પ્રાર્થનાનો વૈજ્ઞાનિક ચમત્કાર — 'The Power of Prayer' (પ્રાર્થનાની શક્તિ) એ શીર્ષક હેઠળ અમેરિકાની તબીબી સંશોધન પત્રિકા - 'Journal of the American Medical Association'ના જાન્યુઆરી-૧૯૫૮ના અંકમાં મહત્ત્વપૂર્ણ લેખ પ્રકાશિત થયો હતો. લંડનમાં જોન જેહૂ નામના એક પોસ્ટમેનને બસ સાથે અકસ્માત થયો. તેના કપાળમાં ઊંડો ઘા થયો. મગજનો જમણો ભાગ બહુ ખરાબ રીતે ઘવાયો હતો. બધા જ ડૉક્ટરોના મતે તે હવે ક્યારેય ચાલી શકે તેમ નહોતો કારણ કે મગજની ઈજાને કારણે તેનું ડાબું અંગ લકવાનો ભોગ બની ગયું હતું. પરંતુ આૅપરેશન કરનાર સર્જન પ્રાર્થનામાં શ્રદ્ધા ધરાવતો હતો. તેણે પોતાના તમામ સાથીદારો-નર્સો, ડૉક્ટરો અને હૉસ્પિટલના અન્ય દર્દીઓને વિનંતી કરી કે 'આપણે બધા જોનના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરીએ. જ્યાં સુધી જોન સ્વસ્થ ન થાય ત્યાં સુધી પ્રાર્થના ચાલુ રાખીએ.' અને એ સામૂહિક પ્રાર્થનાનો પ્રભાવ જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જોન ચાલવા લાગ્યો. બોલવાની શક્તિ પણ તેનાં આવી ગઈ. સર્જને કહ્યું : 'હું અને મારો સ્ટાફ પ્રાર્થનામાં દૃઢ વિશ્વાસ ધરાવીએ છીએ અને જોનની આ વિકટ પરિસ્થિતિ તથા તેનું દુઃખ દૂર થાય તેવી પરમાત્મા પ્રત્યેની પ્રાર્થના અમે નિરંતર કરતા રહીશું !'
ત્યાર પછી બ્રિટિશ મૅડિકલ ઍસોસિયેશને ધર્મ અને ચિકિત્સાના આ સુમેળને પોતાની હૉસ્પિટલમાં આવકાર્યો. ઍસોસિયેશનના ઉપસચિવ ડૉ. ક્લેકસ્ટને કહેલું કે 'આપણે આપણું કાર્ય વધુ ને વધુ સારું બનાવવું હોય તો આધ્યાત્મિક શક્તિ-પ્રાર્થનાની શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરવો અનિવાર્ય છે.')
(પ્રાર્થનાથી સ્વાસ્થ્ય સુધરે છે — સને ૧૯૦૩માં, ફ્રાંસના લીયો (Lyons) વિશ્વવિદ્યાલયમાં 'પ્રાર્થના દ્વારા આરોગ્ય ઉપચાર'ની વાત પ્રસ્તુત કરીને બૌદ્ધિકોમાં ખળભળાટ મચાવનાર ડૉ. એલેકસીસ કૈરલે 'Man The unknown' નામના પુસ્તકમાં આરોગ્ય પર પ્રાર્થનાના પ્રભાવ ïïવિશે ખૂબ લખ્યું છે. તેઓ લખે છે કે પ્રાર્થનાથી 'કોઢ, કૅન્સર, ટી.બી. વગેરે રોગોના છેલ્લી કક્ષાના દર્દીઓને સ્વસ્થ થઈ જતા મેં જોયા છે. આ પ્રક્રિયામાં, શરૂઆતમાં વિષમ વેદનાથી પીડાય છે. પરંતુ ત્યાર પછી તરત જ સ્વસ્થ થઈ ગયાનો અનુભવ તેને થાય છે. ત્યાર પછીની થોડી જ પળોમાં તેનો રોગ ગાયબ થઈ જાય છે, તેનાં લક્ષણો અદૃશ્ય થઈ જાય છે.'
ડૉ. કૈરલ કહે છે કે 'એ જરૂરી નથી કે રોગનિવારણ માટે રોગીએ પોતે જ પ્રાર્થના કરવી. પરંતુ કોઈપણ સહૃદયી વ્યક્તિ રોગી માટે ભગવાનને પ્રાર્થના કરી શકે છે. પરંતુ તે સાચા દિલથી અને વિશ્વાસ સાથે થવી જોઈએ. પ્રાર્થનાનો એવો પ્રબળ પ્રતાપ છે અને તે આત્મોન્નતિનું સરળ સોપાન છે.'
અમેરિકાની રોકફેલર ઈન્સ્ટિટ્યૂટમાં ડૉ. કૈરલે તબીબીક્ષેત્રે કરેલ આવાં વિશિષ્ટ સંશોધનો માટે સને ૧૯૧૨માં નૉબલ પુરસ્કાર આપીને તેમનું વિશ્વ બહુમાન કરવામાં આવ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે લડાઈમાં ઘવાયેલાની સારવાર કરીને તેમણે ફ્રાંસ, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના વિશિષ્ટ સન્માન મેળવ્યાં હતાં.
વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકાયું છે કે સામાન્ય વ્યક્તિ પણ પ્રાર્થનાથી સ્વાસ્થ્યમાં પરિવર્તન આણી શકે છે. તો શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષ પ્રાર્થનાપૂર્વક સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી યોગીજી મહારાજનું ઝેર ઉતારી જ શકે - તેમ ચોક્કસ શ્રદ્ધા બેસે છે.)
શરીર રોગનું ઘર છે. જીવનના અંત સુધી આપણે અનેક રોગના ભોગ બનીએ છીએ. પરિણામે આજે રોગ, પીડા, ડૉક્ટર, નિદાન અને દવા અનિવાર્ય બન્યાં છે. તંદુરસ્તીને આવશ્યક સમજી માનવ વર્ષોથી ચિકિત્સા પદ્ધતિમાં ઉત્તરોત્તર સુધારો કરતો આવ્યો છે. અત્યાધુનિક વિશ્વમાં તો મૅડિકલ ક્ષેત્રે અકલ્પનીય ફેરફારો થયા છે. પ્રતિદિન થતા આવિષ્કારો અને અમલીકરણથી અસાધ્ય રોગોનાં પણ મૂળિયાં ઊખડવા માંડ્યાં છે. આપણે હવે વધુ લાંબું અને વધુ સારું આયુષ્ય ભોગવતા થયા છીએ. ૨૦મી સદીના અંતે, સરેરાશ જીવનમાં ૨/૩ આવરદાનો ઉમેરો થયો છે.
રોજબરોજનાં મૅડિકલ સંશોધનોની સુગમતાથી રોગનિદાનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમાં નવાં પરિમાણો ઉમેરાયાં છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડૉ. જોન કહે છે કે શરીર એ રોગનું મુખ્ય કારણ છે. પરંતુ તેમાં શરીર સિવાય હવે બીજી ભૂમિકાઓની પણ ગણના થવા લાગી છે. હવે રોગ થાય ત્યારે ડૉક્ટર શારીરિક ભૂમિકા ઉપરાંત દર્દીની મનની તેમજ આધ્યાત્મિક ભૂમિકાનો પણ વિચાર કરે છે. એમના કહેવા પ્રમાણે ચિકિત્સામાં સૂક્ષ્મ ફેરફાર થયો છે. પહેલાં માત્ર રોગની જ સારવાર થતી જ્યારે હવે રોગીની સારવાર થાય છે.
અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ સાબિત કરે છે કે જે વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેનું શરીર પ્રમાણમાં વધુ સ્વસ્થ રહે છે. અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટી હૉસ્પિટલમાં એક દર્દીની આજુબાજુ થોડા મૅડિકલ વિદ્યાર્થીઓ ઊભા હતા. દર્દી હતો ટોમ લોંગ. તેને એક ઝઘડામાં હૃદય, પેટ અને બરોળમાં છરીના મરણતોલ ઘા મારવામાં આવ્યા હતા. છતાં એ બચી ગયો. એના પર સાત મોટાં આૅપરેશનો કરવામાં આવ્યાં. એક વર્ષ વીત્યા પછી પણ પેટના ઘામાં બરાબર રૂઝ ન આવી. તેને ડિસેમ્બર ૧૯૯૯માં ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એક વધુ આૅપરેશન બાદ તે સાજો થયો. આ એક વિરલ ઘટના હતી, કારણ કે શરીરનાં આંતરિક અંગો પર આવા ઘાતક ઘા પછી કોઈ જીવે નહીં. આનાથી આશ્ચર્યચકિત થયેલા રેધન ફોલ નામના એક વિદ્યાર્થીએ ટોમને પૂછ્યું, 'તમારા બળનું રહસ્ય શું છે ?' ટોમે જણાવ્યું : 'મારું બળ છે ભગવાન.' ફોલ જણાવે છે કે સમયે સમયે આપણને અનુભવાય છે કે અધ્યાત્મ અને સ્વાસ્થ્ય એકબીજા સાથે સંકળાયેલાં છે.
મૂળ તો શરીર અને અધ્યાત્મનો સંબંધ અનાદિનો છે. આપણાં શાસ્ત્રોમાં મનુષ્યની તમામ ઇંદ્રિયો અને અંગોમાં દેવોનો વાસ છે એવાં વર્ણનો આવે છે. આ વર્ણનો અનુસાર કાનના દિશા, ત્વચાના પવન, ચક્ષુના સૂર્ય, જીભના પ્રચેતા, વાક્ના અશ્વિનીકુમાર, વાણીના અગ્નિ, પગના વિષ્ણુ, હાથના ઇંદ્ર, ગુદાના મિત્ર, ઉપસ્થના પ્રજાપતિ, બુદ્ધિના બ્રહ્મા, મનના ચંદ્રમા, ચિત્તના અચ્યુત, અહંકારના રુદ્ર વગેરે દેવ છે. આ બધા દેવોનું પોષક તત્ત્વ છે ભગવાન. જેટલા આપણે વધુ મંદિરમાં જઈએ કે ભગવાન સંબંધી કર્મ કરીએ, તેટલું આ દેવોને પોષણ મળે છે. દેવોને પોષણ મળતા શરીર પણ પોષાય છે અને સ્વસ્થ રહે છે. પરંતુ આ વાત આપણે પાશ્ચાત્ય ચિકિત્સાપદ્ધતિ તેમજ જીવન-શૈલીના સપાટામાં ભૂલી ગયા. આપણે ભગવાન અને મંદિરથી દૂર થયા. અત્યારે સમાજમાં પ્રવર્તેલી ઉપચાર પદ્ધતિમાં માત્ર શરીરને ધ્યાનમાં લઈ દવા અપાય છે. એમાં રોગીને બદલે રોગ મુખ્ય રહે છે. દર્દીનું માનવને બદલે 'કેસ' અને 'કૅમિકલ'માં વિભાજન થયું છે. ઘણે ઠેકાણે તેની પ્રામાણિક સારવારને બદલે 'ધોબી ધુલાઈ' શરૂ થઈ છે. કટ્ પ્રૅક્ટિસે માઝા મૂકતા કસાઈ-બકરાં સંબંધનો સમાજમાં પ્રસાર થયો છે.
