ભારતીય સંસ્કૃતિની એક શાશ્વત આધારશિલા. સંસ્કૃતિની ચેતનાને ટકાવી રાખનારું એક વિરલ પરિબળ, જે ઉપનિષદોના સમયથી લઈને આજપર્યંત વિશ્વ સમસ્તને પ્રેરણા આપતું રહ્યું છે.
આ ગુરુ-શિષ્ય પરંપરાનું એક આદર્શ ઉદાહરણ હતા - બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ.
ગુરુ-શિષ્ય પરંપરા એ ભારતીય અધ્યાત્મની કરોડરજ્જુ છે. વિખ્યાત બ્રિટિશ લેખક શ્રી પીટર બ્રેન્ટે ‘skeleton of Hinduism’ તરીકે આ ગુરુ-શિષ્ય પરંપરાનું અનોખું મહત્ત્વ આંક્યું છે. કરોડરજ્જુ કે અસ્થિ-પાંજર વિના શરીર કેવી રીતે સ્થિર અને સાબૂત રહી શકે?
ગુરુ-શિષ્ય પરંપરા વિનાનો સમાજ એવો કહી શકાય.
જેમને આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવી છે, તેમણે એવા ગુરુના શરણે ગયા સિવાય છૂટકો નથી. એટલે જ કઠોપનિષદ આદેશાત્મક સ્વરમાં આપણને સંબોધીને કહે છેઃ
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
क्षुरस्य धारा निशिता दुरत्यया
दुर्गं पथस्तत्कवयो वदन्ति॥
‘ત્રિકાળજ્ઞાની કવિઓ આધ્યાત્મિક માર્ગને અસ્ત્રાની ધાર સમો દુર્ગમ બતાવે છે. માટે હે મનુષ્યો! ઊઠો, જાગો, સાવધાન થઈ જાઓ અને શ્રેષ્ઠ મહાપુરુષને પામીને, તેમની પાસે જઈને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો.’ (1-3-14)
મુંડક ઉપનિષદ પુનઃ તેનું ઉચ્ચારણ કરે છેઃ
तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्।
समित्पाणिः श्रोत्रियं ब्रह्म निष्ठम्।
‘તે વિજ્ઞાન એટલે કે બ્રહ્મ-પરબ્રહ્મનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રોત્રિય, બ્રહ્મસ્વરૂપ અને પરમાત્મામાં દૃઢનિષ્ઠ એવા ગુરુ પાસે હાથમાં સમિધ (અર્ઘ્ય) લઈને જવું.’ (1-2-12)
પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીહરિચરિત્રામૃતસાગરમાં ગુરુના શરણે જવાની મહત્તા ઉચ્ચારતાં કહે છેઃ
‘ગાઢ વનમાં ભોમિયા વિના અજાણ્યાને રસ્તો જડે નહીં, તેમ પંડિતો પણ શાસ્ત્રના વિવિધ શબ્દોને સમજ્યા વિના નાસ્તિક થઈ જાય છે.
મહાસિંધુ તરવો હોય તો આપ બળે તરાય નહીં. પાંખવાળાં પ્રાણીઓ પણ પાર થઈ શકે નહીં. પણ સિદ્ધ-ગતિ પામેલા સાગરને ઉલ્લંઘી જાય છે. સિદ્ધ ગુરુ નાવ સમાન છે. ગુરુ રૂપી નાવમાં બેસે તે સમુદ્ર તરે.’ (15/3/29-33)
‘કક્કો લખેલો હોય અને બે નેત્રથી જુએ છતાં કહેનાર ગુરુ ન હોય તો અક્ષરજ્ઞાન થાય નહીં.
સત્પુરુષના સંગ વિનાનું જ્ઞાન, આંધળો આપમેળે માર્ગ પામવા મથે તેના જેવું છે. જે દીવો લઈને પણ કૂવામાં પડે છે.
સાચા ગુરુ તેને જ્ઞાનનું નેત્ર ખોલી આપે છે. આંખો પણ હોય, સૂર્યપ્રકાશ પણ હોય છતાં નેત્રની જ્યોતિ ન હોય તો કંઈ દેખાતું નથી.
ગુરુ જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરી આપે છે.’ (13/58/33-36)
એટલે જ કબીરજી પોતાના દોહાઓમાં ગુરુનો અપરંપાર મહિમા ગાતાં લખે છેઃ
गुरु बिन ज्ञान न ऊपजै,
गुरु बिन मिलै न मोक्ष।
गुरु बिन लखै न सत्य को,
गुरु बिन मिटै न दोष॥
गुरु बिन माला फेरते,
गुरु बिन देते दान।
गुरु बिन सब निष्फल गया,
पूछौ वेद पुरान॥
એવા ગુરુના શરણે જઈને, એમની આજ્ઞામાં વર્તીને, એમની પ્રસન્નતા પામીને શિષ્ય ધન્યતાનો અનુભવ કરે છે. કૃતાર્થતા પામ્યાનો આનંદ માણે છે. એવી ધન્યતાનું બયાન કરતાં તુલસીદાસજી ગુરુવંદના કરે છેઃ
बंदऊँ गुरुपद पंकज
कृपासिन्धु नररूप हरि।
महामोह तमपुंज
जासु बचन रविकर निकर॥
गुरु बिन भवनिधि तरइ न कोई,
जो बिरंचि शंकरसम होई...
એટલે કે ‘જેઓ કૃપાના સાગર છે, સૂર્યકિરણો સમાં જેમનાં વચનોથી મહા મોહનું ગાઢ અંધારું નાશ પામે છે, તેવા મનુષ્યરૂપે સાક્ષાત્ પરમાત્મા સમાન ગુરુદેવનાં ચરણકમળમાં વંદન કરું છું. એવા ગુરુ વિના ભવસાગર કોઈ તરી શકતું નથી, ભવબ્રહ્મા જેવા સમર્થ હોય તે પણ નહીં!’
ગુરુનું આટલું અપરંપાર મહત્ત્વ હોવા છતાં આધુનિકતાનો વાયરો આવી પવિત્ર ગુરુભક્તિને ‘વ્યક્તિપૂજા’માં ખપાવે છે. ‘ગમે તેટલી સિદ્ધિઓ મેળવી હોય, તો પણ ગુરુનાં ચરણોમાં મન સમર્પિત કર્યું નથી, તો જીવનમાં શું કર્યું? गुरोरंघ्रिपद्मे मनश्चेत् न लग्नं ततः किं ततः किं ततः किम्॥’ એમ પ્રશ્ન પૂછનાર પ્રકાંડ બુદ્ધિમંત શ્રીમદ્ આદિ શંકરાચાર્ય પણ એવી વ્યક્તિપૂજામાં માનતા હતા. ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણથી લઈને સ્વામી વિવેકાનંદ સુધી સૌ કોઈ એવી વ્યક્તિપૂજામાં માનતા હતા.
વ્યક્તિપૂજાના ઓઠા હેઠળ નાસ્તિકતા કે તર્ક-વિતર્ક-કુતર્કની ભમરીઓમાં અટવાઈ જઈને જેઓ એક સાચા ગુરુના શરણે જઈને શિષ્ય તરીકે એવા મહાન ગુરુના છત્રનો લાભ લઈ શક્યા નથી, તેઓ દયનીય છે.
પરંતુ આ વિશ્વનું સદ્ભાગ્ય છે કે પ્રત્યેક યુગે એવા આદર્શ ગુરુ અને આદર્શ શિષ્યનો અહીં જન્મ થતો રહ્યો છે, જેમણે કળિયુગના વિપરીત વાતાવારણમાં પણ ગુરુ-શિષ્ય પરંપરાને ઉજ્જ્વળ બનાવી રાખી છે.
આધુનિક યુગમાં એવું યશસ્વી શિષ્ય- ચરિત્ર ટાંકવું હોય તો બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું નામ ગૌરવભેર ટાંકી શકાય.
તેઓ અસંખ્ય ભક્તોના પ્રાણપ્યારા આદર્શ ગુરુહરિ હતા, તો બીજી તરફ એક આદર્શ ગુરુભક્ત પણ હતા.
ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ યોગીજી મહારાજ એ જ એમના જીવનની ધડકન હતી.
સન 1939માં તેમની 18 વર્ષની ઉંમરે તેમને ગુરુ શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી મળીઃ આ ચિઠ્ઠી મળે એટલે તરત ગૃહત્યાગ કરીને સાધુ થવા આવી જજો. અને એ જ ક્ષણે માતા-પિતાની રજા લઈને તેઓ શાસ્ત્રીજી મહારાજનાં ચરણે સમર્પિત થઈ ગયા. ક્ષણનો પણ વિલંબ નહીં!
શાસ્ત્રીજી મહારાજે તેમને અંગ્રેજી ભણવાનું કહ્યું હતું, આથી તે માટે તૈયાર થઈ ગયા. અને શાસ્ત્રીજી મહારાજે તેને બદલે સંસ્કૃત ભણવાનું કહ્યું, તો તત્ક્ષણ અંગ્રેજીનું લક્ષ્ય છોડીને સંસ્કૃતના અભ્યાસમાં જોડાઈ ગયા. સંસ્કૃતનો અભ્યાસ પૂર્ણ થવા દેવાને બદલે શાસ્ત્રીજી મહારાજે તેમને મંદિરના બાંધકામમાં જોડ્યા. તો તેમાં શરીરની પરવા કર્યા સિવાય ચૂનો કાલવવાની સેવામાં જોડાઈ ગયા. વળી, શાસ્ત્રીજી મહારાજે તેમને કોઠારની વહીવટી સેવામાં જોડ્યા, તો તેમાં જોડાઈ ગયા. એ સેવાને બદલે ફરીથી સંસ્કૃત ભણવાની આજ્ઞા કરી, તો ફરીથી સંસ્કૃત ભણવા બેઠા. અને એ અભ્યાસ અધૂરો રખાવીને શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરીને સંસ્થાનું વહીવટી સુકાન સોંપી દીધું, તો તેમાં પ્રાણોની આહુતિ આપી દીધી.
બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ તરીકે એમની પાસે વ્યક્તિગત કોઈ મહત્ત્વાકાંક્ષા નહોતી. એમને તો ગુરુનો મહિમા વધે એ જ સંકલ્પ. ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પો પૂર્ણ કરવા એ જ લક્ષ્ય. અને એ માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી મથતા રહ્યા. ગુરુને આપેલાં વચનો જીવનભર પાળતા રહ્યા. ગુરુની મહિમાગાથા અવિરત ગાતા રહ્યા.
અને બધું જ કરી છૂટ્યા પછી, પોતાના જીવનનાં તમામ કાર્યોનો અને તમામ સિદ્ધિઓનો યશ ગુરુનાં ચરણે ધરી દીધો. એમની ગુરુભક્તિની ચરમસીમા તો ત્યારે અનુભવાઈ જ્યારે એમણે પોતાના દેહની રાખ થઈ ગયા પછી પણ તેના પર ગુરુની સતત દૃષ્ટિ પડતી રહે, એવી અભિલાષા રાખીને પોતાના અંતિમ સંસ્કારનું સ્થળ નક્કી કર્યું, એ જ અભિલાષા સાથે અંતિમશ્વાસ લીધા.
એવા આદર્શ ગુરુભક્ત પ્રમુખસ્વામી મહારાજને તેમની શતાબ્દીએ કોટિ કોટિ વંદન.