ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અનેક ભેટોમાં સત્શાસ્ત્રોનું નામ અગ્રેસર છે. જીવનના ગહનમાં ગહન પ્રશ્નોની અદ્ભુત છણાવટ કરતા ભારતીય ધર્મગ્રંથો જેવા અધ્યાત્મસમૃદ્ધ કે વિચારમંથનથી ભરપુર ધર્મશાસ્ત્રો, વિશ્વની અન્ય કોઈપણ સંસ્કૃતિએ ક્યારેય આપ્યાં નથી. પરંતુ ભૌતિકવાદના વાયરાઓ આપણા આ અમૂલ્ય વારસા તરફ નવી પેઢીમાં અરુચિ પેદા કરી રહ્યા છે. પશ્ચિમીઓએ બતાવેલા છીછરા તર્ક અને પલટાતી વૈજ્ઞાનિક સાબિતીઓના જાળામાંથી સત્શાસ્ત્રોને જોવાની અને મૂલવવાની જાણે ફેશન બની છે. શાસ્ત્રોમાં અશ્રદ્ધા રાખવી એ જાણે બૌદ્ધિકતાનું લક્ષણ ગણાવા લાગ્યું છે. 'સ્વામિનારાયણ પ્રકાશ' આ અંકથી, આપણા સત્શાસ્ત્રના એ સમૃદ્ધ વારસાની અદ્ભુત પરિચયયાત્રા વિદ્વાન સંતોની કલમે કરાવવાનું શરૂ કરે છે. ભારતીય અધ્યાત્મ ગ્રંથોના સારરૂપે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં માન્ય કરેલાં આઠ સત્શાસ્ત્રોની પરિચયાત્મક યાત્રાપૂર્વે આ શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાને મૂલવીએ...
શ્રદ્ધા એટલે શું ?
શ્રદ્ધા શબ્દમાં 'શ્રત્' અને 'ધા' એમ બે શબ્દો રહ્યા છે. શ્રત્ એટલે માનવું, વિશ્વાસ રાખવો અને 'ધા' ધાતુનો અર્થ 'ધારણ કરવું' એવો છે. તેથી 'શ્રદ્ધા' શબ્દનું તાત્પર્ય છે : 'ધારણ કરનાર શક્તિ. પછી એ ભગવાન હોય, ધર્મ હોય કે અન્ય કંઈપણ, એમાં માનવું, ટૂંકમાં શ્રદ્ધા એટલે 'કોઈક' માં યા 'કશાક'માં વિશ્વાસ, ભરોસો, યકિન યા તો તેના પ્રામાણિકપણાનો કે સત્યપણાનો દૃઢતાપૂર્વકનો નિશ્ચય.
શ્રદ્ધાની મહત્તા, આવશ્યકતા :
એક સંસ્કૃત પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ‘श्रद्धा सर्वेषां माता’ અર્થાત્ શ્રદ્ધા કોઈપણ કાર્યની સિદ્ધિ કે સફળતાની જનેતા છે. શ્રદ્ધા વગર લૌકિક કે પારલૌકિક કાર્યની સિદ્ધિ હાંસલ કરી શકાતી નથી. શ્રદ્ધા જ સાધનાનો સેતુ છે, પુરુષાર્થનો પ્રાણ છે અને સફળતાનો સ્તંભ છે. શંકા-કુશંકાના વમળમાં અટવાતો મનુષ્ય કોઈપ્રકારના ધ્યેય સુધી પહોંચી શકતો નથી કે સિદ્ધિનાં સર્વોત્તમ શિખરો સર કરી શકતો નથી. એટલે તો શ્રીકૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે.
अज्ञश्र्चाश्रद्दघानश्र्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥
અર્થાત્ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયયુક્ત રહી નાશ પામે છે. સંશયયુક્ત રહેલાને આ લોક નથી, પરલોક નથી અને સુખ નથી.
અહીં એ યાદ રાખવું ઘટે કે મનુષ્ય કેવળ શંકા-કુશંકા કે તર્ક-કુતર્કથી જીવી શકતો નથી, પરંતુ શ્રદ્ધાના શ્વાસે જીવી શકે છે. જન્મથી માંડીને જીવનના અંતિમ શ્વાસ સુધી શ્રદ્ધાના સથવારે જ માનવજીવનનું અસ્તિત્વ, રક્ષણ, પોષણ અને સંવર્ધન શક્ય છે. અબુધ અને અજ્ઞાની બાળક શ્રદ્ધાથી જ સ્તનપાન કરે છે, માતા કે પિતાનો નિશ્ચય કરે છે. અને પા પા પગલી કરતાં ચાલતાં શીખે છે. એવી જ રીતે બુદ્ધિશાળી, જ્ઞાની કે વિદ્વાન પણ 'આ દવા લેવાથી રોગ મટશે' એવી શ્રદ્ધાથી જ દવા લે છે. 'ખાવાથી ભૂખ ભાંગશે' એ શ્રદ્ધાથી જ ભોજન લે છે, 'આ બસમાં બેસવાથી અમદાવાદ જવાશે' એ શ્રદ્ધાથી જ બસમાં બેસે છે. 'આ કોલેજમાં દાખલ થવાથી ડોક્ટર થવાશે' એ વિશ્વાસથી જ કોલેજમાં દાખલ થાય છે. ટૂંકમાં, મનુષ્યજીવનની પ્રત્યેક સુખમય ક્ષણ કેવળ શંકા કે તર્કથી નહીં પણ શ્રદ્ધાથી જ વ્યતીત થાય છે એ નિર્વિવાદ છે.
શ્રદ્ધા જીવનનું મોટું બળ છે. પથ્થરયુગના માનવીથી માંડીને આજના કોમ્પ્યુટર યુગના માનવ સુધીમાં સૌ કોઈનું એ અદૃષ્ટ જીવનબળ રહ્યું છે. જીવનના તમામ સ્તરે શ્રદ્ધા શક્તિ પ્રગટાવે છે. વ્યક્તિગત સમસ્યાઓ અને સંઘર્ષો હોય, સાંસ્કૃતિક સંઘર્ષો હોય કે પછી સામાજિક આપત્તિ હોય-શ્રદ્ધામાં એવા અનેક પ્રશ્નોના નિરાકરણની પ્રચંડ તાકાત છે. શ્રદ્ધા આપત્તિઓના ધરતીકંપ વચ્ચેય મનની સ્થિરતા અને શાંતિની ગંગોત્રી બની રહે છે.
શ્રદ્ધા નિર્બળ, નિર્ધન, તર્કહીન કે અલ્પબુદ્ધિ માણસો માટેનું જ તત્ત્વ છે એવું નથી પણ સર્વકોઈ માટે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનથી લઈને અનેક વિજ્ઞાનીઓ અને ચિંતકોએ શ્રદ્ધાને જીવનની એક પ્રચંડ તાકાત કહી છે, જીવન સંઘર્ષમાં ઝઝૂમવાનું સર્વોત્તમ બળ કહ્યું છે. એના વિના વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક, વ્યાવહારિક કે આધ્યાત્મિક જીવન પાંગળું છે.
જેમ્સ ક્લાર્ક કહે છે, All the strength and force of man comes from his faith in things unseen. He who believes is strong. He who doubts is weak. Strong convictions preceder great action. અર્થાત્ અદૃશ્ય વસ્તુમાં શ્રદ્ધા રાખીએ તેમાંથી જ જીવનની તમામ તાકાત અને બળ પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધા ધરાવે છે તે તાકાતવાન અને મજબૂત બને છે. જે શંકાશીલ બને છે તે નિર્બળ રહે છે. દૃઢ શ્રદ્ધા માણસને મહાન કાર્યો માટે પ્રેરે છે. આધુનિક મનોચિકિત્સા વિજ્ઞાનના પિતામહ સમા કાર્લ યંગ (C. G. Jung) તો ત્યાં સુધી કહે છે કે, 'છેલ્લાં ૩૦ વર્ષમાં વિશ્વના તમામ વિકસિત દેશોના લોકોએ મારી સલાહ લીધી છે. મારા એ બધા જ દર્દીઓમાંથી ૩૫ વર્ષથી ઉપરનો એક પણ દર્દી એવો નહોતો કે જેના દર્દનો અંતિમ ઉપાય જીવનમાં અને ધર્મમાં શ્રદ્ધા ન હોય. અને એક પણ દર્દી એવો નહોતો જે જીવનમાં ધર્મ રાખવામાં ન માનતો હોય અને તે સાજો થયો હોય.'
