Essays Archives

 શ્રીહરિ વડતાલ આવ્યા. હરિભક્તો અને સંતોની અખંડ હાર થઈ રહી હતી. કેટલાક ભક્તો ગુલાલ ઉડાડતા હતા. સૌ શ્રીહરિને હાર પહેરાવતાં વાજતે ગાજતે સવારી સામા આવ્યા. રામદાસભાઈ સન્મુખ આવી પગે લાગ્યા. બીજાં પણ વડતાલના ભક્તો પગે લાગ્યા. અપાર શોભાએ સહિત પુરમાં પધરાવ્યા. જોબનપગીના ભવન પાસે ચોકમાં શ્રીહરિ ઘોડી પરથી ઊતર્યા. ચોકમાં ગાદી તકિયાએ સહિત પાટ ઉપર શ્રીહરિ વિરાજ્યા.
સંધ્યા વખત થાય ત્યારે મુક્તમુનિ વગેરે દસ-વીસ સંતો પાસે શ્રીહરિ ઝાંઝ, મૃદંગ બજાવી વસંત ધ્રુપદ અને હોળીનાં પદ નવીન ગવડાવતા. દેશોદેશથી ભક્તોના સંઘ આવવા લાગ્યા. કેટલાક પુરમાં ઊતર્યા. બીજા ચારે બાજુ અડધો ગાઉ સુધી ખેતરોમાં ઊતર્યા. જ્યાં સુધી ઉતારા હતા ત્યાં સુધી મુખી અને પગીને બોલાવીને ચોકી કરવાનું કહ્યું અને કહ્યું કે 'દેશ દેશના ભક્તો તમારે ઘેર આવે છે. માટે તેમને સાચવવાની તમારી ફરજ છે. તમે ચોકી કરો તેવા છો. એમ જાણી અમે અહીં ઉત્સવ કરીએ છીએ.'
ગામ ગામના મુખ્ય પગીઓ શ્રીહરિને કહેવા લાગ્યા કે 'તમે જે જે ઉત્સવ કરો તેમાં જેટલા સંઘ આવે અથવા એકલો હરિભક્ત આવે તોપણ હરિભક્ત છે એમ જાણે તો કોઈ પણ પગી નામ લે નહિ અને કોઈ નામ લે તો જાણ્યામાં આવ્યા પછી તરત પાછું અપાવીએ. બધા પગીઓને અમે કહેવડાવ્યું છે.' પગીનાં વચન સાંભળી શ્રીહરિ પ્રસન્ન થયા અને હારની પ્રસાદી આપી.
હુતાશની સુધી દરરોજ હરિભક્તોના સંઘ આવતા. હરિભક્તોનું અલૌકિક હેત શ્રીહરિને વિષે એવું હતું કે જેનું વર્ણન થઈ શકે નહિ. આવેલા ભક્તોની સવારથી સાંજ સુધી પૂજા ચાલતી. શ્રીહરિ તેમનો સત્સંગ દૃઢ કરવા પ્રેમથી સીમા સુધી જઈ પૂજા સ્વીકારતા. જેને ક્યારેય હરિભક્તો ભૂલી શકતા નથી. આંબલાથી પૂર્વ બાજુ રંગમંચ કર્યો હતો. સમીપમાં બે રંગના હોજ કર્યા હતા. પિચકારીઓ પણ તૈયાર હતી, રંગ રમવામાં સૌ પોતાનું ભાગ્ય સમજતા. પ્રગટ હરિની સાથે રંગ રમવાનું મળવું બહુ દુર્લભ છે.
