Essays Archives

સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ અવતારના અવતારી આ પૃથ્વી ઉપર સાક્ષાત્‌ પધાર્યા. એમનું કાર્ય અનેક જીવના કલ્યાણ માટેનું છે. બીજાં બધાં કાર્યો તો થાય છે, પણ જીવને બ્રહ્મરૂપ કરવા એ બહુ મોટું કાર્ય છે. જ્યાં સુધી જીવ બ્રહ્મરૂપ ન થાય, માયાના ભાવથી ન મુકાય ત્યાં સુધી જીવને અશાંતિ રહે છે, પણ શ્રીજીમહારાજનો સંકલ્પ જ એવો હતો કે જીવોને બ્રહ્મરૂપ કરવા. અને એ માટે એમણે વચનામૃત ગઢડા પ્રથમના ૭૧માં વાત કરી છે કે હું આ પૃથ્વી ઉપર મારું ધામ, જે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તેને સાથે લાવ્યો છું અને સાથે અક્ષરમુક્તોને અને તમામ ઐશ્વર્ય લઈને આવ્યો છું. તેઓ કહે છે કે મારા સ્વરૂપને સમજો, અક્ષરબ્રહ્મના સ્વરૂપને સમજો ને મારી ભક્તિ કરો. એ વાત તમારે બધાએ સમજવી અને બીજાને વાત કરવી - આ એમનો આદેશ છે. પણ એ માટે તેમણે પ્રથમ ધર્મની વાત સમજાવી - घर्मो ज्ञेयः सदाचारः... કોઈપણ ધર્મને માનતો, કોઈપણ નાત-જાતનો માણસ સદાચારી બને તો કોઈ દિવસ ઝઘડા ન રહે. સદાચાર એટલે સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, પ્રામાણિકતા આદિક ગુણો. એવા સારા ગુણોથી યુક્ત થાય તે સદાચારી કહેવાય. સદાચારી માણસ પ્રત્યે સૌને પ્રેમ થાય. અને એ આખો સમાજ સદાચારી બને તો સુખ પણ થાય. એ માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી. તેમાં લખ્યું છે કે આ શિક્ષાપત્રી સર્વજીવહિતાવહ છે. તેમાં કોઈ નાત-જાતના ભેદ રાખ્યા નથી. જેમ ગીતા સર્વમાન્ય છે. તેમ શિક્ષાપત્રી પણ સર્વમાન્ય છે. જો માણસ તેને શાંતિથી વાંચીને સમજે તો શિક્ષાપત્રી એક એવી આચારસંહિતા છે કે આપણા જીવનને શુદ્ધ અને પવિત્ર બનાવે, કોઈ જાતની આપણા જીવનમાં મુશ્કેલી ન આવે.
એમણે લાખો લોકોને શિક્ષાપત્રી મુજબ જીવતા કર્યા. લુટારા અને બહારવટિયાને સત્સંગી કર્યા. જોબનપગી કોઈને વશ ન થાય. ગાયકવાડ સરકારની પણ તિજોરી લૂંટેલી, એવો કળાબાજ હતો, પણ શ્રીજીમહારાજની ઘોડી ચોરવા ગયો એમાં એને સત્સંગ થયો. એમનો આસુરી ભાવ કાઢી દૈવીભાવ આપી દીધો. કાઠી-દરબારોને સત્સંગ થાય નહીં, પણ એવાને સત્_સગી કર્યા ! ગઢડા, લોયા, નાગડકા, સારંગપુર બધા કાઠી દરબારોને ત્યાં રહ્યા. મહારાજે એવો મોટો આધ્યાત્મિક સમાજ ઊભો કર્યો. તેમણે બીજો વિચાર કર્યો કે આ સમાજની અંદર શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતો કરવા. એવા સંતો કરવા કે જે સંતોમાં કોઈ જાતનું વ્યસન ન હોય, ખૂબ પવિત્ર જીવન હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા વગેરે ગુણો હોય. અને તે સંતો સમાજમાં ફરીને લોકોને આત્મા-પરમાત્માનું જ્ઞાન આપે.
શ્રીજીમહારાજે ૫૦૦ સંતો કર્યા એ સામાન્ય નહોતા ! ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગી હતા. બ્રહ્માનંદ સ્વામી રાજકવિ હતા. નિત્યાનંદ સ્વામીની વિદ્વત્તા એવી કે એની સામે કોઈ ટકી ન શકે. ચર્ચામાં એમને કોઈ જીતી શકે નહીં એવા હતા. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ. એમનાં કીર્તનોથી બીજાને વૈરાગ્ય થઈ જાય. વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી જીવતી કરી. એ એક એક સંત ભગવાન થઈને પૂજાય એવા સમર્થ હતા, પણ એ બધા પોતાનું માન, અભિમાન, વિદ્વત્તા એ બધું મૂકી શ્રીજીમહારાજના દાસ-સેવક થઈ ગયા. આવા સમર્થ હતા, છતાં પણ પોતાનું ઐશ્વર્ય, પ્રતાપ બતાવ્યાં નહીં ને બધાને શ્રીજીમહારાજમાં જોડ્યા કે આ ભગવાન છે અને આપણા મોક્ષદાતા એ છે.
શ્રીજીમહારાજનાં આવાં અનેક કાર્યો છે. પણ એમનું મોટામાં મોટું કાર્ય એમણે આપણને વચનામૃત આપ્યું એ છે. ઉત્તમમાં ઉત્તમ વચનામૃત. સર્વ શાસ્ત્રનો સાર છે. વચનામૃતમાં ચાર વેદ, અઢાર પુરાણ, ષટ્‌શાસ્ત્ર આ બધાનો સાર આપીને એમણે કહ્યું કે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. ભગવાન ને ભગવાનના સાચા સંત મળે, એમાં આત્મબુદ્ધિ થઈ જાય અને એ કહે એમ કરીએ તો બ્રહ્મરૂપ થઈ જવાય અને આપણો બેડો પાર થઈ જાય. ભગવદ ગીતાનો સાર પણ એમાં આવી જાય છે. શ્રીજીમહારાજે પૃથ્વી પર પધારી હિંદુ ધર્મની આ અસલ વાત આપણને સમજાવી છે. તેની પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા બ્રહ્મરૂપ સંત મળ્યા છે. એમણે પણ આવાં અદ્‌ભુત કાર્યો કર્યાં છે. તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, આત્મબુદ્ધિ કરીને આપણે નિરંતર ભક્તિ કરવી. આમ, શ્રીજીમહારાજે આ પૃથ્વી પર પ્રગટ થઈને અનંત જીવોના મોક્ષનો આ માર્ગ ખુલ્લો મૂક્યો, એ એમના સિવાય બીજું કોણ કરી શકે ? 

Other Articles by પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS