ઈર્ષ્યાગ્નિનું ઠારણ
સમાજમાં ભિન્ન ભિન્ન મતિ ધરાવતી, ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળી વ્યક્તિઓ જોવા મળે છે. કેટલીક વ્યક્તિઓ એવી વિચિત્ર પ્રકૃતિ ધરાવે છે કે અન્યનાં દુઃખથી તેમને આનંદ થાય !! કોઈકને દુઃખી થતો, છેતરાતો, સંજોગોમાં ફસાતો, કોર્ટ-કચેરીના આંટા મારતો જુએ ત્યારે તેમને અંદરથી ખૂબ ટાઢક થાય !
માણસાઈના પ્રાથમિક ઉસૂલોને જે આ રીતે પાળી ન શકતો હોય તેને 'માણસ' કહેવો કે કેમ તે પ્રશ્ન થાય. વ્યક્તિઓનો એક બીજો પ્રકાર છે, જે અન્યનાં દુઃખથી દુઃખ અનુભવે. પોતાના સ્નેહી કે મિત્રવૃંદમાંથી કે વળી કોઈ ત્રાહિતને પણ કોઈ વિટંબણા આવે - આર્થિક, શારીરિક, સામાજિક ઇત્યાદિ - તો તે સાંભળી પોતે દુઃખ અનુભવે.
કોઈ અશુભ સમાચારો સાંભળી કે કોઈક કરુણ અકસ્માત વિષે વર્તમાનપત્રો દ્વારા જાણી, ભોગ બનેલી વ્યક્તિઓ કે જેને તે જાણતો જ નથી, તેને માટે પણ દુઃખ અનુભવે, સહાનુભૂતિ વ્યક્ત કરે. આવી વ્યક્તિઓનો એક વિશાળ સમુદાય સમાજમાં અસ્તિત્વ ધરાવે છે.
વ્યક્તિઓનો એક ત્રીજો પ્રકાર છે જે આવા અશુભ સમાચારો જાણી, સાંભળી માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરી બેસી ન રહે. તેમને શક્ય હોય તે રીતે મદદ કરવા તત્પર થાય. આવી પરગજુ વ્યક્તિઓ પણ સમાજમાં છે. ઉપરના બંને પ્રકારની વ્યક્તિઓ અન્યનાં દુઃખે દુઃખી થાય, પરંતુ આવી વ્યક્તિઓ પણ અન્યના સુખમાં, અન્યના શુભ સમાચારોથી, અત્યંત પુલકિત થઈ ઊઠે એમ બનતું નથી.
સામાવાળાના દુઃખના પ્રસંગે કદાચ એના જેટલું જ દુઃખ આવી વ્યક્તિઓ કરે, પરંતુ એના સુખના પ્રસંગે, એટલી જ હરખાઈ જાય એવું બનતું નથી.
વર્ષોથી મૈત્રી નિભાવી હોય એવા મિત્રો, જેઓ અનેકવાર એકમેકના દુઃખના ભાગીદાર બન્યા હોય, પરંતુ એકમેકના સુખની ભાગીદારીમાં કંજૂસાઈ દેખાઈ આવે.
ખુલ્લા મનથી સામેવાળાના સુખની સ્વીકૃતિ થઈ શકતી નથી. નથી હોતું તેની સામે વેર કે વૈમનસ્ય, નથી થયો કોઈ ઝઘડો કે ટંટો, પાંચ માણસની હાજરીમાં તો તેના વિષે ઘણું સારું બોલે, વખાણે, પ્રશસ્તિ કરે કે 'ખૂબ પ્રામાણિક છે', 'ખૂબ વિશ્વાસપાત્ર છે', 'સજ્જન છે'; પરંતુ કોણ જાણે તેને સુખી જોઈ દિલ હરખાઈ ઊઠતું નથી. પેલા ભાઈને સત્કારવાનો સમારંભ યોજવામાં પોતે જ નિમિત્ત બન્યા હોય, પોતે જ પ્રથમ હાર પહેરાવે, માઇક પરથી તેમનાં યશોગાન ગાય, પરંતુ ઊંડે ઊંડે ખિન્નતાની લાગણી થયા કરતી હોય. છૂપો-દબાયેલો અસંતોષ રહ્યા કરતો હોય. તેનું સારું થતું જોઈ સાંભળી, અંતરમાં ઊંડે ઊંડે ઉદાસી છવાઈ જતી હોય છે.
