વર્ષો સુધી જગતના આરોગ્ય વિજ્ઞાનમાં મનના પ્રશ્નોને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. પરંતુ આજના વિશ્વમાં, શરીરના રોગો કરતાંય મનના રોગો વધુ ધ્યાનાકર્ષક બન્યા છે.
માનસિક તાણ એવી જ એક સમસ્યા છે, જે આધુનિક મેડિકલ વિજ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો બન્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે શરીરની અનેક સમસ્યાઓ, શરીરના અનેક રોગોનું મૂળ તેની સાથે જોડાયેલું છે.
એટલી હદ સુધી કે મનની આ સમસ્યા માણસને તન-મનથી સાવ ભાંગી નાંખે છે. આધુનિક જગત એટલી હદે માનસિક તાણ તરફ ધસી રહ્યું છે કે આપણે હવે સાવધાન થઈ જવું જોઈએ, નહીંતર વહેલી ઉંમરે આપણે અનેક રોગોના ભોગ બની શકીએ છીએ. અહીં આધુનિક મેડિકલ વિજ્ઞાનની નજરે માનસિક તાણ શું છે, તે જોવાનો એક સરળ પ્રયાસ કરીએ.
કોઈ પણ સંજોગો કે વિચારને કારણે વ્યક્તિને હતાશા, ગુસ્સો કે ચિંતાની લાગણી થાય, તેનું નામ માનસિક તાણ અથવા સ્ટ્રેસ. એક વ્યક્તિ માટે જે સંજોગો માનસિક તાણ પેદા કરી શકે છે, તે બીજી વ્યક્તિ માટે પણ હોઈ શકે.
'કંઈક અજુગતું બની જશે' એવો મનમાં રહેતો સતત ભય પણ માનસિક તાણનું એક સ્વરૂપ છે.
રોજબરોજના સંજોગોમાં માણસને કામકાજથી લઈને અનેક કારણોસર, સાધારણ માનસિક તાણ રહેતી જ હોય છે. શરીર અને મન એવા સંજોગોનો સામનો કરીને પરિસ્થિતિને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય તેને માનસિક તાણની સ્થિતિ કહેવાય.
જે પરિબળોને કારણે માનસિક તાણ (STRESS) પેદા થાય તેને 'સ્ટ્રેસર્સ' (STRESSORS) કહેવાય છે. આવી વધારે પડતી માનસિક તાણની પરિસ્થિતિને DISTRESS કહેવાય છે. આવી પરિસ્થિતિ વારંવાર થતી રહે કે સતત રહ્યા કરે તો તેની શરીરનાં બધાં જ અંગો પર વિપરીત અસર થાય છે. આવાં પરિબળો નીચે પ્રમાણે હોઈ શકે છે :
૧. ભૌતિક પરિબળો :
અતિ ગરમી, અતિ ઠંડી, અતિ ઘોંઘાટ, ધ્રુજારીઓ, અતિશ્રમ, બદલાતી રાતપાળી-દિવસપાળીઓ, આ બધું ભૌતિક પરિબળો ગણી શકાય. આના કારણે શરીરની બાયોલોજિકલ ક્લોકનું તંત્ર ખોરવાઈ જાય છે. આવાં પરિબળો શરીરને સીધી રીતે જ નુકસાન કરે છે. શરીર આવાં પરિબળોનો સામનો કરીને પોતાની સ્વસ્થતા જાળવવાનો પ્રયત્ન કરે છે. છતાં તેની સીધી અસર વ્યક્તિની ભૂખ, ઊંઘ, શરીરનું તાપમાન, બ્લડ પ્રેશર, બ્લડશૂગર, અને રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.
૨. વ્યાવસાયિક પરિબળો :
વ્યવસાય, નોકરી કે ધંધામાં કેટલાંક એવાં કારણો સર્જાતાં હોય છે જેના કારણે માણસને માનસિક તાણ પેદા થાય છે. જેમ કે-
ˆજેમાં આપણો કાબૂ ન હોય તેવાં સંજોગો સર્જાય. દા.ત. શેરબજારમાં ઊથલપાથલ.
