Essays Archives

પુનર્જન્મ અને અન્ય ધર્મ

પૂર્વજન્મનાં કેટલાંક ચિન્હો આ જન્મના શરીરમાં જન્મતાં વેંત મળી આવે છે - એ નક્કર સત્ય તારવનારા વિજ્ઞાનીઓમાં અમેરિકા અને ઇંગ્લેન્ડના વિજ્ઞાનીઓ મુખ્ય છે. આ એ દેશો છે કે જ્યાંનો મુખ્ય ધર્મપ્રવાહ પુનર્જન્મવાદમાં માનતો નથી. છતાં આવા પારાવાર નક્કર કિસ્સાઓને પૂર્વજન્મના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે રજૂ કરીને ડો. ઇઆન સ્ટીવન્સન વગેરેએ પશ્ચિમ જગતમાં એક આંચકો આપી દીધો હતો. તેની કેટલીક વાતો પૂર્વેના અંકોમાં જોઈ છે.

ડૉ. સ્ટીવન્સનની જેમ ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સર્વાઇવલ એન્ડ રિઇન્કારનેશન રિસર્ચ’ના સૂત્રધાર ડૉ. કીર્તિ રાવતે કાનપુરનો એક રસપ્રદ કિસ્સો રજૂ કર્યો છે. 18 વર્ષીય મીનુ નામની છોકરી, પોતાના પૂર્વજન્મની વાત માંડતાં કહે છે કે તે પૂર્વજન્મમાં કાનપુર ખાતે સુધા તરીકે જન્મી હતી, ત્યાં તેના ડૉક્ટર પતિએ તેનું ખૂન કર્યુ હતું. ડૉ. કીર્તિ રાવતે સુધાની તમામ માહિતીની ચકાસણી કરીને અંતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ્‌સ પણ તપાસ્યા. બધું જ સત્ય પુરવાર થયું. તેમાં ડૉ. રાવતને મહત્ત્વની બાબત તે લાગી કે મીનુને તે જ ભાગમાં વાગ્યાનું એક જન્મજાત ચિહ્ન છે, જ્યાં આગલા જન્મમાં સુધાને જખમ થયો હતો ! (Ambica Gulati, Life Positive, April 2001, New Delhi.)

એક દલીલ એવી થાય છે કે પુનર્જન્મના કિસ્સાઓ એ જ ધર્મના લોકોમાં મળ્યા છે, જે ધર્મ પુનર્જન્મમાં માને છે. એટલે કે માત્ર હિન્દુ ધર્મના લોકોમાં જ મળ્યા છે, પરંતુ ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ’ (NIMHANS)ના વિજ્ઞાની ડૉ. સતવંત પશ્રિચાએ સંશોધન કરીને તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રત્યુત્તર આપ્યો છે. (Dr. Satwant K. Pasricha, Cases of the Reincarnation Type in South India: Why So Few Reports? Journal of scientific Exploration, Society for Scientific Exploration, Vol. 15, No.2, pp. 211-221, 2001.)

‘યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના વિજ્ઞાની ડૉ. ઇઆન સ્ટીવન્સન સાથે પુનર્જન્મનાં વૈજ્ઞાનિક તથ્યો તપાસવાનું કાર્ય કરનાર ડૉ. પશ્રિચાએ, 21-3-2005ના રોજ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ને મુલાકાત આપતાં કહ્યું હતું કે, પુનર્જન્મના પુરાવાઓ સુન્ની મુસ્લિમ કોમ્યુનિટીમાંથી પણ મળી આવ્યા છે, જેમની ધાર્મિક માન્યતા મુજબ પુનર્જન્મ જેવું કાંઈ છે જ નહીં ! ડૉ. સતવંત પશ્રિચાએ તપાસેલા પુનર્જન્મના 400 કિસ્સાઓમાંથી, 19 કિસ્સાઓમાં એવા મુસ્લિમો હતા, જેઓએ પૂર્વજન્મમાં મુસ્લિમ હોવાના પુરાવાઓ આપ્યા છે, 7 એવા હિન્દુ છે જેમણે પૂર્વજન્મમાં મુસ્લિમ હોવાના પુરાવાઓ આપ્યા છે ! આ બધા કિસ્સાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ ઉપરોક્ત જર્નલ તેમજ ‘જર્નલ ઓફ અમેરિકન સોસાયટી ફૉર સાઇકિકલ રિસર્ચ’માં પણ પ્રકાશિત થયેલું છે. (NIMHANS Journal, April 1998 issue, pp 93-100.)

પુનર્જન્મ અને ખોડખાંપણ

અમેરિકાના જગવિખ્યાત વિજ્ઞાની થોમસ આલ્વા એડિસન લખે છે : ‘મૃત્યુ પછીના જે અસ્તિત્વની વાત હું સમજી શકું છું, તે નવા ચક્રનો પુનઃ પ્રારંભ છે. માનવીના મૃત્યુ બાદ શરીર ત્યજીને આત્મા ગતિ કરે છે. એટલું જ નહીં, તે ગતિ અવિરતપણે ચાલુ જ રહે છે.’