આમ, લૌકિક જીવનકાર્ય કે વ્યાવહારિક જીવનમાં જો 'શ્રદ્ધા તત્ત્વ' વગર ચાલતું ન હોય તો પછી પારલૌકિક સાધના અને તેની સફળતા માટે તો શ્રદ્ધા આવશ્યક જ નહીં પણ અનિવાર્ય જ બને છે.
પારલૌકિક યા આધ્યાત્મિક વિષયો ઇન્દ્રિયો-અંતઃકરણથી અગમ્ય છે, અગોચર છે. તે મન, વાણી અને બુદ્ધિથી પર છે. જીવ-ઈશ્વર-માયા-બ્રહ્મ અને પરબ્રહ્મનાં સ્વરૂપો, ધર્મ-અધર્મ, પાપપુણ્ય, સ્વર્ગ-નરક, પૂર્વજન્મ-પુનર્જન્મ, કર્મસિદ્ધાંત, બંધન અને મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના ઉપાયો વગેરે આધ્યાત્મિક બાબતો માનવબુદ્ધિની ક્ષમતાની બહાર છે. તે તત્ત્વો કેવળ બુદ્ધિના તર્કથી કે અનુમાનથી જાણી-સમજી શકાતાં નથી. તેમજ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં સિદ્ધ થઈ શકતાં નથી. તેથી આવી બાબતોમાં તો ભગવાન અને સત્પુરુષોનાં વચનો કે તેમનાં રચેલાં સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા જ સહાયભૂત થઈ શકે છે. સચ્છાસ્ત્રોમાં દૃઢીભૂત શ્રદ્ધાને આધારે અને સહારે જ અગમ્ય વસ્તુની પ્રતીતિ અને અનુભૂતિ શક્ય બને.
સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા એટલે શું ?
शास्यतेऽनेनेति शास्त्रम् અર્થાત્ જેના દ્વારા શાસન થાય, આદેશ કે શિક્ષણ અપાય તે શાસ્ત્ર છે. સ્વયં ભગવાને ઉચ્ચારેલ પરાવાણી કે ભગવાન અને અધ્યાત્મના સાક્ષાત્ અનુભવી ૠષિઓ-સત્પુરુષોએ આપેલ ઉપદેશ યા લખેલ સદ્ગ્રંથો જ સત્શાસ્ત્રો છે. હિન્દુ સંસ્કૃતિની સનાતન પરંપરામાં વેદો, ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ, ધર્મગ્રંથો, સૂત્રગ્રંથો તથા રામાયણ, મહાભારત જેવા ઇતિહાસગ્રંથો વગેરે સત્શાસ્ત્રો છે. સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા એટલે આ શાસ્ત્રોમાં જે કાંઈ આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવેલ છે તે સત્ય છે, પ્રમાણભૂત છે, તેમાં લેશમાત્ર સંશય કે શંકાનો અવકાશ નથી એવો દૃઢતાપૂર્વકનો અફર વિશ્વાસ યા નિશ્ચય.
હિન્દુ પરંપરાનાં ઉપરોક્ત ગ્રંથો-શાસ્ત્રો પ્રમાણભૂત છે કારણ કે તેમના દ્રષ્ટા, રચયિતા કે કર્તારૂપે સ્વયં ભગવાન કે સંતો-ૠષિઓ છે. કોઈ ગ્રંથનાં વચનો ખોટાં હોવાની શક્યતા તો જ ઊભી થાય કે જો તેના લેખકને કોઈ પ્રકારનો યથાર્થ આધ્યાત્મિક અનુભવ ન હોય, જેમાં કોઈપણ પ્રકારનો સ્વાર્થ હોય અથવા તો કોઈને દુઃખી કરવાની, અવળે માર્ગે ચડાવીને હેરાન કરવાની માનવ સહજવૃત્તિ હોય. એવા દંભી કે સ્વાર્થી મનુષ્યોએ રચેલાં પુસ્તકોમાં સંપૂર્ણ શ્રદ્ધા ન રાખી શકાય તે સ્વાભાવિક છે. પણ જેમને અધ્યાત્મજ્ઞાનનો સાક્ષાત્ અને યથાર્થ અનુભવ છે, નિજાનંદમાં સંતૃપ્ત અને પૂર્ણકામ હોવાને લીધે જેમને કોઈ પાસેથી કોઈપણ પ્રકારનો (સત્તા, સંપત્તિ, સુંદરી, માન-મોટપ, કીર્તિ-પ્રતિષ્ઠાનો) સ્વાર્થ નથી, જેમના દિલમાં કોઈને દુઃખી કરવાનો સ્વપ્નેય ઈરાદો કે સંકલ્પ સુદ્ધાં નથી પરંતુ જેમના હૈયે અનંત જીવોના આ લોક અને પરલોકના પ્રેય અને શ્રેયની જ શુભભાવના વસી છે, તેમનાં વચનોમાં-ગ્રંથોમાં શંકાને કોઈ સ્થાન જ નથી. તે સર્વે વચનો સત્ય અને પ્રમાણભૂત જ છે.
શ્રીજીમહારાજની સત્શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધા :
શ્રીજીમહારાજ વચનામૃત ગ.મ. ૩૦માં કહે છે, 'શ્રીમદ્ ભાગવતાદિક જે સત્શાસ્ત્ર તે સત્ય છે અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે પણ બીજી રીતે થતું નથી.'
શ્રીજીમહારાજે શાસ્ત્રોના પ્રામાણિકપણાની દૃઢાવેલ શ્રદ્ધાને આપણે એક સંદર્ભ દ્વારા સમજીએ. શ્રીમદ્ ભાગવતના બારમા સ્કંધના બીજા અને ત્રીજા અધ્યાયમાં કળિયુગનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાંથી કેટલાક અંશો આ પ્રમાણે છે :
'કળિયુગમાં જેની પાસે ધન હશે, તેને લોકો કુલીન, સદાચારી અને સદ્ગુણી માનશે. જેના હાથમાં શક્તિ હશે તે જ ધર્મ અને ન્યાયની વ્યાવસ્થા પોતાને અનુકૂળ કરાવી શકશે. વ્યવહારની નિપુણતા સચ્ચાઈ અને પ્રામાણિકતામાં રહેશે નહિ, જે જેટલા પ્રમાણમાં છળ-કપટ કરી શકશે તે તેટલા પ્રમાણમાં વ્યવહારકુશળ મનાશે.
જે લાંચ દેવામાં અથવા ધન ખર્ચવામાં અસમર્થ હશે તેને યથાર્થ ન્યાય મળશે નહીં.
જે બોલવા ચાલવામાં જેટલો ચાલાક હશે તેને તેટલો મોટો પંડિત માનવામાં આવશે.
જે જેટલો અધિક દંભ-પાખંડ કરી શકશે, તેને તેટલો મોટો સાધુ સમજવામાં આવશે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોમાં જે બળવાન હશે તે જ રાજા થઈ બેસશે. આ નીચ રાજા અત્યંત નિર્દય અને ક્રૂર હશે. તે લોભી તો એટલા હશે કે એમાં અને લૂટારામાં કોઈ ફરક રહેશે નહિ. રાજા-મહારાજા ડાકુ-લૂટારા જેવા થશે.
ધર્મમાં પાખંડની પ્રધાનતા થઈ જશે.
પાખંડી લોકો પોતાના નવા મતને ચલાવીને મનમાની રીતે વેદોનું તાત્પર્ય કાઢીને વેદોને દૂષિત કરશે.
રાજાઓ પ્રજાની બધી જ કમાણી હડપ કરીને તેનું શોષણ કરશે.
વાનપ્રસ્થીઓ - તપસ્વીઓ ગામમાં રહેવા લાગશે ને સંન્યાસીઓ ધનના અત્યંત લોભી-લાલચુ અને અર્થપિશાચ થઈ જશે.
વ્યાપારી લોકોનાં હૃદય અતિ શૂદ્ર થઈ જશે અને કોડી જેટલા દ્રવ્ય માટે પણ દગા કરશે.
મનુષ્યો ખૂબ જ લંપટ થઈ જશે અને પોતાની કામવાસનાની તૃપ્તિ માટે જ કોઈ સાથે પ્રેમ કરશે. તેઓ વિષયવાસનાને વશ થઈને માતાપિતા, ભાઈ અને મિત્રોને પણ છોડી દેશે.