આની સામે સમાજમાં વિસ્તરેલી માનવતાની ક્ષિતિજોએ આ ચિત્ર કંઈક બદલાવ્યું છે. વૈજ્ઞાનિક સંશોધનો અધ્યાત્મ અને સ્વાસ્થ્યનો ઘનિષ્ઠ સંબંધ સમજાવવા લાગ્યા છે. તેથી દર્દીઓનો ઝોક પણ વધુ ભગવાનમય બન્યો છે. આનાથી મૅડિકલ વર્તુળોની રીતિ, નીતિ અને સ્થિતિ બદલાઈ રહી છે.
વિજ્ઞાનના સંશોધનાત્મક સામયિકો અને ઘણાં નવાં પ્રકાશનોમાં આ અંગે વધુ પ્રકાશ પડી રહ્યો છે. ડૉક્ટરો પણ 'Medico-spiritual conference'માં જતા થયા છે. ૧૯૯૪માં વોશિંગ્ટન જ્યુઈશ હીલિંગ નેટવર્ક શરૂ કરનારા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉ. કારોલ પી. હોસમેન આ નોંધી જણાવે છે કે 'મને લાગે છે કે લોકો હવે આધ્યાત્મિક્તા તરફ વધુ વળી રહ્યા છે.'
વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા :
આધુનિક સંશોધનો અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેની દીવાલોના ફૂરચા ઉડાવી રહ્યાં છે. એવું સાબિત થયું છે કે જે વ્યક્તિ અઠવાડિયામાં એકથી વધુ વાર મંદિરમાં જાય છે, સેવા-ભજન-ભક્તિ વગેરેમાં જોડાય છે તેનું આયુષ્ય બિનધાર્મિક વ્યક્તિની સરખામણીએ વધે છે. ૧૯૯૮માં ડ્યૂક યુનિવર્સિટી મૅડિકલ સેન્ટરના ડૉક્ટરો હારોલ્ડ કોઈંગ તથા ડેવિડ લાર્સને શોધ્યું કે આવી વ્યક્તિ બીમાર પડે તેને બિનધાર્મિક દર્દી કરતાં ઘણું ઓછું હૉસ્પિટલમાં રહેવું પડે છે.
આનું સૌથી મોટું કારણ તો મંદિરમાં થતા સત્સંગથી માણસનું મન બદલાય છે, મનમાં સંતોષ અને પ્રફુલ્લિતતા આવે છે - તે છે. પરંતુ બીજું એક કારણ એ પણ કહી શકાય કે મંદિરમાં જતી વ્યક્તિ ધૂમ્રપાન, ગુટકા, તમાકુ, વ્યભિચાર, દારૂ, માંસ, જુગાર વગેરે બદીઓથી દૂર રહે છે, નહીંવત્ કરે છે કે તેનું સેવન ઓછું કરતો જાય છે. રોજિંદા જીવનમાં પણ તેને વ્યસનમુક્ત અને સદ્ગુણી વ્યક્તિઓનો સવિશેષ સંપર્ક રહેતો હોવાથી તે પણ શુદ્ધ, સાત્ત્વિક અને પવિત્ર જીવન જીવતો હોય છે. આનાથી વિપરીત એકલવાયું અને અધાર્મિક જીવન જીવનારા માનસિક તથા શારીરિક - ઊભયપક્ષે ખુવાર થાય છે.
મંદિર તથા સત્સંગસભાની વ્યક્તિ પર થતી શુભ અસરો માપવાનું કોઈ માપદંડ કે મીટર શોધાયાં નથી. આ સંદર્ભે હાર્વર્ડ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક માર્ટિન જોન્સ કહે છે કે 'પ્લેસિબો' દર્દી પર કેવી રીતે અસર કરે છે તે શોધાયું નથી, પરંતુ તેના ઉપયોગથી થતી સારી અસરો પરથી તેના ફાયદા શોધાયા છે. તે જ રીતે, માણસની આધ્યાત્મિક જાગૃતિથી, પ્રવૃત્તિથી તેનાં લાભદાયક પરિણામો શોધાયાં છે. તો શા માટે આધ્યાત્મિક-ધાર્મિક ન થવું ? આધ્યાત્મિક જાગૃતિનું મુખ્ય શક્તિશાળી તત્ત્વ છે દૃઢ શ્રદ્ધા.
