રાત્રિના સાડા બાર વાગ્યા હતા. શિયાળાની ઠંડીના દિવસો હતા. મધ્ય ગુજરાતના મોટી બેજ ગામે પાંચેક હજાર આદિવાસીઓ દસ-દસ કિલોમીટરનું અંતર પગપાળા કાપીને વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને દોડી આવ્યા હતા. ગામોગામ ઘૂમતાં ઘૂમતાં પ્રમુખસ્વામી મહારાજ અહીં પહોંચ્યા ત્યારે તેમનાં દર્શનથી ઘેલા ઘેલા થયેલા આદિવાસીઓએ પોતાના તારણહાર સ્વામીશ્રીને જયજયકારોથી વધાવ્યા. પરંતુ મધરાત્રે થાક્યા-પાક્યા પ્રમુખસ્વામી મહારાજે એ સૌને સંબોધતાં વાણી ઉચ્ચારી ત્યારે તેમાં એવી ભાવસભર તાજગી હતી કે આદિવાસીઓની આંખોમાં પણ ભીનાશ પથરાઈ ગઈ. આંખોમાં તરલ થતી ભીનાશ સાથે સ્વામીશ્રીએ તેમને કહ્યું હતું: ‘આજે આ સભાનાં દર્શન કરીને આનંદ થાય છે. ભલે બીજા આપણને પછાત કહેતા હોય, આદિવાસી- વનવાસી-ગિરિજન કહેતા હોય, પણ આજે આપનામાં મને સાક્ષાત્ ભગવાનનાં દર્શન થાય છે. આપ સૌનો ભક્તિભાવ અને શ્રદ્ધા જોઈ નતમસ્તક થવાય છે. સૌથી આદિ ભગવાન છે. તેના સંબંધે ત્યાંના વાસી એવા તમે આદિવાસી છો. આજે શહેરમાં જે આનંદ નથી તે આનંદ તમે અહીં રહો છો છતાં લૂંટો છો. ભગવાન તમને બધાને તન, મન, ધનથી સુખી કરે.’
આ હતી, લાખો આદિવાસીઓના તારણહાર સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની એક નિરાળી દૃષ્ટિ. આદિવાસીઓનાં ખોળિયે પરમાત્માનાં દર્શન કરતાં પ્રમુખસ્વામી મહારાજે તેમના પર જે અમાપ સ્નેહવર્ષા સાથે તેમના ઉત્કર્ષનું જે વિરાટ કાર્ય કર્યું છે, તેનો પૂરેપૂરો ઇતિહાસ ક્યારેય લખી શકશે નહીં. સતત દાયકાઓ સુધી કઠોર પરિશ્રમ કરીને ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે ઘૂમતા પ્રમુખસ્વામી મહારાજે આદિવાસીઓના ઉત્કર્ષ માટે જે વિચરણ કર્યું છે તે આજે દંતકથા સમાન લાગે છે. થોડાંક સંસ્મરણો તેની ઝાંખી કરાવી શકે છે. જેમ કે, સન 1979માં પંચમહાલ અને ભરૂચ જિલ્લાનાં 95 આદિવાસી ગામોમાં માત્ર 21 દિવસમાં ઘૂમી વળેલા ! શિથિલ સ્વાસ્થ્યમાં પણ તેઓએ કોઈ સગવડ વિના આ ગામોમાં અપાર પરિશ્રમ વેઠેલો તે આજેય કોઈ ભૂલી શક્યું નથી.
સન 1977માં સાબરકાંઠામાં મે મહિનાના 45 ડિગ્રી તાપમાનમાં સ્વામીશ્રીએ 91 ગામોમાં પધરામણીઓ કરી સૌને ધન્ય કર્યા હતા. સ્વામીશ્રીએ પોતાની નરમ-ગરમ તબિયતને અવગણીને, ક્યારેક ટ્રેકટરમાં તો ક્યારેક બળદગાડામાં બેસીને પણ અહીં વિચરણ કર્યું છે. સ્વામીશ્રીએ સાબરકાંઠાનાં આશરે 101 જેટલાં ગામોમાં સમયાંતરે વિચરણ કરીને સત્સંગની હેલી વરસાવી છે.