પુત્ર પોતાનાં વૃદ્ધ મા-બાપનું પણ રક્ષણ-પાલન-પોષણ નહીં કરે, ઉલટી તેમની ઉપેક્ષા કરશે.'
જેમ ક્રિકેટની કોમેન્ટ્રી પોતાની નજરે જોતાં જોતાં કોઈ આપે છે તેમ પાંચ હજાર વર્ષ પહેલાં વ્યાસજીએ આજના કળિયુગના વાતાવરણનો આંખે દેખ્યો અહેવાલ આપ્યો છે. તેથી તો કળિયુગના વર્ણનનો પ્રત્યેક શબ્દ આજે આપણે પ્રત્યક્ષપણે અનુભવી રહ્યા છીએ. તેથી શાસ્ત્રોની વાત પ્રમાણભૂત છે તેની પ્રતીતિ થયા વગર રહેતી નથી. વળી, વિધિનિષેધ સત્ય છે પણ કલ્પિત નથી એ વાત કરતાં શ્રીજીમહારાજ વચ. ગ.મ. ૬માં કહે છે : 'મોટાપુરુષોએ જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. ત્યાં દૃષ્ટાંત છે જે જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હૂંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હૂંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે હૂંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તેમ મોટાપુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો વિધિનિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટાપુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે, જેમ હૂંડીમાંથી રૂપિયા નીસરે છે તેમ, અને જે સમર્થ શાહુકારે હૂંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકિ ઇત્યાદિક જે મોટાપુરુષ તેનાં વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ઠ જાણવો.'
સત્શાસ્ત્રોમાં અનેક પ્રકારના વિધિનિષેધોનું પ્રતિપાદન જોવા મળે છે. તેના પાલનથી લાભ અને ઉલ્લંઘનથી ગેરલાભ થાય છે તેમ શ્રીજીમહારાજ શિક્ષાપત્રીમાં કહે છે.
ये पालयन्ति मनुजाः सत्व्छास्त्रप्रतिपादितान् ।
सदाचारान् सदा तेऽत्र परत्र च महासुखाः ॥
અને તે સદાચારોનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે.
શ્રીકૃષ્ણ ભગવાન પણ ગીતામાં કહે છે -
यः शास्त्रविघिमुत्सृज्य वर्तते कामकारतः ।
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥ (१६/२३)
જે (મનુષ્ય) શાસ્ત્રવિધિ છોડી દઈને મનમાની રીતે વર્તે છે, તે સિદ્ધિ, સુખ કે પરમગતિ પામતો નથી.
આ વાતની નક્કર સત્યતા અને પ્રમાણભૂતતાનો અનુભવ આજે આપણને સૌને છે. શાસ્ત્રોની એક આજ્ઞા ‘व्यभिचारो न कर्तव्यः’ના પાલનથી શો લાભ અને ઉલ્લંઘનથી શું નુકસાન થાય છે તેનું આજે નિરૂપણ કરવાની આવશ્યકતા રહેતી નથી.
તેથી શ્રીજીમહારાજ વચનામૃત ગ.મ. ૨૭માં કહે છે : 'દેશકાળાદિક જે આઠ છે તેમાં જેવું પૂર્વસંસ્કારમાં જોર છે તેવું જ એકએકમાં છે, માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વસંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત-દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે, વિધિનિષેધના જોર કહ્યા છે જે 'આ કરવું ને આ ન કરવું' તે સર્વે ખોટું થઈ જાય તે એ મોટાનાં કરેલાં શાસ્ત્ર તો ખોટાં થાય જ નહીં.'
આમ શ્રીજીમહારાજને સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા છે એટલે તો એમણે વચનામૃતમાં જે કંઈ વાત કરી છે તે શાસ્ત્રોના સારરૂપે સિદ્ધાંત તારવીને કહી છે તે શ્રીજીમહારાજના જ પ્રાસાદિક શબ્દોમાં જોઈએ :
વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ એ સર્વે ગ્રંથોનો એ જ ગલિતાર્થ છે, આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે... (વચનામૃત ગ.મ. ૧)
ચાર વેદ, સાંખ્ય શાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ અને નારદપંચરાત્ર એ આદિક સર્વશાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે...(વચ. ગ.મ. ૮)
અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. (વચ. ગ.મ. ૧૩)
જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા, તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે... (વચ. ગ.મ. ૨૧)
આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ, શાસ્ત્ર, પુરાણ, આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે, તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. (વચ. ગ.મ. ૨૮)
ચાર વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે... (વચ. ગ.મ. ૫૯)
'વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે... (વચ. ગ.અં. ૧૦)
'અમે સર્વે શાસ્ત્ર સાંભળી એ સિદ્ધાંત કર્યો છે... (વચ. ગ.અં. ૩૬)
અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે... (વચ. ગ.અં. ૩૮)
એ માયા ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. (વચ. ગ.અં. ૩૯)
ટૂંકમાં, શ્રીજીમહારાજને સત્શાસ્ત્રોમાં દૃઢ પ્રતીતિ અને શ્રદ્ધા છે તેથી તો તેઓ જે કાંઈ વાત કરે છે તે સર્વશાસ્ત્રોના આધારે, તેમના સારરૂપે જ કરે છે પણ કેવળ બુદ્ધિની કલ્પનાથી વાત કરતા નથી.
સાથે સાથે તેમને કલ્પિત ગ્રંથોમાં લેશમાત્ર શ્રદ્ધા પણ નથી, તેથી અધ્યાત્મની કોઈ વાત કલ્પિત ગ્રંથોના આધારે થતી હોય તો તે તેમને માન્ય નથી. શ્રીજીમહારાજ વચનામૃત ગ.પ્ર. ૩૯માં એક વેદાંતીને પ્રશ્ન પૂછતાં કહે છે : 'તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તેમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો, પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ અને જો વ્યાસજીના વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દૃઢ પ્રતીતિ છે.'
શ્રીજીમહારાજને વિશેષતઃ વ્યાસજીના વચનમાં વિશેષ પ્રતીતિ-શ્રદ્ધા છે તેવું તેઓ વચ. અં. ૧૦ અને વર. ૧૮માં પણ સકારણ સમજાવે છે. તેથી તો તેમણે અતિપ્રમાણરૂપ જે શાસ્ત્રો - (૧) વેદ (૨) વ્યાસસૂત્ર (૩) શ્રીમદ્ ભાગવત પુરાણ (૪) મહાભારતને વિષે વિષ્ણુસહસ્રનામ (૫) ભગવદ્ગીતા (૬) વિદુરનીતિ (૭) સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહીલું વાસુદેવમાહાત્મ્ય (૮) યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. માન્ય કરેલાં છે તેમાંથી પ્રથમ સાત તો વ્યાસજી દ્વારા રચિત કે સંપાદિત છે.
સત્શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવાથી થતા લાભ :
ભગવાન કે મોટાપુરુષોનાં કરેલાં સત્શાસ્ત્રો સત્ય છે, પ્રમાણભૂત છે એવી દૃઢ પ્રતીતિ, આસ્થા, આસ્તિકતા કે શ્રદ્ધા રાખનારને નીચે પ્રમાણે અનેક લાભ થાય છે.
મનુષ્યજીવનનું સાચું ધ્યેય સમજાય, સ્પષ્ટ થાય, દૃઢ થાય અને સિદ્ધ થાય.
જીવનની સાચી દિશા હાથમાં આવ્યા વગર અનંત જન્મોથી વિષયની અતૃપ્ત આગમાં શેકાતો, દાઝતો અને તેને લીધે દુઃખી થતો આ જીવ લખચોરાશીમાં ભટકી રહ્યો છે. ભગવાન, મોટાપુરુષ કે શાસ્ત્રોનાં વચનોના આધારે જ જીવનનું સાચું ધ્યેય કેવું ન હોવું જોઈએ તે (કંચન, કામિની, કીર્તિ, સત્તા-સંપત્તિ, પ્રતિષ્ઠા) અને કેવું હોવું જોઈએ (આત્માની મુક્તિ અને પરમાત્માની પ્રાપ્તિ) તે સમજાય છે.
મુક્તિના ઉપાયરૂપે જીવની પોતાની પાત્રતા-યોગ્યતા-સ્થિતિ પ્રમાણેનો સાધનામાર્ગ પણ શાસ્ત્રોના આધારે જ સમજી - જાણી શકાય છે.
શરૂઆતમાં કહ્યા પ્રમાણે ઇન્દ્રિયો-અંતઃકરણને અગોચર એવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપોનું તથા ધર્મ-અધર્મ વગેરે આધ્યાત્મિક બાબતોનું જ્ઞાન પણ શાસ્ત્રો થકી જ થાય છે.
શ્રીજીમહારાજ વચનામૃત ગ.અં. ૨૭માં કહે છે, 'આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા-બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિક જે જે પદાર્થનો નિશ્ચય થયો છે. શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યાં હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે.
એવી જ રીતે વચ. સા. ૧૩માં કહે છે. 'જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે, કાં જે શાસ્ત્રમાં પરમેશ્વરનાં પણ લક્ષણ કહ્યાં હોય અને સંતનાં પણ કહ્યાં હોય; માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું કારણ છે તે પણ શાસ્ત્ર જ છે; અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યાં જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે, કેમ કે શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી, એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ, કાં જે શાસ્ત્રમાં તો અનંત જાતનાં ભગવાનનાં ચરિત્ર છે; માટે પરમેશ્વર ગમે તેવાં ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહિ. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહિ.'
તેથી તો શ્રીજીમહારાજ વચનામૃત પં. ૪માં વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિક શાસ્ત્રમાં ભગવાનના અનાદિ સનાતન દિવ્યસ્વરૂપ તથા મનુષ્ય સ્વરૂપનાં કરેલ નિરૂપણ દ્વારા ભગવાનના નિશ્ચયની દૃઢતા કરવાનું કહે છે કે જેથી ભગવાનના નિશ્ચયમાં સંશય ન થાય.
એવી જ રીતે વચનામૃત લો. ૯માં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ઉત્પત્તિ પણ બૃહદારણ્યક, છાંદોગ્ય, કઠવલ્લી આદિક ઉપનિષદ, ભગવદ્ગીતા, વાસુદેવ-માહાત્મ્ય, વ્યાસસૂત્ર, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ શંખલિખિતસ્મૃતિ વગેરે સદ્ગ્રંથો તથા ભગવાનના અવતારોની લીલા અને કથાના શ્રવણ થકી જ દર્શાવેલ છે.
અનિષ્ટમાંથી નિવૃત્તિ અને ઇષ્ટમાં પ્રવૃત્તિ થાય છે. શાસ્ત્રોના આધારે દરેક વસ્તુના યથાર્થ જ્ઞાનથી જે અનિષ્ટરૂપ છે તેવાં પાપ, અધર્મ, સ્વભાવો, દોષો, તૃષ્ણા, વાસના, પ્રવૃત્તિ અને અનિષ્ટ કાર્યોમાંથી નિવૃત્તિ પામીને ઇષ્ટ એવાં પુણ્ય, ધર્મ, સદ્ગુણોથી યુક્ત કાર્યોમાં અને આત્મા-પરમાત્માના સાક્ષાત્કારને માર્ગે પ્રવૃત્ત થવાય છે. તેથી અનંત દુઃખોમાંથી મુક્ત થઈને શાશ્વત સુખ અને શાંતિના ભોક્ત બની શકાય છે.
આ રીતે સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીને તેનું વાંચન, શ્રવણ, મનન, ચિંતન કરવાથી અનેક ફાયદા થાય છે. શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખવાથી નુકસાન લેશમાત્ર નથી પરંતુ લૌકિક અને પારલૌકિક બન્ને દૃષ્ટિએ લાભ, લાભ અને લાભ જ છે. જો શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખવાથી લાભ જ થતો હોય તો પછી સર્વેને સચ્છાસ્ત્રમાં શ્રદ્ધા કેમ રહેતી નથી ? તેમાં શંકા-કુશંકા કેમ રહ્યા કરે છે ? શાસ્ત્રોમાં શ્રદ્ધા કેવી રીતે રહે ? આ પ્રશ્નોનું સમાધાન હવે આપણે મેળવીશું.