પોતાની આવી વિકૃત લાગણીઓથી - પ્રકૃતિથી પોતે સભાન હોય અને છતાં આ ખિન્નતા, આ ઉદાસીને ટાળી ન શકતો હોય, કારણ કે અંતરમાં પડ્યો છે ઈર્ષ્યાનો ભારેલો અગ્નિ, અંતરમાં સંઘર્યો છે ઈર્ષ્યાનો અભિશાપ.
સર્જનહારે માણસને કાંઈક એવો ઘડ્યો છે કે તેના હૃદયમાં પ્રેમ, કરુણા, સેવા, ભક્તિ, સમર્પણના અમૃતકુંભની પડખે વિષનું એક ટીપું પણ મૂકી દીધું છે. યુગોના યુગો વીતી ગયા પરંતુ માનવીનું હૃદય આ ગરલબિંદુને હજી પચાવી શક્યું નથી !! ચડસાચડસી અને દેખાદેખીના આ યુગમાં, પોતાનાં સાધનોની, પ્રતિષ્ઠાની, મોભાની અન્ય સાથે મનમાં સૂક્ષ્મસ્તરે સ્પર્ધા ચાલતી જ હોય છે. આ સ્પર્ધામાંથી ઈર્ષ્યાનો જન્મ થાય છે.
કેટલીક વ્યક્તિઓને પોતાના સુખ, સમૃદ્ધિ, સત્તામાં જરાયે ઊણપ ન હોવા છતાં, અન્યનું સુખ જોઈ ઉદાસી છવાઈ જતી હોય છે !! છેક શૈશવકાળથી વ્યક્તિ સાથે જડાઈ ગયેલો આ સ્વભાવ છે. માતા પોતાનાં બે બાળકોમાંથી એકને ઉછંગે બેસાડે, તો બીજો તેની ઈર્ષ્યા કરે. પેલાને ધકેલી દઈ પોતે બેસવા મથે. ચૉકલેટ કે રમકડાંની, તે બે વચ્ચે સરખી વહેંચણી ન થાય તો ઈર્ષ્યાથી રડે, ઝઘડે, તોડે-ફોડે. વ્યક્તિ પુખ્ત બને ત્યારે તેની વયની સાથે સાથે તેની ઈર્ષ્યાવૃત્તિ પણ પુખ્ત થતી જ રહે છે.
ઈર્ષ્યાના અભિશાપથી, કોઈક ગુણાતીત પુરુષ સિવાય વિશ્વમાં ભાગ્યે જ કોઈ બાકાત હોય છે. બુદ્ધિ, સત્તા, સમૃદ્ધિ, અરે અધ્યાત્મના કોઈ પણ સ્તરે પહોંચેલી વ્યક્તિઓમાં પરસ્પર ઈર્ષ્યા થયા જ કરતી હોય છે. નોકર-નોકર વચ્ચે, કારકુન-કારકુન વચ્ચે, મૅનેજર-મૅનેજર વચ્ચે, પ્રધાન-પ્રધાન વચ્ચે, ડૉક્ટર-ડૉક્ટર વચ્ચે, કલાકાર-કલાકાર વચ્ચે, કથાકાર-કથાકાર વચ્ચે ઈર્ષ્યાગ્નિની જ્વાળાઓ લપકારા લેતી જ રહે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે भिक्षुको भिक्षुकं दृष्ट्वा श्वानवत् गुर्गुरायते
ભિખારી, ભિખારીને જોઈને કૂતરાની માફક ઘૂરકે છે. એક દેશમાંથી અન્ય દેશમાં રમવા ગયેલી ટીમના ખેલાડીઓમાં પણ એકમેક પ્રત્યે ઈર્ષ્યાનો કીડો સળવળતો રહે છે. ટીમના ખેલાડીઓમાં તેમની સામૂહિક સફળતાનાં મૂળિયાં, આ કીડો જ કોતરી ખાતો હોય છે. પરિણામે બધી જ સુવિધાઓ પૂરી પાડી હોવા છતાંય આવી ટીમ હારીને પાછી આવે છે. કોઈ સંઘ, સમાજ કે દેશના ઉત્થાન માટે અનેક ગુણોની સાથે સાથે ઈર્ષ્યારહિત થવું એટલું જ અગત્યનું છે. સ્વામી વિવેકાનંદ કહે છે : 'Give up jealousy and conceit. This is the great need of our country.'
