સામાન્યપણે આપણે માનવીઓ મૃત્યુથી ખૂબ ગભરાતા હોઈએ છીએ. એટલા બધા ગભરાઈએ છીએ કે મૃત્યુ શબ્દ સાંભળવો પણ અપશુકન જેવું લાગે છે. મરણની વાતો અણગમો ઉપજાવે છે. સંસારસ્વરૂપના સાચા સિદ્ધાંતનાં અજ્ઞાનનું આ પરિણામ છે. પરંતુ વાસ્તવિકતાને અપનાવી લેતા ગભરાવું ન જોઈએ. સિદ્ધાંતો ન માનવાથી સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર નથી થતો પણ અંતે એ ન માનવાવાળાએ જ એનાં માઠાં ફળ ભોગવવાં પડે છે. કોઈ માને કે ન માને પણ જે જન્મ્યો તેને મૃત્યુનો ઘૂંટ ગળ્યા વગર છૂટકો નથી. મૃત્યુથી નાસતા-સંતાતા ક્યાં સુધી ફરીશું? મૃત્યુની કરામત ન્યારી છે. તે ગમે ત્યાંથી આવી આપણી મુલાકાત લઈ લેશે. આ બાબતમાં રાવણ અને અભિમન્યુ જેવા દાખલાઓ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. રાવણે મૃત્યુથી બચવા માટે મૃત્યુંજયી મંત્રોની સાધના કરી તપ કર્યું હતું. માતા કુંતાએ અભિમન્યુને અમર રાખડી બાંધેલી. આમ છતાં અંતે તો મૃત્યુની નિશ્ચિતતા જ વિજયી થઈ હતી. એટલે જ તો કોઈ કવિએ આપણને સૌને પણ તોપને મોઢે બાંધેલાં તુંબડાંની જેમ જોયા છે. તેણે કહ્યું - 'મરનારાને શીદ રડો છો, તમે રડનારા નથી રહેવાના, તોપને મોઢે તુંબડાં તે સર્વે ઊડી જવાના.'
ભગવાન શ્રીસ્વામિનારાણ પોતે તો સાક્ષાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, છતાં આપણને સૌને પ્રેરણા આપવા પોતાના જીવનમાં ગીતામાં દર્શાવેલી ઉપરોક્ત સમજણની દૃઢતાનું દર્શન કરાવતા. વચનામૃતમાં આ વાતની નોંધ લેવાઈ છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, 'પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે. ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે.' (વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ- ૩૦)
આમ, મૃત્યુ જો અપરિહાર્ય જ હોય તો પછી એનાથી ડરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી પણ એને સ્વીકારવાની અને સમજવાની જરૂર છે એમ ગીતાનું તાત્પર્ય છે.
'અપરિહાર્ય બાબતમાં શોક ન કરવો.' ગીતાનું આ સમજણ-સૂત્ર આપણા સામાજિક અને કૌટુંબિક જીવનમાં પણ ચમત્કાર સર્જી શકે તેમ છે. આપણી સાથે રહેતી કોઈ વ્યક્તિનું વર્તન કે વલણ ઘણી વાર આપણને ગમતું નથી હોતું. તેને લીધે ક્યારેક સંઘર્ષ અને દુઃખ આવીને ઊભાં રહે છે. પરિણામે, શું સામેની વ્યક્તિમાં કે પરિસ્થિતિમાં મારાથી કોઈ પરિવર્તન લાવી શકાશે કે નહીં? એવી મૂંઝવણ ઓછાવત્તા અંશે ઘણાખરાએ અનુભવી હશે. સમાધાન માટે પ્રામાણિક ઉપાયો પણ કરી જોયા હશે. આમ છતાં પણ જો તે વ્યક્તિમાં કે પરિસ્થિતિમાં આપણાથી કોઈ પરિવર્તન લાવી શકાય તેમ ન જ હોય તો આપણા માટે તે અપરિહાર્ય બની ગયું છે તેમ સમજી લેવું જોઈએ. આવા સંજોગોમાં ગીતાનું આ સમજણ-સૂત્ર યાદ કરવાથી ઘણી રાહત અનુભવાશે. દુઃખની માત્રા ઘટતી જશે.
ખરેખર, પરિહાર્ય-અપરિહાર્યનો ખ્યાલ આવી જાય તો આપણી વધારે પડતી અપેક્ષાઓ પર પણ નિયંત્રણ લાવી શકાય અને ઘણા પ્રશ્નો હલ થઈ જાય તેમ છે. હા, એ ખરું કે એનો સાચો ખ્યાલ આવે ત્યાં સુધી પ્રામાણિક પ્રયત્ન થવો જોઈએ. આ રીતે આ શ્લોકમાં પ્રકૃતિમાં થતા પરિવર્તનનો અપરિવર્તનીય નિયમ દ્વારા સાંખ્યજ્ઞાન સમજાવ્યું. હવે પુનઃ એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સાંખ્યજ્ઞાનને દૃઢાવે છે.
अव्यक्तादीनि भूतानि - વ્યક્તમાં અવ્યક્ત જોવાનો જાદુ
'अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत।
अव्यक्तनिघनान्येव तत्र का परिदेवना॥'
હે અર્જુન! બધા દેહધારીઓ એટલે કે દેહધારીઓના આ સઘળા દેહ પૂર્વે અવ્યક્ત સ્વરૂપે હતા. વચ્ચે વ્યક્ત થાય છે. અને અંતે વિનાશ થતા પાછા અવ્યક્ત થઈ જાય છે. તો પછી તે બાબતમાં શોક શા માટે કરવો? (ગીતા-૨/૨૮)
માટીમાં ઘડો જોવાનું દૃષ્ટિકૌશલ પામવું અઘરું નથી. અનઘડ લાકડામાં ઘણાંને કલાકૃતિઓ દેખાય છે. ખીલતી કળીના હાસ્યને ઘણાએ માણ્યું હશે પરંતુ ઘડાને માટીરૂપે જોવાની, કોતરણીને લાકડારૂપે જોવાની અને ખીલતી કળીમાં સંતાયેલા મૃત્યુને જોવાની અહીં વાત છે.
