Essay Archives

ધન્ય છે તમારી સમજણને...

સમજણથી રાજીપો...

સમજણ એટલે જીવમાં પચેલું જ્ઞાન. એવી સમજણ તે જ આધ્યાત્મિક માર્ગમાં મહાનતાનું પરિમાણ છે. શ્રીહરિ વચનામૃતમાં કહે છે, ‘ગૃહી-ત્યાગીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો...’ વળી તેઓ કહે છે : ‘હૃદયમાં સમજણની દૃઢતા થઈ હોય, તો તે કોઈ રીતે વિકારને પામે નહીં. એવો જે હરિભક્ત હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ છે.’ આપત્કાળમાંય સમજણને દૃઢ રાખીને શ્રીહરિના રાજીપાનો અધિકારી બનેલા ભક્તોની વાત કંઈક નિરાળી છે.
નિત્ય સવારે ઉપલેટાની ગલીઓ સ્વામિનારાયણીય ભજનોની સુરાવલિઓથી ગુંજી ઊઠતી. ઉપલેટાના આહિર ભક્ત નથુ બારૈયાને ત્યાંથી વહેલી સવારે ઊઠી હરિભજનની સુરાવલિઓ રેલાવતા સંતો સ્નાન કરવા નીકળતા અને એ પાવન સૂરો સર્વત્ર ફેલાઈ જતા. એક સવારે એ સ્વરોથી વેરાભાઈના હૃદયના તાર ઝણઝણી ગયા. વેરાભાઈને સંતોના એ શબ્દોમાં દિવ્યતા લાગી અને અનોખું આકર્ષણ થયું. એ સ્વરોથી જ અંતરમાં અગમ શાંતિ વ્યાપી ગઈ ને જાણે તેમના પૂર્વના સંસ્કાર ઉદય થયા. વાડમાંથી ચીભડું વાઢે તેમ માણસનાં માથાં વાઢનારા આ ભડવીરનું મન બીજે દિવસે પણ એ સૂરો સાંભળવા આતુર બન્યું. ભેટમાં તેજીલી તલવાર રાખનારા, ચોરી અને લૂંટફાટના શોખીન આ ગરાસિયાએ વેગીલી ચાલે સંતોની સભા ભણી પગલાં ભર્યાં ! દરબારના આગમન સાથે સભામાં સન્નાટો છવાઈ ગયો. સંતોએ સ્નેહપૂર્વક કહ્યું, ‘દરબાર ! સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. તેમનો આશરો કરી આયખું સુધારી લ્યો..’
કથાકીર્તનની સંગતે અને સંતોની નિર્મળતાએ આ માથાભારે ગરાસિયાના વિચારોમાં વળાંક આણ્યો. પૂર્વે કરેલાં પાપોનાં પશ્ચાત્તાપથી તેમનું અંતર વલોવાઈ ગયું. રાત્રે સુખેથી નીંદર પણ ન આવી. વળતે દિવસે જ દરબારે સંતો પાસે જઈ વર્તમાન ધરાવ્યાં. સત્સંગી થઈને ભગવાન સ્વામિનારાયણનું શરણું લીધું.
હવે શ્રીહરિએ વેરાભાઈની કસોટી આદરી. વ્યવહારે સુખી સંપન્ન વેરાભાઈનું કુટુંબ ઘણું બહોળું હતું. પણ આનંદના હિલોળા લેતા સાગરસમા આ કુટુંબમાં ઓટ આવવી શરૂ થઈ. ઘરમાંથી એક સભ્ય બીમાર પડે ને દવાદારૂ કરાવવાનું શરૂ હોય ત્યાં વળી બીજો સભ્ય બીમાર પડે. તેમની સેવા-શુશ્રૂષા પાછળ પાણીની જેમ પૈસો રેડે છતાં પણ વહાલસોયા સ્વજનને બચાવી ન શકે ! એ આઘાત હજી રુઝાયો ન હોય ત્યાં કેટલાક ટીકા કરે, ‘વેરાભાઈ ! હજી તો નવી નવી જ સ્વામિનારાયણની કંઠી પહેરી છે ને આમ કાં થયું ?’ એક આઘાતમાંથી બેઠા થવું પણ મુશ્કેલ થઈ પડે ત્યારે વેરાભાઈને માથે તો એક પછી એક આઘાતની વણથંભી પરંપરા શરૂ થઈ ! કસોટીની પણ હદ હોય ને !
સત્સંગમાં આવ્યે હજી તો માંડ એક વર્ષ થયું હશે ને વેરાભાઈ એક એક કરતાં પોતાના કુટુંબના બાવીસ-બાવીસ સ્વજનોની નનામીને કાંધ દેવી પડી ! હવે તો ઘરમાં પણ આર્થિક ભીંસ શરૂ થઈ. વળી, નાતીલાનાં મેણાં-ટોણાં તો સતત વરસતા જ રહેતા; ‘અલ્યા વેરા ! તને આ સ્વામિનારાયણની કંઠી સદી નથી લાગતી..., ટીલું તાણીને તેં તો આફત નોંતરી, સત્સંગ કરવા છતાં તારા ઘરમાં આવું...!’
પરંતુ સત્સંગના મૂળને વેરાભાઈએ સમજણનાં પીયૂષ પાયાં હતાં. અનંત વિટંબણાઓની વચ્ચે પણ વેરાભાઈનું અંતર પાછું ન પડ્યું. તેઓ કહેતા, ‘આ તો મારા વા’લાની કૃપા છે. સત્સંગી હોય કે ન હોય જેની સાથે જેટલું ૠણાનુબંધ હોય તેટલું તેની સાથે રહેવાય છે. સુખ-દુઃખ તો પ્રારબ્ધને આધીન છે. ને મારું પ્રારબ્ધ તો મારા શ્રીહરિની ઇચ્છાને આધીન છે. ભગવાન તો પામર કે પાપી બધાયનું ભલું જ કરે છે. ભક્તવત્સલ ભગવાન કોઈનું બૂરું કરે ખરા ? તેમણે તો મને સુખિયો કરી દીધો. હવે નિરાંતે ભજન થશે.’ મૃત્યુને મહોત્સવ માનનારા વેરાભાઈની સમજણ જોઈને મેણાં મારનારા મોમાં આંગળા નાંખી ગયા !
ટૂંક સમયમાં જ વેરાભાઈ પોતાની બધી સંપત્તિ વેચી ગઢડા પહોંચ્યા. શ્રીહરિને ચરણે પૈસા ધરી બધી વીતક કહી સંભળાવી. કરુણાભીના શ્રીજીનાં આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા. મહારાજ બોલી ઊઠ્યા : ‘દૃઢ સમજણ અને જીવનો સત્સંગ તે આનું નામ. ગમે તેટલી મુશ્કેલીઓ આવી પણ પરમ આનંદમાં રહીને અમારું ભજન કર્યું. પોતાની મુશ્કેલીઓ વિષે એક શબ્દ પણ અમને કહી મોકલ્યો નથી. ધન્ય છે તમારી સમજણને !’ વિકટ પરિસ્થિતિમાં પણ કેવળ શ્રીજીમહારાજને જ કર્તા માની પરમ આનંદ અનુભવતા વેરાભાઈ પાછળથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને ‘પરમાનંદ સ્વામી’ બન્યા, શ્રેષ્ઠ સમજણ દ્વારા પ્રભુ પ્રસન્નતાનો એક આદર્શ માર્ગ સૌને જીવનભર ચીંધતા રહ્યા.

