માનવ-ઇતિહાસનો સાર એક જ શબ્દમાં છે, ‘સંઘર્ષ’
વિશ્વના જાણીતા નૃવંશશાસ્ત્રી – Anthropologist એવા પીટર ફાર્બ્સે – ‘Humankind’ નામનું એક પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે એક પ્રસંગ ટાંક્યો છે:
પર્શિયા દેશના યુવરાજ Zemire (ઝેમીર) હતા. આ યુવરાજને એવો વિચાર આવે છે કે અત્યારે તો હું યુવાન છું, પણ જ્યારે રાજા બનીશ ત્યારે મારે મારા રાજ્યને સમૃદ્ધ અને પ્રજાને સુખી કરવાં છે. માનવજાતના ઇતિહાસમાં જે ભૂલો થઈ ગઈ છે તે મારે નથી કરવી અને નથી થવા દેવી. એ માટે મારે માનવજાતના ઇતિહાસનો અભ્યાસ કરવો છે. તે સમયે દુનિયામાં પર્શિયાની બોલબાલા હતી. આ હેતુ સાથે પર્શિયાના આ યુવરાજે દુનિયાભરના વિદ્વાનોને તૈયાર કર્યા કે આપ માનવજાતના ઇતિહાસનો અભ્યાસ કરી આપો. તમે પાંચ-દસ વર્ષ લગાડો પણ માનવજાતના ઇતિહાસનો અભ્યાસ કરીને લાવો. આ વિદ્વાનો ૨૦ વર્ષ સુધી અભ્યાસ કરીને ૬૦૦૦ પુસ્તકો લઈ આવ્યા. એક ઊંટ ઉપર ૫૦૦ પુસ્તકો, આવાં ૧૨ ઊંટ ઉપર પુસ્તકો ભરીને લાવ્યા. ત્યારે પર્શિયાનો તત્કાલીન યુવરાજ, રાજા બની ગયો હતો.
રાજાએ કહ્યું કે ભાઈ હું આટલાં બધાં પુસ્તકો ક્યારે વાંચી શકીશ? તમે મહેનત કરીને તેમાંથી હજુ તેનો સાર લખી આપો. ૧૦ વર્ષ મહેનત કર્યા બાદ આ બધા વિદ્વાનો ૩ ઊંટ ભરીને પુસ્તકો લઈને આવ્યા એટલે કે ૧૫૦૦ પુસ્તકો લાવ્યા. રાજાએ કહ્યું હજુ તેનો પણ સાર આપો. બીજાં ૩ વર્ષ વિદ્વાનોએ મહેનત કરી અને કુલ – ૩૩ વર્ષ બાદ આ વિદ્વાનો રાજા પાસે માનવજાતના ઇતિહાસ માટેનો સાર એવાં પુસ્તકો ૧ ઊંટ ઉપર મૂકીને લઈ આવ્યા એટલે કે ૫૦૦ પુસ્તકો લઈને આવ્યા. રાજાએ કહ્યું કે હવે હું ઘરડો થયો, મારે ધોળા વાળ આવી ગયા, જીવન ક્યારે પૂરું થાય તે નક્કી નથી. આ સ્થિતિમાં ૫૦૦ પુસ્તકો તો ક્યારે વાંચી શકીશ તમે મને એક જ પુસ્તકમાં કહો. ત્યારે એક વિદ્વાન મહેનત કરીને એક પુસ્તક લઈને આવ્યો ત્યારે રાજાએ કહ્યું કે હવે તો મને આંખથી દેખાતું પણ નથી તો હું વાંચીશ કેવી રીતે? પછી તો પર્શિયાનો રાજા મરવાની અણિ ઉપર આવી ગયો હતો અને કહે કે સારનો સાર કહો ત્યારે તે વિદ્વાને ત્રણ વાક્યોમાં સાર કહ્યો કે, ‘આ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મે છે, દુ:ખી થાય છે અને મૃત્યુ પામે છે.’ માનવ માત્રનો સાર પણ આ જ છે. હકીકતમાં એનાથી પણ આગળ જો તમારે એક જ શબ્દમાં તેનો સાર કહેવો હોય તો તે શબ્દ છે, ‘સંઘર્ષ’. માતાના ગર્ભમાં હોવ ત્યારે સંઘર્ષ છે, જન્મ થઈ જાય, પછી બેક્ટેરિયા સાથે સંઘર્ષ થાય છે, પછી મોટા થાવ ત્યારે પર્યાવરણ સાથે સંઘર્ષ થાય છે. એક પાણીના ગ્લાસની અંદર એક અબજ બેક્ટેરિયા હોય છે!
