Essays Archives

વ્યક્તિને પોતામાં રહેલા જૂજ ગુણો ઝાઝા ભાસે છે અને અન્યના ઝાઝા ગુણો જૂજ ભાસે છે. અન્યના દોષો પરઠવાની કુટેવ જાણે પ્રકૃતિ સાથે જડાઈ ગઈ હોય એમ લાગે છે. અન્યના અવગુણો જોવા આપણે વિપુલદર્શક કાચ (મેગ્નિફાઈંગ ગ્લાસ) ગોઠવીએ છીએ; એનો અલ્પાતિઅલ્પ અને અતિ સામાન્ય અવગુણ, આ કાચ દ્વારા આપણને અનેકગણો મોટો દેખાય છે. એક વાર સામાનો નાનો સરખો અવગુણ હાથ લાગે એટલે જંપીને બેસાતું નથી, પછી તેને જાહેર કરવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. તેથી ઊલટું, પોતાના ગુણને નિહાળવા, વ્યક્તિ સૂક્ષ્મદર્શક યંત્ર વાપરે છે - રખેને આપણો અલ્પાતિઅલ્પ ગુણ પ્રકાશિત કર્યા વિનાનો રહી જાય!
મૅનેજમેન્ટની ઇન્સ્ટિટ્યૂટોમાં, માનવવર્તણૂંક વિષેના અભ્યાસક્રમમાં, તેના અધ્યાપકો વર્ગમાં વિદ્યાર્થીઓને એક ખાસ કસોટી આપે છે, આ કસોટીમાં સૌને પોતાના અત્યંત નિકટના મિત્રના ગુણ - અવગુણની, ત્રણ જ મિનિટમાં યાદી બનાવવાનું સૂચવવામાં આવે છે. સામાન્ય રીતે પ્રથમ અર્ધી મિનિટ તો દરેક વિદ્યાર્થીને પોતાનો અતિ નિકટ મિત્ર કોણ એ ગોતવામાં ખર્ચાઈ જાય છે! પછી તરત જ તેના અવગુણો તરફ ધ્યાન જાય છે અને ઝડપથી ખાસ્સા ૧૦-૧૨ અવગુણોની એક યાદી બની જાય છે; પછી સૂચના અનુસાર ગુણો ગોતવાની શરૂઆત થાય છે. એકાદ-બે લખાય, પછી ત્રીજો શોધતાં શોધતાં તો નિયત સમય પૂરો થઈ જાય છે!! ભાગ્યે જ કોઈ અપવાદ સિવાય બધા જ વિદ્યાર્થીઓ પ્રકૃતિવશ આમ કરે છે.
સર્વત્ર, પછી એ કુટુંબ, સમાજ, વ્યવહાર કે સત્સંગ હોય, આપણે જેની સાથે કામ લેવાનું હોય છે એ વ્યક્તિઓમાં ભિન્નતા જ હોય છે. ભિન્ન પ્રકૃતિઓ, ભિન્ન હોદ્દા, ભિન્ન ભૂમિકાઓ. જો એ સૌ સાથેના આપણા સંબંધો માનવીય નહિ હોય, એકમેકનાં હૈયાં સાથે સહૃદયતાના સેતુ નહિ બંધાયા હોય અને જો એકમેકનાં બુદ્ધિ અને તર્ક ટકરાતાં રહેતાં હશે; તો શરૂઆતમાં ઘર્ષણ, ગરમી અને ત્યારબાદ ભડકો થવાની પૂરી શક્યતા છે. માનવસંબંધોના તજજ્ઞોએ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સુહૃદતાનો સેતુ બંધાય, એકમેક પ્રત્યે આદર અને સન્માનની મંજરીઓ મહોરી ઊઠે અને રોજ-બ-રોજના આંતરવૈકલ્પિક વ્યવહારનો સાંચો સુપેરે ચાલે, તેથી તેનાં આંજણ સમાં, કેટલાંક સૂચનો કર્યાં છે. આધુનિક સંચાલન વિજ્ઞાન, તેને માનવસંબંધોને લગતી વ્યૂહ રચનાઓ (હ્યુમન રિલેશનશીપ સ્ટ્રેટેજીસ) પણ કહે છે. જેવા કે અન્યમાં ખરેખર રસ લો, અન્યની કદર કરો, વિધેયાત્મક વલણ દાખવો, અન્યની ટીકાથી દૂર રહો વગેરે, એમાં એક અગત્યનું સૂચન છે - અન્યના ગુણોની યાદી (એટ્રીબ્યુટ લિસ્ટીંગ) બનાવવાની ટેવ પાડો. આ સુટેવ કેળવવા માટે અધ્યાસ કરવો પડે, પરંતુ જો આ સુટેવ સુદૃઢ થાય તો અન્યને જોવાની આપણી દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવે; અર્ધા પ્રશ્નો શમી જાય, પરસ્પર પ્રેમનાં પુષ્પો પાંગરી ઊઠે, સંપ, સુહૃદભાવ અને એકતાની સુવાસ સર્વત્ર પ્રસરી જાય.
