પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું દિવ્ય વ્યક્તિત્વ અનંત કલ્યાણકારી ગુણોથી તો છલકાતું હતું જ, પરંતુ એમનામાં દૃષ્ટાંતરૂપ અન્ય એવાં લક્ષણો પણ હતાં, જે તેમને ગૌરવવંતા પ્રતિષ્ઠાનના નિર્માતા તરીકે મૂલવવામાં, વિશ્વસ્તરે મેનેજમેન્ટ ક્ષેત્રના તજજ્ઞો અને પારંગતોને મદદરૂપ થાય.
અનુયાયીઓ પ્રત્યેનો અનન્ય અસીમ, નિર્વ્યાજ, પ્રેમ એ તેમનું સર્વોત્તમ લક્ષણ હતું; જાણે તેમનું સમગ્ર જીવન સૌના શ્રેય-પ્રેય માટે જ ન હોય! તેમના સંપર્કમાં આવેલા હજારો આબાલવૃદ્ધ મુમુક્ષુઓ અને સંતોનો એ સ્વાનુભવ રહ્યો કે શાસ્ત્રીજી મહારાજ તેમના ઉપર માતા-પિતાનું બેવડું વાત્સલ્ય વરસાવતા. નાનામાં નાના, અદનામાં અદના મુમુક્ષુઓનું તેમણે કલ્યાણ જ વાંચ્છ્યું. કેવળ તેમને પ્રસન્ન કરવા જ દાયકાઓ સુધી અત્યંત કષ્ટદાયક વિચરણ કર્યું; તેમનાં ખોરડાં પવિત્ર કર્યાં, દુર્બળ વ્યવહારના પ્રસંગોએ તેમના હામી બન્યા. ૮૪ વર્ષની પાકટવયે રાજપુરમાં યોજાયેલા પારાયણમાં કોઈ યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી જ્ઞાનવાર્તા કરી સૌને પ્રસન્ન કરી દીધા. સૌએ કહ્યું, 'સ્વામી બાપા, આપ આરામ કરો.' ત્યારે સ્વામીશ્રી હસીને કહે, 'આરામ તો મહારાજની મૂર્તિમાં હું અખંડ કરું છું. પરંતુ તમારા જેવા હરિભક્તોનો જોગ થાય છે ત્યારે મહારાજ મને અંદરથી કહે છે કે વાતો કરો. એટલે વાતો કર્યા સિવાય રહેવાતું નથી.'
આવા યુગપુરુષો તેમના સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિઓનાં સ્વભાવોમાં, ચેતાતંત્રમાં, વલણોમાં, વિચારઅને વર્તનમાં આમૂલ પરિવર્તન લાવી દેવાની ક્ષમતા ધરાવતા હોય છે. ઘણી વખત તો તેમના અલ્પ જેટલા સંસર્ગમાં જ સામી વ્યક્તિનું આખું કલેવર બદલાઈ જાય. બોચાસણનું મંદિર જ્યારે નિર્માણાધીન હતું ત્યારે તેમાં વિઘ્નો નાખવા વિરોધીઓએ બોચાસણના જ એક માથાભારે વ્યક્તિ હીરામુખીને સાધવા-કરવામાં કાંઈ બાકી રાખ્યું નહિ. ત્યાં જળઝીલણી પછીની, હીરામુખીએ જ આપેલી પારણાંની રસોઈના ટાણે 'આજે જો તમે વર્તમાન ધરાવી સત્સંગી થાવ તો અમારે જમાય' આટલું કહી મુખીનું જ્યાં કાંડું પકડ્યું ત્યાં એ શીતલ દિવ્યસ્પર્શથી, હીરામુખીની કાયામાં ઝણઝણાટી વ્યાપી ગઈ, હૈયામાં શાંતિનો અહેસાસ થયો. હીરાભાઈમાં આમૂલ પરિવર્તન થઈ ગયું; પછી તો તેમની શૂરવીરતાનો સદુપયોગ થવા માંડ્યો — સત્સંગને અર્થે અને શાસ્ત્રીજી મહારાજનાં તમામ કાર્યોના અનુમોદન અર્થે !
ત્યારે ગુજરાતનાં ગામડાંઓની પ્રજા હજુય વહેમ-વિષય-વાસનાનાં નાગચૂડમાં ફસાયેલી હતી. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને તેમના વિશ્વાસુ સંતોના અવિરત વિચરણથી, લાખો ઘરોમાં ચારિત્ર્યના દીપ પ્રગટ્યા. તેમની સાદાઈ, સાધુતા અને સદુપદેશની ચમત્કારિક અસરથી બદલપુર જેવાં કેટલાંય ગામો સત્સંગનાં કેન્દ્રો બની ગયાં; ત્યાંના રહીશોને નીતિમત્તાવાળું અને સદાચારી જીવન જીવતા કરી મૂક્યા.
આવા પ્રતિષ્ઠાન નિર્માતાનું એક અનન્ય લક્ષણ છે — ધ્યેયની સ્પષ્ટતા કરાવવી અને ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગે ચાલવા સમુદાયોને પ્રોત્સાહિત કરવા. — He creates a vision, communicates it to followers and exhorts them to move towards that vision. — તેઓ તો સ્વયં દીર્ઘદ્રષ્ટા હોય જ છે, સ્વયં સ્પષ્ટ પણ હોય છે, પરંતુ તેમના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓમાં એ ધ્યેય, એ દિશાની સમજ અને સૂઝ કેળવાય, તેની દૃઢતા થાય તે માટે અથાગ પ્રયત્નો કરે; તે માટે જરૂરી એવું Pursuasive Communication (સોંસરવું ઊતરી જાય એવું પ્રત્યાયન) પૂરું પાડે. પીજના શ્રી જેઠાભાઈ(સ્વામીશ્રી નિર્ગુણદાસજી)ને તેમના જ ગામના શ્રી મૂળજીભાઈ દ્વારા ભગતજીનો મહિમા સમજાયેલો. એક વખત વડોદરા મંદિરની પ્રદક્ષિણામાં આ તેજસ્વી, તરવરિયા યુવાનનો ભેટો થઈ જતાં, શાસ્ત્રીજી મહારાજે ત્યાં પ્રદક્ષિણામાં જ સાથે બેસાડી, સતત બાર કલાક સુધી અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંતની વાતો કરી, તેમને દૃઢ નિશ્ચય કરાવી દીધો.
સારંગપુર મંદિરનું નિર્માણ ત્વરિત વેગે સંપન્ન થઈ રહ્યું હતું અને સંતો વહેલી સવારથી સેવામાં જોતરાઈ જતા. એક દિવસ વહેલી સવારે એક સાધુ હરિકૃષ્ણદાસ નિત્યક્રમ મુજબ પ્રસાદીને કૂવે નાહીને માથે પાણી ભરેલું માટલું મૂકી, પીઠાવાળે ઓરડે આવતા હતા ત્યાં સામેથી આવતા ઝીંઝરના દરબારે 'આવાં દુઃખ શું કામ વેઠો છો?' એવી ટીકા કરી. તેના પ્રત્યુત્તરમાં આ સેવા કેટલી મહત્ત્વની છે એ સમજવા હરિકૃષ્ણદાસે દરબારને ત્યાં વિરાજતા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને મળવા વિનંતી કરી. પૂર્વેના મુમુક્ષુ જીવ એવા દરબાર સ્વામીશ્રીને મળવા આવ્યા. પ્રથમ મુલાકાતે જ ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૭૧, ગઢડા મધ્ય પ્રકરણ ૫૯ અને વરતાલ પ્રકરણ ૫ — વગેરેના આધારે 'ભગવાનના સંતની સેવા બહુ મોટાં પુણ્યવાળાને મળે છે' એ વાત એવી તો અદ્ભુત રીતે તેમને સમજાવી કે દરબાર પોતે ગદ્ગદિત થઈ ગયા, પ્રણમ્યા, સ્વામીશ્રીને પોતાના મોક્ષદાતા તરીકે સ્વીકારી લીધા અને સંસ્થાના કાર્યમાં જોડાઈ ગયા.
આવા પ્રતિષ્ઠાન સ્થાપકોમાં અકલ્પ્ય દૂરંદેશીપણું અને આર્ષદર્શન હોય છે. આવતા દાયકાઓ સુધીની ઘટનાઓ તેમને હસ્તામલકવત્ હોય છે. તેમનાં પૂર્વાનુમાનો વાસ્તવિકતા બનવા જ પ્રયોજાયાં હોય છે. તેમનું ચિંતન દૂરગામી પરિણામો નિપજાવનારું (Strategic) હોય છે. તેમનું એક એક કદમ, પ્રત્યેક કાર્ય ભાવિમાં નક્કર પરિણામો સર્જાવનારાં હોય છે. તેઓ એક અવ્વલ કક્ષાના આયોજક (Planner) હોય છે, અને તેમનાં આયોજનોમાં પૂર્વાયોજન (Pre-planning) સમાવિષ્ટ થયેલું હોય છે.
પોતાના ગુરુ ભગતજીના અક્ષરવાસ પછી, એ કારમા વિયોગ-વ્યથાની સામે સંપૂર્ણ સ્વસ્થતા કેળવી, ભગતજીએ આપેલાં એ અક્ષરપુરુષોત્તમના જ્ઞાનને હવે મૂર્તિમંત કરવા શાસ્ત્રીજી મહારાજે જે આયોજનબદ્ધ પ્રયાસો કર્યા તે દાદ માંગી લે એવા છે. તેમણે વિચાર્યું કે 'આ જ્ઞાનને જેણે પચાવ્યું હતું એવા અન્ય વિરલ પુરુષો — સ્વામી બાલુમુકુંદદાસ, જાગા ભગત, કૃષ્ણજી અદા અને એવી અનન્ય નિષ્ઠાવાળા હરિભક્તોની સંખ્યા જો વધતી જાય, એવા એક-મના સંતો-હરિભક્તોની જો એક સમર્પિત ફોજ ઊભી થાય તો બસ, એ જ સાચા પ્રચારકો બની રહેશે અને આ ખૂણિયા જ્ઞાનને જગતના ચોક વચ્ચે લાવી મૂકી દેશે.' પછી તો એ દિશામાં જ એમના પ્રયત્નો રહ્યા. પોતે અવિરત વિચરણ કરી આખું ગુજરાત ખૂંદી વળ્યા; સંપર્કો, પારાયણો -કથાપર્વો - સત્સંગ પર્વો; શ્રેણીબદ્ધ સમૈયાઓમાં આ જ જ્ઞાનવાર્તા પીરસવાનો વણથંભ્યો ક્રમ રહ્યો. સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ પ્રદેશમાં મુક્તરાજ કુબેરભાઈ, મુક્તરાજ પૂજાજીબાપુ જેવા ભક્તોને આ પ્રવર્તન માટે પસંદ કર્યા. ગુજરાતનાં કેટલાંક ગામો સોખડા, સાંકરદા, વાસણા, અંજેસર, ટૂંડાવ વગેરેમાં એક સત્સંગ મંડળ અવિરતપણે વિચરતું. સ્વામી નિર્ગુણદાસજીએ તો ગુજરાત બહાર મુંબઈ, કોંકણ, ખાનદેશ જેવા પ્રદેશો સુધી અખંડ વિચરણ ચાલુ રાખ્યું. સ્વામી પુરુષોત્તમદાસજી તથા પંડ્યા નારાયણજી મહારાજ આ સર્વોપરી સિદ્ધાંત પ્રવર્તન માટે ગામડે ગામડે ફરતા.
તેમની દીર્ઘદૃષ્ટિથી તેમણે જે જમીન સંપાદનની ઝુંબેશ જગવી, તે કોઈ પણ કલ્યાણરાજ્યની વહીવટી પાંખને માર્ગદર્શન પૂરું પાડે એવી હતી. જમીન અંગેની અદ્ભુત સૂઝ-બૂઝથી, આશાભાઈ પ્રભુદાસ, ઈશ્વરભાઈ પ્રભુદાસ અને અન્ય એવા સમર્પિત હરિભક્તોની મદદથી રઢુ, નાયકા, વારસંગ, કલોલી આસપાસનાં ગામોની ચાર હજાર વીઘા જમીન સંપાદન કરી, ત્યાર બાદ બીજાં ૨૭ ગામોની સાત હજાર વીઘા જમીન ખરીદી લીધી. વડોદરાની બાજુમાં જેસિંગપુરામાં ૬૫૦ વીઘા જેટલી જમીન તેમના સૂચનથી અગ્રેસર ખેડૂત હરિભક્તો દ્વારા ખરીદવામાં આવી. જે જે હરિભક્તને જમીન જોઈએ તેને નામે, વીઘે અમુક રકમ લઈ, જમીન ચડાવી દેવી અને પ્રાપ્ત થયેલી રકમને સારંગપુર મંદિરના ખર્ચમાં આપવી એવું આયોજન કર્યું.
કૉર્પોરેટ જગતના કોઈ સી.ઈ.ઓ.ને પણ જેમની પાસેથી શીખ મળી રહે એવાં આ કદમ હતાં; જેમાં પ્રતિષ્ઠાનના હેતુઓ અને તેના સદસ્યોનું શ્રેય-પ્રેય બન્ને વચ્ચે એકરૂપતા હોય (Institutional goal matches with individual goal), સહકારની અનન્ય ભાવના ખીલી ઊઠે અને એવી Synergy નો સૌને લાભ પ્રાપ્ત થાય. શાસ્ત્રીજી મહારાજ મર્યાદિત સંસાધનોનો શ્રેષ્ઠતમ કેમ વિનિયોગ કરવો તે પણ સુપેરે જાણતા હતા.
આવા વિરલ પ્રતિષ્ઠાન નિર્માતાની કાર્યશૈલીમાં એક સાથે તેમની અલગ અલગ ભૂમિકાઓ પ્રદર્શિત થતી હોય છે : સ્થાપકની ભૂમિકા, પોષકની ભૂમિકા, સંવર્ધકની ભૂમિકા, નીવડેલ વહીવટદારની ભૂમિકા, અવ્વલ આયોજકની ભૂમિકા; અને આશ્ચર્ય તો એ છે કે પ્રતિષ્ઠાનના અંતિમ ધ્યેયને હાંસલ કરવામાં તેમની આ સઘળી ભૂમિકાઓ પરસ્પર પૂરક (Complementary) બની રહે છે, અવરોધક (Contradictory) નહિ ! શાસ્ત્રીજી મહારાજમાં એવી પ્રતિભા સહજ ખીલેલી જોઈ શકાય છે.