આત્મગૌરવ હશે તો તમે પવિત્ર અને મૂલ્યવાન રહી શકશો
પ્રમુખસ્વામી મહારાજ સંત છે. ભલે ગમે તેટલા મોટા-મોટા મહાનુભાવોને મળે અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમને મળવા આવતા હોય, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ પોતે સાધુ છે, તે વાત તેમણે ગૌણ થવા દીધી નથી - સાધુતાનું ગૌરવ લેશમાત્ર નીચું પડવા દીધું નથી. ‘Be proud to be what you are.’ આત્મગૌરવ હશે તો તમે પવિત્ર અને મૂલ્યવાન રહી શકશો.
નડિયાદનો એક પ્રસંગ છે. યુવાનો ભેગા મળીને એક કવ્વાલી ગાઈ રહ્યા હતા કે ‘આ સૂરજ કહે છે, આ ચાંદો કહે છે, આ ઝરણું કહે છે, આ પહાડ કહે છે, આ વન કહે છે, આ પર્વત કહે છે: પ્રમુખસ્વામી કોણ? પ્રમુખસ્વામી કોણ?’ – તમને ખબર છે ને - કવ્વાલીમાં એકનો એક પ્રશ્ન પાંચ-છ વખત પુછાતો હોય છે. આ કવ્વાલી ચાલી રહી હતી ત્યારે પ્રમુખસ્વામી મહારાજ ત્યાં જ બેઠા હતા.
જ્યારે આ કવ્વાલી પૂરી થઈ અને યુવાનોને જાહેરસભામાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રી કહે કે ‘આ બધા ક્યારનાય પૂછ્યા કરે છે કે પ્રમુખસ્વામી કોણ? – તો લાવો હું જ કહી દઉં કે પ્રમુખસ્વામી કોણ છે? પ્રમુખસ્વામી ભગવાનના ભક્ત છે, યોગીબાપાના શિષ્ય છે અને સ્વામિનારાયણના સાધુ છે.’ સ્વામીશ્રીએ આનાથી વિશેષ કંઈ જ ન કહ્યું.
પ્રમુખસ્વામી મહારાજે એવું ન કહ્યું કે પ્રમુખસ્વામીએ ૧,૧૦૦ મંદિરોનું નિર્માણ કર્યું, ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ, જુદી-જુદી ૧૬૦ જેટલી માનવસેવાની પ્રવૃત્તિ કરે છે, લાખો શિષ્યો છે, એવું કંઈ જ નહીં. પ્રમુખસ્વામી મહારાજના કહેવાનો હાર્દ માત્ર એટલો જ હતો કે ‘સાધુ હોવાનું ગૌરવ છે.’
મારે સૌને એ જ કહેવું છે કે તમે સૌ સત્સંગી હોવાનું ગૌરવ રાખજો. જો તમને તમારા મૂલ્યનું ગૌરવ હશે તો તમે તમારા જીવનમાં કંઈક કરી શકશો. કોઈ ડોક્ટર બન્યા હોય અને જિંદગીમાં એમ થાય કે હું કંઈક બીજું બન્યો હોત તો સારું થાત – તો એ પરફેક્ટ ડોક્ટર થઈ શકે નહીં. ‘An architect should be proud to be an architect.’ (એક ઇજનેરને, સ્વયં ઇજનેર હોવાનું ગૌરવ હોવું જોઈએ.) તમે દુકાન ચલાવતા હો તોપણ આત્મગૌરવથી ચલાવજો.
માર્ટિન લ્યુથર કિંગ એવું કહેતા હતા કે ‘જો તમારી પાસે બીજી કોઈ શક્તિ ન હોય અને તમને કચરો વાળવાનું જ કાર્ય પ્રાપ્ત થયું હોય તો તમે એવી રીતે કચરો વાળજો કે જેવી રીતે બિથોવન મ્યુઝિક સિમ્ફની રચતા હોય કે લિયાનાર્દો-દ-વિન્ચિ પેઇન્ટિંગ કરતા હોય કે માઇકલ એન્જલો જેમ શિલ્પ ઘડતા હોય, એવી ખુમારીથી તમે ઝાડુ વાળશો તો દુનિયાના બધા દેવતા ઊભા થઈને આકાશમાંથી કહેશે કે અહીં દુનિયાનો શ્રેષ્ઠ ઝાડુ વાળનારો થઈ ગયો છે.’
તમે કયું કાર્ય કરો છો તેની નહીં, પરંતુ તે કાર્ય કેવી નિષ્ઠાથી કરો છો, તેનું મહત્ત્વ છે. કાર્ય-શ્રેષ્ઠતાની કદર થાય છે. ‘Be the best’(શ્રેષ્ઠ બનો). જો સાધુ બનો તો શ્રેષ્ઠ સાધુ બનો, હરિભક્ત હો તો શ્રેષ્ઠ હરિભક્ત બનો. તમે જે કંઈપણ કાર્ય કરો તે શ્રેષ્ઠ બને એવું કાર્ય કરો. તમે જે કામ કરો, તેનું તમને ખુદને જ આત્મગૌરવ નહીં હોય તો તમારા કાર્યની કદર કરવા દુનિયાની બીજી કોઈ વ્યક્તિ નવરી નથી.
ઘણા હરિભક્તો અમારી પાસે આવીને કહે છે કે ‘સ્વામી! અમારે અમુક નિયમ છે.’ જેમ અમારા સંતોને નિષ્કામ, નિર્લોભ, નિ:સ્નેહ, નિસ્વાદ અને નિર્માન – આ પંચ વર્તમાન ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે એક ક્ષણ પણ એ નિયમ-ધર્મ તૂટવા દીધા નથી. એવી જ રીતે હરિભક્તોને પણ પંચવર્તમાન છે. દારૂ ન પીવો, માંસાહાર ન કરવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને ખાણીપીણીમાં શુદ્ધિ - આ જે પંચવર્તમાન છે, એમાં હરિભક્તોની ક્યારેય ત્રુટિ થવી ન જોઈએ. આ કોઈ આગ્રહ નથી, પણ આત્મગૌરવનો વિષય છે.
હૃદયપૂર્વક તેનું પાલન થવું જોઈએ. ઘણા ભક્તો એવું કહેતા હોય – ‘હું ડુંગળી-લસણ ખાતો નથી, પરંતુ ક્યારેક ભેળમાં ડુંગળી આવે તો વીણી-વીણીને કાઢી નાખીને જ ભેળ જમું છું.’ આવો સગવડિયો ધર્મ ન ચાલે. તો કેટલાક એવું પણ કહે કે ‘સ્વામી! નજીકના સગાને ત્યાં લગ્ન-પ્રસંગ હોવાથી ત્યાં ખૂબ જ આગ્રહપૂર્વક જમવું જ પડે એમ હતું અને ત્યાં લસણવાળી કઢી પી લીધી.’ આ બધું યોગ્ય નથી. તમારામાં આત્મગૌરવ હોવું જોઈએ.
આવા આત્મગૌરવનું દૃષ્ટાંત છે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેઓ નવરાત્રિના ઉપવાસ કરે છે. એક વાર એમને ઉપવાસ હતા એ અરસામાં જ અમેરિકાના વ્હાઇટ હાઉસથી પ્રેસિડેન્ટ ઓબામાનું આમંત્રણ આવ્યું. જમણવાર તેમના માનમાં જ રાખવામાં આવ્યો હતો. એ વખતે પણ તેમણે પોતાના મૂલ્યનું આત્મગૌરવ સાચવીને સવિનય જમવાની ના પાડી દીધી તો અમેરિકાના પ્રેસિડેન્ટને પણ ખોટું લાગ્યું નહોતું. એમ તમે તમારાં સગાં-વહાલાંને સવિનય ના પાડી દેશો તો તેમને ખોટું લાગશે નહીં.
આ દૃષ્ટાંત બાદ કોઈ હરિભક્ત એવું ન કહેતા કે ‘અમારે આગ્રહવશ થઈને જમવું પડ્યું અને નિયમ તોડવો પડ્યો,’ પણ અમેરિકાના પ્રેસિડેન્ટથી વધારે આગ્રહ કોનો હોય? તેમને પણ સવિનય ના પાડી શકાતી હોય તો બધાએ આવા આત્મ- ગૌરવયુક્ત હરિભક્ત બનવાનું છે.
આપણે નબળા હોઈએ અને મૂલ્યનું ગૌરવ ન કરીએ તો આપણે પોતે જ, સામેથી નિયમ તોડીએ છીએ. હકીકતમાં આપણને હરિભક્ત હોવાનું કે સાધુપણાનું આત્મગૌરવ હોવું જોઈએ.
તમને ખબર છે કે પ્રમુખસ્વામી મહારાજને પોતાની પવિત્રતા, સત્સંગી હોવાપણાનું, સાધુ હોવાપણાનું, કેટલું ગૌરવ છે? જ્યારે કેટલાય મોટા-મોટા નેતાઓ, સમાજના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજને કહે કે ‘સ્વામીશ્રી! તમે જે કાર્ય કરો છો એ બેનમૂન છે. તમારા સ્વયંસેવકો, તમારું આયોજન અદ્ભુત છે.’ ઘણા એવા કેફમાં આવીને સારી ભાવનાથી પણ કહે કે ‘સ્વામીશ્રી! તમને આખા દેશનું સુકાન સોંપી દીધું હોય તો રાષ્ટ્રનો સારી રીતે વિકાસ થાય.’ આ વાતચીત દરમિયાન એક સંતે મજાકમાં કહ્યું કે ‘બાપા! જો તમે વડા પ્રધાન થાવ તો હું નાણાપ્રધાન બનીશ.’ સ્વામીશ્રી કહે કે ‘માળાપ્રધાન થાવ એમાં બધું આવી ગયું.’ પ્રમુખસ્વામી મહારાજ સાધુપણાનું ગૌરવ મજાકમાં પણ ક્યારેય ગૌણ થવા દેતા નથી. સત્સંગી હોવાનું, સત્સંગી રહેવાનું, સત્સંગ કરવાનું ગૌરવ સતત સ્મરણમાં રાખવાનું છે.
પ્રમુખસ્વામી મહારાજ પણ આવું જ આત્મગૌરવ નિર્માનીપણા સાથે રાખે છે, ત્યારે આપણે પણ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી, આચરણમાંથી આ જ પ્રેરણા લેવાની છે કે એક સાચા હરિભક્ત બનીએ, નિયમ-ધર્મ-પંચવર્તમાનનું સતત પાલન કરીએ.