બ્રાહ્મી સ્થિતિ યોગ
અધ્યાય - ૨
અનુસંધાનઃ
'कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टम् अस्वर्ग्यम् अकीíतकरम् अर्जुन॥
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत् त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥' (ગીતા : ૨/૨,૩)
એમ કહીને શ્રીકૃષ્ણ ભગવાને પાર્થના નિર્ણયોને સજ્જનો ન કરે તેવા, ધર્મવિરુદ્ધ અને અકીર્તિકર જણાવ્યા હતા. વળી, આ તો તેના નિર્વીર્ય વિચારો છે, હૃદયની ક્ષુદ્ર દુર્બળતા છે એમ કહ્યું હતું. અને તેથી જ તે બધું ખંખેરીને હવે ઊભા થઇ જવાનો આદેશ કર્યો હતો. આ સાંભળતાં અર્જુને જે કહ્યું તે હવે જાણીએ.
कथं पूजार्हौ प्रति योत्स्यामि - પૂજનીયો પ્રતિ યુદ્ધ શાનું?
अर्जुन उवाच – અર્જુને કહ્યું –
कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मघुसूदन।
इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन॥
गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके।
हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुघिरप्रदिग्घान्॥
અર્થાત્, હે મધુસૂદન! રણભૂમિમાં હું ભીષ્મ અને દ્રોણની વિરુદ્ધ બાણો વડે યુદ્ધ કઈ રીતે કરું? કારણ કે હે અરિસૂદન! તે બંનેય તો પૂજવાને યોગ્ય છે. માટે આ મહાનુભાવ ગુરુવર્યોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે પણ જીવનનો નિર્વાહ કરવો શ્રેયસ્કર સમજું છુ _. કારણ કે ગુરુવર્યોને હણીને પણ આ લોકમાં રક્તરંજિત અર્થ અને કામરૂપ ભોગોને જ મારે ભોગવવા પડશે ને! (ગીતા ૨/૪,૫)
कुतस्त्वा - હે અર્જુન! તને આવું કેમ થયું? એમ શ્રીકૃષ્ણના વચનની સામે અર્જુન અહીં દલીલ કરી રહ્યો છે. એક મારા પિતામહ છે અને બીજા મારા આચાર્ય છે. એકના ખોળામાં મારું નાનપણ વીત્યું છે તો બીજાની છત્રછાયામાં મેં વિવિધ વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. તમે જ કહો શું આવી પૂજનીય વ્યક્તિ સામે હથિયાર ઉગામવું શૂરવીરતાને યોગ્ય છે? અને એમ ન કરીએ એટલે કાયર થઈ ગયા કહેવાય? માટે હે કૃષ્ણ! મારી યુદ્ધવિમુખતા કાયરતાને લીધે નથી. કાયરો તો ભયને લીધે પાછીપાની કરતા હોય છે. જ્યારે મને મૃત્યુનો ભય નથી. હું તો વિવેકધર્મનો વિચાર કરું છુ તેથી યુદ્ધનો નિષેધ કરી રહ્યો છુ _. માટે મારા આ ધાર્મિક નિર્ણયને આપ હૃદયની ક્ષુદ્ર દુર્બળતા ન કહેશો. વળી, મારા જેવાને તો આ જ શોભે એવું મને લાગે છે. તેથી તેને ત્યજવાની વાતને આપ ત્યજી દો એ જ વધુ ડહાપણ ભર્યું લાગશે. આમ અર્જુને વળતો જવાબ શોધી પાડ્યો છે. ખરેખર! બુદ્ધિના આત્મઘાતી વલણને સમજવું અઘરું છે. તે જાતજાતના વેશ ધરી છેતરી શકે છે. પોતાનો એકડો સાચો કરવા તે કેટલાય સાચા અને સારા દેખાતા તર્કોને ઊભા કરી દલીલો કરી શકે છે. અર્જુનની બુદ્ધિએ હાલ એ વલણ અપનાવી લીધું છે. તેથી પોતાની દલીલોને તે બૌદ્ધિક યુક્તિથી સજાવી રહ્યો છે.