આદિ, મધ્યમ અને અંત. દુન્યવી કોઈ પણ વસ્તુની આ ત્રણ અવસ્થાઓ હોય છે. તેમાં મધ્યમ અવસ્થા એટલે વ્યક્ત. તે સિવાયની આદિ અને અંત એ બે અવસ્થાઓ એટલે અવ્યક્ત. વ્યક્તમાં અવ્યક્તને નિહાળવાનો આ ઉપદેશ છે. વ્યક્તમાં અવ્યક્તને નિહાળવું એટલે ઉત્પન્ન વસ્તુમાં તેની પ્રલય અવસ્થા નિહાળવી.
વસ્તુની વર્તમાન અવસ્થાની સાથે જ તેના ભૂત અને ભવિષ્યને પણ જોઈ લેવાનો આ જાદુ છે. સંસારને કોઈ અધ્યાત્મની નજરે નિહાળે તો તેને સંસારની જુદી જ અનુભૂતિ થાય. આવું જોતાં શીખે તેને પરિદેવના, કહેતાં દુઃખ ક્યાંથી આવે?
આમ, દેહથી જુદા આત્માના અવિનાશી સ્વરૂપને તથા સંસારના નાશવંતપણાને શ્રીકૃષ્ણે અર્જુન સમક્ષ સચોટ અને સરળ રીતે ઉદ્ઘાટિત કરી સાંખ્યજ્ઞાન પીરસ્યું છે.
પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ આ સિદ્ધાંતને પોતાના ઉપદેશોમાં વારંવાર દૃઢાવ્યો છે. એક વખત મુક્તાનંદ સ્વામીએ શ્રીસ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો - 'હે મહારાજ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે. તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે?' ત્યારે તેનો ઉત્તર આપતાં ભગવાન શ્રીસ્વામિનારાયણે કહ્યું - 'પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું અનુસંધાન તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી.' (વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ-૬૦)
મૂળ અક્ષરમૂર્તિ શ્રીગુણાતીતાનંદસ્વામી મહારાજે પણ એમની વાતોમાં કહ્યું કે, 'સર્વે ક્રિયામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય.' (સ્વામીની વાતો ૨-૨૪), 'સાંખ્યની દૃઢતા કેમ થાય? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, માણસ મરી જાય છે, દેહ ઘરડો થાય છે, તે જોવું. ને નિત્યપ્રલય, નિમિત્તપ્રલય ને પ્રાકૃતપ્રલય તેનો વિચાર કરવો.' (સ્વામીની વાતો ૧-૯૭)
અહીં એક વાત વિચારવા જેવી છે. આજના આધુનિક યુગમાં વિવિધ સંશોધનો થયાં છે અને થઈ રહ્યાં છે. તેમાં જગતની પરિવર્તનશીલતા ઘણાના નજરમાં આવી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકો પણ પદાર્થોમાં સતત ચાલતી રૂપાંતરણની પ્રક્રિયાના સિદ્ધાંતને સ્વીકારતા થયા છે. આથી આધુનિક વિજ્ઞાને જગતને સમજવામાં એક ડગલું ભર્યું છે તેમ કહી શકાય. તેમ છતાં એ વાતને તેઓએ આગળ ન વધારી. આ સિદ્ધાંતના વિજ્ઞાનને આપણાં સુખ-દુઃખ સાથે પણ સંબંધ છે, જગતની પરિવર્તનશીલતાને સમજી દુઃખને તરી શકાય, સુખી બની શકાય, તે વાત એ બુદ્ધિજીવીઓને ન સૂઝે. જાણે એ બાબતનો વિચાર કરવાની દિશા જ તેમને જડી નથી. જ્યારે, આપણા ભારતવર્ષમાં થયેલા તત્ત્વચિંતનમાં એ ભૂલ નથી થઈ. जातस्य हि घ्रुवो मृत्युः એમ જગતની પરિવર્તનશીલતાના ઉપદેશથી આરંભાયેલા વિજ્ઞાનનું સમાપન તો न त्वं शोचितुम् अर्हसि એમ થયું છે. વળી, अव्यक्तादीनि भूतानि એમ દુન્યવી વસ્તુના આદિ-અંતના વિચારમાં જ ગીતાના વિજ્ઞાનની ઇતિશ્રી નથી થઈ. અહીં તો तत्र का परिदेवना એમ દુઃખનિવૃત્તિ સુધી વિજ્ઞાનને લઈ જવામાં આવ્યું છે.
ખરેખર, આવા વિજ્ઞાનને જ સંપૂર્ણ વિજ્ઞાન કહેવાય. નક્કરતા અને સંપૂર્ણતા આપણાં ભારતીય શાસ્ત્રોમાં પ્રતિપાદિત વિજ્ઞાનની વિશેષતા છે. સનાતન શિલાલેખ જેવાં તેનાં વાક્યોમાં કોઈએ પણ, કોઈ પણ સુધારા કે વધારા કરવાની મૂર્ખતા કરી નથી. શ્રીમદ્-ભગવદ્ ગીતાતેનો પ્રત્યક્ષ પુરાવો છે.
આ રીતે આત્મા-અનાત્માના વિવેચન દ્વારા શ્રીકૃષ્ણે પાર્થને સાંખ્યજ્ઞાન સંભળાવ્યું.