વડતાલના હરિભક્તોએ શ્રીહરિની મરજી લઈ નિષ્કુળાનંદમુનિ પાસે અલૌકિક હિંડોળો બનાવડાવ્યો. ચારે બાજુ ત્રણ ત્રણ દ્વાર અને સુંદર થાંભલા બનાવ્યા. મધ્યે એક ઘૂમટ સોનાના કળશ સાથે હતો. ચારે બાજુ છજાં હતાં_. છજાં મધ્યે એક એક ઘૂમટ હતો. તે સોનેરી હતો. ઘૂમટ અને છજાંઓને સોનેરી વસ્ત્રની ઝાલર બાંધી હતી. બીજી કારીગરીનો પાર ન હતો. અલંકારોથી અમૂલ્ય હિંડોળા તળે સોનાની ઘૂઘરમાળ બાંધી હતી. બે આંબાની વચ્ચે તે અદ્‌ભુત શોભતો હતો. ઓટાથી અગ્નિખૂણામાં તે આંબા હતા. હુતાશનીને દિવસે રસોઈ જમીને શ્રીહરિ તે આંબલે આવ્યા. અમદાવાદના હરિભક્તોએ કેસરિયાં વસ્ત્ર પહેરાવ્યાં હતાં. દામોદર ભક્તે કપૂરના હાર, તોરા, કડાં વગેરે ધરાવ્યાં હતાં. સંતો હોળીનાં પદ ગાઈ ઉત્સવ કરતા હતા. ખજૂર, ખારેક અને શ્રીફળના થાળ ભરી ભરીને ભક્તો લાવતા અને શ્રીહરિએ સંત, વણી અને પાર્ષદોને દરેકને ઊપડે તેટલા કંઠમાં પ્રસાદીના હાર પહેરાવ્યા. કાઠી હરિભક્તોને પણ રાજી થાય એટલા હાર આપ્યા.
હરિભક્તો રસોઈ કરવા લાગ્યા અને સંતો રંગ બનાવવા લાગ્યા. રંગની અપાર કોઠીઓ અને બંને હોજ ભર્યા. મુંબઈના ખેંગાર અને ચાંપશી નામે બે ભાવસાર ભાઈઓ તથા રૂડા સુથાર કેટલોક ગુલાલ લાવ્યા હતા તે સંતને આપ્યો. સુરત, વડોદરા તથા સોજીત્રા, વસો, પીજ, ખેડા, મહેમદાવાદ વગેરે ચરોતરનાં ગામોના હરિભક્તોએ ગુલાલના ગંજ કરી દીધા. કાનમ, ભરૂચ, ભાલ વગેરે બધા દેશોના તથા અમદાવાદના ભાવિક ભક્તો ગુલાલ લાવ્યા. તે જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા. પછી આંબલે બેઠા. ચાર ઘડી દિવસ રહેતાં રામદાસજીએ શ્રીહરિને હિંડોળે બેસવા કહ્યું, તેથી હરિભક્તોના જય જયકાર સાથે શ્રીહરિ હિંડોળે ઉત્તરમુખે બેઠા. વાિજત્ર વાગવા લાગ્યા. શ્રીહરિએ સંતોને પૂજા કરવા બોલાવ્યા. સંતો શેર શેર ગુલાલ લઈને શ્રીહરિ આગળ ધરતા. શ્રીહરિ તેમાં પગ મૂકતા. એમ સંતોએ ગુલાલથી પૂજા કરી અને એક એક સાકરનો ગાંગડો શ્રીહરિને આપતા. શ્રીહરિ તે બધાયની સાકર જમતા. પછી આરતી-ધૂન થઈ રહી. હરિભક્તો ફૂલના હાર લાવતા, તે ચાલતે હિંડોળે શ્રીહરિ ઘણી ચાતુરીથી લેતા. વેગથી ચાલતા હિંડોળા પર શ્રીહરિ ઊભા રહેતા. જમણા હાથે થાંભલો ગ્રહણ કરી ડાબો હાથ છૂટો રાખતા અને હાર લેતા. હારથી હિંડોળો ભરાઈ ગયો. ક્યારેક હાથમાં રાખેલી છડીથી હાર લેતા. ક્યારેક બે હાથથી પકડીને એક પગથી હાર લેતા. એમ દોઢ પહોર રાત્રિ સુધી હાર લીધા, પછી બંધ કર્યું. પ્રસાદીના હાર સંત, કાઠી ભક્તોને આપ્યા. ત્રણ લાખ ભક્તો ભેગા થયા હતા. પૂનમનો મહિમા સમજી સુરતના ભક્તો સુંદર મુગટ તથા જરીમય વસ્ત્રો લાવ્યા હતા. એ બધો પોષાક શ્રીહરિને પહેરાવ્યો તથા સોનાનાં આભૂષણ અંગોઅંગ પહેરાવ્યાં. શ્રીહરિ હિંડોળામાં ઊભાં ઊભાં ચારે બાજુ ફરીને સૌનાં ચિત્ત ચોરતા. કેટલાક ભક્તો વૃક્ષ ઉપર ચઢી દર્શન કરતાં. શ્રીહરિએ જ્યારે મુગટ ઉતાર્યો ત્યારે સુરતની જરીની પાઘ માથે ધારણા કરી અને સોનાની કલમ જમણા કાને ઘાલી. જેથી શામળશા શેઠ જેવાં દર્શન થતાં.
પછી પશ્ચિમ તરફના રંગના હોજ ભક્તોના ઠરાવ્યા અને પૂર્વના સંતના ઠરાવ્યા. સંત ઉપર જ હરિભક્તોએ પિચકારી નાંખવી અને હરિભક્તો ઉપર સંતોએ નાંખવી, પણ રંગખેલ થતાં સુધી ભેગાં થઈ જવું નહિ, એમ શ્રીહરિએ નિયમ કર્યા.
શ્રીહરિ પુરમાં જઈને સૂઈ ગયા. સવારે ઊઠી સૌએ નિત્ય વિધિ કર્યો. શ્રીહરિએ તથા કાઠી રાજાઓએ અશ્વ તૈયાર કરાવડાવ્યા. શ્રીહરિએ તથા સૌએ કમર કસી. બુકાનીવાળા પાર્ષદો ઢાલ લઈ શ્રીહરિની રક્ષા કરવા ચાલ્યા. શ્રીહરિ પાર્ષદોને કહે કે 'અમારા ઉપર પિચકારી ભરી કોઈ રંગ નાખે તેની તમે તપાસ રાખજો. સંતો પિચકારી નાખશે તેનો વાંધો નથી. બીજા તો રંગ નાંખનારા એવા છે કે મરે કે જીવે તેની પરવા રાખે નહિ. તમારે ઢાલનો કોટ બનાવી દેવો અને અમને બચાવી લેવા. એક જણ ઉપર બધી પિચકારી છૂટે ત્યારે તે જણાયા વિના રહે નહિ. રંગ ભરીને પિચકારી લઈને અમારી પાસે કોઈ આવે તેને રોકવો અને દૂર રાખવો અને જોરથી આવે તો પિચકારી ભરે નહિ, એમ તમે પહેલું બધાને સંભળાવો, પછીથી આવીએ.' નાનાભાઈ વિપ્રે શ્રીહરિએ કહેલી વાત સંત હરિભક્તોને કહી સંભળાવી અને કહ્યું કે વચન ઉપર સૂરત ન રાખે તે ભક્ત નામમાત્ર કહેવાય. વચન ઉલ્લંઘીને પિચકારી નાખશે તે વિમુખ છે અને તેની પિચકારી લઈ લેવામાં આવશે.
પછી શ્રીહરિએ સંત-હરિભક્તોને કહ્યું કે 'તમે બધા રંગે રમો. અમે હમણાં જોઈએ.' એમ કહીને બેય હોજમાં રંગ ભરેલો હતો, તેમાં ચરણ બોળી પ્રસાદીનો કરી આપ્યો. પછી હરિભક્તોએ પિચકારી ભરી સંતો ઉપર ચલાવી. કોઈ કોઈને દેખે નહિ તેટલી રંગની વૃષ્ટિ થઈ, બે ઘડીમાં રંગ ઉડાવી દીધો. પછી કૂવામાંથી નીક દ્વારા હોજમાં પાણી લાવ્યા. તેમાં ગુલાલ નાંખી રંગ બનાવ્યો અને બે પહોર સુધી રંગે રમ્યા. પછી શ્રીહરિએ બંધ કરાવ્યું. રંગમાં રસબસ થઈને શ્રીહરિ મંચ ઉપર ઊભા રહ્યા અને શ્રીહરિ રંગથી ભીંજાયેલા સંત અને હરિભક્ત ઉપર પોશે પોશે ગુલાલ ઉડાડવા લાગ્યા. સંત અને ભક્તો પણ હરિ સન્મુખ ઉડાડવા લાગ્યા. ગુલાલની ઝોળી ભરીને શ્રીહરિ ફેંકતા, તેથી આકાશ અને ભૂમિ ગુલાલમય બની જતી. ગુલાલ ઉડાડી મંચ ઉપર શ્રીહરિ બેઠા.
પછી શ્રીહરિ મૂળજી પટેલને કૂવે જઈને નાહ્યા. સંતો પણ સંતની જગ્યામાં આવ્યા. વિશાળ ચોકમાં રંગોળી પુરાવી સંતની પંક્તિ થઈ. સુરતના હરિભક્તોની રસોઈ હોવાથી તેમણે પૂજા કરી.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS