સત્સંગના ચંદરવાની એક વિશિષ્ટ ભાવના સદ્ગુરુ ભૂમાનંદ સ્વામીએ સ્વરચિત કીર્તનમાં આપી છે.
સત્સંગના ચંદરવા તળે થાય એ જ ખરી દિવાળી.
દિવાળી એક દિવસ માટે આનંદ પ્રસરાવે છે, પરંતુ સત્સંગનો ચંદરવો હૈયે કાયમનો આનંદ આપે છે.
ઉનાળાનો ધોમધખતો તાપ હોય, સર્વત્ર લૂ વાતી હોય તે વખતે વડલાની ઘટાનો ચંદરવો શરીરને ઠંડક આપે છે. તેમ ત્રિવિધ તાપ જીવપ્રાણીમાત્રને દઝાડે છે, અંતર બાળે છે, તેમાં સત્સંગનો ચંદરવો જ શાંતિ આપે છે.
ભગવાન સ્વામિનારાયણ સત્સંગનો મહિમા કહેતાંહરિચરિત્રામૃતસાગર ગ્રંથમાં કહે છે : 'મોક્ષના જેટલા સિદ્ધાંત છે કે જેટલા ગ્રંથમાં મોક્ષ માટે લખેલું છે તે સઘળું સત્સંગ કરવામાં સમાઈ જાય છે.' 'સત્સંગ ન હોય તો બ્રહ્મા જેવા પણ કંગાળ છે. એ વાત જ્યારે પૂર્ણ સમજાય ત્યારે પાકો ભક્ત ગણાય.' 'મનુષ્ય તન મળ્યું, ભૂપ થયો, ધનાઢ્ય થયો પણ સત્પુરુષનો સંગ નથી તેને બધું જ નિરર્થક છે.'
ભગવાનશ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સત્સંગ પર ખૂબ ભાર મૂકતાં કહ્યું છે : ગમે તેવો વિદ્વાન હોય તોપણ ભક્તિ અને સત્સંગ વિના તે અધોગતિને પામે છે.
પરંતુ, સત્સંગની વ્યાખ્યા શી છે? મોટે ભાગે લોકો સત્સંગ એટલે ભજન-ભક્તિ, કથાશ્રવણ કરવું - એવો સીમિત અર્થ જ સમજે છે, પરંતુ યોગીજી મહારાજ ઘણીવખત સત્સંગનો સરળ મર્મ સમજાવતાં કહેતા : સત્સંગ એટલે સત્ એવા ભગવાન, સત્ એવા શાસ્ત્રો અને સત્ એવા સંત - તેનો સંગ. સત્ એટલે જે સત્ય છે, અચળ છે, નિરંતર છે.
શ્રીમદ્ભાગવતમાં સ્કંધ-૧૧, અધ્યાય-૧૨માં વ્યાસજી શ્રીકૃષ્ણનાં વચનો ટાંકે છે. શ્રીકૃષ્ણ ઉદ્ધવ પ્રત્યે કહે છે : 'અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉં છુ _.' વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ શ્રીમદ્ભાગવતનો આ સંદર્ભ ટાંકીને કહે છે કે જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ થાય. તેણે સત્સંગને સૌથી અધિક જાણ્યો. જેમ વાંઝિ યા રાજાને ઘડપણમાં દીકરો આવે, તે ગાળો દે, મૂછો તાણે, ગામમાં અનીતિ કરે, કોઈને મારે - રંજાડે પણ તેનો અભાવ તે રાજાને આવતો નથી, કારણ કે આત્મબુદ્ધિ થઈ છે - એવી આત્મબુદ્ધિ સંતમાં થાય તો સર્વથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો કહેવાય. (વચનામૃત ગઢડા પ્રથમ ૫૪)
અર્થાત્ અહીં સત્પુરુષમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગનો ખરો મર્મ છે.
આ સત્સંગનો પ્રભાવ અને પ્રતાપ કેવો છે ?
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે : 'આ સત્સંગનો પ્રતાપ એવો છે જે, જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે, અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. અને સત્સંગ વિના તો બીજાં કોટિ સાધન કરે તોપણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહીં... જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો મલિન ઘાટનો નાશ થાય છે... માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન-કર્મ-વચને નિષ્કપટપણે સત્સંગ કરવો...' (વચ. ગઢડા પ્રથમ-૩૦)
અનેક જન્મની તપસ્યાથી, કે કરોડો સાધનો કરવાથી જે શક્ય ન બને તે, આવા 'સત્સંગ'થી સિદ્ધ થાય છે ! અનંત જન્મોના તાપ ટળી જાય અને ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થાય એનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે ?
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ આ વચનામૃતનું નિરૂપણ કરતાં ઘણી વાર સમજાવતા કે, 'શ્રીજીમહારાજ અહીં 'પરમેશ્વરની વાર્તા' ધાર્યા-વિચાર્યા કરવાનું કહે છે, તે પ્રગટ ભગવાનની વાત છે. જ્યારે જે રૂપે પ્રગટ હોય તેની વાર્તા-લીલાચરિત્રો ધારીએ ને વિચારીએ તો મલિન ઘાટ માત્ર નિવૃત્ત થઈ જાય.'
અહીં સારંગપુર પ્રકરણનું ૯મું વચનામૃત યાદ આવે છે. ભગવાન સ્વામિનારાયણ અહીં 'અતિ સાચેõ ભાવે...' સત્સંગ કરવાનું કહે છે. યોગીજી મહારાજ આ વચનામૃત નિરૂપતાં મર્મ સમજાવતાઃ 'અતિ સાચો ભાવ એટલે જેવા અક્ષરધામમાં છે તેવા ને તેવા જ ભગવાન અહીં પ્રગટ બિરાજે છે, દિવ્ય છે, નિર્દોષ છે. એમ જાણીને સત્સંગ કરીએ તો કોઈ દોષ રહે નહીં, દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જવાય.'
પૂર્વોક્ત વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વર્ણવેલો સત્સંગનો એ સાચો પ્રભાવ તો જ અનુભવાય, જો તેઓએ કહેલી રીત પ્રમાણે સત્સંગ કરાય. તેઓ આ વચનામૃતમાં ત્રણ રીતે સત્સંગ કરવાનો આદેશ આપે છેઃ ૧. નિરુત્થાન થઈને, ૨.નિષ્કપટપણે, ૩. મન-કર્મ-વચને - નિરુત્થાનપણું એટલે પ્રગટ ભગવાનમાં ક્યારેય ન ફરે તેવો દૃઢ વિશ્વાસ. નિષ્કપટપણું એટલે તેમની સાથે અંતરાય રાખવો નહીં, સહેજ પણ કપટ કરવું નહીં. મન-કર્મ-વચને એટલે ભગવાન અને સત્પુરુષમાં મનથી નિર્દોષભાવ રાખવો, કર્મથી આજ્ઞા અનુસાર વર્તવું અને વચનથી તેમના ગુણ ગાવા.
સત્સંગની કેટલી સ્પષ્ટ વ્યાખ્યા અને તેનું માર્ગદર્શન!
વચનામૃત વરતાલ પ્રકરણ ૧૬માં શ્રીહરિને પોતાના ભક્તનો આવો 'સત્સંગ' રાખ્યાનો આગ્રહ છે. સ્વયં ભગવાનના શ્રીમુખેથી આટલું સ્પષ્ટ અનુભવસિદ્ધ માર્ગદર્શન મળવા છતાં, આવા મહિમાપૂર્ણ સત્સંગથી લોકો વંચિત કેમ રહી જતા હશે? સત્સંગમાં પ્રીતિ કેમ નહીં થતી હોય ? શ્રીહરિ કહે છે :'તેનું કારણ એ છે જે, 'જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દૃઢપણે પ્રતીતિ થતી નથી.' (વચ. ગઢડા અંત્ય-૨)
અહીં શ્રીહરિ વિશેષમાં કહે છેઃ 'જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે... અને જ્યારે આવો સંતસમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે...'
