જાતિ નહીં દૃષ્ટિને બદલો :
ભગવાન સ્વામિનારાયણ સૌને માટે એક એવું વિરાટ શિરચ્છત્ર હતા કે જેમાં પૃથ્વીના છેલ્લામાં છેલ્લા અંત્યજનું પણ સ્નેહભર્યું સ્થાન હોય. અને એટલે જ, અઢારેય વરણ ભગવાન સ્વામિનારાયણના કંઠમાં પરસ્પર ગૂંથાઈને માળા બનીને શોભતા હતા. કેવી કેવી જ્ઞાતિઓનો અને પેટા જ્ઞાતિઓનો તેમના ભક્તમંડળમાં સમાવેશ થયો હતો ! આશ્ચર્ય તો એ છે કે દલિતોથી લઈને બ્રાહ્મણો સુધીના આવા અઢારેય વર્ણોને તેઓ પોતાના શિષ્યમંડળમાં એક જ સાથે કઈ રીતે બેસાડી શક્યા ? લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિના શિખરસમા વર્ણ-ભેદભાવોને એમણે કઈ રીતે મિટાવ્યા ? એમાં જ એમના આધ્યાત્મિક પ્રભાવની ગરિમા અનુભવાય છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલી ક્રાંતિ ઉપર છલ્લી સામાજિક ચળવળ નહોતી. એનાં મૂળ આધ્યાત્મિક હતાં અને એ ખૂબ ઊંડાં હતાં. એમણે દર્શાવેલી સનાતન આધ્યાત્મિકતા એટલે આત્મદૃષ્ટિ કેળવવી, દેહભાવ ત્યજવો. સૌમાં બ્રહ્મભાવ કેળવી, પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની ભક્તિ કરવી. સનાતન વૈદિક પરંપરાના આ શુદ્ધ આધ્યાત્મિક જ્ઞાનને પોતાની આગવી વિશિષ્ટ શૈલીથી એમણે સામાન્યમાં સામાન્ય માણસમાં સહજતાથી સિંચ્યું હતું. અને એના પરિણામે, આ ક્રાંતિ પ્રગટી હતી. શૂદ્રોની લઘુતાગ્રંથિ અને સવર્ણોની ગુરુતાગ્રંથિને આ સનાતન તત્ત્વજ્ઞાનથી તોડવામાં તેઓ સફળ રહ્યા હતા. 'History of Gujarat' ભગવાન સ્વામિનારાયણની આ આત્મદૃષ્ટિનો ખાસ ઉલ્લેખ કરે છે :
'સહજાનંદજીના અનુયાયીઓ બહુધા સમાજના નીચલા વર્ગોમાંથી આવતા. તેમના ઉપદેશનું વિશિષ્ટ પ્રદાન, જ્ઞાતિપ્રથાની અવગણના ન કરતાં, તેની જડતા અને પક્કડનો નાશ કરવામાં છે. અનુયાયીઓમાં જ્ઞાતિનો ભેદભાવ જાળવવા સાથે જ તેમને કહેવામાં આવતું કે આ બંધનો તો દેહનાં છે અને દેહમાંથી આત્મા મુક્ત થશે પછી આ જન્મના કર્માનુસાર, જ્ઞાતિના ભેદભાવની ગ્રંથિ વગર, તેઓ સારું નરસું ફળ મેળવશે.'
જૂનાગઢ પાસે અગતરાઈ ગામે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા. જન્માષ્ટમીની સભામાં સૌ સંતો-હરિભક્તો મહારાજ સન્મુખ બેઠા હતા. તે વખતે એક ઢેઢનો છોકરો દૂરથી મહારાજનાં દર્શન કરતો હતો. મહારાજે તેને બોલાવ્યો. મહારાજે પૂછ્યું : 'તું કેવો છે ?' ત્યારે તેણે હાથ જોડીને કહ્યું : 'મહારાજ ! ઢેઢ છું.' એ સાંભળી સભામાં સૌ આઘાપાછા થવા લાગ્યા.
મહારાજે તે જોયું. પછી તે છોકરાને કહ્યું : 'તું એમ કહે કે હું ઢેઢ નહીં, આત્મા છું.' તે છોકરો તો કાંઈ સમજ્યો નહિ પરંતુ મહારાજે કહ્યું એટલે તેણે પણ કહ્યું : 'મહારાજ ! હું આત્મા છું.' મહારાજે તેની પાસે દસ વખત કહેવરાવ્યું કે હું આત્મા છું. પછી ફરી પૂછ્યું : 'તું કોણ છે ?' ત્યારે તેણે કહ્યું : 'મહારાજ ! હું તો ઢેઢ છું.' આ સાંભળી મહારાજ હસ્યા. સંતો-હરિભક્તો મહારાજની આ ચેષ્ટા જોઈ રહ્યા હતા. મહારાજે ફરી તેને કહ્યું : 'હવે તું બોલ કે હું આત્મા છું. એકી શ્વાસે થાકી જા ત્યાં સુધી બોલ.' તે છોકરો તે પ્રમાણે એકી શ્વાસે બોલવા લાગ્યો. તેની પાસે સો વખત બોલાવરાવ્યું કે હું આત્મા છું. તે જ્યારે અટક્યો ત્યારે મહારાજે ફરી પૂછ્યું : 'તું કોણ છું ?' ત્યારે તેણે એ જ કહ્યું : 'મહારાજ ! તમે કહો છો એટલે આત્મા છું, બાકી ઢેઢ છું.'
આ સાંભળી મહારાજે સભામાં સૌને કહ્યું : 'જુઓ, આ છોકરો અજ્ઞાનથી કેવો દેહ સાથે જડાઈ ગયો છે ! દેહ પ્રત્યેની તેની આત્મબુદ્ધિ મટતી જ નથી. એવી રીતે તમને સૌને પણ જ્યાં સુધી સાધુપણું, કાઠીપણું, પાટીદારપણું મટશે નહીં ત્યાં સુધી તમે સૌ ઢેઢના છોકરા જેવા જ છો. એ અજ્ઞાન ટળશે ત્યારે તમે સૌ આત્મા છો એમ તમને મનાશે અને એમ વર્તાશે પછી જાતિ, વર્ણથી તમે ઓળખાશો નહિ. તેમજ તેવાં બંધનો પણ તમને અજ્ઞાનમૂલક જણાશે. આત્માના ભાવમાં આવવાથી ઊંચનીચના ભેદ ટળી જશે, કર્મે કરીને આ ભેદ થયા છે તેવું મનાશે તેથી હંમેશાં દયા અને કરુણાના ભાવ માનવમાત્ર પ્રત્યે જણાશે પછી તે નીચ હોય કે ઊંચ!'
છૂતાછૂત અને ઊંચનીચની રૂઢિઓ વચ્ચે ઘેરાયેલા સમાજ પર એમના આ ઉપદેશની કેવી અસર હતી! જૂનાગઢ રાજ્યના પંચાળાના રાજવી સોલંકી રાજપૂત ગરાસદાર ઝીણાભાઈ શૂદ્ર જાતિના ભક્ત કમળશીભાઈની જાતે સેવા કરે ! એ કેવું અકલ્પ્ય કહેવાય ! આ એક નહીં, ઇતિહાસનાં પૃષ્ઠોમાં ભગવાન સ્વામિનારાયણનું એ દિવ્ય પ્રદાન ઝળહળે છે. ધારો કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ન થયા હોત તો ? તો ૨૦૦ વર્ષથી વહેતી પછાત જ્ઞાતિઓના ઉત્કર્ષની ધારા કેવી રીતે પ્રવાહિત થાત ? આજે બસ્સો બસ્સો વર્ષોના યુગપ્રવાહો પછીયે એની અસર જીવંત છે. ભગવાન સ્વામિનારાયણના કાર્યનો પ્રભાવ આજે વધુ ને વધુ તેજસ્વી બનીને પ્રકટતો રહ્યો છે. સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના પંચમ આધ્યાત્મિક વારસ તરીકે એ દિવ્ય પરંપરાનું વહન કરી રહ્યા છે.
હરિજનવાસ હોય, વાઘરીવાસ હોય કે આદિવાસીઓનાં ઝૂંપડાંઓ હોય, ઠેર ઠેર યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજનો ગુંજતો સ્વર ઇતિહાસમાં પડઘા પાડી રહ્યો છે : 'ભગવાનને ઘેર ઊંચ-નીચના ભેદ નથી. આ ભેદ તો માણસે ઊભા કરેલા છે.' એ ભેદ મિટાવવા માટે હરિજનવાસ, વાઘરીવાસ કે આદિવાસીઓનાં ઝૂંપડાંઓમાં તેઓ અનેક વખત ઘૂમી વળ્યા છે. વર્ષોથી ઘર કરી ગયેલી લઘુતાગ્રંથિ અને અન્ય અનેક દૂષણોને દૂર કરવા એમણે ઠેર ઠેર ધૂણી ધખાવી છે. એમના સંત-શિષ્યોને આ દલિતો વચ્ચે સતત વિચરતા રાખીને એ દલિતોના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત ભગીરથ પુરુષાર્થ કર્યો છે અને કરી રહ્યા છે. ઇતિહાસનાં પાનાંઓ પર દૃષ્ટિ કરતાં લાગે છે કે ૨૦૦ વર્ષથી વહેતા ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય ઉપકાર-કાર્યને ઇતિહાસ ક્યારેય પૂરેપૂરું મૂલવી શકે તેમ નથી.