Essay Archives

કવિશ્રી સુન્દરમ્ અમર પંક્તિઓ લખી ગયા છે:
દેખાતું નૈં તેથી નૈં ?
એ વાત ના સૈ, ના સૈ, મારા ભૈ,
દેખાતું નૈં તેથી નૈં ?
પોતાના મનને જચે એવા પુરાવા ન મળે એટલે ‘આ વાત જૂઠ્ઠી‘- એવી દલીલો કરવી એ માનવીને અક્કલ આવી ત્યારથી લાગુ પડેલી કુટેવ છે. આથી જ ગેલીલીયો જેવા વૈજ્ઞાનિકોને હેરાન થવું પડ્યું છે. આજે પણ આ હકીકતને કદાચ બહુ થોડાં માણસો સ્વીકારી શકશે કે બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર સીધી લીટી નથી, પરંતુ એ એક મહામોટા ગોળાના પરિઘનો ચાપ છે, જે ગોળાનો વ્યાસ ૨૭.૪ અબજ પ્રકાશવર્ષ છે. આવું વિજ્ઞાન તો આવતી કાલે પણ પુરવાર થઈ જશે, પરંતુ કોઈને કોઈના પ્રત્યે પ્રેમ હોય કે કોઈના પ્રત્યે વેરઝેર હોય એ ય ક્યાં દેખાય છે? તો શું એ નથી?
આ દલીલબાજી જ કેટલાંક માણસોને ઈશ્વરના અસ્તિત્વ અંગે શંકા કરાવે છે. અને આ જ, સામાન્ય દેખાતા માનવે કેળવેલ સદગુણો એટલે કે સંતત્વને પીછાણવામાં પણ ગોથું ખવડાવી દે છે. પરંતુ દુનિયાના તમામ સંતો-મહાત્માઓ, લોકો પોતાને ભલેને ગમે તે સમજતા હોય, પણ એનાથી ખલેલ પામ્યા સિવાય પોતાનું કાર્ય કરતાં રહ્યાં છે- જનસેવાનું અને પ્રભુપરાયણતાનું. તદ્દન સાધારણ પૂર્વભૂમિકા ધરાવતાં પ્રમુખસ્વામી મહારાજ પાસે એવી ઉત્કટ પ્રભુપરાયણતા હતી, જેને લીધે તેઓ ઉપરોક્ત ‘ન માનવાવાળા‘ માણસોના વિચારોથી ન તો ક્યારેય પ્રભાવિત થયા હતા, કે ન તો ક્યારેય વિચલિત!
સંતો મનથી હંમેશા ભગવાન સાથે સંલગ્ન રહેતાં હોય છે- એને માત્ર બાહ્યદ્રષ્ટિએ જોઈને કળી લેવું એ તો માત્ર કોઈનો ચહેરો જોઈને એ કોના વિચારોમાં મગ્ન હશે એ જાણી લેવા જેવું મુશ્કેલ છે. જોકે પ્રમુખસ્વામી મહારાજનું પવિત્ર જીવન જોતાં ‘દેખાતું નૈં‘-ની દલીલને કોરાણે મૂકીને પણ એમની પ્રભુ-સંલગ્નતાને સ્વીકારી લેવાનું મન થતું. આ જ ‘જન્મભૂમિ-પ્રવાસી‘ના ખબરપત્રી જિતુભાઈ સોમપુરાએ બોરસદમાં તા.૨૬-૨-૮૫એ પ્રમુખસ્વામીને પૂછેલું કે, ‘આપને જીવનમાં પહેલીવાર કઈ પળે અનુભવ થયો કે ઈશ્વર છે?‘ ‘પહેલેથી જ એ અનુભૂતિ છે.‘ સ્વામીશ્રીએ સહજતાથી તત્ક્ષણ ઉત્તર આપેલો. તા.૨-૧૧-૯૧એ રાજકોટમાં એક અજાણ્યા યુવકે સ્વામીશ્રીને પૂછ્યું, ‘આપે ભગવાનનાં દર્શન કર્યાં છે?‘ સ્વામીશ્રીનો ઉત્તર હતો, ‘કર્યાં છે ત્યારે તો આનંદ છે અને જોયા છે એટલે વાત કરીએ છીએ.‘ ‘આપને તાદ્રશ જ છે?‘ ‘હા. તાદ્રશ જ છે.‘ સ્વામીશ્રીએ સ્પષ્ટ કહયું હતું.
એક વખત ગોંડલમાં જ્ઞાનપ્રિય સ્વામી સભામાં કથા કરતા હતા અને પ્રમુખસ્વામી પાછળથી સ્ટેજ ઉપર દાખલ થયા. એ વખતે કથાકાર બોલી રહ્યા હતા કે, ‘પ્રમુખસ્વામીની દરેક ક્રિયામાં- નહાવું, ખાવું, સૂવું… દરેકમાં..‘ આ વાક્ય હજુ અધૂરું જ હતું, એને અધવચ્ચેથી ઉપાડી લઈને પૂરું કરતાં સ્વામીશ્રી બોલ્યા, ‘….દરેક ક્રિયામાં ભગવાન જ છે, ભગવાન જ છે, ભગવાન જ છે.‘ જો કે એ તો અનેક પ્રસંગોએ દેખાઈ જ આવતું હતું.
તા.૧૧-૪-૮૬એ એમના પગે ઓપરેશન કરીને નારંગી જેવડી મોટી ગાંઠ કાઢી નાખવામાં આવી. એના પછી હજુ તો તેઓ ઘેનની દવાની અસર હેઠળ અર્ધજાગૃત જ હતા. એ વખતે એમને પૂછ્યું કે ‘કેવું છે?‘ તો જવાબમાં તેઓ કહે ‘સ્વામિનારાયણ.‘ એ જોતાં લાગે કે સુષુપ્તિમાં અને પીડામાં પણ એમના ભજનનો દોર અતૂટ રહ્યો હતો. એમને ૭૭મા વર્ષે હ્રદય ઉપર પાંચ બાયપાસનું ઓપરેશન કરાવ્યા બાદ તેઓ થોડાંક ભાનમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં એમણે ભગવાનની મૂર્તિ મંગાવીને દર્શન જ કર્યાં હતાં, પણ પોતાના અંગે કોઈ વાત કરી નહોતી. તા.૨-૧-૨૦૦૮ના દિવસે એમની ૮૭ વર્ષની ઉંમર હતી ત્યારે એમની એન્જીયોગ્રાફી કરવામાં આવી. આ પ્રક્રિયા પીડાદાયક અને તાણ ઉત્પન્ન કરનારી હોય છે, પણ એમના ઉપર કોઈ જ અસર દેખાઈ નહીં. એમને પૂછ્યું કે ‘આપને કોઈ ટેન્શન ન થયું?‘ તો એ કહે ‘હું તો ભજન કરતો હતો. સામે ભગવાનની મૂર્તિનાં દર્શન કરતો હતો અને ગુરુ શાસ્ત્રીજી મહારાજે મને દીક્ષા આપી એ પ્રસંગની સ્મૃતિ કરતો હતો, એટલે ટેન્શન શાનું રહે?‘ માછલી જેમ પાણી વિના તરફડીયા મારે એમ ભગવાનના સ્મરણ વિના ક્ષણમાત્ર ન રહી શકનારની આ અનુભૂતિ હતી.
પ્રમુખસ્વામી મહારાજે ઊભા કરેલ વિશ્વવિખ્યાત પ્રકલ્પો એમની ભગવાન પ્રત્યેની અદ્રષ્ટ પણ અડગ શ્રદ્ધાના પ્રતીકો હતા. અમેરિકાના લોસ એન્જેલસમાં એમણે મહામંદિરના બાંધકામનો પ્રારંભ કર્યો ત્યાં જ એ વિઘ્ન આવ્યું કે મંદિરને ફક્ત ૪૨ ફૂટની ઊંચાઈની જ પરવાનગી અપાઈ. મંદિરની ઊંચાઈ ૭૮ ફૂટ હોય તો જ શાસ્ત્રોક્ત રીતે બરાબર બને અને આકર્ષક પણ તો જ લાગે. વધુ ઊંચાઈની પરવાનગી માટે સંસ્થાએ કાયદાકીય ચક્રો ગતિમાન કર્યાં, પણ એની સાથે વિરોધે પણ જોર પકડ્યું. કેટલાંકને તો થયેલ કામ સહિત આ જગ્યા છોડી દેવી યોગ્ય જણાઈ. પણ સ્વામીશ્રીએ- ‘ભગવાનની ઈચ્છા અહીં બિરાજમાન થવાની છે, એટલે ભગવાન જ પરવાનગી મેળવી આપશે‘- એમ કહેતાં અતુલ્ય શ્રદ્ધાના જોરે ૭૮ ફૂટની ઊંચાઈ માટેના પથ્થરો ઘડાવી લીધા. એટલું જ નહિ, આ જ જગ્યાએ બીજા એક ભવનમાં ભગવાનની મૂર્તિપ્રતિષ્ઠા પણ કરી દીધી. એમની પરમ ભક્તિ હતી, તો પરવાનગી ૩ વર્ષ પછી મળી. આજે ૭૮ ફૂટ ઊંચું એ મંદિર પશ્ચિમી જગતમાં ભારતીય સંસ્કૃતિની ધજા લહેરાવતું અનેકોને પ્રેરણા અને શાંતિ આપી રહ્યું છે.
ભગવાનમાં અપ્રતિમ શ્રદ્ધા, અખંડ સ્મરણ અને પરાભક્તિ- આપણને બાહ્ય દ્રષ્ટિથી આ બધું ભલે ન દેખાતું હોય, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ જેવા નિર્મળ હ્રદયના સંતો જો એને જોઈ-અનુભવી શકતાં હોય, તો એ ‘સૈ‘- સાચું માની લેવું એ વિવેકબુદ્ધિ ગણાય.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS