મર્મચિંતન
ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રગટ સ્વરૂપની ઉપાસના-ભક્તિનો અનન્ય મહિમા કહ્યો છે. સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય જેવા અતિ ઉત્કૃષ્ટ સદ્ગુણો પણ જો ભક્તિમાં વિઘ્ન કરતા હોય તો તેને પાછા પાડીને ભગવાનની ભક્તિનું મુખ્યપણું રાખવા આદેશ આપ્યો છે.
ભક્તિ એટલે ભગવાનમાં મહાત્મ્યજ્ઞાને સહિત અત્યંત પ્રેમ. એવા પ્રેમને માટે મુક્તાનંદ સ્વામીએ વચનામૃત ગઢડા પ્રથમ 59માં પ્રશ્ન પૂછ્યો : ‘ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?’
તેનો ઉત્તર આપતાં શ્રીજીમહારાજ કહે છે : ‘એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, ‘આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે,’ તથા આસ્તિકપણું હોય, તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે, ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે,’ અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવીસ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહીં, એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તે જ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે.’
વચનામૃત ગઢડા પ્રથમ 61માં શ્રીજીમહારાજ કહે છે કે ‘પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઇચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે... પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દૃઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને (ભગવાન) બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી.’
વચનામૃત ગઢડા મધ્ય 48માં વર્ણન આવે છે કે શ્રીહરિ સમક્ષ પ્રેમાનંદ સ્વામીએ ‘વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ’ એ કીર્તનો ગાયાં. તે પદોમાં કરવામાં આવેલું ભગવાનની મૂર્તિનું સાંગોપાંગ વર્ણન સાંભળી શ્રીહરિ બોલ્યા : ‘આ કીર્તનને સાંભળીને અમારા મનમાં એમ વિચાર થયો જે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.’
પ્રેમાનંદ સ્વામીની ભક્તિથી શ્રીજીમહારાજ તેઓ પર કેવા રાજી થયા હશે તે આવાં વચનો તેઓના મુખેથી સરી પડ્યાં ! માટે ભગવાનને રાજી કરવા ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, ચૌદ લોકમાં નાહીં રે’ તેવું છે.
ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે : ‘પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ઘ કર્યું, પણ ભગવાન જિતાણા નહિ. પછી ભગવાને પ્રહ્લાદને કહ્યું જે, ‘એ યુદ્ઘે કરીને તો હું જિતાઉં તેવો નથી અને મને જીતવાનો ઉપાય તો એ છે જે, જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી.’ એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહ્લાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો.’ (1/3)
વળી, ગુણાતીતાનંદ સ્વામી અન્ય વાતમાં કહે છે જે, ‘ભગવાનનું ભજન અને ભગવાનના ભક્તનો સંગ એ બે જ રહસ્ય ને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થતાં ક્યાં વાર છે? માટે રાજી કરવા હોય તેને મંડવું.’ (1/111)
આમ, ભગવાનની ભક્તિ નિષ્કામભાવે મન, કર્મ, વચને કરીએ તો ભગવાન અને સંતનો રાજીપો મેળવી શકાય છે.