અસ્મિતાનો ચતુર્થ અમૃત કુંભ - સંપ્રદાયનાં ભવ્ય મંદિરો
સ્વામિનારાયણ ભગવાને જીવનકાળ દરમ્યાન છ ભવ્ય મંદિરો નિર્માણ કર્યાં અને એક આગવી પરંપરાનો પ્રારંભ કર્યો.
ગુજરાતી સાહિત્યના મહાકવિ દલપતરામે સ્વામિનારાયણીય મંદિરોની વિશેષતા વર્ણવતાં લખ્યું છે:
‘બોલ્યા મુનિજન જોઈને, નવા શિલ્પ વિદ્વાન;
નવા પ્રભુ શિખરો નવાં, નવે નવું જ નિદાન;
નવા વિદ્વાન નવા પ્રભુ એહ, નવા શિખરોની નવી વિધિ તેહ;
થશે ચતુરાનન દેખ તલીન, નવીન નવીન નવીન નવીન.’
આ પંક્તિઓમાં અહોભાવ કે અભિપ્રાય નથી, પણ લાખોની અનુભૂતિ કવિએ કંડારી છે.
આ સ્વામિનારાયણીય મંદિરોના સભામંડપની અજોડ વિશેષતા વર્ણવતાં કવિવર ન્હાનાલાલે કહ્યું છે: ‘ઊડતા પંખીનો જ્યાં પડછાયોયે ન પડ્યો હોય તેને શાસ્ત્રમાં કુંવારિકા ભૂમિ કહી છે. એમ અમદાવાદ શહેરમાંનો સ્વામિનારાયણ મંદિરમાંનો સભામંડપ ખરે બ્રહ્મચારિણી ભૂમિ છે. આપણા દેશમાં જ્યાં જ્યાં સ્વામિ-નારાયણ મંદિરો છે, ત્યાં ત્યાં બધે તેવી બ્રહ્મચારિણી ભૂમિ છે.’
ન્હાનાલાલ આગળ કહે છે કે ‘મંદિરમાંનાં ધૂપ, દીપ, ફૂલ, ચંદન, આરતીના સૌરભ; સભામંડપોમાં ગાજતો હરિકથા ઘોષ; મંદિરોમાંનું ભાંગ-ગાંજો-માંસ-મદિરા-તમાકુશૂન્ય વિશુદ્ધ વાતાવરણ; વણસીવ્યાં ઉત્તરીય ઓઢેલાં, સવારના સુકુમાર તડકાના રંગનાં કાષાયધારી સાધુમંડળો; સ્નાને શુદ્ધ, વસ્ત્ર-પરિધાને ને વ્યવહારમાર્ગે શુદ્ધ; મંદિરો સ્વચ્છ; ઉત્સવો સ્વચ્છ; પૂજન-દર્શન સ્વચ્છ; કથા-કીર્તનો સ્વચ્છ; આચાર-વ્યવહાર સ્વચ્છ...’
આમ, આંતર-બાહ્ય શુદ્ધિ જે આ સ્વામિનારાયણીય મંદિરોમાં છે તે અનન્ય છે. સ્વામિનારાયણીય મંદિરોનું આ દૈવત આજેય અકબંધ છે -પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં.
સ્વામિનારાયણીય મંદિરો એટલે સદ્પ્રવૃત્તિઓની ગંગોત્રીઓ. આ મંદિર પર ફરકતી ધર્મધજાની છાયામાં સમસ્ત સમાજ શાતા અનુભવે તેવાં સેવાકાર્યો સતત થતાં રહે તેવી ગોઠવણ શ્રીજીમહારાજે કરી. મંદિરોમાંથી વહેતી આ સેવાસરિતા આજે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત મંદિરો પણ વહાવી રહ્યા છે.
ટૂંકમાં, અધ્યાત્મ અને સમાજસેવાનો સમન્વય આ મંદિરોએ સાધી આપ્યો છે અને અંતિમ પણ ઓછી નહીં (Last but not least) એવી આ મંદિરની વિશેષતા એ કે આ મંદિરો શાંતિનાં સરનામાં સમાં છે.
આ કોઈ અતિશયોક્તિ કે કલ્પના નથી પણ ખાતરીપૂર્વકની અનુભવવાણી છે તેમ જણાવતાં ન્હાનાલાલ કહે છે: ‘સંસારના અગ્નિ જ્યાં હોલવાય એ ધર્મ-મંદિર. સંસારનાં ઝેર ઉતારે નહીં એ ધર્મ નથી, ધર્મમંદિર નથી... અધૂરો હોય તો વાચક એક અનુભવ કરી જોજો, મુંબઈ કે અમદાવાદ જેવી પ્રવૃત્તિપરાયણ નગરીમાંયે ક્યારેક જઈને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની ઘુમ્મટઘટા નીચે બેસી આવજો અને ત્યાં તમને લાગેે કે અંતરિક્ષમાંથી શીતળતાનાં બુંદ વરસે છે, આત્મા ઠરે છે, અંતરને ટાઢક વળે છે, ઉરના અને અંગના અગ્નિ શાંત પડે છે... ટૂંકમાં, દેહમાં ને ચેતનમાં ઝીણાં ઝીણાં અતિ ઝીણાં અમીઝરણાં પ્રગટે છે, તો જ એ સંપ્રદાયને અનુભવથી ધર્મમાર્ગ માનજો....’
જે શાળામાં જવાથી શિક્ષણ મળે તે જાગતી શાળા કહેવાય. જે હૉસ્પિટલમાં જવાથી સ્વાસ્થ્ય મળે તે જાગતી હૉસ્પિટલ કહેવાય. તેમ જે મંદિરમાં જવાથી શાંતિ મળે તે જાગતું મંદિર કહેવાય. આવાં જાગતાં મંદિરોના સર્જનાર ભગવાન સ્વામિનારાયણ હતા.
આજે આ મંદિરપરંપરા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજ દ્વારા જીવંત છે.
લંડનમાં સ્થાનિક બસ ડ્રાઇવર જ્હોન બેટ્સે બી.એ.પી.એસ. મંદિર જોઈ કહ્યું કે, ‘મારા માટે તો આ મંદિર શાંતિનું પ્રતીક છે. જોકે નોર્થ સરક્યુલર રોડ પર ભારે ગતિથી પસાર થતાં વાહનોનો અવાજ થોડો સંભળાય છે છતાં જ્યારે મંદિર સામે જોઉં છું ત્યારે મને આત્મિક અને વૈશ્વિક શાંતિનો અનુભવ થાય છે.’ આવી જ લાગણી સાથે ‘ઇન્ડિપેન્ડન્ટ’ના મુખ્ય સંવાદદાતાએ લખ્યું હતું કે, ‘અત્યારે દુનિયામાં કોઈપણ એવો લડાઈ-ઝઘડો નથી કે જેમાં ધર્મ કારણભૂત ન હોય! નીસડન મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં ક્યાંય હિંસક ધર્મઝનૂન જોવા નહીં મળે, પણ શાંતભક્તિ છલકે છે.’
લંડનના એક મુસ્લિમ ટેક્સી ડ્રાઇવરને પણ આવી શાંતિનો અનુભવ થયો. એક વાર તેણે માત્ર પાંચ મિનિટમાં પ્રવાસીઓને બી.એ.પી.એસ. મંદિરે પહોંચાડીને સૌને આશ્ચર્યચકિત કરી દીધાં. તેને પૂછવામાં આવ્યું કે, ‘મંદિરના રસ્તાનો તે આવો ભોમિયો ક્યાંથી?’ તો જવાબ મળ્યો: ‘હું મુસ્લિમ છું છતાં હું દરરોજ મારા દિવસની શરૂઆત અહીંથી કરું છું. મંદિરનાં દર્શન કરતાં મને ખૂબ શાંતિનો અનુભવ થાય છે.’
વિદેશમાં વિવેકાનંદ સ્વામીએ પ્રવચનો દ્વારા હિન્દુ ધર્મનો ઉદ્ઘોષ કર્યો હતો, પરંતુ સ્વામીશ્રીએ હજારો વર્ષો સુધી ટકે તેવાં મંદિરો કરી વિદેશમાં હિન્દુધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી છે.
‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રૅકોર્ડઝ’માં સ્થાન પામે તેવાં ભવ્ય અને વિશાળ મંદિરો, સ્મારકો દેશ-વિદેશમાં તૈયાર કરી પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીનું મસ્તક ગૌરવથી ઉન્નત બનાવી દીધું છે. બાજુના ચોક્ઠામાં આપેલા થોડાક અભિપ્રાયો સ્વામીશ્રીએ બાંધેલાં મંદિરોની વિદેશીઓ પર પડેલી એક આભા દર્શાવે છે, જે આપણાં હૈયે અસ્મિતા પ્રગટાવી રહી છે.
દિલ્હીના અક્ષરધામને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રૅકોર્ડઝે વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે બિરદાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજને ‘માસ્ટર બિલ્ડર’નું બિરુદ મળ્યું છે. સંસ્કૃતિના સંસ્કારોને ખોઈ બેઠેલા કૈંકને આ મંદિરોએ સંસ્કૃતિની અસ્મિતાથી સભર કર્યા છે.
કેનેડાના પાર્લામેન્ટ સેક્રેટરી અને વિદેશમંત્રી દીપક ઓભરોય કેનેડામાં એકમાત્ર હિન્દુ સાંસદ છે. તેમણે ટોરન્ટો સ્થિત બી.એ.પી.એસ. મંદિર વિશે પ્રમુખસ્વામી મહારાજને કહ્યું હતું કે, ‘ગઈકાલે પ્રાઇમ મિનિસ્ટર સાથે મુલાકાત દરમ્યાન તેઓએ ટોરોન્ટોના મંદિરની જ સતત વાત કરી. તેઓએ કહ્યું: ‘This is mind-boggling.’ પહેલી વાર મેં એમને આટલા ખુશ જોયા. આ મંદિર હિન્દુધર્મના ગૌરવની ઘટના છે. હું હિન્દુધર્મ વિષે હવે બીજાને ગૌરવપૂર્વક વાત કરી શકીશ. પાર્લામેન્ટમાં પહેલી જ વાર હિન્દુત્વની શોભા વધી છે.’
આવી ભવ્ય મંદિરપરંપરા બીજે જવલ્લે જ જોવા મળે એમ છે, તે આપણને મળી છે. આ સમજાય તો સંપ્રદાયની અસ્મિતાનો સંચાર પ્રકાશની ઝડપે આપણામાં થઈ જાય.