માણસના આ મહાન અંતઃશત્રુથી બચવા ભગવાન સ્વામિનારાયણ, તેમનાં વચનામૃતોમાં ઠેકઠેકાણે આપણને સાવધ કરે છે. વચનામૃત પ્રથમના ૭૧માં ઈર્ષ્યાનું લક્ષણ સમજાવતાં શ્રીજીમહારાજ કહે છે કે 'જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં. ને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઈર્ષ્યાનું લક્ષણ છે.'
વચનામૃત પ્રથમના ૭૬માં 'આવા ઈર્ષ્યાળુ સાથે તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં.' એમ મહારાજ કહે છે.
દરેક ક્ષેત્રમાં - સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજસેવા કે વ્યવસાયમાં એકબીજાથી ચડિયાતી ગુણવત્તા ધરાવતી વ્યક્તિઓ જોવા મળે જ. અને આવી અસાધારણ ગુણવત્તા ધરાવતી વ્યક્તિઓમાં પણ અત્યંત સૂક્ષ્મરૂપે, અંદરખાને અહમ્ના આવરણ હેઠળ ઈર્ષ્યાના અગ્નિકણો પ્રદીપ્ત રહેતા જ હોય છે. એક જ સંસ્થામાં, એક જ ઔદ્યોગિક એકમમાં કે ઔદ્યોગિક એકમના એક જ ઉપવિભાગમાં તેનું સુસંચાલન થઈ શકે એટલે એક સંસ્થાકીય માળખું (Organisational structure) ઊભું કરવું જ પડે છે. ધારો કે કોઈક મોટા ઔદ્યોગિક એકમમાં ઉચ્ચસ્તરે બેસતી વ્યક્તને 'પ્રેસિડેન્ટ' કહેવામાં આવે છે. ત્યાર પછી તેની હેઠળ 'વાઇસ-પ્રેસિડેન્ટ' આવે, ત્યાર પછી 'જનરલ મૅનેજર', પછી ઉત્પાદન, નાણાં, માનવસંસાધન, માર્કેટીંગ જેવા ઉપવિભોગોના, લગભગ સરખી જવાબદારી અદા કરતા 'મૅનેજરો', ત્યાર બાદ 'સુપરવાઇઝરો' અને પછી 'કારકુનો' અને 'પટાવાળા.' આવા Vertical માળખામાં પોતાથી થોડો ઊંચો હોદ્દો ધરાવતી કે પોતાને લગોલગની પદવી ધરાવતી વ્યક્તિઓનું, જો કોઈક કારણસર સન્માન થાય કે કદર થાય, ત્યારે તરતના નીચેના સ્તરની કે સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિઓમાં, ઈર્ષ્યાના આ અગ્નિકણોની ગતિવિધિ વધી જાય છે અને વધુ પ્રદીપ્ત બને છે. આડંબરના આવરણને ભેદી ઘણી વાર એમાંથી ભડકો થવાની પણ સંભાવના રહે !
વ્યવહારમાં મહાનિપુણ અને મનોવૈજ્ઞાનિક એવા ભગવાન સ્વામિનારાયણ, વચનામૃત સારંગપુર ૮માં, આ પ્રકારનો જ વિચાર સુસ્પષ્ટ રીતે રજૂ કરે છે.
'...અને ઈર્ષ્યાનું રૂપ છે જે પોતાથી જે મોટા હોય, તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં...'
