‘ધર્મ એ માત્ર અભણ, ગમાર અને અંધશ્રદ્ધાળુઓનો વિષય છે.’ - આમ માનતી બુદ્ધિમંતો અને સુશિક્ષિતોની નવી જમાતો ધર્મની આભડછેટ રાખતી હતી - એવા સમયની આ વાત છે. 20મી સદી હજુ ઊઘડી રહી હતી. બ્રિટિશ શાસન હેઠળ સુધારાવાદી ચળવળોએ જોર પકડ્યું હતું. એવા સમયે પ્રખર બુદ્ધિમંતો, તર્કશીલો અને પ્રખર સુશિક્ષિત પ્રતિષ્ઠિતોની હારમાળા શાસ્ત્રીજી મહારાજનાં ચરણોમાં મસ્તક નમાવીને શિષ્યભાવે એમનો જયજયકાર કરી રહી હતી. એવા પ્રખર બુદ્ધિમંતોમાંના એક હતા ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રોફેસર શ્રી જેઠાલાલ ચીમનલાલ સ્વામિનારાયણ.
અમદાવાદની પ્રસિદ્ધ કડવા પોળના કડવા પાટીદાર પરિવારમાં શેઠ ચીમનલાલ હરિવલ્લભ-દાસને ત્યાં તા. 29-8-1884ના રોજ તેમનો જન્મ. શ્રી ચીમનલાલ અમદાવાદના કાલુપુર ખાતેના સ્વામિનારાયણ મંદિરના આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજના સલાહકાર હતા. સ્વામિનારાયણ સંપ્રદાય તેમને ગર્ભશ્રીમંત પરિવારમાંથી વારસામાં મળ્યો હતો.
19મી સદીના અંત ભાગમાં અમદાવાદના કડવા પાટીદારો અમદાવાદની ભાગોળમાં ખેતી કરીને નિર્વાહ કરતા હતા, તેવા સમયે જેઠાલાલ જેવા કેટલાક પાટીદારપુત્રો એવા હતા, જેમણે સુધારાવાદી શિક્ષણની દિશા પકડી હતી. જેઠાલાલે ગણિતમાં આગવું કાઠું કાઢ્યું હતું. જેઠાલાલને ગણિતની લગની લાગી હતી. અને તેમણે એ હદે ગણિતમાં સિદ્ધિઓ મેળવી હતી કે તત્કાલીન સંદેશ વર્તમાનપત્રના તંત્રી લેખમાં લખવામાં આવ્યું હતું : ‘આખા ઇલાકામાં ડૉ. પરાંજપે પછી બીજા નંબરે કોઈ ગણિતશાસ્ત્રીજી હોય તો શ્રી સ્વામિનારાયણ હતા.’ (સંદેશ, તા. 26-6-1941)
જેઠાલાલ પુણે જઈને ગણિતજ્ઞ રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે જેવા પ્રખર ગણિતજ્ઞ પાસે ગણિતનાં રહસ્યો ભણ્યાં. આથી શરૂઆતમાં ગુજરાત વિદ્યાપીઠમાં અને ત્યાર બાદ ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાપક તરીકેની તેમની ઉજ્જ્વળ કારકિર્દી શરૂ થઈ ગઈ. જેઠાલાલની હથોટીમાં એક તરફ ગણિત હતું, તો બીજી તરફ સંસ્કૃત હતું. સંસ્કૃતમાં એમ. એ. થયેલા જેઠાલાલ અમદાવાદના તે સમયના પ્રખર સંસ્કૃતજ્ઞ વિદ્વાનોમાં પણ મૂર્ધન્ય હતા. પરંતુ તેમણે ગણિતને જ પોતાની કારકિર્દીનું માધ્યમ બનાવ્યું હતું.
વિદ્વત્તાના ક્ષેત્રે આવી યશસ્વી કારકિર્દી હોવા છતાં, સન 1908માં બંગભંગની ચળવળ ચાલી ત્યારથી, માત્ર 22 વર્ષની ઉંમરે જેઠાલાલનું લક્ષ્ય સ્વતંત્રતા અને સ્વદેશ સેવા તરફ કેન્દ્રિત થવા લાગ્યું હતું. ધીમે ધીમે દેશસેવાની લગનીથી થનગનવા લાગ્યા હતા. એ અરસામાં સન 1921માં નાગપુર ખાતે કૉંગ્રેસ અધિવેશનમાં સરકારનો ત્રિવિધ બહિષ્કાર કરવાનો ઠરાવ થયો. તે ઠરાવ અનુસાર જેઠાલાલે તેમના આ ઉચ્ચ હોદ્દાનું રાજીનામું આપી દીધું. ‘સંદેશ’ના તંત્રીએ તેની નોંધ લેતાં લખ્યું છે : ‘ગુજરાત કૉલેજની ઘણી જ પ્રતિષ્ઠિત નોકરીનો ત્યાગ કરીને દેશને ખાતર તેમણે ભેખ લીધો હતો. તેમનું બલિદાન કાંઈ સાધારણ ન હતું. ઇલાકાની ગમે તે કૉલેજમાં તેમને ખૂબ જ માનવંત નોકરી મળે તેમ હતું, પરંતુ સરકારી કોલેજો સાથેનો સંબંધ છોડીને તેમણે ગમે તેવી આર્થિક મુસીબતોને પણ અપનાવવામાં પોતાનું અહોભાગ્ય માન્યું હતું. ઠેઠ અવસાનની ઘડી સુધી તેમણે સરકારનો છાંયડો ત્યાજ્ય માન્યો હતો. એક પ્રોફેસર તરીકે અને એક વિદ્ધાન તરીકે તેમની કારકિર્દી અજોડ હતી. તેમના જેવું ભેજું ગુજરાતમાં જડે તેમ નથી. એટલા પ્રખર ગણિતશાસ્ત્રીજી હોવા છતાં તેઓ જાહેર જીવનમાંથી જરા પણ અલગ ન હતા.’ (સંદેશ, તા. 26-6-1941)
બીજી તરફ જેઠાલાલની રાજકીય કારકીર્દી ઘડાઈ રહી હતી. પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપ્યા બાદ તેઓ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બાર વર્ષ સુધી સભ્ય રહ્યા. પ્રખર બુદ્ધિશાળી, તર્કવાદી અને દેશ માટે જુસ્સાથી જીવનારા જેઠાલાલની એક આગવી પ્રતિભા અહીં પણ સૌને પ્રભાવિત કરતી હતી. શ્રીમતી લીલાવતી મુનશીએ એમનાં ‘રેખાચિત્રો’ પુસ્તકમાં લેજિસ્લેટિવ કાઉન્સિલના એક દિવસની કાર્યવાહી વર્ણવી છે. (પૃ. 207, 208) એ વર્ણનમાંથી જેઠાલાલની નખશિખ છબી ઊપસે છે. આ રહ્યું એ તાદૃશ વર્ણન :
‘પીટીટ પછી બોલ્યા શિવદાસાની. ઠરાવ હતો સાયમન કમિટીનો, પણ બોલ્યા ઘણુંખરું બારડોલી ઠરાવ ઉપર. તેમના પછી વારો આવ્યો રાજમાન સ્વામિનારાયણનો. આ રાજમાન સ્વામિનારાયણને કોણ નથી ઓળખતું ? એમના બોલ ને એમની બોલવાની રીત, એમનો વેશ અને તે પહેરવાની રીત, એમના વિચારો ને તે દર્શાવવાની રીત, એ સૌ કોઈ કવિના શબ્દમાં ‘અનેરા’ કહી શકાય. ચરોતરના પ્રદેશની સઘળી સંસ્કૃતિના એમને મૂર્તિમાન અવતારરૂપ ગણી શકાય. એથી વધારે ઓળખાણ કોઈને જોઈએ તો તેઓ એકવાર ગણિતના પ્રોફેસર હતા અને જ્યારે તેઓ કૉલેજમાં હતા ત્યારે નાહવાની ઓરડીની ભીંતો પણ ગણિતના દાખલાઓથી ભરી મૂકતા, એવી એમની ગણિતભક્તિ હતી. તેઓ જ હાલ પક્ષના, હાલ કાઉન્સિલમાં સ્વરાજ-પક્ષ તરફથી બિરાજે છે.’
જેઠાલાલની લેજિસ્લેટિવ કાઉન્સિલની એ છટાની વાત કહેતાં ‘સંદેશ’ના તંત્રી નોંધે છે : ‘મુંબઈ ધારાસભામાં જ્યારે તેમના પ્રશ્નોની તોપબાજી શરૂ થતી ત્યારે ભલભલા કાબેલ સભ્યો પણ મુગ્ધ થઈ જતા હતા. તેમજ આમજનતા સમક્ષ તેઓ રાષ્ટ્રવાદી ભાષણો કરીને ઘણો જ સંગીન પ્રચાર કરી શક્તા હતા. તેમની વક્તૃત્વ શક્તિ સરળ અને આમ જનતાને સહેલાઈથી સમજાય તેવી હતી.’ (સંદેશ, તા. 26-6-1941)
તેમના ઘનિષ્ઠ પરિચયમાં આવનાર જાણીતા લેખક રણજિત પટેલ ‘અનામી’ પ્રબુદ્ધ જીવનમાં લખે છે : ‘ઓલિયા જેવા નિરભિમાની સમાજસેવક, સંસ્કૃતના વિદ્વાન ને મહાન ગણિતજ્ઞ, જેમણે કડીની રાષ્ટ્રીય સંસ્થાની શરૂઆતથી તેમાં ઓતપ્રોત બની, પ્રથમ વીસીના ઉપપ્રમુખ-પ્રમુખ તરીકે સંસ્થાના સંગઠનને યોજવામાં, સંસ્કારવામાં ને સુદૃઢ બનાવવામાં અગ્રિમ ભાગ ભજવેલો... વર્ષો પૂર્વે તેમણે ‘પરાક્રમી પૌરવ યાને ભારતનું ગૌરવ’ તથા ‘મહારાણા હમીરસિંહ’ નામનાં નાટકો લખેલાં, જે પ્રગટ થયેલાં છે. ગુજરાતી સાહિત્યના ઓછા અભ્યાસીઓને આની જાણ હશે. મને પ્રો. સ્વામિનારાયણનું ‘સ્વદેશ સેવાષ્ટકમ્’ નામનું સંસ્કૃત કાવ્ય મળ્યું છે. જેમાં તેમની ઉગ્ર રાષ્ટ્રભક્તિનું દર્શન થાય છે. બંકિમબાબુના ‘આનંદમઠ’માં અને ટાગોરની ‘ઘરે બાહિરે’ નવલકથામાં જે રાષ્ટ્રભક્તિનું દર્શન થાય છે તેવી જ ભક્તિ આ અષ્ટકમાં નિરૂપાઈ છે. ભુલાઈ જતા એક સંસ્કારી રાષ્ટ્રપ્રેમીની સ્મૃતિને તાજી કરવામાં આ અષ્ટક નિમિત્ત બનશે.’
તા. 4-1-1926ના રોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કડીના ‘સર્વ વિદ્યાલય’ની મુલાકાત લીધેલી ત્યારે પ્રો. સ્વામિનારાયણને મળવાનું ખાસ માન આપેલું. તેમાં મહારાજાની માનવ-ઝવેરાતને પરખવાની વિશિષ્ટ શક્તિ સાથે પ્રો. જેઠાલાલના અનેરા વ્યક્તિત્વનું પણ દર્શન થાય છે.
આ બધી વિવિધ પ્રવૃત્તિઓની વચ્ચે જેઠાલાલ અમદાવાદમાં હિંદુ મિશનના પ્રમુખ પણ રહ્યા અને હિંદુસભાનું કાર્ય પણ કર્યું. તેઓના વિચારોમાં આર્ય સમાજના સંસ્કારની પૂરી અસર હતી. વળી, રાજકીય ક્ષેત્રો પણ સેવા કરવાની ધગશ અપૂર્વ હતી. એટલે ખેડૂતોના મહેસૂલમાં વધારો થયો તે રદ કરાવવા તેમણે વીરમગામ તાલુકામાં પણ ઘણી જ મહેનત કરી અને તેમાં સફળ થયા. ખેડૂતોની આ સેવા પછી તેમણે સન 1931માં ધરાસણાના સત્યાગ્રહમાં જેલવાસ પણ ભોગવ્યો.
દેશસેવા માટે લોકજાગૃતિ અર્થે ગામોગામ ફરતાં ફરતાં શરીર પ્રત્યે બેધ્યાન થયેલા જેઠાલાલને, જેલવાસ દરમિયાન મધુપ્રમેહનો રોગ લાગુ પડ્યો. એક તરફ સાંસારિક ઉપાધિઓ અને બીજી તરફ જેલવાસ. એમાં વળી તેઓ કંપવાના દર્દી બન્યા. તેમનું શરીર સાવ નંખાઈ ગયું. જીવવાની કોઈ આશા રહી નહોતી. જેઠાલાલના મોટા પુત્ર શાંતિલાલ એ દિવસોને યાદ કરતાં લખે છે : ‘1933માં બીજા સાંસારિક આઘાતોને લીધે તેમનું શરીર તદ્દન ખલાસ થઈ ગયું. શરીરમાં કંપ શરૂ થયો. તેમને બોલાવીએ તો પા કલાકે ‘હા’ કે ‘ના’ કહી શકે.’
આવા સંજોગોમાં અચાનક જ, જેઠાલાલના જીવનમાં વળાંક આવ્યો. શાંતિલાલને અમદાવાદના તે સમયના જાણીતા કેળવણીકાર વિનાયકભાઈનો યોગ થયો. શાંતિલાલે તેમની પાસેથી સાંભળ્યું કે મહાન સંત શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી તેમનું સ્વાસ્થ્ય સારું થયું હતું. આથી, તેમના કહેવાથી શાંતિલાલે શાસ્ત્રીજી મહારાજની ભાળ કાઢી, અને તેઓ અમદાવાદ પાસે નાયકા ગામે આશીર્વાદ લેવા પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજનાં દર્શનથી જ શાંતિલાલને પ્રતીતિ થઈ ગઈ કે આ તો મહાન સંતવિભૂતિ છે. તેમણે આર્દ્રભાવે પિતા સંબંધી તમામ હકીકત કહીને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ માંગ્યા. સ્વામીશ્રીએ કહ્યું : ‘શ્રીજી મહારાજ સારું કરી દેશે. તમે હમણાં અમારી સાથે ફરો !’
થોડા દિવસ શાસ્ત્રીજી મહારાજ સાથે ગામડાંઓમાં ફરી, શાંતિલાલભાઈ તેઓની સાથે જ અમદાવાદ આવ્યા અને સ્વામીશ્રીએ તેમને ઘેર પધરામણી કરી. સ્વામીશ્રીએ પ્રોફેસર તરફ દૃષ્ટિ કરી, વર્તમાન ધરાવ્યા અને કહ્યું : ‘તમે જેવી દેશસેવા કરી છે તેવી સત્સંગસેવા કરો તો મહારાજ સારું કરે.’ એમ કહી સંસ્કૃતમાં અક્ષરપુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ રચવાની તેમને આજ્ઞા કરી. માંડ માંડ બોલી શકાય, ઊભા પણ ન થઈ શકાય અને કલમ પણ પકડી ન શકાય, એ સ્થિતિમાં અક્ષરપુરુષોત્તમ ચરિત્રનો સંસ્કૃત ગ્રંથ શી રીતે થઈ શકે ? પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને આશીર્વાદ આપતાં કહ્યું : ‘તમે હા કહો, તમારું શરીર સારું થશે અને તમારો વહેવાર અમે ચલાવીશું !’