ˆતમારી આવડત કે શક્તિઓનો પૂરો ઉપયોગ ન થતો હોય તેનો અસંતોષ.
ˆઉપરી કે સાથી કર્મચારીઓના આદર કે તેમની શાબાશી ન જીતી શકાય તેવા સંજોગો.
ˆપોતાની ક્ષમતા કરતાં વધારે કામકાજનો ભારે બોજ કે પોતાની ક્ષમતાની સામે તેને અનુરૂપ કામ જ ન હોવું કે કામકાજમાં બિલકુલ નવરા બેસી રહેવું પડે તેવા સંજોગો.
ˆપોતાની કાર્ય-ભૂમિકાની અસ્પષ્ટતા અથવા પોતાને કરવું ન ગમે તેવું કાર્ય કરવાની ફરજ પડે તેવા સંજોગો.
ˆસાથી કર્મચારીઓ અથવા અન્ય લોકોના જાન અને માલની જવાબદારી પોતાના શિરે હોય ત્યારે પોતાના કાબૂ બહારની પરિસ્થિતિ સર્જાય તેનાથી થતી અશાંતિ.
જેમ કે, ડોક્ટર કોઈક દર્દીને બચાવવા પ્રયત્ન કરે અને ન બચી શકે, ડ્રાઈવર વ્યક્તિને બચાવવા પ્રયત્ન કરે છતાં તેમાં સફળતા ન મળે તેવા સંજોગો.
ˆએકલા એકલા કામ કરવું પડે.
ˆવ્યવસાયમાં પોતાને અસંતોષ હોય અથવા વ્યવસાયમાં અસલામતી હોય તેવા સંજોગો. ધંધામાં ફાવટ આવતી ન હોય, નોકરી કાયમી ન હોય, વારંવાર નોકરી બદલવી પડતી હોય કે વારંવાર બદલીઓ થતી રહેતી હોય વગેરે સંજોગો.
ˆજાતજાતના ભેદભાવો સહન કરવા પડે તેવા સંજોગો, જેમકે ધર્મ, જાતિ કે વર્ણના કારણે રખાતા ભેદભાવોવાળી નોકરી.
ˆવ્યવસાયમાં હિંસા, મારામારી, ગાળાગાળી, સતત ગરમાગરમી વગેરેથી ભર્યો માહોલ હોય.
ઉપર બતાવેલાં મુખ્ય કારણો કૌટુંબિક કારણો, ઉપરાંત ઊંડા આઘાતની લાગણી, શારીરિક રોગો જેવા કે થાઇરોઇડ ગ્રંથિનો વધુ પડતો સ્રાવ, શરીરમાં લો શુગર, હૃદયરોગ વગેરે રોગોને કારણે પણ માનસિક તાણ થઈ શકે છે.
જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે વિદ્યાર્થી અવસ્થાથી સભાન માણસ સતત મથતો રહે છે. તેના પરિણામે સાધારણ રીતે સ્ટ્રેસ રહે છે, તે ખૂબ નુકસાનકારક નથી, પરંતુ સતત માનસિક તાણ અને તેની સતત વધતી જતી માત્રા, શારીરિક તથા માનસિક બીમારીઓને નોતરે છે.
સ્ટ્રેસ ઓછું કરવા માણસ અકરાંતિયાપણું, સિગારેટ, બીડી-તમાકુ, દારૂ વગેરે વ્યસનોનું સેવન વગેરે બાબતો તરફ વળે છે, જે શરીર-મનને વધુ નુકસાન પહોંચાડે છે. તેમાંથી મેદસ્વિતા, અનિદ્રા, કેન્સર વગેરે અનેક સમસ્યાઓ સર્જાય છે.
માનસિક તાણનાં શારીરિક લક્ષણોઃ
જ્યારે માણસ અતિશય માનસિક તાણ અનુભવે છે ત્યારે કેટલાંક શારીરિક લક્ષણો પણ જોવા મળે છે. અહીં કેટલાંક લક્ષણો નોંધ્યાં છે.
માનસિક તાણની માત્રા અતિશય વધી જાય ત્યારે કેવાં ચિહ્નો દેખાય છે?
શરીરમાં કે હાથ-પગમાં ધ્રુજારી થાય, સ્નાયુઓનું ફરકવું કે સ્નાયુઓ અકડાઈ જાય, માથામાં દુખાવો થાય, પરસેવો વળી જાય, મોં સુકાઈ જાય, થૂક અથવા પાણી ગળવામાં મુશ્કેલી નડે, પેટનો દુખાવો(ખાસ કરીને બાળકોમાં) થાય, ચક્કર આવે, હૃદયના ધબકારા ઝડપી અને અનિયમિત થાય, શ્વાસોચ્છ્વાસ ઝડપી થઈ જાય, નિઃસાસા નાંખતા હોય તેવા શ્વાસોચ્છ્વાસ થઈ જાય (Sighing breathing), ઝાડા થઈ જાય (ટેન્શન ડાયેરિયા, એક્ઝામ ડાયેરિયા), વારંવાર પેશાબ કરવા જવું પડે, સતત થાકેલા હોવાનો અનુભવ થાય, ચીડિયાપણું થઈ જાય, વારે વારે ગુસ્સે થઈ જવાય, અનિદ્રાનો રોગ થાય, ભૂડા સ્વપ્ન આવે, એકાગ્રતા ન રહે, વિવિધ પ્રકારના ફોબિયા થાય... વગેરેમાંથી કોઈક લક્ષણો માનસિક તાણ વખતે અનુભવાય. જોકે યાદ રાખવું જોઈએ કે બધા જ લોકોને બધાં જ લક્ષણોનો અનુભવ થાય તે જરૂરી નથી. વળી, અહીં ન દર્શાવ્યાં હોય તેવાં લક્ષણો પણ હોઈ શકે છે.
અમુક પ્રકારની દવાઓના ઓવરડોઝ અથવા અચાનક કોઈ દવા બંધ કરી દેવાનું થાય તો તેના કારણે પણ સ્ટ્રેસ ઉત્પન્ન થાયછે. જેમ કે કેફિન.
ચા કે કોફીના બંધાણીને સમયે સમયે તે ન મળે તો તેને માનસિક તાણ અનુભવાય છે. નિકોટિન, આલ્કોહોલ, શરદી માટે વપરાતી દવાઓ, શ્વાસ-દમના રોગની દવાઓ, એન્ટિડિપ્રેશન દવાઓ, કોકેઈન, એંફિટામિન, ડાયેટપિલ્સ(વજન ઉતારવાની દવાઓ), થાઈરોઈડની દવાઓ, ગર્ભનિરોધક ગોળીઓ, વિટામિન બી-૧૨ની ઓછી માત્રા હોય તેવો આહાર, ફોલિક એસિડ ઓછુ _ હોય, શરીરમાં ઉંમરને કારણે અંતઃસ્રાવી ગ્રંથિઓમાં પરિવર્તનો આવતાં હોય, ક્યારેક એડ્રિનાલીન ગ્રંથિનો સ્રાવ અનિયમિત થવાથી માનસિક તાણ ઉત્પન્ન થાય છે.