થોમસ એડિસન જેવા અનેક વિજ્ઞાનીઓ જેમાં વિશ્વાસ ધરાવે છે એ પુનર્જન્મનો સિદ્ધાંત વૈજ્ઞાનિક તોર પર આજે તપાસાઈ ચૂક્યો છે. પૂર્વેના અંકોમાં પોસ્ટમોર્ટમ અને પુનર્જન્મ વિશે થયેલા વૈજ્ઞાનિક સંશોધનોની વાત કરી છે. એ જ દિશામાં ડો. ઇઆન સ્ટીવન્સને સંશોધન કરીને ટાંકેલો એક કિસ્સો અહીં મમળાવવો ઉચિત રહેશે :  ઉત્તરપ્રદેશના અલ્લાહગંજ નગરમાં 1962માં જન્મેલા નસરુદ્દીન શાહનો જન્મ પુનર્જન્મમાં ક્યારેય ન માનનારા સુન્ની મુસ્લિમ પરિવારમાં થયો હતો. માત્ર બે વર્ષની ઉંમરે તેણે પોતાના પૂર્વજન્મની વાતો માંડી હતી. એક મુસ્લિમ પરિવાર માટે તેનું વર્તન પણ અકલ્પ્ય હતું. જેમ કે તે કોઈની એઠી થાળીમાં જમતો નહોતો, કોઈનો એઠો પાણીનો ગ્લાસ પીતો નહોતો. કારણ કે તેના કહેવા મુજબ તે અલ્લાહગંજથી 9-10 કિલોમીટર દૂર આવેલા ફરગના ગામનો હરદેવબક્ષસિંહ ઠાકુર હતો. 21 માર્ચ, 1961ના રોજ તેની 75 વર્ષની ઉંમરે હરદેવબક્ષસિંહનું ખૂન કરીને મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું. ડૉ. સતવંત પશ્રિચા અને સંશોધકોએ આ કિસ્સામાં મેથોડોલોજિકલ સંશોધન કર્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું કે હરદેવબક્ષસિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્‌સમાં જ્યાં શરીર પર ઘા બતાવવામાં આવ્યો હતો, ત્યાં જ નસરુદ્દીનના શરીર પર જન્મ-જાત ચિહ્ન હતું. ડૉ. ઈઆન સ્ટીવન્સને તેના પર સંશોધન કરીને એક રિસર્ચ પેપર પણ રજૂ કર્યું છે.

જ્યાં મુખ્ય ધર્મ તરીકે ઇસ્લામ છે એવા ટર્કીમાં, ‘ઓફિશિયલી’ કોઈ પુનર્જન્મમાં માનતું નથી. છતાં ત્યાં પણ પુનર્જન્મના અસાધારણ કિસ્સાઓ મળી આવ્યા છે ! ટર્કીના અદાના નગરના નેકાટી ઉન્લુતસ્કિરન (Necati Unlutaskiran) નામના બાળકનો કિસ્સો ઘણો પ્રસિદ્ધ છે. (Trutz Hardo.  Reincarnation : True Cases of Children Who Have Lived Before. Jaico Publiching House, 2004)
તા. 20 ફેબ્રુઆરી, 2007ના રોજ શ્રીલંકાના કોલંબો શહેરમાંથી પ્રકાશિત થતાં ‘શ્રીલંકા ગાર્ડિયન’ નામના વર્તમાનપત્રમાં દીપ્તિ અનુરાગ જયતુંગે એવો એક કિસ્સો નોંધે છે : અમેરિકાનો વિખ્યાત હિપ્નોટિસ્ટ્‌ મનોવિજ્ઞાની એડગર કેસીએ થોડા સમય પહેલાં અંધ બની ગયેલી એક વ્યક્તિને હિપ્નોસીસ દ્વારા અર્ધજાગ્રત અવસ્થામાં લઈ જઈને તેના પૂવર્જન્મ વિશે માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે તેનો પૂર્વ જન્મ આફ્રિકાની એક જાતિમાં થયો હતો અને તે પોતાની કેદમાં પકડાયેલા માણસની આંખમાં સળિયો ભોંકીને તેની આંખો ફોડી નાખવાની સજા આપતો હતો!

જો કે હિપ્નોસીસ અંગે કેટલાક શંકા કરે છે. પરંતુ વિજ્ઞાનની કેટલીક શાખામાં શંકાને કોઈ સ્થાન રહેતું નથી. એવી એક શાખા છે : ફોરેન્સિક સાયન્સ. વધુ આવતા અંકે...
 

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS