અસ્મિતાનો પંચમ અમૃત કુંભ - સંપ્રદાયની પ્રાણવાન પરંપરા
સને 1931માં ‘શિક્ષાપત્રી-સમશ્લોકી’ની પ્રસ્તાવના લખતી વખતે કવિ ન્હાનાલાલે વેધક સવાલ કરેલો છે કે, ‘મહર્ષિ દેવેન્દ્રનાથની કે બ્રહ્માનંદ, કેશવચંદ્ર સેનની ગાદીઓ બ્રહ્મસમાજમાં કોણ શોભાવે છે આજ? મહર્ષિ દયાનંદ સરસ્વતીના કે કુલપતિ શ્રદ્ઘાનંદજીના પાટ આર્યસમાજમાં કોણ શોભાવે છે આજ? પરમહંસ રામકૃષ્ણની કે વિશ્વધર્મ પરિષદના વિજેતા સ્વામી વિવેકાનંદજીની ધૂણીઓ બેલૂરમઠમાં કોણ શોભાવે છે આજ?’
કહેવાનું તાત્પર્ય એટલું જ કે પોતા સમાન કે પોતાથી અધિક ઉત્તરાધિકારી નીમવા એ કોઈ પણ ધર્માચાર્ય કે સંસ્થાસ્થાપક માટે મહત્ત્વનું અને અઘરું કાર્ય છે. આપણા સંપ્ર્રદાયની વિશેષતા એ રહી છે કે અહીં ‘જ્યોત સે જ્યોત જલે’ની જેમ ભગવાન સ્વામિનારાયણ પછી ગુણાતીત ગુરુઓની પ્રાણવાન પરંપરા અખંડિત રહી છે.
શ્રીહરિના સંનિષ્ઠ સત્સંગી વડોદરાના (મૂળ ડભોઈના) કરુણાશંકર ગઢડા, ભૂજ વગેરે મંદિરોમાં દર્શને ગયા પછી જૂનાગઢ આવ્યા ત્યાં સભામાં ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હતા. સૌના મુખ પર પ્રાપ્તિનો કેફ છલકાતો હતો. કરુણાશંકર બોલ્યા: ‘સ્વામી! હું બધે ફરી આવ્યો પણ અહીં સત્સંગ લીલો પલ્લવ છે, તેનું શું કારણ?’ સ્વામી કહે: ‘અહીં ભગવાન પ્રગટ બિરાજે છે.’
શ્રીજીમહારાજની અંગત સેવામાં રહેલા બાપુ રતનજીએ જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરી અનુભવ ઉચ્ચારેલો કે, ‘શ્રીજીમહારાજના સમયમાં જુવાન બાઈ-ભાઈ સાથે રહેતા, પણ કોઈને ઊંઘના કે કામના સંકલ્પ થતા નહીં. આજે એવો ને એવો સત્યુગ આ ગુણાતીતાનંદ સ્વામીના સાંનિધ્યમાં વરતાય છે. માટે એની આગળ ઓશિયાળા થઈને રહેજો પણ તેઓને ઓશિયાળા થવું પડે એવું કરશો નહીં.’
શ્રીજીમહારાજના જમણા હાથ સમાન સદ્. શુકાનંદ સ્વામી સુરતમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી બોલી ઊઠેલા કે, ‘મહારાજની વાતોથી જે સમાસ થતો તેવો સમાસ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી થાય છે.’
આમ, ભગવાન સ્વામિનારાયણ પછી એવું જ સુખ, સામર્થ્ય, ઐશ્વર્ય ગુણાતીતાનંદ સ્વામીમાં સૌ અનુભવતા.
ભગતજી મહારાજ કહેતા: ‘મને સ્વામિનારાયણ વળગ્યા છે, તે પળમાત્ર વિખૂટા પડતા નથી.’ ભગતજીનો જેણે જેણે યોગ કર્યો તેના જીવની માયા ભગતજીએ કાઢી નાખી. બ્રહ્મરૂપ કરી દીધા.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ માટે જાણીતા સાક્ષર કનૈયાલાલ મુનશી બોલેલા કે, ‘ભગવાન સ્વામિનારાયણ પછી આજે દોઢસો વર્ષે તેમનાં જ ઐશ્વર્ય, પ્રતાપ, દિવ્યતા, યોગીન્દ્ર-પણાનો વારસો આ સ્વામીશ્રીમાં પૂરો જોઈ શકાય છે. જો વરતાલવાળાએ તેઓને બરાબર ઓળખ્યા હોત તો આજે હિંદુસ્તાનના ઘરે ઘરે સ્વામિનારાયણનું ભજન થતું હોત!’
કનૈયાલાલ મુનશીએ જણાવ્યા પ્રમાણે ભગવાન સ્વામિ-નારાયણનું ઐશ્વર્ય અનેકને શાસ્ત્રીજી મહારાજમાં જોવા મળતું.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાથેની ઔપચારિક મુલાકાતમાં જ તેઓથી અભિભૂત થઈ વિદ્વાન સંત શ્રી ચિન્મયાનંદજી બોલી ઊઠેલા: ‘યોગીજી મહારાજના સાંનિધ્યમાં મેં જે અનુભવ્યું છે તે હું શબ્દોમાં રજૂ કરી શક્તો નથી. ઉપનિષદોમાં જે અનુભૂતિ છે તેનું એ મૂર્તિમાન સ્વરૂપ હતા. એ વૃદ્ઘ કાયામાંથી આપોઆપ ફૂટી નીકળતો સર્વાત્મા બ્રહ્મનો સર્વોચ્ચ આનંદ જાણે વિશુદ્ઘ પ્રેમની સુગંધીમાન લહેરરૂપે ધસમસતો એમની નજીકમાં આવનારમાં પ્રવેશતો અને હૃદયને ભરી દેતો. ઉપનિષદો જેને ‘નેતિ નેતિ’ કહે છે તે બ્રહ્મનું સમ્યક્ દર્શન એટલે યોગીજી મહારાજ. તેમનો સહવાસ સાંપડ્યા પછી કોઈ એમને છોડી શકતું નહીં.’