આમ છતાં તે પોતાની દલીલો પર પણ નિર્ભર રહી શકતો નથી. કારણ પોતે લીધેલા નિર્ણયો સામે પોતાના જ હિતેચ્છુ અને નિષ્કપટ પરમસખા એવા શ્રીકૃષ્ણનો સ્પષ્ટ વિરોધ તેને પોતાના જ વિચારો પર એક શંકા પણ ઊભી કરી દે છે. શ્રીકૃષ્ણના શબ્દોની અસર પણ તેને થઈ છે. પરિણામે ઉપરોક્ત દલીલ કર્યા પછી પણ અર્જુન કહેવા લાગે છે
न चैतद् विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः।
यानेव हत्वा न जिजीविषामस्तेऽवस्थिताः प्रमुखे घार्तराष्ट्राः॥
અર્થાત્, આપણને એ પણ ખ્યાલ નથી આવતો કે આપણા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંને માંથી કયું શ્રેષ્ઠ છે. વળી, એ પણ ખ્યાલ નથી આવતો કે આપણે જીતીશું કે નહીં જીતીએ, પરંતુ જેને હણીને આપણે જીવવા પણ ઇચ્છતા નથી તે ધૃતરાષ્ટ્રના પુત્રો આપણી સામે ઊભા છે. (ગીતા ૨/૬)
આ અર્જુનનું ડહોળાયેલું મન છે. કદાચ હું ખોટો પણ હોઉં. મારી સમજણ ગેરમાર્ગે તો દોરતી નથી ને! એમ હવે તેને દ્વિધા થઈ ગઈ છે. બસ, દ્વિધા આવી એટલે હવે સુખચેનની વાત પૂરી. તે ક્યારેય કોઈનેય જંપવા ન દે. વળી, દ્વિધા જ તો વૈચારિક અસ્થિરતાનું મુખ્ય પરિબળ છે. માનસિક રોગોનું ઘર છે. અર્જુનના દુર્બળ વિચારો હવે અહીં અસ્થિરતાના શિકાર બનવા લાગ્યા છે. તેનો અજંપો જાણે વધતો ચાલ્યો છે.
આ બધું હોવાં છતાં અહીં એક સારી બાબત બનતી દેખાય છે. એ એ જ કે અર્જુન પોતાની આ વિપરીત પરિસ્થિતિને પામી ગયો છે. આવી પરિસ્થિતિમાં પોતે જે નથી કરી શકતો તે વિચારને ફંગોળી દઈને હવે તે પોતે જે કરી શકે તેમ છે તેનો વિચાર કરવા લાગે છે. આ વિચારમાં તેને જે સૂઝ્યું અને તે પ્રમાણે તેણે જે કર્યું તેમાં જ સંપૂર્ણ ઘટનાચક્રે વળાંક લઈ લીધો.
અર્જુનને સૂઝ્યું – શિષ્યતા! શરણાગતિ! અને એક રોમાંચક ઘટનાએ આકાર લીધો. એક મહારથી એક સારથિનો શિષ્ય થયો! શરણાગત થયો!
शिष्यस्तेहम् - હું આપનો શિષ્ય છુ
शिष्यस्तेहम् - હું આપનો શિષ્ય છુ _. કેટલું અર્થગંભીર છે આ વાક્ય! જ્ઞાન–વિજ્ઞાનના શિરમોડ ઉપાયનો જાણે સનાતન શિલાલેખ! નિરાંત, નિશ્ચિંતતા અને પરમાનંદનું જાણે સંજીવનીસૂત્ર! મનમાં ને મનમાં રટ્યા જ કરીએ એવો જપનીયમન્ત્ર! આ શિષ્યતા ઉન્નતિનું પ્રવેશદ્વાર છે. શિષ્યતા શક્તિ, સાહસ, સમજણ અને ઉત્સાહની ગંગોત્રી છે. શિષ્યતા અબુદ્ધતા કે લાચારી નથી, પરંતુ પ્રબુદ્ધતા અને દક્ષતા છે. શિષ્યતાનો નિર્ણય એટલે સુખ–શાંતિને આમંત્રણ અને મૂંઝ વણનાં વળતાં પાણી. શિષ્યતામાં શું નથી? બધું જ છે. જે શિષ્ય થાય તેને આ બધો વૈભવ મળે. પણ કોઈના શિષ્ય થવું કાંઈ સહેલું નથી. જે અહંકારને કચડી શકે તે શિષ્ય થઈ શકે. જે પોતાના અજ્ઞાનને સ્વીકારી શકે તે શિષ્ય થઈ શકે. અભિમાનીઓ કોઈના શિષ્ય થઈ શકતા નથી. કોઈના શરણાગત થઈ શકતા નથી. અહંકારને કચડી શકતા નથી. અજ્ઞાની થઈ શકતા નથી. પરિણામે તેઓનાં સંશયો, અજ્ઞાન અને અસુખ ક્યારેય મટતાં નથી. તેઓ મારા જીવનમાં કોઈ પ્રશ્ન આવશે જ નહીં અને કદાચ આવશે તો પોતાની જાતે પહોંચી વળીશું એવી ભ્રાંતિમાં જીવતા હોય છે. તેઓ મોટે ભાગે કોઈકનું માની લેવાના સ્વભાવવાળા નથી હોતા. શ્રદ્ધાદરિદ્રતા તેમને ભટકાવી મૂકે છે. ગુરુ જેવી વસ્તુ તો જેનામાં બુદ્ધિશક્તિની ખામી હોય તેવા લોકો માટે છે. જ્યારે અમે તો બુદ્ધિજીવી છીએ, બુદ્ધિશક્તિથી ભરેલા છીએ. એટલે અમારે કોઈની શિષ્યતા લેવાની ન હોય, અમારે કોઈને ગુરુ કરવાના ન હોય... એવી અજ્ઞાત મૂર્ખામીથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે.
અર્જુને આવી મૂર્ખતા કરી નથી. કોઈ સમર્થની સહાય વગર પોતાની જાતે જ પોતાનું ઘડતર કરી લેશે એવો ભ્રમ તેને નથી. એ જાણે છે કે કેવળ મારા વિચારો તો મને કેવોય આકાર આપશે. મને કેવીયે દિશામાં દોરી જશે. માટે મારા જીવનશિલ્પના કુશળ ઘડવૈયા અને જીવનરાહના ભોમિયા તો આ કૃષ્ણ જ છે. એટલે સમય પારખી તુરંત તેણે એક નિર્ણય કરી લીધો – શ્રીકૃષ્ણને સમર્પિત થવાનો, શ્રીકૃષ્ણને ગુરુ કરી લેવાનો. ખરેખર, જીવનનો એક અતિ–અતિ–અતિ અગત્યનો નિર્ણય!
તેણે શ્રીકૃષ્ણ ભગવાન સમક્ષ નમ્રતાથી કહ્યું
कार्पण्यदोषोपहतस्वभावः पृत्व्छामि त्वां घर्मसंमूढचेताः।
यत्व्छ्रेयः स्यान्निश्र्चितं ब्रूहि तन्मे शिष्यस्तेहं शाघि मां त्वां प्रपन्नम्॥
અર્થાત્, હે પ્રભુ! કાયરતારૂપી દોષને લીધે પીડિત સ્વભાવ-વાળો અને ધર્મની બાબતમાં મોહિત થયેલા ચિત્તવાળો હું આપને પૂછુ _ છુ _ કે મારા માટે જે શ્રેયસ્કારી હોય તે મને નિશ્ચિતરૂપે કહો. હે પ્રભુ! હું આપનો શિષ્ય છુ _. આપને શરણે આવેલા મને આપ ઉપદેશ આપો. (ગીતા ૨/૭)
પાર્થનો આ આર્તનાદ છે. અહીં ગરજનાં દર્શન છે. તત્પરતાનું પ્રતિબિંબ છે. ઊગરવાની પ્રામાણિક તાલાવેલી છે. અર્જુનનું ખરું રક્ષાકવચ તો આ જ છે. કૃષ્ણને જાણે હવે પોતાના જીવનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવા મજબૂર કરી રહ્યો છે. કારણ તે હવે શ્રીકૃષ્ણનો શરણાગત થયો છે.
પાર્થની આ શરણાગતિ પણ જેવી તેવી નથી, ઉત્કૃષ્ટ છે. તેના શબ્દોમાં આ ઉત્કૃષ્ટતા ઝ ળહળતી દેખાય છે.
ઉત્કૃષ્ટ શરણાગતિ
ગુરુને શરણાગત તો ઘણા થાય છે, પણ શરણાગતિ શરણાગતિમાંય ઘણા ભેદ હોય છે. સ્થૂળ રીતે શરણાગત થયા પછી પણ ઘણી વાર શરણાગતિની સૂક્ષ્મ બાબતો આપણી જાણબહાર કે પછી ધ્યાનબહાર રહી જાય છે. આથી સર્વાંગ–સંપૂર્ણ શરણાગતિ થઈ શકતી નથી. પરિણામે તેના અતિ ઉત્તમ ફળ-વૈભવથી આપણે વંચિત રહી જઈએ છીએ. અહીં અર્જુને લીધેલી શરણાગતિ આ દિશામાં આપણને ઘણું ઘણું વિચારવા પ્રેરે તેવી છે. આવો, તેની કેટલીક વિશેષતાઓને જાણીએ, વિચારીએ.