આધ્યાત્મિક માર્ગે વિચારનું મહત્ત્વ
જનક રાજસમૃદ્ધિમાં રહીને પણ જીવનમુક્તિ મેળવી શક્યા અને ભરતજી રાજપાટનો ત્યાગ કરવા છતાં અધોગતિ પામ્યા. શાથી ? વિચારથી જ તો! ભરતજી વનમાં બેઠેલા પણ વિચારમાં વાસનાનો વાસ હતો. જનક રાજમાં બેઠેલા પણ મન વિકારના વિચારથી મુક્ત હતું.
તેથી જ શ્રીજીમહારાજ કહે છે : ‘...અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ઘ છે તો તેનું અતિ ભૂંડું થાય નહિ... અને જેને મનમાં વાસના હોય તેના જીવનું અતિ ભૂંડું થાય, કેમ જે, મૂવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું ને ૠષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તોપણ એમ થયું, માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે.. ને જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વર જેવું હતું, તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે.’ (વચ. ગ.પ્ર. 38)
આમ, જેવા વિચાર તેવી પ્રાપ્તિ એ રોકડો હિસાબ છે. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું હશે : ‘કર વિચાર, પામ તું.’
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પૂછે છે કે ‘ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહિ એવો તે કયો વિચાર છે ?’ (ગ.મ. 15)
અહીં સ્વભાવ ટાળવા વિચારને જ ખપમાં લાવવાની વાત શ્રીજીમહારાજ કરી રહ્યા છે.
વચનામૃત પંચાળા પ્રકરણ 1માં પણ તેઓ પ્રશ્ન પૂછે છે કે ‘ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચવિષય તે સરખા થાય નહિ અથવા તેથી અતિશય ઊતરતા પણ થાય નહિ. માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચવિષય તે અતિશય ભૂંડા જે પંચવિષય તે સરખા થઈ જાય અથવા તે કરતાં પણ અતિશય ભૂંડા થઈ જાય ?’
અહીં પંચવિષયના મૂળ ઉખેડવા માટે પણ વિચારની જ મહત્તા શ્રીજીમહારાજ બતાવે છે. આમ, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ માટે પણ વિચાર એક શક્તિશાળી ચીજ છે.
તેથી જ આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજે કહ્યું છે કે -
‘વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા;
મુક્તિ પામવા, સુખેથી ધામમાં જવા;
વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા.’
અખો પણ તેના કવિતમાં ગાય છે :
‘પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કંચન લોહ ન થાય,
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું ન જાય.’
આમ, જીવમાંથી બ્રહ્મરૂપ થવા વિચારની જરૂરિયાત છે તે સાર્વજનિક સૂર છે. તો કયો એક એવો વિચાર છે જે કરીએ તો બીજા કોઈ વિચાર કરવાની જરૂર ન રહે? ‘એક સાધે સબ સધે’ એવો કયો એક વિચાર છે જે કરીએ તો એક સાથે બધાં જ કાર્ય સિદ્ઘ થઈ જાય ?
આ પ્રશ્રનો ઉત્તર આપતાં સદ્દગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીહરિના રાજીપાનો વિચાર દોહરાવતાં કહે છે :
‘કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ,
તો સરે સરવે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ.’
વળી, તેઓ ‘ચોસઠ પદી’માં ગાય છે :
‘એવા ઉપર શ્રીઘનશ્યામ, સદા સર્વદા રાજી રહે છે રે;
સરે નિષ્કુળાનંદ કામ, એમ સરવે સંત કહે છે રે.’
આમ, સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર ‘ભગવાન અને સંતને રાજી કરવા’ એ જ છે. કારણ કે, તેથી સર્વે કાર્ય સિદ્ઘ થાય છે.
કેવી રીતે આ વિચાર સર્વશ્રેષ્ઠ છે ?