પ્રોફેસરે હા કહી અને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ વરસી ગયા. ચમત્કાર થયો. શાંતિલાલભાઈ લખે છે : ‘આ પછી 18 જ દિવસમાં મારા પિતાનું 20 શેર (રતલ) વજન વધી ગયું. દસમા દિવસે 7 માઈલ ચાલતા થયા !’ (‘પ્રકાશ’, 1951, ઓગસ્ટ, પૃષ્ઠ : 439)
ડૉક્ટરો અને હકીમો તો આ ઘટના માનવા તૈયાર નહોતા, પરંતુ સ્વયં જેઠાલાલ પણ આ ચમત્કાર માનવા તૈયાર નહોતા ! જેઠાલાલને લાગ્યું, આ મારો નવો જન્મ છે. અને નવો જન્મ હવે શાસ્ત્રીજી મહારાજને કાજે જ સમર્પિત હોય. આથી મરણશૈયા પરથી બેઠા થયેલા જેઠાલાલે કલમ હાથમાં પકડી. તા. 1-7-1935ની એ પ્રભાત હતી. શાસ્ત્રીજી મહારાજના પ્રાતઃસ્મરણ સાથે જ શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજની છબી હૃદયપટ પર તરવરી ઊઠી. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણની એ યુગલ મૂર્તિનાં ચરણોમાં મસ્તક ઝુકાવતાં જેઠાલાલના હૈયેથી દિવ્ય પ્રેરણાનો પ્રવાહ વહેવા લાગ્યો. કલમેથી શ્લોક સરી પડ્યો :
मुमुक्षु जीवोद्धारणाय शाश्वतं महीतलेत्त्स्मिन्-अवतीर्णमीश्वरम्।
अनन्तशक्तिं प्रकटं दयामयं ननामि तं साक्षर-पुरुषोत्तमम् ॥
‘મોક્ષની ઇચ્છાવાળા જીવોના ઉદ્ધાર માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરનાર, અનંત શક્તિવાળા, પ્રકટ પ્રમાણ, દયાથી ભરેલા, શાશ્વત અને મહા શક્તિશાળી ઐશ્વર્યવાળા એવા અક્ષર સહિત પુરુષોત્તમને હું નમસ્કાર કરું છું.’
અક્ષરપુરુષોત્તમ ચરિતમની એ મંગલ શરૂઆત હતી. પછી તો એ કલમ વહેતી જ રહી.
પ્રો. શાંતિલાલ સ્વામિનારાયણ ગ્રંથરચનાનાં સંસ્મરણો લખતાં એક વધુ ચમત્કારની વાત કહે છે : ‘શાહપુર ટ્યૂટોરિયલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ચૌહાણનાં માતુશ્રી મહામુક્ત જેઠીબાને સમાધિ થતી. આ સમાધિ સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજીની કૃપાથી થતી. મારા પિતાશ્રી પ્રસ્તુત ગ્રંથના નવા લખેલાં શ્લોકો અને કીર્તનો તે સમયે ગાતાં. સરજુ કરીને એક અભણ છોકરીને સમાધિ થતી. તેમાં સમાધિ દ્વારા શાસ્ત્રીજી મહારાજ શ્લોકની વ્યાકરણ વિષયક ભૂલો કાઢતા !’ (‘પ્રકાશ’, 1951, આૅગસ્ટ, પૃષ્ઠ : 440)