બીમારીથી શરીર તૂટે ત્યારે ભગવાનમાં શ્રદ્ધા વ્યક્તિને આંતરિક મજબૂતાઈ આપે છે. વોશિંગ્ટનમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. ડેલ મેથ્યુસનો અનુભવ ઉલ્લેખનીય છે. એમને તો ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં જ અનુભવાયું કે દર્દીઓને તેની પાસે ફક્ત નિદાન કે દવાની અપેક્ષા નથી. તેઓ ઇચ્છે છે કે ડૉક્ટર પણ તેમની સાથે પ્રાર્થના કરે. હવે ડૉ. ડેલ મેથ્યુસ દર્દીને પૂર્વે થયેલા રોગોના ઇતિહાસની સાથે સાથે દર્દી ભગવાનમાં કેટલી શ્રદ્ધા ધરાવે છે તે પણ પૂછી લે છે. ડૉ. ડેલ હવે પ્રસંગોપાત્ દવાના લિસ્ટ સાથે ધાર્મિક ગ્રંથોનાં વાંચન માટે ભલામણ લખતા થયા છે. આ ભલામણ અંગે દર્દીઓ કહે છે, 'તેમાં જાદુ રહેલો છે.'
જેમ ડૉક્ટરો દર્દીઓને દવામાં 'ભગવાન' સૂચવે(પ્રીસક્રાઈબ) છે, તેમ હવે વિશ્વની ઘણી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમ અધ્યાત્મલક્ષી કોર્સ પ્રીસક્રાઈબ કરે છે.
૧૯૯૬માં અમેરિકન મૅડિકલ કૉલેજે વકીલો, ડૉક્ટરો, મૅડિકલ વિદ્યાર્થીઓ, ઇન્સ્યુરન્સના માંધાતાઓ તથા વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે વિચારવિમર્શ કર્યો કે 'મૅડિકલ કૉલેજનું લક્ષ્ય શું હોવું જોઈએ ?' વિચારણાના અંતે એવું તારણ મળ્યું કે કૉલેજના લક્ષ્ય તરીકે અધ્યાત્મ, સંસ્કાર અને જીવનનું ફળ હોવાં જોઈએ. અને હવે મૅડિકલ કૉલેજમાં આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા અભિયાન શરૂ થયાં છે. ૧૯૯૨માં અમુક જ કૉલેજોએ ધર્મ-અધ્યાત્મના પાઠ વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. જ્યારે હવે અમેરિકાની ૧૨૫માંથી ૫૦ નામી કૉલેજોએ ભગવાનને એમના કોર્સમાં ઉમેર્યા છે. જ્યોર્જટાઈનમાં મૅડિકલના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓએ 'Religious Tradition in Health Care' નામનો કોર્સ પસંદ કર્યો છે.
આ કોર્સમાં જુદા જુદા ધર્મોને મૅડિકલ દૃષ્ટિકોણથી સમજાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ શીખ્યા કે ધર્મનો પ્રભાવ બ્લડ ટ્રાન્સફ્યુઝન, દવાઓ અને અમુક પ્રકારની ટેક્નોલોજીના ઉપયોગ પર પડે છે. દર્દીઓ ટ્રીટમેન્ટ પહેલાં પોતાના ધર્મમાં આ અંગે શું વ્યવસ્થા છે તે તપાસે છે. વિદ્યાર્થીઓને દર્દીની ધાર્મિક માન્યતાને મૅડિકલ ઇતિહાસ સાથે સાંકળીને નિદાન કરવાનું ભણાવવામાં આવે છે.