એક અંગ્રેજ લેખકે નોંધ્યું છે તે પ્રમાણે નેપોલિયનને સીઝરની, સીઝરને એલેકઝાન્ડરની અને છેવટે એલેકઝાન્ડરને જે કદી જન્મ્યો ન હોય એવા કાલ્પનિક હરક્યુલસની ઈર્ષ્યા થઈ હશે !!
સત્સંગના ઇતિહાસમાં પણ એવાં કેટલાંય દૃષ્ટાંતો મોજૂદ છે કે આધ્યાત્મિકતાનાં ઉચ્ચ શિખરો સર કર્યાં હોય, સેવાભાવના જીવમાં જડાઈ ગઈ હોય એવી વ્યક્તિઓ પણ ઈર્ષ્યાના અભિશાપથી બાકાત નથી રહી. જીવા ખાચરને દાદા ખાચર પ્રત્યે એવો ઈર્ષ્યાગ્નિ ભભૂક્યો જે મહારાજને મારવાના પ્રયાસ સુધી વિસ્તર્યો ! સાધુતાની મૂર્તિ સમા મુક્તાનંદ સ્વામી જ્યારે સભા જીત્યા ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીને ઈર્ષ્યા થઈ !
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની ઈર્ષ્યાથી, દ્વેષીઓએ તેમને સોયા ભોંક્યા, મરચાંની ધૂણી કરી, પાણીના માટલાં ફોડ્યાં !! ઈર્ષ્યાખોરોએ તેમને ચૂલામાં નાખવા સુધીનાં પ્રપંચો રચ્યાં. તેમને ખીચડીમાં ઝેર આપવા સુધીનો હલકટ પ્રયાસ થયો !
વર્ષો સુધી તપ કરી રાફડો થઈ જતા ૠષિઓ પણ ઈર્ષ્યાથી અલિપ્ત થઈ શક્યા નથી. અરે, દેવોમાં પણ ઈર્ષ્યાગ્નિ ભભૂકતો જ રહે છે. જો કોઈકના તપનું તેજ વધતું જાય તો ઇન્દ્રને તેની ઈર્ષ્યા થાય - ધૂંઆપૂંઆ થઈ જાય અને ગમે તેમ કરીને તપમાં વિઘ્ન કરે.
એક સૂફી, વેપારમાં ખૂબ કમાયો. એક વ્યક્તિ તેની મુલાકાતે આવી. તેની સમૃદ્ધિ જોઈ આ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની હાજરીમાં તો તેણે સૂફીને કાંઈ કહ્યું નહીં. પણ પછી આ વાત તેણે બીજાઓને કહેવા માંડી કે 'હમણાં જ હું એક સૂફીને ત્યાં ગયેલો. તમે માનશો ? સમૃદ્ધિની છોળો વચ્ચે એ જીવે છે. એને ત્યાં આનંદપ્રમોદનાં સાધનોનો તો કોઈ તોટો નથી. એને સૂફી કેવી રીતે કહેવાય ?'
કોઈએ આ વાત પેલા સૂફીને કહી, ત્યારે તેણે કહ્યું, 'મારી પાસે આનંદપ્રમોદનાં ઘણાં સાધનો હતાં પણ તેમાં એક ઊણપ હતી, આજે તે પુરાઈ ગઈ.'
'કઈ રીતે એ ઊણપ પુરાઈ ?' પેલા માણસે પૂછ્યું.
'મારી ઈર્ષ્યા કરનાર મને મળી ગયો !' સૂફીએ ઉત્તર વાળ્યો.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ એક ઈર્ષ્યાળુ પટેલની વાત કરતા.
તેનો એક પટેલ મિત્ર. આ મિત્રનું એક વખત ઘર સળગ્યું. તેનું બધું જ બળી ગયું. ત્યારે આ ઈર્ષ્યાળુ પટેલ ખરખરો કરવા આવ્યો અને પૂછવા લાગ્યો, 'શું શું બળી ગયું ?'
ઘરનાં ગોદડાં, સાંતીડાં બધાંનું પૂછ્યું. પછી ત્યાંથી ઊઠ્યો. થોડે ગયો હશે ત્યાં યાદ આવ્યું કે 'તેનું ગાડું સળગી ગયું હશે કે કેમ ? જો ગાડું હશે તો બળદ રાખશે અને પાછો ખેતી કરશે.'
તે પાછો પૂછવા આવ્યો. પેલાએ એને જોયો અને તેના મનનું પામી ગયો ને કહ્યું : 'તારા મનમાં જે છે તે મારું ગાડું પણ બળી ગયું છે. ફકર રાખ્ય મા. માંડ્ય હાલવા.' સ્વભાવની કેવી વિચિત્રતા ? વ્યક્તિની કેવી અવળાઈ ? પોતાને દુઃખે દુઃખી ન થાય, એટલો અન્યના સુખે દુઃખી થાય !!
આધ્યાત્મિક માર્ગના સાધકને પણ ઈર્ષ્યા પછાડે. સ્વ. શ્રી કિશોરલાલ ઘ.મશરૂવાળાએ શ્રેયાર્થીની સાધનસંપત્તિ વિષે, તેનામાં કઈ કઈ વિશેષતાઓ હોવી જોઈએ, તે અંગે તેમના પુસ્તક 'જીવનશોધન'માં લખ્યું છે કે તેનામાં સત્યશોધનની વ્યાકુળતા, સત્યનો આગ્રહ, પ્રેમ, શિષ્યત્વ, વૈરાગ્ય, સાવધાની આવા ગુણો સાથે સાથે તે ઈર્ષ્યારહિત હોવો જોઈએ. કોઈકની વિશેષતા જોઈને તેના પ્રત્યે આદર થવાને બદલે તેના પ્રત્યે જેને ઈર્ષ્યા ઉદ્ભવે અને તેની ખામીઓ ખોળવા પ્રત્યે દૃષ્ટિ જાય અથવા બીજાઓ તેના પ્રત્યે આદર બતાવે અથવા તેની પ્રશંસા કરે તેથી જે બળી મરે, તેનામાં શ્રેયાર્થીની લાયકાત આવવાનો સંભવ નથી.'
ઈર્ષ્યાનો અગ્નિ અન્યનું તો બાળે પણ ઈર્ષ્યા કરનારને પહેલો દઝાડે-બાળે, કારણ કે અગ્નિ ને એ પોતે સંઘરીને બેઠો છે. ઈસપનીતિમાં સસલા અને સિંહની જાણીતી વાત છે કે સસલું પેલા સિંહને તેનું જ પ્રતિબિંબ પાણીમાં બતાવે છે. સિંહને પોતાના પ્રતિબિંબ પ્રત્યે ઈર્ષ્યાગ્નિ ભભૂક્યો, જેમાં પોતે જ સ્વાહા થઈ ગયો !!
ઈર્ષ્યા ન કરવી એમ સૌ સાધુજનો, ભગવદ્જનો પ્રબોધે છે. અન્યના દુઃખમાં જેમ રસ લઈ ભાગીદાર બનીએ છીએ તેમ તેના સુખમાં પણ રસ લેતાં શીખવું. એ ઈર્ષ્યા તજ્યાનો ઉપાય છે, એમ પણ તેઓ સૂચવે છે.
ચડસા-ચડસી, દેખાદેખી છોડીએ તો એટલે અંશે ઈર્ષ્યાગ્નિ શમે એવા ઉપાયો પણ તેઓ સૂચવે છે : જો વ્યક્તિ થોડી સમજણ દાખવે, વિવેકબુદ્ધિ કેળવે, ઈર્ષ્યા કર્યા પહેલાં પોતાને બીજાની સ્થિતિમાં મૂકી અને વિચારે, થોડી જાગૃતિ રાખે.
જીવન વિવિધરંગી છે. એવું પણ બને કે તમારી પાસે જે વસ્તુ છે તે કદાચ સામાવાળા પાસે ન હોય એવો વિચાર દાખવે અને આવા વિચારો કરવાનો અભ્યાસ કેળવે, તો લાંબે ગાળે રાગદ્વેષથી, ઈર્ષ્યાથી મુક્ત થઈ શકાય; એવા ઉપાયો પણ આધ્યાત્મિક માર્ગે આગળ વધેલાઓ બતાવે છે.
