દ્વિતીય પાદ : સ્વપ્ન અવસ્થા – स्वप्नस्थानोऽन्तःप्रज्ञः।
'स्वप्नस्थानोऽन्तःप्रज्ञः प्रविविक्तभुक् तैजसो द्वितीयः पादः।' (માંડૂક્ય ઉપનિષદ-૨/૨) જે અવસ્થામાં નિદ્રાધીન જીવાત્મા બાહ્ય જાગ્રત અવસ્થાના પદાર્થોને નહીં, પરંતુ 'अन्तः' કહેતાં આંતરિક પદાર્થોને જ 'प्रज्ञः' કહેતાં સારી પેઠે જાણતો હોય તેને સ્વપ્ïન અવસ્થા કહેવાય. આ અવસ્થામાં સ્થૂળ દેહનું ભાન રહેતું નથી. આપણે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે પાંચ કર્મેન્દ્રિય કે પાંચ જ્ઞાનેન્દ્રિયમાંથી કોઈપણ તેમાં સક્રિય નથી હોતું, પરંતુ તે વખતે મન, બુદ્ધિ જેવાં અંતઃકરણ સક્રિય હોય છે. આ અવસ્થામાં જીવાત્મા 'प्रविविक्तभुक्' કહેતાં સ્વપ્ન સૃષ્ટિના વિવિધ પ્રકારના ભોગોને સારી પેઠે ભોગવતો હોય છે. આ સંપૂર્ણ સ્વપ્નસૃષ્ટિના સર્જક પરમાત્મા છે. જીવનું તેમાં કાંઈ ચાલે નહીં. જીવના પૂર્વકર્મ અનુસારે તે તે કર્મમાંથી કેટલાંક સંચિત કર્મના ફળને ભોગવડાવવા પરમાત્મા સ્વપ્નસૃષ્ટિ સર્જે છે. ખૂબ અલ્પકાળમાં ઘણાં બધાં સંચિત કર્મોનાં ફળ આ સ્વપ્નઅવસ્થામાં જીવાત્મા ભોગવી ચૂકે છે.
અંધકારમાં હોવા છતાં, નેત્ર બિડાયેલાં હોવાં છતાં, નિદ્રામાં પણ વિવિધ પ્રકારના પદાર્થોનો તેજયુક્ત વસ્તુઓની જેમ સાક્ષાત્કાર થતો હોવાથી સ્વપ્ïન અવસ્થામાં રહેલા જીવાત્માને 'तैजसः' એવી વિશિષ્ટ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.
આ રીતે સૂક્ષ્મદેહ સાથે જોડાયેલ સ્વપ્ïન અવસ્થાનું દ્વિતીય પાદરૂપે વર્ણન કર્યું. હવે તૃતીય પાદ કહે છે.
તૃતીયપાદ : સુષુપ્તિ અવસ્થા – न कञ्चन स्वप्नं पश्यति।
'यत्र सुप्तो न कञ्चन कामं कामयते न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तम्।' (માંડૂક્ય ઉપનિષદ-૨/૩) જે અવસ્થામાં કેવળ જ્ઞાનેન્દ્રિયો જ નહીં, પરંતુ મન પણ વિરામ પામી ગયું હોય છે. વળી, જાગ્રત અવસ્થામાં જેમ વિવિધ પ્રકારની કામનાઓ-ઇચ્છાઓ થાય તેવી કોઈપણ પ્રકારની ઇચ્છાઓ કે સંકલ્પો પણ જેમાં ક્યારેય થઈ શકતાં નથી અને જે અવસ્થામાં કોઈપણ પ્રકારનું સ્વપ્ïન સુધ્ધાં ન દેખાય તેવી અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. સુષુપ્ત એટલે સંપૂર્ણ રીતે સુપ્ત, સૂઈ ગયેલો. મનુષ્ય અતિ ગાઢ નિદ્રામાં હોય ત્યારે આવું બનતું હોય છે. ત્યારે તેને બહારની કોઈ વસ્તુના જ્ઞાનનો પ્રકાશ નથી હોતો. આંતરિક કોઈ સ્વપ્ન પણ નથી દેખાતું. આમ, આ અવસ્થામાં સ્થૂળદેહ અથવા તો સૂક્ષ્મદેહ કરતાં પણ કારણદેહની પ્રધાનતા હોય છે. આ અવસ્થામાં તો જ્ઞાનસ્વરૂપ એવો આ જીવાત્મા પરમાત્માની ઇચ્છાથી પ્રધાન-પુરુષના સુખલેશમાં લીન થઈ જાય છે. સુષુપ્તિમાં જ્ઞાનસ્વરૂપે રહેલા આ જીવાત્માને 'પ્રાજ્ઞ' એવી વિશિષ્ટ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આમ જીવાત્માની સુષુપ્તિ અવસ્થાનું તૃતીય પાદરૂપે વર્ણન કર્યું.
આ રીતે જીવાત્માની ત્રણ અવસ્થાઓ વર્ણવી. આ જ ત્રણ અવસ્થાઓની વાત પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ સારંગપુર પ્રકરણના છઠ્ઠા વચનામૃતમાં ખૂબ જ સરળતાથી અને વિસ્તૃત રીતે વર્ણવી છે.
આ અવસ્થાઓને નિરૂપવાનો મૂળ હેતુ તો આ ત્રણેય અવસ્થાથી પર પરિશુદ્ધ જીવાત્માની બ્રહ્મ સંગાથે એકતા સમજાવવાનો, બ્રાહ્મીસ્થિતિ પ્રાપ્ત કરાવવાનો છે. તેથી હવે તે બ્રહ્મ સાથેની એકતાને જ, કહેતાં બ્રાહ્મીસ્થિતિને જ ચતુર્થ પાદરૂપે કહે છે.
ચતુર્થપાદ : બ્રહ્મ સાથે એકતા - ऐकात्म्यप्रत्ययसारं चतुर्थम्।
'नान्तःप्रज्ञं न बहिःप्रज्ञं नोभयतःप्रज्ञं न प्रज्ञनघनं न प्रज्ञं नाऽप्रज्ञम्।' (માંડૂક્ય ઉપનિષદ-૨/૫) ભાવાર્થ એવો છે કે એક ચોથી અવસ્થા છે કે જેને જાગ્રત અવસ્થા પણ ન કહેવાય, સ્વપ્ïન અવસ્થા પણ ન કહેવાય અને સુષુપ્તિ અવસ્થા પણ ન કહેવાય. એ અવસ્થા તો આ ત્રણેય અવસ્થાથી જુદી અને શ્રેષ્ઠ છે. આ અવસ્થામાં જીવાત્મા 'ऐकात्म्यप्रत्ययसारम्।' (માંડૂક્ય ઉપનિષદ-૨/૫) કહેતાં 'अयमात्मा ब्रह्म।' (માંડૂક્ય ઉપનિષદ-૧/૨) એ મંત્રમાં પૂર્વે કહ્યા પ્રમાણે અક્ષરબ્રહ્મ સાથે એકતાના ભાવને પામી ચૂક્યો હોય છે. અર્થાત્ બ્રહ્મરૂપ થઈ ગયો હોય છે. વળી, 'प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा विज्ञेयः।' (માંડૂક્ય ઉપનિષદ-૨/૫) આ અવસ્થા પ્રાપ્ત થતાં 'प्रपञ्चो-पशमम्' - સકળ માયાવી પ્રપંચનો, સંસારનો મોહ શમી જાય છે, માયાને તરી જાય છે. 'शान्तम्' કહેતાં આત્મા ષડૂર્મિએ રહિત શાંત બને છે. 'शिवम्' કહેતાં કલ્યાણમય બને છે. અને આ રીતે અક્ષરબ્રહ્મ સાથે 'अद्वैतम्' એટલે કે એકાત્મભાવને પામેલા આ જીવાત્માને બ્રહ્મજ્ઞાનીઓ 'चतुर्थं मन्यन्ते' બ્રાહ્મીસ્થિતિ નામની ચતુર્થ અવસ્થાવાળો માને છે. આ રીતે જાગ્રત, સ્વપ્ïન તથા સુષુપ્તિથી પર એવી બ્રાહ્મીસ્થિતિને ચતુર્થ અવસ્થા તરીકે સમજાવી.
બ્રાહ્મીસ્થિતિનું ફળ : संविशत्यात्मनाऽऽत्मानम्।
અંતે ઉપસંહારમાં આ રીતે બ્રાહ્મીસ્થિતિ પ્રાપ્ત કરનારને કેવો લાભ થાય છે તે જણાવી આ માંડૂક્ય ઉપનિષદ પૂર્ણ થાય છે. 'संविशत्यात्मनाऽऽत्मानं य एवं वेद।' (માંડૂક્ય ઉપનિષદ-૪/૧) અર્થાત્ જે આ ઉપનિષદમાં કહ્યા પ્રમાણે અક્ષરબ્રહ્મ સંગાથે એકતા કરી પોતાના આત્માને બ્રહ્મરૂપ જાણે છે તે બ્રહ્મરૂપ જીવાત્માનો પરમાત્મામાં પ્રવેશ થાય છે, કહેતાં સદાય પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર પામે છે.
આ રીતે પરમાત્માનો સાક્ષાત્કાર પામવા માટે જાગ્રત, સ્વપ્ïન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પર બ્રહ્મરૂપે પોતાના આત્માની વિભાવના કરવાનો સુંદર કલ્યાણમય ઉપદેશ આ માંડૂક્ય ઉપનિષદમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આમ માંડૂક્ય ઉપનિષદનું સાર તત્ત્વ જાણ્યું. હવે ઐતરેય ઉપનિષદનો મર્મ જાણીએ.