જાપાનની એક ઍરલાઇન્સ તેના સમયપાલન, સેવા અને શિષ્ટાચાર માટે ખૂબ જાણીતી હતી. તેનાં પૅસેન્જરવાહક વિમાનો અને માલવાહક વિમાનો દુનિયાભરમાં રોજ કેટલીય ઉડાનો ભરતાં. તેની આવી ઊંચી આબરૂના મૂળમાં હતાં - તેના દરેક સ્તરે કામ કરતા કર્મચારીઓની ક્ષમતા અને નિષ્ઠા. તેમની (સેન્સ ઓફ બિલોંગીંગ) ઉદાહરણીય બને એવી હતી.
એક દિવસ એવું બન્યું કે કોઈક કર્મચારીની એક નાની શી શરતચૂકથી, દિનભરનાં ઉડ્ડયનોનું સમયપત્રક સાવ ખોરવાઈ ગયું - કેટલાંક ઉડ્ડયનો તો રદ કરવાં પડ્યાં. કેટલાંક માલવાહક વિમાનો (કાર્ગો) ઊડ્યાં નહિ, તો કેટલાંક મોડાં પડ્યાં !! આ ઍરલાઇન્સના ઇતિહાસમાં આવી સ્થિતિ કદી પેદા થઈ નહોતી. સૌ સ્તબ્ધ થઈ ગયા. તાબડતોડ તપાસ શરૂ થઈ ગઈ. 'આમ થાય જ કેમ ?' 'કોના કારણે આ થયું ?' - ત્રુટિ કોની હતી એ શોધવું તદ્દન સરળ હતું. એક જૂના, અનુભવી અધિકારીની નાનીશી ત્રુટિ, ઍરલાઇન્સને આજે ભારે પડી ગઈ હતી. આ અધિકારીએ જાતે જ ભૂલ કબૂલી લીધી હતી. તેને પોતાને કપરાં પરિણામો ભોગવવાના કે કારકિર્દી ગુમાવવાના અફસોસ કરતાં વધારે અફસોસ, આ ઍરલાઈન્સની પ્રતિષ્ઠાને, પોતાને હાથે હાનિ પહોંચ્યાનો હતો. ઍરલાઇન્સની ઉચ્ચસ્તરીય સંચાલક સમિતિના સભ્યો, કમિટી રુમમાં આવી પહોંચ્યા. પેલા અધિકારીને નોકરીમાંથી રુખસદથી જરાય ઓછી સજા ન હોઈ શકે એ બાબતે સર્વસંમતિ હતી. બે લીટીનો એક રુખસદ-આૅર્ડર જ તૈયાર કરવાનો હતો. ત્યાં આ સમિતિના એક પીઢ, શાણા સભ્યે સૌને એક વિનંતી કરતાં કહ્યું : 'રુખસદના આપણા નિર્ણયમાં પુનઃવિચારણાનો પ્રશ્ન જ ઊભો થતો નથી; પરંતુ જો આપ સૌ સંમત હો, તો આ કર્મચારીની છેલ્લાં ૨૦ વર્ષની કામગીરી પર, બે મિનિટ એક નજર નાખી લઈએ તો કેમ ?' સૌએ જાણે મૂકસંમતિ આપી. પેલા કર્મચારી ઍરલાઇન્સમાં જોડાયા ત્યારથી આજ લગીની તેમની કામગીરીના અહેવાલની હકીકતો અને આંકડા, કોમ્પ્યુટરના સ્ક્રીન પર ઝબકવા માંડ્યા. સ્ક્રીન, પ્રત્યેક ક્ષણે ઉપરને ઉપર સરકતો રહ્યો, તો આ તરફ પેલા સભ્યોની સૂરત ઝડપભેર બદલાતી ગઈ !! આ શું ?! 'ત્રણ મોટા આૅર્ડરો લાવવામાં આ ભાઈ કારણભૂત હતા !' 'કેટલાંક નવાં ઉડ્ડયનોના નિર્ણય અંગેની મુખ્ય સમિતિના આ ભાઈ કન્વીનર હતા !' 'ત્રણેક આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોની શરૂઆત કરતાં પહેલા, વિદેõશોમાં ગયેલાં ડેલીગેશનોનું નેતૃત્વ આ ભાઈએ લીધું હતું !' ઇત્યાદિ. સભ્યોના મુખ પર હવે આક્રોશની જગ્યાએ આભારની રેખાઓ ઊપસી રહી હતી. ઉગ્રતાની જગ્યાએ, કૃતજ્ઞતાની લકીરો ખેંચાઈ રહી હતી ! સૌ એકમેક સામે જોઈ રહ્યા હતા. એકી અવાજે સૌ બોલી ઊઠ્યા : 'આ માણસને છોડવો ન પોષાય' એક હળવા ઠપકાની નોંધ લખી, સમિતિ ઊભી થઈ ગઈ. આ હતી તાકાત ગુણગ્રાહક દૃષ્ટિની !
ˆ
વિશ્વના માનવસંબંધોના ઊંડા અભ્યાસીઓનેય જેમાંથી ઘણા નવા ઉસૂલો સૂઝે એવી છે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરુષોની દિવ્ય, પ્રેરક જીવનગાથાઓ.
શ્રીજીમહારાજ એક વખત ગઢપુરમાં વિરાજતા હતા. સંતોની પંગતને રસોઈ પીરસાઈ ગઈ હતી અને પાછળથી બે સંતો આવ્યા, કાંઈ વધ્યું ન હતું. મહારાજ કહે, 'હવે તમે તમારાં પત્તર લઈ પંગતમાં ફરો, જો કાંઈ મળે તો.' બન્ને સંતો આ રીતે ફર્યા તો સૌએ પોતાના પત્તરમાંની એક એક શ્રેષ્ઠ વાનગી પીરસી. આ બંને સંતોનાં પત્તર વાનગીઓથી છલકાઈ ગયાં.
મહારાજે કહ્યું : 'આમ દરેકમાંથી ગુણ ગ્રહણ કરો તો તમે પણ સદûગુણોથી ભરાઈ જાવ.' જનમંગલ સ્તોત્રમાં શ્રીજીમહારાજનાં ૧૦૮ નામોમાં એક નામ છે - 'ગુણગ્રહિણે નમઃ' જેમણે પોતાના દિવ્ય જીવન પર્યંત, સર્વજીવોના દોષોને અવગણીને માત્ર તેમના ગુણ જ ગ્રહ્યા છે.
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું ઉગા ખુમાણે હડહડતું અપમાન કરી માર માર્યો. દયાના સાગર એવા ગુણાતીતાનંદ સ્વામીએ ઊલટાનું, 'તેને ઘેર દીકરો થાય' એવા આશીર્વાદ આપ્યા. 'સ્વામીની વાતો'માં એક ઠેકાણે વાત કરતાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે 'દોઢ પહોર દિવસ ચડતા સુધી ભગવાન જીવના ગુના માફ કરે છે.'
સત્સંગના ઇતિહાસમાં ભગતજી મહારાજ ઉપર ઉપાધિઓના ઉદધિ ફરી વળ્યાના અનેક પ્રસંગો નોંધાયા છે. તેમનો વધતો જતો પ્રતાપ નહિ સાંખી શકવાથી, કડવાં વેણ મારે, વઢે, વિમુખ કરે અરે ઝેર આપી દે - એવાં કપરાં કષ્ટોમાં પણ સૌનો ગુણ જ ગ્રહણ કર્યો. ગોવિંદદાસ અને કુંજવિહારીદાસ જેવા સાધુઓએ ભગતજીને ફરિયાદ કરતાં કહ્યું : 'તમારા શિષ્યો તમને બહુ ઉપમા આપે છે. અક્ષરધામની કૂંચી સ્વામીએ ભગતજીને સોંપી છે એમ કહે છે. તેમને જઈને વાત કરીને આજની રીત પ્રમાણે રાખો.' ત્યારે ભગતજી હાથ જોડી બોલ્યા : 'બહુ સારુ, ગુરુજી ! આપની આજ્ઞા માથે ચડાવીશ.'
