Essay Archives

ભગવાનને ચાહવા માટે આપણે પ્રથમ માનવું જ રહ્યું કે ‘ભગવાન છે’

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી નિ:સ્વાર્થ પ્રેમના જે સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છીએ તે અંતર્ગત પ્રથમ મધ્યવર્તી વિચાર જાણ્યો કે Love Others - બીજાને ચાહો. બીજો મધ્યવર્તી વિચાર સમજ્યા કે Love Yourself - સ્વયંને ચાહો અને ત્રીજો મધ્યવર્તી વિચાર છે, Love God - ભગવાનને ચાહો.
જો તમને ભગવાન માટે પ્રેમ નહીં હોય તો તમે તમારી જાતને યથાર્થ પ્રેમ નહીં કરી શકો, જાત માટે સાચો પ્રેમ નહીં હોય તો તમે બીજાને પૂરતો પ્રેમ આપી શકશો નહીં. પ્રમુખસ્વામી મહારાજને ભગવાન માટે કેવો પ્રેમ છે? તેઓ સાધુ બન્યા ત્યારથી ૯૫ વર્ષની વય સુધી પાણીનું એક ટીપું પણ ભગવાનને ધરાવ્યા વિના લીધું નથી. કોઈ વજનિયું લાવે તો પહેલાં ઠાકોરજીનું વજન કરાવે, કોઈ દવા આપે તો દવા પણ પહેલાં ભગવાનને ધરાવીને લે. પ્રમુખસ્વામી મહારાજની એકેએક નાનામાં નાની ક્રિયામાં ભગવાન અને પોતાના ઇષ્ટદેવ પ્રધાન છે.
વર્ષો પહેલાં ગોંડલમાં જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બિરાજમાન હતા, તે સમયનો એક પ્રસંગ છે. ૧૭-૧૮ વર્ષના એક અમેરિકન તરુણે પ્રમુખસ્વામી મહારાજને પત્ર લખ્યો હતો. તે સત્સંગી પણ નહોતો, એક સામાન્ય તરુણ હતો. તે પત્ર ખૂબ જ દુ:ખ અને ભગવાન પ્રત્યે ઘૃણા સાથે લખાયેલો હતો અને તેમાં અપશબ્દોની ભરમાર હતી. પત્ર અંગ્રેજીમાં હતો એટલે ધર્મચરણ સ્વામીએ પત્ર મને આપ્યો. તે પત્ર વાંચી હું હેબતાઈ ગયો, કેમ કે સમગ્ર પત્રમાં દર બીજા વાક્યમાં અપશબ્દ. હવે આવો પત્ર પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ વાંચવો કેવી રીતે? જો કે, તે પત્ર પ્રમુખસ્વામી મહારાજને ઉદ્દેશીને લખાયેલો નહોતો, પરંતુ પત્ર વાંચીને જણાયું કે તે તરુણ ભગવાનથી દુ:ખી હતો અને ભગવાનથી દુ:ખી હતો એટલે સાહજિક છે કે તેને ભગવાનના પરમ ઉપાસક એવા સંત ઉપર પણ ક્રોધ આવ્યો હશે. આ સ્થિતિમાં તેણે પત્ર લખ્યો હતો.
આવો પત્ર પ્રમુખસ્વામી સમક્ષ ન વંચાય તો સારું - એવું વિચારીને તે પત્ર પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ લઈ જવાનું ટાળ્યું અને સાંજ પડી ગઈ. સાંજે પ્રમુખસ્વામી મહારાજે સામેથી યાદ કર્યું કે એક પત્ર આવ્યો હતો તે ક્યાં ગયો? આવનાર લાખો પત્રમાંથી પ્રમુખસ્વામી મહારાજ એક પત્ર કે એક ચિઠ્ઠીની પણ અવગણના કરતા નથી. મારી દ્વિધા એ હતી કે આવો પત્ર ગુરુ પાસે કેવી રીતે લઈ જાઉં? પરંતુ સ્વામીશ્રીનો આગ્રહ હતો એટલે પત્ર લઈને ગયો. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું કે ‘આ પત્ર કોનો છે? અને તેમાં શું છે?’ એટલે પ્રમુખસ્વામી મહારાજને કહ્યું કે ‘બાપા! આ તો સાવ સામાન્ય પત્ર છે, જે સત્સંગી પણ નહીં એવા અમેરિકાના એક તરુણ દ્વારા લખાયેલો પત્ર છે. જેમાં તેણે પોતાના શોખ અંગે લખ્યું છે, કે પોતે સંપૂર્ણ સ્વચ્છંદી જીવન જીવે છે એવું બધું લખ્યું છે... બીજું કંઈ ઝાંઝુ નથી.’
પણ પ્રમુખસ્વામી મહારાજ કહે કે ‘તેણે ત્રણ પાનાં ભરીને પત્ર લખ્યો છે ને?!’ પ્રમુખસ્વામી મહારાજને જણાવ્યું કે ‘સ્વામીશ્રી! તેમાં અપશબ્દો લખ્યા છે.’ એટલે સ્વામીશ્રી કહે કે ‘અપશબ્દો એટલે શું?’ પછી મેં જણાવ્યું કે ‘તેમાં સાધુ માત્રને ગાળો લખી છે.’ તરત જ પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું કે ‘તે દુ:ખી છે?’ એટલે જવાબ આપ્યો કે ‘હા, તે ખૂબ જ દુ:ખી છે પણ જો આપની આજ્ઞા હોય તો આપણા બે-ત્રણ સંતોનું વિચરણ અત્યારે અમેરિકામાં જ છે તો તે તરુણને બોલાવીને તેઓ તેને સમજાવે.’
એટલે પળનોય વિલંબ કર્યા વગર પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘ના, એવું ન કરશો, કેમ કે તે તરુણને આ પત્રને કારણે કોઈ વઢે તો? તે વધુ દુઃખી થશે.’
આવી સ્થિતિમાં કોઈએ અપશબ્દો લખ્યા હોવા છતાં તેને કોઈ વઢે નહીં કે બોલે નહીં તેનું ધ્યાન પ્રમુખસ્વામી મહારાજ રાખતા હોય છે!
આ સમયે પ્રમુખસ્વામી મહારાજને જ પૂછ્યું કે ‘તો પછી શું કરવું?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘ભગવાને આપણને માળા આપી છે. હું માળા ફેરવું અને તુંય માળા ફેરવ. આપણે બંને તેના માટે માળા કરીએ કે તેને ભલે આપણી સાથે હેત ન થાય, પરંતુ ભગવાન માટે હેત થાય તો તે સુખી થશે.’
આમ, પ્રમુખસ્વામી મહારાજ માટે ભગવાન પ્રધાન હતા, મુખ્ય હતા, સર્વોચ્ચ હતા. તેઓની ભગવાન ઉપરની શ્રદ્ધા અપાર, અખંડ, અખૂટ અને અમાપ હતી.
આપણે પણ આપણી સ્વ-તપાસ કરવી પડે કે ભગવાનમાં આપણને શ્રદ્ધા અને નિષ્ઠા કેવી છે? ભગવાન છે તેવું બોલવું અને ભગવાન છે તેવું સ્વીકારવું અને ભગવાન છે તેવું અનુભવવું - એમાં આસમાન-જમીનનો ફેર છે. પ્રામાણિકપણે અંતર્દૃષ્ટિ કરવી પડે. આપણે સવારે ભગવાનની પૂજામાં બેસીએ પણ, મન ક્યાં ફરે છે? ધ્યાન રહે છે? Ask yourself, ભગવાનમાં દૃઢતા એટલે શું? દિવસ દરમિયાન કેટલી વાર શ્રદ્ધા ડગી જાય છે? આપણું ધાર્યું ન થાય તો ભગવાનને વગોવીએ છીએ. જાહેરમાં નહીં પણ મનમાં ભગવાન સાથે મીઠાં યુદ્ધો ચાલે છે. નાસ્તિક તો ભગવાનમાં માનતા જ નથી, પણ આસ્તિક છૂપા નાસ્તિક હોય તે પ્રશ્ન વિકટ છે. કેવળ દેખાવ કરવાથી ભગવાનમાં શ્રદ્ધા વધતી નથી, પણ પ્રથમ ‘ભગવાન છે’ એવી દૃઢતા કરવાથી ભગવત્પરાયણ જીવન જીવાય છે.
ઘણી વાર doctors have to be treated (ડોક્ટરોએ પોતે સારવાર લેવી પડે છે); lawyers have to be defended (વકીલોને બચાવવા પડે છે); judges needed to be judged. (જજને પણ જજમેન્ટ લેવું પડે); leaders need to be lead. (નેતાઓને પણ નેતૃત્વની જરૂર પડે છે); એમ ભક્તોને પણ ભગવાનની ભક્તિની સાચી રીત શીખવાની જરૂર પડે છે. ભક્તિની શરૂઆત ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવાથી થાય છે. ભગવાન છે, સર્વત્ર છે, સંપૂર્ણ છે, તેનું અખંડ અનુસંધાન એ સાચી ભક્તિનો પાયો છે.
ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ‘એક ક્ષણ માત્ર માટે પણ જો ભગવાનની વિસ્મૃતિ થાય તો અમારું તાળવું ફાટી જાય.’ પ્રમુખસ્વામી મહારાજને આવું અખંડ અનુસંધાન હતું તેથી જ તેમના જીવનમાંથી ભક્તિની લહેરો લહેરાતી.
એક સામાન્ય તરુણની ગાળો આવકારી તેને ભગવાનમાં જોડવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજ કરી શકતા હોય તો આવી સાચી ભક્તિથી દરેક સંજોગમાં, દરેક પ્રત્યે સાચો અને નિઃસ્વાર્થ પ્રેમ પ્રગટ થશે. If you love God then you will love everyone – જો તમે ભગવાનને સાચો પ્રેમ કરતાં શીખશો તો તમે સૌને પ્રેમ કરી શકશો.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS