એક વખત મેં ઘણા સમયથી મનમાં રમતી વાત નિખાલસપણે સ્વામીશ્રી પાસે રજૂ કરી દીધી : 'બાપા! પહેલાં મારે અણસમજ હતી. અને તેથી આપનો ખૂબ દ્રોહ કર્યો છે. 'બંડિયા છે, લોકોને ધૂતે છે, પોતે ભગવાન થાય છે' આવું હું બધાને કહેતો. અને એવાં કટિંગ પુસ્તકો કે છાપામાં આવે તે ભેગાં કરીને બતાવતો, છતાં મને કૃપા કરીને આપના ખોળામાં લઈ લીધો, અને સાધુ પણ કર્યો, મારા પર ખૂબ કૃપા કરી. તો હવે પહેલાંનું_ માફ કરજો...' મારી આંખમાં આંસુ આવી ગયાં, તે જોઈ સ્વામીશ્રી પણ ભાવાર્દ્ર થઈ ગયા. માથે હાથ મૂકી પ્રેમથી કહે : 'એ ભૂલી જવું. યોગીબાપા બેધારી તલવાર જેવા હતા. તમે એમનું_ જાણે-અજાણે, જ્ઞાનથી- અજ્ઞાનથી નામ લીધું તેમાં આ કામ થઈ ગયું. હવે ભૂલી જવાનું_. સત્પુરુષ દયાળુ છે, બધું માફ કરી દે છે....' સ્વામીશ્રી બોલતા રહ્યા ને હું તેમનાં ચરણ ભીંજવતો રહ્યો...
સ્તુતિ અને નિંદાથી પર હોય તેમને એવું 'જાણપણું' પણ નથી હોતું કે 'દ્રોહીને ય ખોળે લઉં છું'. કરુણાની આથી વધુ ઊંચાઈ કઈ હોઈ શકે ?