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જીવનપર્યંત ગુણગ્રાહી દૃષ્ટિ રાખી, આ મહાન સંસ્થાના પાયા પાતાળે નાંખ્યા. આચાર્ય લક્ષ્મીપ્રસાદે શાસ્ત્રીજી મહારાજને ગામડે વિચરણ ન કરવા દેવા વિચિત્ર ફરમાન કર્યું ને કહ્યું : 'જ્યાં ફરવું હોય ત્યાં ફરો આખો દેશ પડ્યો છે.' શાસ્ત્રીજી મહારાજે કેવો ગુણ ગ્રહ્યો : 'આચાર્યે આપણા ઉપર ઘણો ઉપકાર કર્યો. તેમનામાં રહી મહારાજે પ્રેરણા કરી જેથી આપણે સર્વોપરી ઉપાસનાનાં મંદિરો કરી શક્યાં.'
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની અલમસ્તાઈના મૂળમાં હતી એમની ગુણગ્રાહક દૃષ્ટિ. સમગ્ર વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ વિભૂતિનો જોટો નહિ જડે, જેણે જનસાધારણમાં તો ભગવાનનાં દર્શન કર્યાં, એટલું જ નહિ, ભગવાન, સંત કે સત્સંગીના સંબંધવાળા નિર્જીવ પદાર્થોમાંય ગુણ પરઠ્યો - પછી એ વૃક્ષ હોય, સામાન હોય કે પથ્થરની શિલા હોય ! આફ્રિકામાં માંઝામાં વિક્ટોરિયા સરોવરને કિનારે 'બિસ્માર્ક રૉક'ને સ્વામીએ ખૂબ નિહાળીને જોયો અને પછી મહંત સ્વામીના હાથમાં પુષ્પો આપીને કહ્યું : 'આ પથરા ઉપર છાંટો, એનું સારું થાય, બહુ તપ કરે છે.'
એક વખત યોગીજી મહારાજ સ્નાન કરવાની તૈયારી કરતા હતા. સગડીમાંથી એક તણખો ઊડી તેમની છાતીની ડાબી બાજુએ પડ્યો અને ફોલ્લો થઈ ગયો. સ્વામીશ્રી હસતાં હસતાં કહે : 'એને કલ્યાણ કરવું હતું એટલે વળગ્યો. જે ઝાડમાંથી આ કોલસો બન્યો તેનુંય કલ્યાણ થઈ ગયું !' ચાંચડ-માંકડ-મચ્છર-મંકોડા કરડી જાય અને સૂવા ન દે તો કહે : 'લ્યો, આપણે જાગ્યા તો ભજન થયું.' વિજ્ઞાનદાસે જે આતંક વરસાવેલો - ધૂંબા, ગડદાપાટુ, લાકડી, વેલણનો રોજ માર પડે. પરંતુ એમનું જો કોઈ ઘસાતું બોલે તો કહે, 'મારા સારા માટે વઢે છે. ટોકે તો વધાય.'
ભગતજી મહારાજ અને યોગીજી મહારાજ સૌ પ્રત્યે જે સંબોધન કરતા એ તો જુઓ; ભગતજી મહારાજ સૌને 'મહારાજ' કહી સંબોધતા, યોગીજી મહારાજ સૌને 'ગુરુ' કહીને બોલાવે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે નિરંતર સૌના ગુણો સામે જ જોયા કર્યું છે. આ વિરાટ સંસ્થામાં દેશ-વિદેશના લાખ્ખો હરિભક્તો, સેંકડો સંતો એકમના થઈ, એક જ લક્ષ્યને હાંસલ કરવા, તન-મન-ધન ન્યોછાવર કરી, અદûભુત ઐક્યનાં જે દર્શન કરાવે છે તેના પાયામાં છે સ્વામીશ્રીની ગુણગ્રાહી દૃષ્ટિ.