આ ગામડાઓમાં સ્વામીશ્રીનો ઉતારો ક્યારેક કોઈપણ પ્રકારની સગવડ વિનાના સામાન્ય ખોરડે હોય કે ક્યારેક જાહેર સ્કૂલના ફળિયે. તા. 1પ-3-1973ની સવારે અંકલેશ્વર પાસેના ખરચી-ભીલવાડા ગામે તેઓના ઉતારાનું સ્થળ હતું - સહકારી ગોડાઉન ! ગોડાઉનમાં પોટલાં મૂકીને સ્વામીશ્રી નીકળી પડ્યા ઝૂંપડાંઓમાં વ્યસનમુક્તિ માટે. સ્વામીશ્રી પચાસ ઝૂંપડાંઓમાં ફર્યા. એકેએક ઝૂંપડું દારૂમાં ગરકાવ હતું. એકાદશીના આખા દિવસના નિર્જળ ઉપવાસમાં પોતાને પડતા કંઠશોષની પીડાની પરવા વિના તેઓએ દરેકને દારૂ ન પીવાની વાતો સંભળાવી વ્યસનમુક્ત કર્યા. છેલ્લે સૌ આદિવાસીની સભામાં કહ્યું કે ‘તમારા ગામમાં આવ્યા અને તમારી બધાની વાત જાણી દુઃખ થાય છે. આજથી તમે બધા એક દૃઢ મનમાં નિશ્ચય કરો કે આ વ્યસનો તો આપણા ગામમાં ન જ જોઈએ. પછી આવાં ઝૂંપડાં નહીં રહે. મોટા મહેલ, બંગલાઓ થઈ જશે. મહેનત તો કરો છો. પૈસા કમાવાની શક્તિ છે પણ તેને વાપરવાનો રસ્તો, લાઇન ખોટી છે.’
આદિવાસીઓનાં અંતરમાં અજવાળાં પાથરતી આ સભા મધરાતે 12 વાગે પૂરી થઈ ત્યારે આજના આખા દિવસમાં પાણીનું એક ટીપુંય મોંમાં મૂક્યા સિવાય આખેઆખી એક કોમને ઉગારવા તેઓએ કરેલો પ્રચંડ પુરુષાર્થ જોઈને સૌ કોઈ ગદ્ગદ થઈ ગયેલા !
સન 1976ના વર્ષનો પ્રથમ દિવસ હતો ત્યારે રાયમ ગામમાં એક ભક્ત પોતે ખરીદેલા નવા બળદને લઈ આવેલા. આ બળદનું પૂજન કરીને તેના ‘નવા વાહન’માં બેસીને જ પધરામણી કરવા નીકળી પડ્યા સમાજના છેડે વસેલા દૂબળા-આદિવાસીઓના વાસમાં. સમાજના આ છેલ્લા ગણાતા માણસોને તેઓ વર્ષના પહેલા દિવસે મળ્યા ! તેઓની પધરામણીથી સૌ હળપતિઓનાં મુખ મહોરી ઊઠ્યાં !
સન 1979માં દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકાનાં આદિવાસી ગામો ઘૂમી રહેલા સ્વામીશ્રી વેલણપુર, ગોપળા વગેરે ગામોમાં વિચર્યા ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોવા છતાં એકેએક ઝૂંપડે તેઓ ચાલતાં-ચાલતાં નીચા વળી-વળીને ગયા. કો’ક કો’ક ખોરડામાં તો કોથળા પર પલાંઠી વાળીને બેસવાનું થતું. તેમાં પણ સ્વામીશ્રી ઉત્સાહથી સૌનાં વ્યસન મુકાવતા, પૂજા-પાઠ શિખવાડતા, સત્સંગ કરવાના નિયમ આપતા.
એક વિશ્વવંદનીય સ્તરના મહાપુરુષ આટલા સરળ-સુલભ કેવી રીતે હોઈ શકે તેનું આશ્ચર્ય સૌને હંમેશાં થતું.
સ્વામીશ્રી દક્ષિણ ગુજરાતના સાવ છેવાડાના કોંકણવાડ ગામે પધાર્યા ત્યારે આ વિસ્તારના એક પંકાયેલા સમાજસેવકે તો જાહેરમાં કહી દીધું હતું: ‘આ વિસ્તારમાં ત્રણ જણાની અવરજવર. વાણિયા આવે તે વેપાર કરવા. પારસી આવે તે દારૂનો વેપાર કરવા અને અમલદાર આવે તે મરઘાં ખાવાં ને દબડાવવા. પણ આવા સંત તો અહીં પહેલી જ વાર પધારે છે !’