મર્મચિંતન

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ 74માં કહે છે : ‘જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને ઝાઝી સંપત કે આપત આવે એની વાત શી કહેવી ? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે... ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડેે તો ગધેડે બેસીને રાજી રહેવું. અને એ ભગવાનનાં ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને... કોઈ રીતે હર્ષ-શોક મનમાં ધારવો નહીં; એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાનડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં.’
ભક્તની સમજણની શ્રેષ્ઠ કક્ષા તો શ્રીહરિએ વચનામૃત ગઢડા અંત્ય 28માં જણાવી છે : ‘ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને શૂળીએ ચઢાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે, ‘આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક.’ એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે, એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે.’
વળી, ભગવાન અખંડ નિવાસ કરીને રહે તેવા સંતની કેવી સમજણ હોય છે તે વિષે પણ વચનામૃત ગઢડા પ્રથમ 27માં કહે છે : ‘પરમેશ્વરને ભજવાની તો સર્વને ઇચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે, માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે.’ એમ કહીને શ્રીહરિ પ્રગટ ભગવાનને સર્વકર્તાહર્તા માનવાની અદ્‌ભુત સમજણની વાત કરે છે.
ભગવાન સ્વામિનારાયણે સમજણનો સત્સંગ પ્રવર્તાવ્યો છે. એ સમજણ એટલે ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન. એવી સમજણ દૃઢાવવાની વાત શ્રીહરિએ વચનામૃતમાં ઘણી જગ્યાએ કરી છે. વચનામૃત લોયા 17માં તેઓ કહે છે : ‘જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે, ‘અંતઃકરણ-ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન-સ્ત્રીઆદિક કોઈ પદાર્થે કરીને સુખી થઉં એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થઉં એવો નથી.’ એમ દૃઢ સમજણ જેને હોય, તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં.’
વળી, સમજણનું ઉત્તમ દૃષ્ટાંતસમા જનક અને ઉદ્ધવજીને શ્રીજીમહારાજે ખૂબ વખાણ્યા છે. મહારાજ વચનામૃત વરતાલ 20માં કહે છે : ‘એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહી-ત્યાગીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો.’ 

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS