ખુરશી ઉપર બેસવાની કલા. આ શીર્ષક હેઠળ એક સુંદર લેખ લખવાનું સમાજના જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોને કહેવામાં આવે તો તેઓ શું લખે? ચાલો કલ્પના કરીએ…..
કોઈ રાજકારણી આ અંગે લખે તો? આપણા મગજને કાવાદાવા અને ખટપટના ચકરાવે ચડાવી ફેર આણી દે !
કોઈ ફેફસાંના ડોકટર (Pulmonologist) અથવા કોઈ ફિઝીયોથેરાપીસ્ટ શું કરે? આપણને આરોગ્યવર્ધક અમૂલ્ય સલાહો આપે !
કે પછી જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી અથવા વિનોદ ભટ્ટ જેવા ધુરંધર સાહિત્યકારો કલમ હાથમાં લે તો? આપણને હાસ્યના માર્ગે ઈદમ તૃતીયમના રવાડે ચડાવી દે !
પણ હવે કલ્પના કરીએ કે પ્રમુખસ્વામી જેવા પ્રભુના પ્યારા સંતને આ અંગે બે શબ્દો બોલવાનું કહ્યું હોય તો?
મને લાગે છે કે તેઓ કશું જ ન કહે! માત્ર કરી જ બતાવે. અને ખરેખર, એમણે જીવનના અનેક પ્રસંગોએ કરી બતાવ્યું છે. જોવાની ખૂબી એ છે કે અક્ષરધામ જેવા વિરાટ પ્રકલ્પોથી માંડીને કચ્છનાં ભૂકંપગ્રસ્ત ગામોનાં નવનિર્માણ જેવાં બેનમૂન સેવાકાર્યોનાં પોતે જ આધારસ્તંભ હોવા છતાં એમને પોતાને રહેવાની કોઈ કાયમી જગ્યા નહોતી, કે કોઈપણ મંદિરમાં પોતાની અંગત ઓફિસ નહોતી, એટલે પોતાની ખુરશી ઉપર બેસવાનો અનુભવ તો એમને હતો જ નહીં. હા, ક્યારેક ભક્તો પ્રેમપૂર્વક એમને ભવ્ય આસન ઉપર બેસાડી દેતાં. પરંતુ એના ઉપર બેસતી વખતે એમના વિચારો કેવા રહેતા એ જાણવું ખૂબ પ્રેરણાદાયી નીવડશે.
બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ હતો. ગુરુપદે બિરાજમાન પ્રમુખસ્વામીના દર્શને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યાં હતાં. બધા લાઈનબધ્ધ સ્વામીશ્રી સન્મુખ આવી રહ્યા હતા, જેમાં લગભગ સો જેટલા ભક્તો દર મિનિટે પસાર થઈ રહ્યા હતા. આ ભીડભાડ અને કોલાહલની વચ્ચે પ્રમુખસ્વામીની આંખો એક ખાસ વ્યક્તિને શોધી રહી હતી. એ ભાઈને દૂરથી જોયા કે તરત સ્વામીશ્રી તેમને બૂમ પાડીને કંઈક કહેવા લાગ્યા ત્યારે બધા અચંબો પામી ગયા. કારણ કે એ હતા તદ્દન સાધારણ સ્થિતિના ભક્ત ચીમનભાઈ. એમણે ઘણા વખત પહેલાં પ્રમુખસ્વામીને પત્ર લખ્યો હતો, એના જવાબમાં સ્વામીશ્રી હજારોની પ્રચંડ ભીડમાં એમને શોધી કાઢીને કહી રહ્યા હતા કે ‘તમારા માટે મેં ભલામણ કરી દીધી છે અને તમારું કામ થઈ ગયું છે.‘ પ્રમુખસ્વામી ઊંચામાં ઊંચા સિંહાસન ઉપર બેઠા હતા જરૂર, પરંતુ ત્યાં તેઓ કરી શું રહ્યા હતા? અદનામાં અદના આદમીની સેવા ! સિંહાસન પર બેસવાની આ કલા કંઈક અજીબ છે.
પ્રમુખસ્વામીના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અતિ વિચક્ષણ હતા. નાનકડા પ્રમુખસ્વામીની પ્રતિભા પિછાણીને એમણે ૨૮ વર્ષની કુમળી વયે તો એમને વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા. માત્ર ગુજરાતી પાંચ ધોરણનો સાધારણ અભ્યાસ અને વહીવટનો કોઈ જ અનુભવ ન હોવા છતાં એમણે પોતાના ગુરુ ઉપરાંત મોટેરા અને નાનેરા તમામને રાજી રાખીને પ્રમુખપદની ખુરશી કેવી રીતે સંભાળી એની રીત તેમના મુખે જ સાંભળીએ: ‘ દરેકને પગે લાગવા જઈએ. નોકર-ચાકર હોય તો તેને પણ એક ટાઈમ મળી લઈએ. મળીએ એટલે આપણને સલાહ પણ મળે. આપણે પૂછવા જઈએ એમાં શું વાંધો આવવાનો છે? એ પૂછવા આવે તે પહેલાં જ આપણે જ એને પૂછીએ કે આનું કેમ કરીશું? નવો છું, મને કંઈ ખબર ન પડે. તમે મને કહેજો. એટલે બધાનો પ્રેમ રહે, હેત-પ્રીત રહે.‘ છે ને મેનેજમેન્ટના ખેરખાંઓના પણ ખ્યાલમાં ન આવે એવી પ્રમુખસ્વામીની ખુરશી સંભાળવાની બેનમૂન ફોર્મ્યુલા ! જો કે ખૂબ અઘરી છે !
તા.૨૩-૬-૭૫. કોલકાતાથી હાવડા જતાં પ્રમુખસ્વામીની ગાડીમાં પંક્ચર પડ્યું. એની મરામત દરમ્યાન સ્વામીશ્રી રોડ ઉપર આવેલી એક ફેકટરીના દરવાજાની બહાર સાધારણ બાંકડા ઉપર બેઠા. એવામાં સાથે આવેલ સંતોની ગાડી પસાર થઈ. સ્વામીશ્રીને જોતાં સંતો ઉતરવા ગયા પણ ત્યાં જ ‘તમે જાઓ, અમે પાછળ આવીએ છીએ‘- કહેતાં સ્વામીશ્રીએ તેઓની મુસાફરી ચાલુ રખાવી. ત્યારબાદ એક વખત એક સંતે સ્વામીશ્રીને પૂછ્યું, ‘આપે પ્રમુખ તરીકેનો પાવર વાપરી અમને ગાડીમાંથી હેઠે ન ઉતારી દીધા. શું આપને ખુરશી રહે કે જાય તેની ચિંતા નથી?‘ ત્યારે પ્રમુખસ્વામી હસતાં હસતાં બોલ્યા, ‘ખુરશી હોય તો ચિંતા હોય ને !‘ તેમને મન પ્રમુખપદની ખુરશી સેવાનું સાધન હતું, સત્તાનું નહીં.
જન્માષ્ટમી, તા.૧૮-૮-૭૬. પ્રમુખસ્વામી મોટરમાં અટલાદરા(વડોદરા) મંદિરે આવી રહ્યા હતા. ત્યારે એક ભક્ત એમને મળવા ચાલતાં આવતા હતા. તેમને જોતાં જ સ્વામીશ્રી મોટરમાંથી ઉતરી ગયા અને રોડ ઉપર જ તેમની સાથે ઊભાં ઊભાં વાત કરવા લાગ્યા. પરંતુ વાત લંબાતી ગઈ એટલે સામેના કારખાનામાંથી કોઈ સાધારણ ખુરશી લઈ આવ્યા તો સ્વામીશ્રી એના ઉપર બેઠા. એવામાં વરસાદના છાંટા શરૂ થયા. ત્યારે સરિયામ રસ્તાની ધારે સામાન્ય ખુરશી ઉપર બેઠેલા એક સામાન્ય દેખાતા સાધુ-બાવાને જોઈને એસ.ટી. બસમાંથી પસાર થનારા કોઈને કલ્પના આવી હશે, કે એક વિશ્વવ્યાપી સંસ્થાના પ્રાણ સમા પ્રમુખસ્વામી આ પોતે જ છે ? આ એ જ પુરુષ છે કે જે પોતાની પ્રચંડ પ્રતિભાને છૂપી રાખવા આવી ફાલતુ ખુરશીનો ખુશીથી ઉપયોગ કરવાની કલામાં પણ માહેર છે ?
કેટલાંક ખુરશી વડે શોભતાં હોય છે જ્યારે કેટલાંક ખુરશીને શોભાવે છે. પ્રમુખસ્વામી જેવી વિભૂતિને પૂછવા માટે ‘ખુરશી ઉપર બેસવાની કલા‘- એ વિષયને એમ બદલી નાખવો પડે કે ‘ખુરશી શોભાવવાની કલા‘ એટલે શું ?