તા. 20/2/1992ના રોજ સ્વામીશ્રી ગામડાંઓમાં ઘૂમતાં ઘૂમતાં કરાળી ગામે પધાર્યા ત્યારે તેઓને જોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી હિંમતસિંહ આશ્ચર્ય પામતાં બોલી ઊઠ્યા હતાઃ ‘મને માન્યામાં નથી આવતું કે આપના જેવા મહાપુરુષ આવા સાવ અંદરના ગામ સુધી પધાર્યા છો.’
આવાં અબુધ અને અંતરિયાળ ગામોમાં કષ્ટો વેઠીને વિચરનારા સ્વામીશ્રીના એ વિચરણનાં પૃષ્ઠો પર નજર કરીએ છીએ ત્યારે એ ઉપેક્ષિત વર્ગ-વર્ણનું કલ્યાણ કરવાની તેમની કેવી ઉદાત્ત ભાવના હતી તેનું દર્શન થાય છે. જ્યાં ભટકતો માણસ પણ ન પહોંચે તેવા અંતરિયાળ એક ગામે પછાત લોકોને સંબોધતાં સ્વામીશ્રીએ કહ્યું હતું: ‘આવા જંગલના પ્રદેશમાં રહીને આપ સંસ્કારને જાળવી રહ્યા છો. આ સંસ્કાર સાચવીએ તો ઝૂંપડામાં રહીએ કે મહેલમાં, મોટા જ છીએ. ઝૂંપડામાં આ સંસ્કાર હશે તો એ મહેલ કરતાં પણ અધિક છે.’
ડુંગરી-નરધરા ગામમાં પધારેલા સ્વામીશ્રીને આદિવાસી ભક્તોએ તેઓનું પરંપરાગત વાજિંત્ર તારપુ વગાડી નાચતાં-કૂદતાં ઉત્સાહભેર વધાવ્યા ત્યારે ઘાસના પૂળા નાંખીને બાંધેલા મંડપ તળે બેસી સ્વામીશ્રી બોલી ઊઠ્યા હતાઃ ‘ભગવાનના દરબારમાં કોઈ આદિવાસી કે ઉજળિયાત નથી. બધા સરખા જ છે. શબરી ભીલડી જંગલમાં રહેતી, છતાં તેને રાજદરબારથી વધુ આનંદ હતો, કારણ કે તેને ભગવાન મળ્યા હતા. માટે જે સ્થિતિમાં ભગવાન રાખે તેમાં રાજી રહેવું.’
આ ભાવના સાથે ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતના તમામ આદિવાસી પ્રદેશોમાં ઘૂમતા સ્વામીશ્રીનાં પગલાં આ વિસ્તારોમાં થયાં તે પહેલાં આદિવાસીઓનું જીવન ગરીબી, વહેમ, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વ્યસનો વગેરેના કારણે અંધકારમય હતું. અનેકવિધ સમસ્યાઓથી સબડતા એ આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે જઈને સ્વામીશ્રીએ અને સંતોએ તેમને સત્સંગથી ધન્ય બનાવ્યા. સ્વામીશ્રીના પ્રભાવે આજે એ હજારો આદિવાસી પરિવારો અનેક બદીઓથી મુક્ત બન્યા છે, તેમનું જીવન પવિત્ર સંસ્કારોથી સમૃદ્ધ બન્યું છે. પરંતુ એ માટે અનેક કષ્ટો વેઠીને ઘૂમતા સ્વામીશ્રીના વિચરણની ગાથા, હૈયું એક ક્ષણ ધબકાર ચૂકી જાય તેવી છે. એક એક વ્યક્તિના હૈયાની તેમણે દિલ રેડીને માવજત કરી છે.
દાદરા-નગર હવેલીના પછાત વિસ્તારમાં રહેતા બાળક રામુનું હૈયું સાચવવા માટે તેના ઘરે કષ્ટો વેઠીને પણ સ્વામીશ્રી પધાર્યા હતા - તેની સ્મૃતિઓ વાગોળતાં મોટી ઉંમરે પહોંચેલા રામુભાઈ લાગણીભીના થઈ જાય છે.
ગામોગામ અને ઘરોઘર ઘૂમતા સ્વામીશ્રીને જોઈને મોટી તંબાડી ગામના બારેક વર્ષના એ આદિવાસી બાળક રામુને ભાવ જાગ્યો હતો કે ‘સ્વામીબાપાને મારે ઘેર લઈ જવા છે.’ તેથી રામુએ તો સ્વામીશ્રી પાસે જઈને ઉત્સાહથી નિમંત્રણ આપી દીધેલું કે ‘સ્વામી ! મારે ઘેર આવો.’
સ્વામીશ્રીએ પણ વચન આપ્યું : ‘સારું. તારે ત્યાં આવીશું.’ પણ સૌએ જણાવ્યું : ‘સ્વામી ! આના ગામ સુધી ગાડી જાય એમ નથી.’
‘ભલે, પણ આપણે જવું છે.’ સ્વામીશ્રીનો નિર્ણય મક્કમ હતો. સ્વામીશ્રીને મન પોતાને પડતાં કષ્ટો કરતાં એ આદિવાસી બાળકની લાગણી વધુ મહત્ત્વની હતી. અને વ્યસ્તતાઓ વચ્ચેથી સમય કાઢીને સ્વામીશ્રી નીકળી પડ્યા રામુને ઘરે જવા માટે. વાઘછીપા સુધી ગાડી પહોંચી અને અટકી ગઈ. કારણ કે આગળ રસ્તો જ નહોતો. નાનકડી કેડી હતી. સ્વામીશ્રી ગાડીમાંથી ઊતરીને રામુની પાછળ પાછળ એ બતાવે તેમ જંગલની કેડીએ ચાલવા લાગ્યા. આગળ જતાં વચ્ચે નદી આવી. તેથી ધોતિયું ઊંચે ચઢાવી સ્વામીશ્રીએ પાણી ડહોળતાં નદી ઓળંગી. સામે કિનારે પહોંચતાં એક ગાડાવાળો દેખાયો. તેને વિનંતી કરી એટલે ગાડામાં પરાળ ઉપર સ્વામીશ્રીને બેસાડ્યા. ગાડાની ઊબડ-ખાબડ મુસાફરી કરતાં કરતાં સ્વામીશ્રીએ રામુને પોતાની પાસે જ બેસાડેલો. રસ્તામાં આવતાં બે-ચાર ઝૂંપડાંઓના ગામ વિશે આવડે એવી વાત રામુ કરતો જાય અને સ્વામીશ્રી રસપૂર્વક સાંભળતા જાય. એમ કરતાં કુલ આઠ કિલોમીટરનો પંથ કપાયો અને બાળક રામુનું ઝૂંપડું આવી ગયું. તેણે હરખભેર આંગળી ચીંધતાં પોતાની તે ઝૂંપડી સ્વામીશ્રીને બતાવી !
પ્રેમપૂર્વક નીચા વળીને સ્વામીશ્રીએ તે આદિવાસી બાળકના ઝૂંપડામાં પ્રવેશ કર્યો. રામુ પાસે ઠાકોરજીનું પૂજન કરાવ્યું. આરતી ઉતરાવી. તેના કપાળમાં ચાંદલો કરીને આશીર્વાદ આપ્યા. રામુએ પણ સ્વામીશ્રીને ચાંદલો કર્યો. રામુ આજે જાણે આકાશમાં ઊડી રહેલો. તેનો આનંદ જોઈ સ્વામીશ્રી પણ હરખાતા હતા.
સમાજના છેવાડે જીવતા બાળકને આટલો આદર આપનાર મહાપુરુષો કેટલા હશે? જો કે સ્વામીશ્રી માટે તો આ બધું રોજિંદું અને સહજ હતું ! એટલે જ એ અબુધ ગણાતા લોકોનાં હૈયે સ્વામીશ્રી ભાવપૂર્વક તેમનાં હૈયાંના રામ બનીને રમતા થઈ ગયા હતા. ધામોદલામાં તો આદિવાસી ફળિયામાં એક ભાવિકે શબરીની જેમ તેઓની બોરડીનાં બોર સ્વામીશ્રીને જમવા સારુ રાખ્યાં હતાં! આ ભાવ તેઓના ઝૂંપડે જઈ સ્વામીશ્રીએ સ્વીકાર્યો ત્યારે એ ભક્તની આંખોમાં વસેલી એક શબરી- ભાવના રામમય બની ગઈ હતી.
(ક્રમશઃ)