માનસિક તાણથી થતા રોગો :
પૂર્વ આપણે જોયું છે કે માનસિક તાણ શરીરને માટે ખૂબ ખતરનાક નીવડી શકે છે. પરંતુ કેવી રીતે નીવડે છે? તેની થોડીક સમજ કેળવીએ. માનસિક તાણને કારણે થતાં રોગો પૈકી કેટલાક રોગો નીચે મુજબ છે :
માનસિક તાણ અને હૃદયરોગ :
માનસિક તાણને કારણે એડ્રિનાલીન ગ્રંથિનો સ્રાવ વધે છે. તેના કારણે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધે છે. પરિણામે હૃદયને વધુ કાર્યબોજ વેંઢારવો પડે છે. તેમાંથી જ હૃદયરોગની વિવિધ સમસ્યાઓ ઊભી થાય છે.
વળી, વારંવાર થતા માનસિક તાણને કારણે કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે, તેમાં પણ ખાસ કરીને ખરાબ પ્રકારનું કોલેસ્ટરોલ (એલ.ડી.એલ.), ટ્રાઈગ્લીસરાઈડ્સ અને પ્રિફેટી-એસિડ્સના પ્રમાણમાં વધારો થાય છે. આ ઉપરાંત માનસિક તાણને કારણે આ વધારાની ચરબી દૂર કરવાની શારીરિક પ્રક્રિયાઓ પણ મંદ પડે છે તેથી લોહીની નળીઓમાં વધારાની ચરબી જમા થાય છે જે લોહીના પરિભ્રમણમાં અવરોધ ઊભો કરે છે.
વળી, માનસિક તાણને કારણે વારંવાર એડ્રિનાલીન ગ્રંથિનો સ્રાવ વધવાથી લોહીની નળીઓમાં સંકોચન અને વિકાસ થાય છે. આથી નળીઓમાં અંદરની બાજુ એ જ્યાં ચરબીના થર જામ્યા હોય તેમાં તિરાડો પડે છે. તેને કારણે તેમાં લોહીના કણો જમા થાય છે અને ધીમે ધીમે તે ગઠ્ઠો થઈ જાય છે આને થ્રોમ્બોસીસ કહે છે. તેના કારણે વ્યક્તિને હાર્ટ એટેક આવે છે.
ઉપરનાં બધાં જ કારણોસર માણસ હાઈબ્લડ પ્રેશરનો પણ શિકાર બને છે.
માનસિક તાણ અને રોગપ્રતિકારક શક્તિ :
માનસિક તાણને કારણે શરીરમાં કોર્ટિસોõલ (cortisol) નામના અંતસ્રાવનું પ્રમાણ વધે છે. તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આથી, વાઈરસ કે બેક્ટેરિયાથી થતા ચેપી રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે.
માનસિક તાણ એચ.આઈ.વી. પોઝિ ટિવ વ્યક્તિ માટે વધુ ખતરનાક પુરવાર થાય છે. માનસિક તાણને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, આથી એચ.આઈ.વી.ની અસર અતિશય ઝડપી બને છે, જે શરીરમાં એઈડ્સનો ઝડપી ફેલાવો કરી દે છે.
સંશોધનોએ સાબિત કર્યું છે કે વારંવાર થતી માનસિક તાણને કારણે ટી.બી. તથા વાયરસ બેક્ટેરિયાના અન્ય ઈન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે. દા.ત. (GAS) ટાઈપ. જેનો ચેપ સામાન્ય રીતે ખૂબ સાધારણ હોય છે. પરંતુ માનસિક તાણને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી આ જ રોગનો પ્રકોપ અતિશય વધી જાયછે. પરિણામે લોહી, સ્નાયુઓ, ફેફસાંમાં એ વાયરસ, બેક્ટેરિયા પગદંડો જમાવી દે છે. તેના કારણે નેક્રોટિક ફેશિયાઈટીસ થાય છે. તેમાં સ્નાયુ, ચામડી, ચરબીનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, જે પ્રાણઘાતક નીવડે છે. આ ઉપરાંત લ્વ્લ્લ્ પણ થાયછે. જેમાં કિડની, લીવર અને ફેફસાં પર ઘાતક અસર પહોંચે છે.