વળી, તેઓ કહે છેઃ 'પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તોપણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદબુદ્ધિવાળો જાણવો. શા માટે જે, જેવી શ્રેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક, વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છુ _. અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છુ _. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંતસભાના સમ છે.'
આમ, ૧. ભગવાનના પ્રગટ સ્વરૂપની યથાર્થ ઓળખાણ, પ્રતીતિ ને તેમાં દૃઢ જોડાણ; ૨. ભગવાનના પ્રગટ સ્વરૂપની પ્રાપ્તિથી કૃતાર્થપણું માનવું; ૩.પ્રગટમાં જોડાયેલા સૌ દિવ્ય છે અલૌકિક છે; ભગવાનના પ્રગટ સ્વરૂપના સંબંધે યુક્ત સત્સંગીની સભા ગોલોકાદિ અન્ય લોક કરતાં અધિક છે એટલે કે અક્ષરધામની છે, એવી દૃઢતા થાય - ત્યારે જ સત્સંગથી વંચિત રહી જવાતું નથી અને સત્સંગ વિના અન્યત્ર સહેજે પ્રીતિ ટળી જાય છે.
આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીમાં આ રીતે નિષ્કપટભાવે આત્મબુદ્ધિથી જોડાઈ ગયા તો સ્વામીએ તેમની ગ્રંથિઓ ગાળી નાખી, તેમને બ્રહ્મરૂપ કરી દીધા. કારણ કે શ્રીજીમહારાજ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા મળ્યા છે એ પ્રતીતિ તેમને થઈ ગઈ હતી. આમ, સત્સંગ એટલે જ ગુણાતીત સત્પુરુષ, તેમાં જ હેત ને પ્રીતિ (વચ. ગ.પ્ર. ૫૪, ગ.મ. ૫૧, વર.૧૧) તેમાં જ આત્મબુદ્ધિ તે જ સર્વ સાધનનો સાર. (વચ. ગ.મ. ૫૪, સ્વામીની વાતો : ૧/૩૨, ૧/૧૭, ૧/૭૦)
આપણું પરમ સદ્ભાગ્ય છે કે એવા સત્પુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપણને મળ્યા છે, જેમના રોમ-રોમમાં ભગવાન સ્વામિનારાયણ અખંડ બિરાજે છે. પણ તેમનામાં શ્રીહરિએ કહી તેવી આત્મબુદ્ધિ થઈ છે? એવા પરમ એકાંતિક બ્રહ્મસ્વરૂપ સત્પુરુષનો નિરુત્થાન-નિષ્કપટપણે, મન-કર્મ-વચને સંગ કરીએ છીએ ? શ્રીહરિ કહે છે : પ્રત્યક્ષમાં પરોક્ષ જેવી પ્રતીતિ એ જ મોક્ષ, પરમપદ ને સર્વાર્થ સિદ્ધિ છે. પ્રગટ ગુરુહરિમાં એવી પ્રતીતિ છે?
સત્સંગનો આ ગહન મર્મ સમજીને સાચા અર્થમાં તેના ચંદરવાનો લાભ લઈએ તે જ સાચી દિવાળી. પ્રમુખસ્વામી મહારાજરૂપી સત્સંગના ચંદરવા તળે બ્રહ્મકિલ્લોલ કરતાં પ્રાપ્તિના કેફને ઘૂંટીએ. છતી દેહે અક્ષરધામની અનુભૂતિ કરીએ. અન્યથા 'શ્રીહરિચરિત્રામૃતસાગર'માં શ્રીહરિ કહે છે તે યથાર્થ છેઃ 'સત્સંગ ઉપર જેને ભાવ ન થાય તે માણસ ચતુર હોય તોપણ એના જેવો કોઈ આંધળો કે બહેરો નથી.'