જાણીતા ભાગવત રસજ્ઞ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી કહેતા કે, ‘જ્યારે સત્સંગીજન યોગીજી મહારાજથી વિખૂટો પડે છે ત્યારે તે ભગવાનને ભેટીને જતો હોય તેવો અનુભવ કરે છે.’
આવો જ અનુભવ આજે હજારોને પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં થઈ રહ્યો છે.
વિશ્વવ્યાપી ‘દિવ્યજીવન સંઘ’ના દિવંગત અધ્યક્ષ પૂજ્ય શ્રી ચિદાનંદ સ્વામી બોલી ઊઠ્યા છે કે, ‘અહીં સભાપતિ શ્રેષ્ઠ પ્રમુખસ્વામી મહારાજ બિરાજે છે. સાતેય નદીઓના સંગમ અહીં છે. પ્રમુખસ્વામી એટલે ઉજ્જવળ આધ્યાત્મિક જ્યોતિ. આજના સક્ષમ આયોજનકાર. વકીલને જોઈ અદાલતની યાદ આવે, સ્ટેથોસ્કોપને જોઈ ડૉક્ટરની યાદ આવે તેમ પ્રમુખસ્વામી મહારાજને જોતાં ભગવાન યાદ આવે છે. એમની નજીક જનારને એમના વ્યક્તિત્વમાં સાધુતાના તેજની આભા, મૈત્રી અને વિશ્વપ્રેમનાં દર્શન થાય છે. આજના આધ્યાત્મિક ભારતનું તેઓ પ્રેરક બળ છે.’
રામાનુજ ગાદીના પ્રમુખ આચાર્ય વરદ યતિરાજ જીયર સ્વામી પણ સ્વામીશ્રીની સાધુતા વાગોળતાં કહે છે: ‘ભગવાન જેના પર અખૂટ પ્રેમ કરતા હોય તેવી વ્યક્તિઓની યાદી બનાવવી હોય તો પ્રમુખસ્વામીનું નામ નિઃશંકપણે એ યાદીમાં સર્વોચ્ચ સ્થાને હોય.’
વિખ્યાત જૈનાચાર્ય મુનિશ્રી સુશીલકુમારજીએ તો સ્વામીશ્રીને રામ-કૃષ્ણાદિકની હરોળમાં સ્થાન આપતાં કહ્યું હતું કે, ‘સામાન્ય વેશમાં વિરલ વ્યક્તિત્વ ધરાવતા મહાપુરુષ બુદ્ઘ અને તીર્થંકર, રામ અને કૃષ્ણ, કબીર અને નાનક વગેરે સંતોએ તથા અવતારોએ ભારતને સંવર્ધિત કર્યું છે. હવે કોઈ આવે તેની રાહ જોઈએ છીએ કે જે ભારતને દોરે, કૌટુંબિક-આધ્યાત્મિક-સામાજિક-રાજકીય સ્તરે પુષ્ટિ આપે. ભગવાનની કૃપાથી એવા પુરુષ મળ્યા છે, એમનું નામ છે પ્રમુખસ્વામી મહારાજ.’
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુપરંપરા એવી સત્ત્વયુક્ત છે કે સૌને તેના સાંનિધ્યમાં ભગવાનને ભેટતા હોય તેવો અનુભવ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયનાં નિયમ-ધર્મ, ભક્તિ સાથે આજે સ્વામીશ્રીએ એવું વિચરણ કર્યું છે કે સૌ કોઈ માટે ‘પ્રમુખસ્વામી મહારાજ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય એટલે પ્રમુખસ્વામી મહારાજ’ એમ બની ગયું છે. જેમ જવાહરલાલ નહેરુ કહેતા કે ‘ગૈરોં કે લિયે હિન્દુસ્તાન ગાંધી હૈ ઔર ગાંધી હિંદુસ્તાન હૈ.’ આજે આ પર્યાય વિપર્યવસાન સ્વામિ-નારાયણ સંપ્રદાય અને પ્રમુખસ્વામી મહારાજ વચ્ચે બન્યું છે.
89 વર્ષે 850 ઉપરાંત મંદિરો અને બી.એ.પી.એસ.ની 162 પ્રવૃત્તિઓનું સફળ સંચાલન, 89 વર્ષના જીવનકાળ દરમ્યાન સાત લાખથી વધુ પત્રોનું વાંચન-લેખન, 17,000થી વધુ ગામો-શહેરોમાં વિચરણ, અઢી લાખથી વધુ ઘરોમાં પધરામણી જેવાં સ્વામીશ્રીનાં કાર્યના આંકડાઓ ભવ્ય પરંપરા અને દિવ્ય પુરુષની પ્રાપ્તિનું અમૃત ઘૂંટાવી આપણામાં અસ્મિતાનાં અજવાળાં પાથરી દે તેવાં છે.
‘What our sages thought in ages, he is living in one life.’ આપણા ૠષિઓ યુગો સુધી ચિંતન કરીને ઉચ્ચ, ઉમદા જીવનની જે કાંઈ પરિભાષા આપી ગયા છે, તે બધી જ સ્વામીશ્રીએ જીવી બતાવી છે.