આવું કેમ બનતું હશે?
● ચારુચૈતન્ય નામનો નવ વર્ષીય બાળક કેનેડામાં, બ્રિટિશ કોલમ્બિયાના સરે નગરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં શ્રીમદ્ભાગવત પર વિદ્વત્તાપૂર્ણ છટાદાર કથા કરે છે, ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. મોન્ટ્રિયલમાં તેણે ભાગવતની કથા કરી ત્યારે 2000 કરતાંય વધુ માણસો તેની કથા સાંભળવા ઊમટ્યા અને પ્રભાવિત થઈને ગયા.
બાળક ચારુચૈતન્ય માત્ર પાંચ વર્ષની ઉંમરે યોગ શીખવી શકે તેવી ક્ષમતા ધરાવતો હતો !
આ કોઈ આકસ્મિક ઘટના છે કે તેની પાછળ કોઈ તાત્ત્વિક રહસ્ય છે ?
● ભારતના વિખ્યાત સંગીત-મેસ્ટ્રો વાયોલિનવાદક એલ. શંકર બાળવયથી આવી કુદરતી બક્ષિસ ધરાવે છે. ડૉ. એલ. શંકરે પંડિત રવિશંકર, પીટર ગ્રેબ્રિઅલ સહિત ભારત અને વિશ્વના ટોચના સંગીત કલાકારો સાથે સંગીત આપીને સંગીતની દુનિયામાં પોતાનું એક આગવું સ્થાન જમાવ્યું છે. ડૉ. એલ. શંકરે એક વિશ્વ કોન્સર્ટમાં કહ્યું હતું : ‘હું સંગીતકલાનો ઉપાસક-સેવક છું. પણ મને સતત અનુભવ થાય છે કે હું આ જિંદગી પહેલાં અનેક જિંદગી જીવ્યો છું, અને પૂર્વ જીવનમાં પણ હું સંગીતકાર જ હતો ! એમ હું ચોક્કસ માનું છું.’
● ‘ફોર્ડ મોટર્સ’ ઉદ્યોગના માંધાતા આલ્ફ્રેડ ફોર્ડ તેના દાદા હેન્રી ફોર્ડ વિશે કહેતા તા. 6-3-2005ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ને ઇન્ટરવ્યૂ આપે છે : ‘મારા દાદા હેન્રી ફોર્ડ માત્ર 9 વર્ષની ઉંમરે ઘરમાં આખી ઘડિયાળ અને નાનાં-મોટાં યંત્રોનો એકે એક ભાગ છૂટો કરીને ફરીથી જોડી દેતા ત્યારે સૌને આશ્ચર્ય થતું કે આટલું બધું મિકેનિક્સનું જ્ઞાન મેળવવાની ક્ષમતા તેમનામાં ક્યાંથી આવી ? હા, તેનો એક જ ઉત્તર હતો, તેમણે આ જીવન પૂર્વે જ આ જ્ઞાન મેળવ્યું હતું. અને તેઓ ખુદ પણ પુનર્જન્મમાં માનતા હતા.’
● 14 જુલાઈ 2007ના રોજ પી.ટી.આઈ. અને ટાઇમ્સ ન્યૂઝ નેટવર્ક દ્વારા સમગ્ર ભારતમાં એક સમાચાર ફરી વળ્યા હતા : ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લાના રામપુર ગામનો 14 વર્ષીય દલિત બાળક રાજેશ અચાનક અમેરિકન ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં બોલવા લાગ્યો છે, એટલું જ નહીં, તે પૂર્વજન્મમાં અમેરિકન વિજ્ઞાની હોવાની વાતો કરવા લાગ્યો છે. ક્યારેય અંગ્રેજી ન ભણનાર આ બાળકને તેના મજૂર પિતાએ માર્યો, તેથી તે ત્રણ મહિના સુનમુન રહ્યો, પછી અચાનક બોલતો થયો ત્યારે હિન્દીને બદલે અંગ્રેજીમાં મોર્ડર્ન ફિઝિક્સની ફાંકડી વાતો કરતો હતો ! સળંગ હિન્દી માધ્યમમાં ભણનારા સાવ સામાન્ય કક્ષાના આ વિદ્યાર્થી માટે ‘બિલ ક્લીન્ટન સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર’ના પ્રિન્સિપાલ શિશુપાલસિંહ વર્મા કહે છે : ‘અમારી કોલેજમાં પ્રજાસત્તાક દિને જાહેર સમારોહમાં રાજેશે હાથમાં માઇક લઈને સડસડાટ અંગ્રેજીમાં જે રીતે સંબોધન કર્યું, તે અમારા સૌ માટે એક મોટો આંચકો જ હતો !’
આવું કેવી રીતે બન્યું હશે ? વિજ્ઞાન શું કહે છે?
વિજ્ઞાનની સરાણ પર પુનર્જન્મવાદ
ગતાંકમાં જોયેલા માત્ર બે-ચાર કિસ્સાઓ નહીં, હજારો કિસ્સાઓ વિશ્વાસપાત્ર પ્રમાણો સાથે ટાંકી શકાય તેમ છે. આવી ઘટનાઓનું રહસ્ય ભારત માટે અજાણ્યું નથી. ભારત પાસે તેનો ઉત્તર છે: પુનર્જન્મ, પૂર્વજન્મના સંસ્કારો.
પુનર્જન્મવાદ આધ્યાત્મિક બાબત છે. તે શ્રદ્ધાનો વિષય છે. પરંતુ છેલ્લી એકાદ શતાબ્દીથી વિશ્વમાં વિજ્ઞાનનું વર્ચસ્વ વધ્યું છે ત્યારથી શ્રદ્ધાના આવા વિષયો માટે, શ્રદ્ધાસભર હિન્દુઓનાં હૈયાંઓમાં પણ એક તરંગ ઊભો કરવામાં આવ્યો છે: વિજ્ઞાન કહે અને વિજ્ઞાન સાબિત કરે તેટલું જ સત્ય. બીજું બધું અસત્ય, કપોળકલ્પિત કલ્પનાઓ.
શું પુનર્જન્મ સિદ્ધાંત કપોળકલ્પિત કલ્પના છે ? વિજ્ઞાન શું કહે છે?
જોકે અધ્યાત્મના અગોચર ક્ષેત્રમાં વિજ્ઞાનની પહોંચ મર્યાદિત છે, છતાં, પુનર્જન્મના વિષયને લાગેવળગે છે ત્યાં સુધી, વિજ્ઞાનીઓને તેમાં કંઈક રહસ્ય લાધ્યું છે. છેલ્લાં 50 વર્ષોથી સતત આભડછેટ રાખતા વિજ્ઞાનીઓને હવે લાગે છે: પુનર્જન્મ એ કોઈ થિયરી નથી, કલ્પના નથી, તેમાં નક્કર સત્ય છે.
બેંગલોરમાં આયોજિત ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ સાયન્ટિસ્ટ્સ, ટેકનોલોજિસ્ટ્સ એન્ડ ટેકનોક્રેટ્સ’માં ઉપસ્થિત જર્મન મનોચિકિત્સક હેઇડ ફિતાકાઉ કહે છે: ‘તેમાં વૈજ્ઞાનિક તથ્ય નથી - એમ કહીને અત્યાર સુધી જેની અવગણના કરાતી રહી હતી તે પુનર્જન્મની ઘટનાઓનાં વિવિધ પાસાંઓ તપાસતાં, અંતિમ કક્ષાના વૈજ્ઞાનિક પુરાવાઓ સાંપડ્યા છે, અને નિર્દેશ મળે છે કે પુનર્જન્મ એક હકીકત છે.’
અને આ હકીકતનો સૌથી મોટો પુરાવો છે: નિત્ય પૃથ્વી પર અવતરતા બાળરાજાઓ! પ્રત્યેક બાળક માનવ જાતને પુનર્જન્મનો એક શાશ્વત હિન્દુ સિદ્ધાંત દૃઢાવવા જ અવતરે છે, જો જગતને સમજવું હોય તો.
અમેરિકાના જગવિખ્યાત વિજ્ઞાની ડૉ. ઈયાન સ્ટીવન્સન છેલ્લાં 40 વર્ષોથી આ સત્ય પુરવાર કરી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના આ મનોવિજ્ઞાની અને પરા-મનોવિજ્ઞાની 1960ના દાયકાથી બાળકોના પુનર્જન્મનાં વૈજ્ઞાનિક સંશોધનો કરીને જગતને અચંબો પમાડતા રહ્યા છે. પુનર્જન્મના 3000 કરતાંય વધુ કિસ્સાઓનું સંશોધન કરીને તેમણે સંખ્યાબંધ રિસર્ચ પેપર્સ સાયન્સ કોન્ફરન્સ અને જર્નલ્સમાં પ્રસ્તુત કર્યાં છે, વિજ્ઞાનની સરાણ પર પુરવાર થાય તેવાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. એક ડિટેક્ટિવ તજ્જ્ઞની શૈલીથી અને એક વૈજ્ઞાનિકની હેસિયતથી તેમણે એક એક કિસ્સાને ચકાસીને જગત સમક્ષ મૂક્યા છે.
કેટલીયવાર બાળકોને અચાનક પૂર્વ જન્મની સ્મૃતિ થઈ આવે છે અને પોતાના પૂર્વજન્મની વાત કહેવા લાગે છે. એવા કિસ્સાઓની જ્યાં જ્યાં ભાળ મળી ત્યાં ડૉ. સ્ટીવન્સન અને તેના જેવા અનેક વિજ્ઞાનીઓએ સંશોધન માટે દોટ મૂકી. બાળકના આ જન્મના પરિવાર સાથે, અને તેણે માહિતી આપેલ પૂર્વજન્મના પરિવાર સાથે સ્વતંત્ર રીતે ખોજયાત્રા કરી. સતત 40 વર્ષ સુધી હજારો માઇલની યાત્રાઓ કરીને પુનર્જન્મના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક સંશોધનો કરનાર સ્ટીવન્સને, કઈ રીતે કાર્ય કર્યું છે?
વધુ આવતા અંકે...