અક્ષરબ્રહ્મનાં ચાર સેવા કાર્યો
અક્ષરબ્રહ્મના આ સમગ્ર નિરૂપણને ધ્યાનથી જોતાં તેના ચાર વિભિન્ન સેવા કાર્યો તરી આવે છે. એક તો સર્વકારણ, સર્વવ્યાપક તથા સર્વાધારપણે રહેવું તે. જેના માટે ભગવાન સ્વામિનારાયણે 'ચિદાકાશ' એવો શબ્દ વાપર્યો છે. (વચ. ગ.પ્ર. ૪૬) બીજું છે ધામરૂપે પરમાત્મા તથા અનંતકોટિ મુક્તોને ધારણ કરી રાખવા તે. જેના માટે ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામ, બ્રહ્મધામ, બ્રહ્મપુર જેવા શબ્દો વાપર્યા છે. (વચ. સા.૧, ગ.પ્ર. ૬૩, કા. ૮ વગેરે). ત્રીજું છે એ જ અક્ષરધામમાં મૂર્તિમાન પુરુષાકૃતિ થકા પરમાત્માની સેવામાં રહેવું તે. જેની વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના ૨૧મા વચનામૃતમાં કહી છે - 'અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે.'(વચ. ગ.પ્ર. ૨૧) અને ચોથું આ લોકમાં પરમાત્માની ઇચ્છાથી મુમુક્ષુઓનું અજ્ઞાન ટાળવા, તેમને બ્રહ્મરૂપ કરવા, પુરુષોત્તમનારાયણનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરાવવા તથા પરમાત્માના પ્રગટપણાનો અનુભવ કરાવવા મનુષ્યરૂપે અવતરવું તે. આ વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના ૭૧મા વચનામૃતમાં કહી છે - 'ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે.'(વચ. ગ.પ્ર. ૭૧) આમ અક્ષરબ્રહ્મ તત્ત્વતઃ એક જ હોવા છતાં તેમનાં વિભિન્ન કાર્યોને આધારે તેમનાં ચાર સ્વરૂપોનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવે છે.
હા, એટલે જ તો મહર્ષિ અંગિરાએ પણ એક જ મંત્રમાં અક્ષરબ્રહ્મની આ ચારેય પ્રકારે કીર્તિ ગાઈ છે. તેમણે કહ્યું, ‘आविः सन्निहितं गुहाचरं नाम महत्पदम् अत्रैतत् समíपतम्। एजत् प्राणन्निमिषत्व्च।’ અર્થાત્ હે શૌનક! ખરેખર, આ અક્ષરબ્રહ્મ ‘आविः’ કહેતાં આવિર્ભૂત થઈ શકે છે. પ્રગટ થઈ શકે છે. વળી, એજ ‘सन्निहितं गुहाचरं’ દરેક દેહધારીઓની હૃદયરૂપી ગુહામાં રહેલું હોઈ સર્વની સમીપે રહે છે. વળી, એજ અક્ષરબ્રહ્મ ‘महत् पदम्’ છે, કહેતાં એક સર્વોત્કૃષ્ટ સ્થાનરૂપે પણ રહે છે. એટલું જ નહીં પણ ‘अत्र एतत् समíपतम्’ એટલે કે ‘अत्र’ અર્થાત્ એ જ અક્ષરધામમાં ‘एतत्’ એટલે એજ અક્ષરબ્રહ્મ ‘समíपतम्’ એટલે કે પુરુષોત્તમનારાયણની સેવામાં સમર્પિત પણ છે! વળી હે શૌનક! પરમાત્માની પરમ સેવામાં પરાયણ એવું આ અક્ષરબ્રહ્મ ‘एजत् प्राणन्निमिषत्व्च’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૧) અર્થાત્ હાલે-ચાલે છે, શ્વાસ લે છે અને આંખો પણ પટપટાવે છે! કહેવાનું તાત્પર્ય એ છે કે, તે નિરાકાર કે નિરિન્દ્રિય નથી પરંતુ સદા સાકાર અને દિવ્ય કરચરણાદિક સકલ ઇન્દ્રિયે યુક્ત જ છે. વળી, હાલે-ચાલે છે, શ્વાસ લે છે વગેરે શબ્દોથી પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુનો પણ અહીં મહિમા ગવાયો છે.
આ રીતે બ્રહ્મવિદ્યામાં અવશ્યપણે જાણવા યોગ્ય બે દિવ્ય તત્ત્વો - અક્ષર અને પુરુષોત્તમ, એમાંથી પહેલાં અક્ષર તત્ત્વનું સ્વરૂપ અહીં આપણે વિશદતાથી જોયું. હવે સર્વાતીત અલૌકિક પુરુષોત્તમનારાયણનું સ્વરૂપ સમજાવે છે.