સામાન્ય રીતે ફ્લૂનો રોગ ઘણાને થાયછે. પરંતુ માનસિક તાણને કારણે આ જ રોગનો પ્રકોપ અતિશય વધી જઈને તે ન્યુમોનિયામાં પરિણમે છે. દમના દર્દીને પણ માનસિક તાણને કારણે દમના હુમલા પણ વધી જાય છે.
જેમને ડાયાબિટીસ હોય તેમને માનસિક તાણને કારણે ડાયાબિટીસ વધુ વકરે છે.
માનસિક તાણ અને પાચનતંત્ર :
માનસિક તાણને કારણે જઠર-આંતરડાંને લોહી મળતું ઓછુ _ થાયછે. સમગ્ર પાચનતંત્રને લોહી પૂરતું ન મળવાથી, તેમાંથી પૂરતા પાચક રસો ઝ રતા નથી. આથી પાચનક્રિયાના રોગો પણ થાય છે. જઠર-આંતરડાંમાં ચાંદા પડે, એસિડિટી, અપચો-કબજિયાત જેવા રોગ થાય છે, અલ્સરેટિવ કોલાઇટિસ જેવો ભયાનક રોગ પણ તેમાંથી જ થઈ શકે છે. ઇરિટેબિલ બોવેલ સિન્ડ્રોમ (IBS) પણ થાય છે.
માઇગ્રેન, માથાનો દુખાવો :
માનસિક તાણને કારણે માથાનો દુખાવો વધે છે, માઇગ્રેનના હુમલાઓ વધે છે અને 'ટેન્શન-હેડેક' વધે છે. ગરદન અને કમરના દુખાવા પણ વધી જાય છે.
માનસિક તાણ અને કેન્સર :
૧૯૯૦માં થયેલાં સંશોધોનો પ્રમાણે માનસિક તાણને કારણે ટી.લિમ્ફોસાઈટ્સ(શ્વેતકણો-જે કેન્સરના કોષો સામે લડે છે)તેનું પ્રમાણ ઘટી જાય છે. તેના કારણે શરીરમાં કેન્સર ઝડપથી ફેલાઈ જાયછે.
સતત માનસિક તાણને કારણે ઓક્સિડન્ટ અને એન્ટિઓક્સિડન્ટનું સંતુલન ખોરવાઈ જાયછે. ઓકિસડન્ટનું પ્રમાણ વધે છે, પરિણામે શરીરના કોષો ખામીયુક્ત બને છે. એમાં રહેલાં ઈલેકટ્રો નેગેટિવ તત્ત્વો રંગસૂત્રોમાં દખલ કરીને કેન્સરના નવા કોષો ઉત્પન્ન કરે છે. મગજના કોષોનો નાશ કરે છે અને 'આલ્ઝ õઈમર્સ ડિસીઝ ' નામનો રોગ થાય છે, જેમાં માણસની યાદશક્તિનો સંપૂર્ણ વિલય થાય છે.
ટૂંકમાં માનસિક તાણ અનેક રોગોની જનેતા છે. અહીં દર્શાવેલા અને ન દર્શાવેલા અનેક રોગોનું મૂળ માનસિક તાણ છે, આ રોગોને દૂર કરવા માટે આધુનિક ચિકિત્સકો જાતજાતની થેરાપી દર્શાવે છે. જેમ કે સાઉન્ડ થેરાપી, મ્યુઝિ ક થેરાપી, વોકિંગ થેરાપી, બાયોફીડબેક થેરાપી, ઓટોજેનિક થેરાપી, વિઝ્યુઅલાઈઝેશન થેરાપી વગેરે...
કેટલાક ચિકિત્સકો વિવિધ ડ્રગ્સ દ્વારા પણ પ્રયોગ કરે છે. જો કે વર્ષોના અંતે હવે એ પુરવાર થઈ ગયું છે કે આધ્યાત્મિક ઇલાજની તોલે આવી શકે એવો કોઈ ઇલાજ નથી.