શાસ્ત્રીજી મહારાજને પ્રસન્ન કરવા જેઠાલાલે દિન-પ્રતિદિન ‘અક્ષરપુરુષોત્તમ ચરિતમ્’ લખવામાં ધ્યાન કેન્દ્રિત કરી દીધું. જે રીતે ગ્રંથ રચાવા લાગ્યો તે જોતાં જેઠાલાલ અનુભવતા હતા કે આ એક ચમત્કાર જ છે. તેઓ લખે છે : ‘શાસ્ત્રીજીની આજ્ઞાનુસાર મેં ‘અક્ષરપુરુષોત્તમ ચરિત’ નામનો ગ્રંથ સંસ્કૃતમાં રચવા માંડ્યો છે, તે ગ્રંથના 6000 હજાર શ્લોક રચાયા છે. શ્રીજીમહારાજ લોજમાં પધાર્યા ત્યાં સુધીનું તેમનું ચારિત્ર્ય લખાયું છે. આવી રીતે જેના જીવનનો અન્ત આવવાની તૈયારી હતી તેનું જીવન પોતાની અન્યથાકર્તું શક્તિ વાપરી ને લંબાવવામાં શ્રીજીમહારાજે પોતાનું અથાગ મહાત્મ્ય બતાવી આપ્યું છે. મ્હારો મુખ્ય અભ્યાસ ગણિતશાસ્ત્રનો હોવા છતાં મ્હારી પાસે પ્રેરણા કરી પોતાનાં દિવ્ય ચરિત્રોનું ગાન ગીર્વાણ ભાષામાં કરાવી રહ્યા છે, આ ચમત્કાર જેવો તેવો નથી. આવા મ્હારા પ્રત્યક્ષ અનુભવથી હું છાતી ઠોકીને કહી શકું છું કે અત્યારે સત્સંગમાં શ્રીજીમહારાજ શાસ્ત્રીશ્રી યજ્ઞપુરુષદાસજીની મારફત પ્રત્યક્ષ વિચરી રહ્યા છે.’ (લી. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી, ભાગ-1, પૃષ્ઠ : 332, પત્ર તા. 12-7-37)
થોડા સમય પછી પુનઃ જેઠાલાલ એ જ વાતનો ઉચ્ચાર કરતાં લખે છે : ‘મારા જીવનની આ પરિવર્તનની પળ હતી. હું શારીરિક અને માનસિક રીતે ભાંગી ગયેલો હોવા છતાં તરત જ એક શક્તિશાળી કાર્યકર્તા બની ગયો. મેં અક્ષરપુરુષોત્તમ મહારાજનો મહિમા દર્શાવતા લગભગ દશ હજાર શ્લોકો આજ સુધીમાં લખ્યા છે. મારું જીવન પણ દિવસે દિવસે અભ્યુદયને માર્ગે વળ્યું છે. શેઠ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજમાં મને પ્રોફેસરનું માનવંતું પદ મળ્યું છે. ગુજરાત કૉલેજ સરકારી કૉલેજ હોવાથી 1921માં આ સ્થાન ખેડૂતોની સેવા માટે છોડ્યું હતું. પ્રૅફેસર તરીકેની ફરજો ઉપરાંત હું દિવ્ય સંતપુરુષની ઇચ્છાનુસાર ભગવાનનું કાર્ય કરી રહ્યો છું.’
જેઠાલાલ જેમ જેમ શ્લોકો રચતા જાય તેમ તેમ શાસ્ત્રીજી મહારાજ પાસે તેઓ વાંચતા જાય. એ સાંભળતાં શાસ્ત્રીજી મહારાજ હરખાઈ ઊઠે. અમદાવાદમાં કાશીવિશ્વનાથના મંદિરે કે મુંબઈની સૂર્યનારાયણની વાડીમાં, કે અન્ય કોઈ સ્થળે પારાયણ હોય ત્યારે શાસ્ત્રીજી મહારાજ અચૂક જેઠાલાલને બોલાવીને તેમની પાસે ગ્રંથની પારાયણ કરાવે.
સન 1936(સંવત 1992)ના અધિક ભાદરવા માસમાં અમદાવાદના હરિભક્તોની વિનંતીથી શાસ્ત્રીજી મહારાજે સત્સંગિજીવનનું પારાયણ યોજ્યું હતું. શહેર બહાર સાબરમતીના તટ ઉપર કાશી વિશ્વનાથના મંદિરમાં આયોજિત એ પારાયણમાં શ્રીજીસ્વરૂપદાસ સ્વામી કથાનો લાભ આપતા. સાંજે છ વાગ્યે શાસ્ત્રીજી મહારાજ કથામૃત વરસાવતા. ત્યારબાદ તેઓની આજ્ઞાથી જેઠાલાલ તે જ આસન પર બેસી અક્ષરપુરુષોત્તમ ચરિતમ્માંથી અધ્યાય વાંચતા. જે આસન પર શાસ્ત્રીજી મહારાજ કથા કરવા બિરાજતા, તે જ આસન પર જેઠાલાલને કથા કરતા જોઈને અમુક હરિભક્તોને આ ગમ્યું નહીં. તે સૌ વતી બબુભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને ફરિયાદ કરતાં કહ્યું, ‘આ પ્રોફેસર તો આપની પણ મર્યાદા રાખતા નથી. આપના જ આસન પર બેસીને કથા કરે છે ! આ યોગ્ય ન કહેવાય.’
શાસ્ત્રીજી મહારાજ બબુભાઈને ઠપકો આપતાં કહ્યું, ‘પ્રોફેસર અક્ષરપુરુષોત્તમ મહારાજનાં ચરિત્રોની કથા કરે છે ! આવી કથા તો મારા આસન પર શું, મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે !’
બબુભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. અક્ષરપુરુષોત્તમના પ્રખર ઉપાસક શાસ્ત્રીજી મહારાજ તથા જેઠાલાલની અક્ષરપુરુષોત્તમ નિષ્ઠા પ્રત્યે તેમનું મસ્તક ઝૂકી પડ્યું.
હા, શાસ્ત્રીજી મહારાજની કૃપાથી એક કડવા પાટીદાર જેઠાલાલ શાસ્ત્રકાર બન્યા, કથાકાર બન્યા, કવિ બન્યા, અને પ્રચારક પણ બન્યા હતા ! શાસ્ત્રીજી મહારાજનો અપ્રતિમ અને અજોડ પ્રભાવ જેઠાલાલના રોમરોમે વ્યાપી ગયો હતો. શાસ્ત્રીજી મહારાજના અજોડ મહિમાની વાત આખા જગતમાં પ્રવર્તવી જોઈએ, એવા મક્કમ સંકલ્પ સાથે જેઠાલાલ કંઈક કરી છૂટવા અહોરાત્ર થનગનતા હતા. આથી તેમણે વર્તમાનપત્રોમાં તેમની કલમ વહાવવા માંડી. તે સમયના પ્રજાબંધુ, સંદેશ, ગુજરાત સમાચાર વગેરે વર્તમાનપત્રોમાં શાસ્ત્રીજી મહારાજના પ્રભાવથી થતી દિવ્ય સમાધિ વિષયક લેખો તેમણે આપવા માંડ્યા. સ્વામિનારાયણ પ્રકાશમાં પણ અદ્ભુત ચિત્રાત્મક વર્ણન અને નક્કર પ્રમાણો સાથે જેઠાલાલે તેમની કલમ વહાવવા માંડી. તેના કારણે હજારો મુમુક્ષુઓ સમાધિનાં દર્શને આવવા લાગ્યા.
શાસ્ત્રીજી મહારાજનાં દર્શને ઊમટતી ભક્તમેદની જોઈને પ્રોફેસર સાહેબની છાતી ગજગજ ફૂલવા લાગતી. એવા એક પ્રસંગનો અહેવાલ લખતાં તેઓ નોંધે છે :
‘પૂજ્યપાદ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ યજ્ઞપુરુષદાસજીએ અક્ષરપુરુષોત્તમનાં મોટાં વિશાળ ગગનચુંબી મંદિરો બાંધવા માંડ્યાં ત્યારે કેટલાક માણસો એવો આક્ષેપ કરતા કે આવડાં મોટાં મંદિરોની શી જરૂર છે ? તે વખતે શાસ્ત્રીજી મહારાજ પોતાની સચોટ શૈલીમાં કહેતા કે આ મંદિરમાં એટલા બધા હરિભક્તો આવશે કે તેમને ઊભા રહેવા માટે પણ તલભાર જગ્યા નહીં જડે ! આ વચન અક્ષરશઃ સત્ય થયેલું જોયું.