નહોતો. એ ઉમંગમાં ને ઉમંગમાં મધરાતે 12-35 વાગ્યે સભા પૂરી થઈ. સ્વામીશ્રી આરામમાં પધાર્યા ત્યારે તો ઘડિયાળનો કાંટો મધરાતના 1-00ને વટી ગયો હતો!
બીજાના સુખ માટે સ્વામીશ્રીએ આટલી જૈફ વયે આટલો બધો ભીડો વેઠ્યો? એ વિચારતાં સૌ ગળગળા થઈ ગયા હતા. જો કે સ્વામીશ્રીને મન તો આ ભીડો એ જ જાણે ભક્તિ હતી!
સવારે નિત્યક્રમમાં તેમના કહેવા પ્રમાણે સંડાસની વ્યવસ્થા કરી હતી ત્યાં નિત્યવિધિ પતાવી. સ્નાન કરવા માટે બાથરૂમ પણ નહીં એટલે ઘરની બહાર ઓટલા પર સ્નાન કરવા બિરાજ્યા. એક ગાડા પર સિન્ટેક્સની ટાંકી મૂકેલી, એમાંથી બેની પાઇપ જોડી એ પાણી પિત્તળની તાંબા-કુંડીમાં આવે અને એ પાણીથી સ્વામીશ્રીએ શિયાળાના ઠંડા વાયરા વચ્ચે ખુલ્લામાં સ્નાન કર્યું. પ્રાતઃપૂજા પણ બાજુના ઘરની ઓસરીના ઓટલા ઉપર કરી.
એક હરિભક્તે પ્રાતઃ પૂજામાં સ્વરચિત કીર્તન ગાયું, ‘બાપા આવ્યા અમારા ડુંગરામાં...’
સ્વામીશ્રી કહેઃ ‘જો ડુંગરામાં બહુ મજા છે. આ લોકોનો પ્રેમ છે એટલે આપણે ડુંગરામાં પણ મજા છે!’
આ રીતે આદિવાસી વિસ્તારમાં વસતા હરિભક્તોને પણ સ્વામીશ્રીએ પોતાના માન્યા છે. વ્યવસ્થા હોય કે ન હોય ! પોતાના દેહની પરવા કર્યા વિના અનેક અગવડો વેઠીને સ્વામીશ્રીએ હરિભક્તોના મનોરથ પૂરા કર્યા છે.