શરીર રોગગ્રસ્ત થાય ત્યારે લોકો મંદિર ભણી દોટ મૂકે છે. માનતાઓ માને છે. આ કરવું યોગ્ય છે, પણ શું આપને એવું નથી લાગતું કે આપણે રોગી થઈએ ત્યારે જ ધાર્મિક થઈએ તે કરતાં પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાનુસાર રોજ ભગવાન ભજીએ - સત્સંગ કરીએ તે તન, મન અને ધન માટે વધુ ફાયદાકારક છે ?
આની પુષ્ટિ માટે થોડું વધુ વાંચીએ. હજારો સંશોધનમાંથી તારવેલા અમુક ફાયદાઓ નીચે પ્રમાણે છે.
લાંબું જીવન : ૧૯૮૭થી ૧૯૯૫ વચ્ચે અમેરિકામાં રાષ્ટ્ર- વ્યાપી સંશોધન થયું. એમાં ૨૧,૦૦૦ વ્યક્તિઓની મુલાકાત લેવામાં આવી. તેમાં એવું જાણવા મળ્યું કે જે વ્યક્તિ અઠવાડિયામાં એક કરતાં વધુ વખત સેવામાં જાય છે તેનું આયુષ્ય બિનધાર્મિક વ્યક્તિ કરતાં સાત વર્ષ વધુ હોય છે.
સંપૂર્ણ સ્વાસ્થ્ય : જેફ લેવિન ('ભગવાન, વિશ્વાસ અને સ્વાસ્થ્ય' પુસ્તકના લેખક અને) એેપિડેમિઓલોજિસ્ટ જણાવે છે કે અધાર્મિક વૃદ્ધો કરતાં ધાર્મિક વૃદ્ધોને ઓછા શારીરિક પ્રશ્નો હોય છે અને શરીર પણ સારી રીતે કાર્ય કરે છે.
ઝડપી પુનઃસ્વાસ્થ્ય : ૧૯૯૫માં ડર્ટમાઉથ મૅડિકલ સ્કૂલનું સંશોધન જણાવે છે કે ભગવાનમાં શ્રદ્ધાવાળા આૅપન હાર્ટ સર્જરીના દર્દીઓને અધાર્મિક દર્દીઓની સરખામણીએ સર્જરી થયા બાદ જીવવાની તકો ત્રણ ગણી વધારે છે.
મજબૂત હૃદય : ૧૯૯૭માં ભારતના એક સર્વેક્ષણ મુજબ જે ભારતીયો (મુખ્યત્વે હિંદુ) નિયમિત રીતે પ્રાર્થના કરે છે તેને હૃદયરોગની ૭૦„ ઓછી શક્યતા છે.
લો-બ્લડપ્રેશર : જ્યોર્જિયા, અમેરિકામાં એક સંશોધનમાં એવું જાણવા મળ્યું કે જેઓ ધર્મને મહત્ત્વનો ગણી નિયમિતપણે મંદિરે જાય છે અને સાધના કરે છે, તેને હાઈ-બ્લડપ્રેશરના રોગ સામે સંરક્ષણાત્મક દૃષ્ટિએ મહત્ત્વનો ફાયદો થાય છે.
માનસિક સ્વસ્થતા : મંદિરોમાં જવાથી ડિપ્રેશન અને ઉદ્વેગ ઓછો થાય છે એવું ૧૯૯૯માં ડ્યૂક યુનિવર્સિટીએ હાથ ધરેલા ૪૦૦૦ વ્યક્તિઓના અભ્યાસ પરથી જણાવ્યું છે.
સ્ટ્રેસનો ઘટાડો : 'ધી રિલેક્સેશન રિસ્પોન્સ'ના લેખક ડૉ. હર્બટ બેન્સન કહે છે કે સ્ટ્રેસથી બ્લડપ્રેશર, હૃદયરોગ તથા શ્વાસોચ્છ્વાસની ઝડપ વધે છે. જે શરીર માટે વિનાશક છે. ડૉ. હર્બટ આના નિરાકરણ માટે બે ઉપાયો સૂચવે છે : (૧) નિયમિત પ્રાર્થના, ભગવાનનું ધ્યાન (૨) યોગાસન.