પરંતુ ઈર્ષ્યા ટાળ્યાનો એક અદ્ભુત ઉપાય, સૌને પીડતી-નડતી આ સમસ્યાની જડીબુટ્ટી, ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ.પ્ર. ૪માં બતાવે છે. આ વચનામૃતની શરૂઆતમાં મહારાજ, પરમહંસો અને હરિભક્તોને બોધ આપતાં કહે છે કે 'ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી.' ત્યારે આનંદાનંદ સ્વામી તદ્દન નિખાલસપણે કબૂલે છે કે 'હે મહારાજ ! ઈર્ષ્યા તો રહે છે.' તેમની એ સમસ્યાનું સમાધાન કરતાં મહારાજ આગળ કહે છે કે 'ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી.' એમ કહી નારદજીને તુંબરું પર કેવી રીતે ઈર્ષ્યા થઈ તેનો પ્રસંગ વર્ણવે છે.
નારદજીના સંગીતગાનથી ભગવાન કેમેય પ્રસન્ન ન થયા, સાત મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા તો પણ નારદજી તુંબરું પાસે જઈ ગાનવિદ્યા શીખ્યા અને ભગવાન સામે ગાયું ત્યારે ભગવાન પ્રસન્ન થયા.
આ પ્રસંગનું પ્રમાણ લઈ મહારાજ, ઈર્ષ્યા ટાળ્યાનો એક અદ્ભુત ઉપાય બતાવે છે કે 'ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે, જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા...'
મહારાજ પ્રબોધિત આ ઉપાયને અજમાવવા પ્રથમ તો વ્યક્તિએ અહમ્ને ઓગાળી દેવો પડે અને ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવી પડે. ઉપાયની અજમાઈશ અઘરી છે, પરંતુ અભ્યાસે કરીને, જો સિદ્ધ થાય તો પછી અનર્ગલ આનંદના ફુવારા ઊડે, જેનાથી ઈર્ષ્યાગ્નિ ઠરી જાય. બીજાના સુખ, સમૃદ્ધિ પરત્વે ઈર્ષ્યારહિત, શુદ્ધ, નિર્મલ, દૃષ્ટિ રાખી; તેમાં પણ ઊલટભેર ભાગ લઈએ તો તેનાં પુણ્ય આપણને પણ મળે. તેના આનંદ ભેળો આપણો આનંદ ભળે, તો એ દ્વિગુણિત બને.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આવો નિર્મલ, નિર્વ્યાજ પ્રેમ અને અનર્ગલ, આનંદનો ઉદધિ હિલોળા લેતો જ રહે છે. 'જેવા મેં નિરખ્યા રે' પુસ્તકના ભાગ - ૪માં પૂજ્ય મહંત સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખસ્વામીના ગુણાનુવાદ વર્ણવતાં લખે છે કે 'પોતે દરેકનું કલ્યાણ ઇચ્છે. દ્વેષીનું પણ હિત ઇચ્છે છે. કોઈનું પણ ક્યારેય અહિત થાય એવું તો ઇચ્છતા જ નથી.'
પૂજ્ય સ્વામીશ્રીએ બે અતિ ઉમદા સૂત્રો આપ્યાં છે, 'અન્યના સુખમાં આપણું સુખ', 'અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ' - આ સૂત્રો આપ્યાં એટલું જ નહીં, પોતે જીવનમાં આત્મસાત કર્યાં છે. અને આ વિષમકાળમાં પણ લાખ્ખો મુમુક્ષુઓના જીવનમાં આત્મસાત કરાવી શક્યા છે, કરાવી રહ્યા છે. આ ઉભય સૂત્રોની શીતલ ધારાઓ આપણા અંતરના ખૂણે પડેલા ઈર્ષ્યાગ્નિને ઠારી દે છે.
અહંકારની રજોગુણી રાખ નીચે ભારેલા પડેલા અદેખાઈના એ આતશને, ઈર્ષ્યાના અગ્નિને કાયમ માટે ઠારી, અનર્ગલ આનંદના ઉપભોક્તા બનવાની જડીબુટ્ટી, મહારાજ આ વચનામૃતોમાં બતાવે છે.