તમારા ઘરના ઓશીકા ઉપર પણ એક લાખ જીવાણુ ફરતા હોય છે, આ સંઘર્ષ છે. શરીરની અંદર, મનની અંદર સંઘર્ષ થાય છે. એક સેકન્ડે ત્રણ મિલિયન રક્તકણ મરે છે તેથી તમે જીવો છો.
વિજ્ઞાન કહે છે કે મંદબુદ્ધિવાળા હોય તોપણ એક કલાકની અંદર ૭૦ હજાર વિચાર કરી શકે છે. ભગવાન બુદ્ધ કહે છે કે એક કલાકમાં એક અબજ વિચાર ઉદ્ભવે છે. નિત્ય કરોડો વિચારોનો સંઘર્ષ મનમાં ચાલતો હોય છે. વૈચારિક સંઘર્ષથી લઈ વૈશ્વિક સંઘર્ષ જીવનનો ક્રમ છે! મનુષ્ય માત્ર મોહ-અજ્ઞાનને કારણે મોહાંધ થઈને જીવે છે. ભય-દુ:ખ, વિષય-વાસના, સંકલ્પ-વિકલ્પ સાથે જીવે છે. વિશ્વના ઇતિહાસમાં કેટલાંય યુદ્ધો થયાં અને થતાં રહે છે. યુદ્ધ હાનિકારક છે તે કોણ નથી જાણતું, છતાં યુદ્ધ કરીએ છીએ. History teaches us one thing: that we learn nothing.(ઇતિહાસ સૌને એક વાત શીખવે છે, કે આપણે કશું જ શીખતા નથી!)
આપણે ઇતિહાસ બદલવા ભેગા થયા છીએ - વિશ્વનો નહીં પણ સ્વયંનો. આપણા પોતાના જીવનમાંથી કુટેવો દૂર થાય અને સુટેવો પ્રાપ્ત થાય, દુઃખ ટળે અને સુખ મળે તે માટે પ્રમુખસ્વામી મહારાજના શુદ્ધ અને પવિત્ર જીવનમાંથી 9 lessons - નવ બોધપાઠ શીખવા એકત્રિત થયા છીએ. પરંતુ આપ આંકડામાં પડતા નહીં કે, કેમ આઠ નહીં, દસ નહીં, પણ નવ જ કેમ? નહીં તો બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનાં દર્શને આવેલા મૂંઝાયેલા યુવાન જેવી દશા થશે! આપણે તો આ શુદ્ધ મહાપુરુષના જીવનમાંથી જીવનમાં ઉપયોગી થાય એવા બોધપાઠ શીખવા માટે ભેગા થયા છીએ.
એક વાર બન્યું એવું કે એક યુવાન કુતૂહલવશ યોગીજી મહારાજનાં દર્શને ગયો અને વિચારવા લાગ્યો કે યોગીજી મહારાજ કોઈ આંકડો આપે તો આપણે રમી નાખીએ. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે તેમની લાક્ષણિકતા મુજબ આશીર્વાદનો તેને ધબ્બો માર્યો અને પેલાએ પોતાની કુબુદ્ધિથી એવી ગણતરી કરી નાખી કે ધબ્બો માર્યો એટલે હાથના પંજામાં ચાર આંગળી અને એક અંગૂઠો – એમ કરીને પાંચનો આંકડો આપ્યો લાગે છે. પછી તો તેણે જઈને પાંચના આંકડા ઉપર પૈસા લગાડ્યા. બીજા દિવસે તે યુવાન રડતો-રડતો આવ્યો અને યોગીજી મહારાજને કહેવા લાગ્યો કે તમે મને પંજો આપ્યો હતો એટલે મેં પાંચનો આંકડો લગાડ્યો, પરંતુ સત્તો નીકળ્યો. જગતથી અલિપ્ત એવા યોગીજી મહારાજે નિર્દોષ ભાવે કહ્યું કે, ‘ગુરુ સારું થયું ને પ ને બદલે ૭ - બે તો વધારે નીકળ્યા ને!’ સંત દુન્યવી દોષોથી પર હોય છે અને આપણને પણ પર કરે છે.
જીવનમાં જુગાર નહીં, જિગર કામ લાગે છે! તો ચાલો આજે ખરા દિલથી જિગરવાન બની, આપણા સ્વભાવ અને કુટેવોનો સામનો કરી, સત્પુરુષના નવ નહીં તો એકાદ ગુણ પણ સમજી, શીખી, ચરિતાર્થ કરીશું તો જીવન બદલાઈ જશે. ભગવાનની શક્તિનો સંચાર થશે! With God, nothing is impossible - ભગવાનનો સંગાથ હશે તો આ જીવનમાં કશું જ અશક્ય નથી!