બેલ્જીયમમાં પ્રમુખસ્વામી મહારાજને ડૉક્ટર શાહે પ્રશ્ન કર્યો, 'આપ અંતર્યામી છો, બધાનું બધું જાણો છો છતાં કઈ રીતે બધાને જુઓ છો ?'
શું અદûભુત ઉત્તર હતો સ્વામીશ્રીનો! 'જાણવા છતાં નહીં જોવાનું, દેખવા છતાં આંધળા થવાનું, સાંભળવા છતાં બહેરા થવાનું. સામેની વ્યક્તિમાં ૯૯ અવગુણ હોય પણ એક ગુણ તો હોય ને ?'
ફળોની વાડીમાં પ્રત્યેક છોડ પરથી તાજાં ફળો ઉતારી છાબડીમાં મૂકતાં રહીએ તો આખી છાબડી આવાં ફળોથી ભરાઈ જાય અને જો નીચે પડેલાં, સડેલાં ફળો એકત્રિત કરીએ તો છાબડીમાં એકેય ખાવા યોગ્ય ફળ પ્રાપ્ત નહિ થાય. આપણા હૃદયની છાબ પણ અન્યના સદûગુણો ગ્રહણ કરવાથી છલકાઈ જાય. સંત સ્વામી કહેતા : 'આપણે કોઈના અવગુણ લઈએ એમાં આપણું શું રંધાય ? બીજાના અવગુણ લઈએ તો આપણામાં કોઈનો સ્વાદ, કોઈનું માન વગેરે અવગુણો આવીને ભરાય.'
તમામ સંઘર્ષોનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ છે વ્યક્તિની ત્રુટિશોધક પ્રકૃતિ. પછી તે સંઘર્ષ કુટુંબમાં, પડોશમાં, કાર્યાલયોમાં, સમાજમાં, આંતરપ્રદેશીય હોય કે આંતરરાષ્ટ્રીય હોય.
એક જ કુટુંબમાં વસતી છ-સાત વ્યક્તિઓ જીવનભર ટકરાતી રહે છે. પતિ-પત્નીના કલહોમાં મુખ્યત્વે એક-બીજાની અલ્પ ખામીને ખોતરવાની કુટેવ જ જવાબદાર હોય છે. સભાનતા-પૂર્વક જો કુટેવ ટાળી, ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવામાં આવે તો છૂટાછેડા, આપઘાત, ખૂન-ખરાબાના કિસ્સા મહદ્‌અંશે ઘટી જાય; અને સંસારરથ ગતિ કરતો રહે, જે સંસ્કારી, સદાચારી ભાવિ પેઢીનો વાહક પણ બની રહે. ચિરંતનકાળથી ચાલ્યા આવતા સાસુ-વહુના ઝઘડામાં, જો બંને પક્ષે એકમેકનો ગુણ પરઠવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવે - સાસુ મોટું મન રાખી દરગુજર કરે, વહુ આમન્યા જાળવી થોડો સંયમ દાખવે - તો કલેશ ને કંકાસની જગ્યાએ ઉલ્લાસ પ્રસરે, જે કુટુંબની કાયમી શાંતિ માટે અત્યંત ઉપકારક ઘટના ગણાય. નણંદ જો એક સાદી સમજ કેળવે કે અન્યનાં ઘરે જઈ તેણે ભાભીની ભૂમિકા ભજવવાની છે, અને ભાભી આટલું જ વિચારે કે પિયરમાં તો તે કોઈકની નણંદી જ છે તો બંનેનાં વર્તન-વાણી આપોઆપ બદલાઈ જાય અને ઘર એક શાંતિસદન બની રહે.
કાર્યાલયોમાં એક કે જુદા સ્તરે કામ કરતા કર્મચારીઓ વચ્ચેના સંઘર્ષોમાં પણ મહદ્‌અંશે અન્યની ઊણપોની ટીકા-ચર્ચા જ જવાબદાર હોય છે. નવા જોડાયેલા ટાઇપિસ્ટે ટાઇપ કરેલો કાગળ જોઈ, જો અધિકારી, 'આટલી બધી ભૂલો?! કાંઈ અક્કલ જ નથી' એમ કહીને ધુત્કારી કાઢે તો તેના માનસ પર એટલો ઊંડો જખમ પડે છે જે વર્ષો સુધી રુઝાય નહિ. અને એના બદલે 'જુઓ, આમ જ શીખાય, નવા નવા છો એટલે ભૂલો તો પડે જ, તેને સુધારવાનો ખટકો રાખવો, જાઓ ફરી ટાઇપ કરી લાવી મને બતાવો.' - એમ કહેવામાં આવે તો એને માઠું નહિ લાગે, અધિકારી પ્રત્યેનું માન અકબંધ રહેશે અને તે બમણા ઉત્સાહથી કાર્ય કરશે. અન્યનાં કાર્યોને જોવાની સહેજ દૃષ્ટિ જ બદલવામાં આવે તો આ રીતે કાર્યદક્ષતા વધશે, ઉત્પાદકતાના આંક ઊંચા જશે. આવા સક્ષમ, કુશળ અને ખંતીલા કર્મચારીઓથી શોભતાં સરકારી-બીનસરકારી કાર્યાલયોથી, સૌથી મોટો લાભ તો સામાન્ય જનતાને થશે. હવે તેમણે આૅફિસોમાં આંટાફેરા નહિ કરવા પડે, કાકલૂદી નહિ કરવી પડે, નિયત સમયમાં તેમનાં કામો પતશે.
રાજ્ય-રાજ્ય વચ્ચેનાં કે દેશ-દેશ વચ્ચેનાં સરહદો, જમીન કે પાણી અંગેના સંઘર્ષો નિવારવા મળતી સચિવ કક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિઓના સભ્યો, એકબીજાની ખામીઓની ખોતરણી કરવાને બદલે, વિધેયાત્મક વલણ અખત્યાર કરે તો અર્ધા જેટલા મુદ્દાની ચર્ચા જ ન કરવી પડે. વિશ્વ એ એક સદûભાવ અને ભાઈચારાથી ભર્યું ભર્યું સ્થળ બની જાય.
ગ.પ્ર. ૨૮ના વચનામૃતમાં મહારાજ કહે છે કે આવી ગુણગ્રાહી દૃષ્ટિવાળી વ્યક્તિને 'આઠે પહોર આનંદ રહે.' આધુનિક તબીબીશાસ્ત્રના અભ્યાસોનાં પણ એવા તારણ છે કે અન્યની પળોજણમાં સમય વીતાવતી, ઉજાગરા કરતી, અન્યના સુખને નહિ સાંખી શકતી વ્યક્તિઓ ઊંચું બ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીસ, અલ્સર જેવા રોગોથી પીડિત હોય છે. સમાજમાં ઘણાય એવા ભાંજગડીઆઓ હોય છે - જે જંગમ લગ્નબ્યૂરો જેવા હોય છે - સતત લોકોનાં જોડાં જોડવા-તોડવામાં જ મશગૂલ રહેતા હોય છે. પોતે શાંતિનો શ્વાસ લઈ શકતા નથી. મંત્ર-તંત્ર કરનારા તાંત્રિકોના જીવનનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવે તો જાણવા મળશે કે તેઓ પોતે કેટલા દુઃખી હોય છે, કેવી મોટી બીમારીઓના તેઓ ભોગ બને છે !
બેલ્જિયમના લેખક શ્રી ફિલ બોસ્મન્સ પોતાના પુસ્તકમાં લખે છે : 'માણસમાત્રમાં કોઈક ને કોઈક અવગુણ હોય જ છે. પણ જો હું એને જ ખણ્યા કે ખોતર્યા કરું તો એ મને કોઈક અંતિમ પર લઈ જાય છે. પછી તો એ બોજ બની જાય છે. મારી આંખની કીકી અવળી થઈ જાય છે. અને મને આખરે તો કાળા રંગ સિવાય કશું દેખાતું નથી. માત્ર અવગુણો, ખામીઓ અને વિરૂપતા બાકી રહે છે.'
આવી ગુણગ્રાહી દૃષ્ટિ કેળવી, ભગવાન સ્વામિનારાયણે વ્યાખ્યાયિત કર્યા એવા 'બુદ્ધિશાળી' બનવા અધ્યાસ કરીએ. પંચાળાના ત્રીજા વચનામૃતમાં મહારાજ કહે છે : '...પોતામાં તો કોઈવારે અવગુણ પરઠે નહિ ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિશાળી કહીએ.'


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS