દિવ્યભાવમાં રસબસ આણંદજીભાઈ...
દિવ્યભાવથી રાજીપો...
શ્રીહરિએ આધ્યાત્મિક પ્રગતિ માટે ભગવાન, ગુણાતીત સંત અને તેમના સંબંધવાળા ભક્તોમાં નિર્દોષબુદ્ધિ-દિવ્યભાવને પ્રથમ કક્ષામાં મૂક્યા છે. પ્રત્યેક હરિભક્ત બીજા હરિભક્તને દિવ્યભાવથી જુએ, તેનામાં નિર્દોષબુદ્ધિ રાખે, તેવા હરિભક્ત પર ભગવાન અપાર રાજીપો વરસાવે છે. ક્યારેક ભગવાન ભક્તની કસોટી કરીને પણ દિવ્યભાવની સીમા તપાસે છે. અહીં એવા ભક્તની ગાથા છે, જેમણે આકરી કસોટીમાંય દિવ્યભાવથી પ્રભુને રિઝવ્યા હતા...
રાત્રે કથાવાર્તા શરૂ થઈ. અને આણંદજીને આવતા દીઠા, ત્યાં તો મહારાજે રાડ નાંખી : ‘ઉપાડ તારું આસન !’
‘મહારાજ ! મારો શું ગુનો ?’ આણંદજીએ હાથ જોડ્યા.
‘તમે આખી રાત કથા સાંભળીને દિવસ બધો સૂઈ રહો છો, તે છોકરાં ભૂખે મારવાં છે ?’ મહારાજે આણંદજીનાં પત્ની થકી જે સાંભળ્યું હતું તે આણંદજીને કહી સંભળાવ્યું.
‘મહારાજ ! આપ કહો તેમ કરું...’ આણંદજી બોલ્યા.
‘ભલે આખી રાત વાતો સાંભળી હોય, પણ દિવસ બધો કામ કરવાનું કબૂલ હોય તો અમારી કથામાં બેસવા દઈએ...’
‘ભલે મહારાજ...’ મહારાજની આજ્ઞા આણંદજીએ માથે ચડાવી. માંગરોળમાં મોડી રાત સુધી શ્રીહરિની વાતો સાંભળ્યા પછી આણંદજી તેનું મનન કરતા અને દિવસે સંઘેડાનું કામ કરતા.
પણ શરીર ક્યાં સુધી આ ઝીંક ઝીલે ? તેમને સભામાં ઝોલાં આવવા લાગ્યાં. મહારાજે સાવધ કર્યા પણ ઝોલાં ન અટક્યાં. કસણી કરવા તત્પર થયેલા મહારાજે તેમને ઊભા કર્યા અને છાપરાની ખપાટ જોડે દોરીથી ચોટલી બંધાવી, ઊભાં ઊભાં કથા સંભળાવી... છતાં ઝોલાં તો ચાલુ જ રહ્યાં, તેથી વધુ પરીક્ષા કરતાં મહારાજે હરિભક્તો પાસે માટલાનાં ઠંડાં પાણી રેડાવ્યાં.
શિયાળાની રાત્રિ હતી. તેમનાં કપડાં ભીનાં થયાં પણ મહારાજની તાવણીને લીધેય આણંદજી ગ્લાનિથી ભીના ન થયા, શરીર ઠંડીથી ઠૂંઠવાયું પણ નિષ્ઠારૂપી ખીલો ડગ્યો નહિ. જરાપણ અકળામણ વિના કથાનું શ્રવણ તો ચાલુ જ રાખ્યું.
એક વાર આ કસોટીમાંથી પાર થઈ રહેલા ભક્તને ઘરે મહારાજ પંડે ગયા. સંઘેડો ચાલુ હતો ત્યાં પધારી મહારાજ તેમનો કસબ જોવા લાગ્યા; ‘શું છે આ ?’
‘ટાસકા છે મહારાજ, પારણે લટકાવવા કે ઝુમર કરવા હોય કે લાકડાના પાણિયારે ભમરીની જેમ જડ્યા હોય તો ખૂબ શોભે.’
‘અમારી આજ્ઞા પાળશો ?’ મહારાજે પરીક્ષા લેતા હોય તેવી રીતે કહ્યું : ‘આ ટાસકાની માળા તમારા પગની ઘૂંટી સુધી બનાવી, ગળામાં પહેરો ને આખા શહેરમાં ફરો ! કોઈ પૂછે તો કહેવું,
‘ગુરુની આજ્ઞા છે.’
આણંદજીભાઈએ મહારાજની આજ્ઞા માથે ચઢાવી.
લાકડાનાં ટાસકાંની લાંબી લબડતી માળા ગળે પહેરી આણંદજી બજારમાં નીકળ્યા. તેમને જોઈને ગામલોકોને ભારે રમૂજ થઈ, પરંતુ આણંદજીને લોકલાજ આડી ન આવી. તેમનાં પત્ની રાજબાઈ પતિનો આવો રંગઢંગ જોઈ ક્ષોભીલા પડી ગયાં. સંઘેડાનો કલહાર કસબ મૂકીને પતિ આવા ‘ગાંડા કાઢે’ એ તેમનાથી સહન ન થયું. પત્નીનાં આકરાં કડવાં વેણ આણંદજી ગળી ગયા.
પરંતુ શ્રીહરિ આ ભક્તરાજની હજુ વધુ તાવણી કરવા માંગતા હતા. તેમણે આદેશ આપી દીધો કે આણંદજીને હવે સત્સંગમાં આવવા ન દેવા અને જો આવે તો તેમને સર્વે સત્સંગીઓએ ‘હડ કૂતરી ! કહીને કાઢી મૂકવા...’ મહારાજ તો આદેશ આપીને નીકળી ગયા, પણ લોકને ફાવતું મળી ગયું. આણંદજી જ્યાં દેખાય ત્યાં ચારે બાજુથી શબ્દોની ઝડી વરસતી : ‘હડ કૂતરી !’, ‘હડ કૂતરી !’ આ અપમાનને તો આણંદજી પચાવી ગયા, પણ પોતાના પ્રાણપ્રિય શ્રીહરિનાં દર્શન અને કથાવાર્તા વિના કેમ ચાલે ? રોજ મંદિરના ચોકમાં ઊભા રહીને તેઓ શ્રીહરિનાં દર્શન કરતા અને ત્યાં જો કોઈની નજરે ચડ્યા તો તિરસ્કાર ભર્યા શબ્દ કાને અથડાતા, ‘હડ કૂતરી !’ શ્રીહરિ જે કરતા હશે તે સારા માટે, એમ માની આણંદજી હસતા મુખે બધું ખમી લેતા. અને ખડકી પાસે હરિભક્તોએ ઉતારેલાં જોડાં પોતાના કપડાથી સાફ કરી નાખતા.
એક, બે દિવસ નહીં, છ-છ માસ સુધી આ જ ક્રમ ચાલતો રહ્યો. શ્રીહરિ તો માંગરોળથી નીકળીને અન્યત્ર વિચરણમાં રત થઈ ગયા. છ મહિના પછી પુનઃ તેઓને ફરી માંગરોળ આવવાનું થયું. શ્રીહરિ સભામાં પધાર્યા એ વખતે અચાનક ‘હડ કૂતરી !’ શબ્દ તેમના કાને પડ્યો. તેમણે પૂછ્યું : ‘આ શું ચાલી રહ્યું છે ?’ સૌએ ઉત્સાહથી છ મહિનાની ગતિવિધિના સમાચાર આપ્યા. શ્રીહરિ અચંબો પામી ગયા. ઉપેક્ષા, ઉપહાસ અને તિરસ્કારની પરંપરા વચ્ચે શ્રીહરિ પ્રત્યે અનન્ય ભાવથી જોઈ રહેલા આણંદજીભાઈ પર શ્રીહરિના અંતરનો રાજીપો ઢળી ગયો. તરત જ આણંદજીને બોલાવ્યા અને જોતાં જ ભેટી પડ્યા. મહારાજ કહે, ‘આણંદજી ધન્ય છે તમને ! છ માસ સુધી અભાવ આવ્યા વગર અને નિષ્ઠા મોળી કર્યા વગર પાર ઊતર્યા તેથી અમે પ્રસન્ન થયા છીએ.’
આણંદજીનું અંતર પણ સદા દિવ્ય શ્રીહરિના નિરંતરનો રાજીપો મળ્યાના ઉલ્લાસથી ઉછાળા મારવા લાગ્યું.
મર્મચિંતન
ભગવાન સ્વામિનારાયણે નિર્દોષબુદ્ધિ-દિવ્યભાવને પ્રથમ કક્ષામાં મૂક્યા છે. ભગવાનના ભક્તને બ્રહ્મની મૂર્તિ જાણવાની વાત દૃઢાવી છે. વચનામૃત ગઢડા મધ્ય 63માં તેઓ કહે છે : ‘ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને વિષે તો મનુષ્યભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહનાં કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી; તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઊતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન-કર્મ-વચને શુદ્ધભાવે કરીને સેવવા.’