Essays Archives

સને ૧૯૫૧ની આ વાત છે.
તે સમયે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. એક બાજુ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવ હેઠળ પહેલેથી જ વડીલો દૃઢ સત્સંગી. બીજી બાજુ મારે અંગ્રેજી સ્કૂલ(જબલપુર), ખ્રિસ્તી શિક્ષકો અને તે પણ બધા જ અંગ્રેજ. તેથી મારે કોઈ મોટા ભારતીય સંતો કે મંદિરોનો સંસર્ગ થયેલો નહીં. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનાં ગુણગાન ઘરમાં ગવાય ખરાં, પણ અન્ય બાવાઓ જેમ તેમને ગણી કાઢેલા.
એવામાં અચાનક એક દિવસ સમાચાર આવ્યા : 'શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા છે !' બધાં જ સંબંધીઓ સારંગપુર જવાના હતા. આખું ઘર, અરે ! (આણંદની) આખી ખડકી ખાલીખમ થઈ રહી હતી. આથી મારે નહોતું જવું તો પણ સારંગપુર જવું પડ્યું. હું પહોંચ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજના અગ્નિ-સંસ્કાર થઈ ચૂક્યા હતા. તે પછી ગઢડામાં પ્રતિષ્ઠા હતી. સૌની સાથે હું પણ ઊપડ્યો. હું સ્વાભાવિક રીતે જ નિરુત્સાહ હતો.
આવી વિપરીત મનોદશા સાથે ગઢપુરમાં પ્રતિષ્ઠાને આગલે દિવસે પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત થઈ.
એમની ઉંમર તે સમયે ૨૯ વર્ષની, મારી ઉંમર ૧૬ વર્ષની... આણંદના મોતીકાકા(મોતીભાઈ ભગવાનદાસ)એ પ્રમુખસ્વામી સાથે મારી ઓળખાણ કરાવી. મુંડન પહેલાંના ઘટાદાર કાળા ભમ્મર વાળ, ચપળ અને પારદર્શક નિર્દોષ આંખો, ઝડપથી આંખોના થતા પલકારા... સૌમ્ય, ગોળ મુખારવિંદ... પાતળી કેડ... પાતળા હતા તેથી ઊંચા લાગતા હતા. સ્વામીશ્રીની એ વખતની મૂર્તિ હજી યાદ આવે છે. શરીર થોડું શ્યામ હતું. નાસિકાના અગ્ર ભાગે લાલ આછાં ચાઠાં દેખાતાં હતાં. સ્વામીશ્રી મારી સાથે હિંદીમાં વાત કરતા હતા. એમણે શું પૂછ્યું ને મેં શો જવાબ આપ્યો એ બિલકુલ યાદ નથી. પરંતુ પ્રથમ દર્શને જ આકર્ષણ જરૂર થયું હતું. સંકલ્પો જાણે બંધ થઈ ગયા હતા ! તેઓ મને ઓળખતા હોય તેમ લાગ્યું. સ્વામીશ્રીને હું પણ ઓળખતો હોઉં તેવું લાગ્યું !! સ્વામીશ્રીની નિકટમાં આવતાં થોડી ક્ષણોમાં જ અદ્‌ભુત અને દિવ્ય અનુભવ થયો. વૈશાખની લૂમાંથી ઊંચકાઈને હિમાલયની ગુલાબી ઠંડકમાં મુકાયો હોઉં એવી ટાઢક થવા લાગી. ત્યાં તો એક મોટા હરિભક્ત આવ્યા, સ્વામીશ્રીને તેમની સરભરામાં જવાનું થયું. પલકારામાં તેઓ સ્મિત કરતાં જતા રહ્યા. કોઈએ કીંમતી વસ્તુ આંચકી લીધી હોય તેમ હું હેબતાઈ ગયો. આજુબાજુ હજારો લોકો હતા, બૂમાબૂમ અને કલશોર હતો, પણ છતાં હું એકલો પડી ગયો હતો...
આજે સમજાય છે કે સ્વામીશ્રીનું કેવું વ્યક્તિત્વ હતું - એ સમયે ! પ્રભાવ પાડી દેવો, આંજી નાખવા, એવું કાંઈ જ નહીં. સીધા, સાદા, સરળ, નિખાલસ! છતાં હું અંજાઈ ગયો. મને તે સમયે થયેલું : 'વાહ ! આ સાધુ સાચા !' એ છાપ આજ સુધી વિકસતી ગઈ છે. હૈયાના ઊંડાણમાં તેવી અનુભૂતિ થતી રહી છે.
સૌપ્રથમ વાર મને સાધુ થવાની વાત જો કોઈએ કરી હોય તો એ પ્રમુખસ્વામી હતા.
૧૯૫૧, અટલાદરામાં કૃષ્ણાષ્ટમીના ઉત્સવ પછી યોગીજી મહારાજથી છૂટા પડીને અમે યુવકો પોતપોતાના ઘરે જવા રેલવે સ્ટેશને આવ્યા. સવારની ટ્રેઈન હતી. શ્રાવણ વદ ૧૧નો દિવસ હતો. સ્વામીશ્રી પણ જોડના સાધુ સાથે અમદાવાદ જઈ રહ્યા હતા. બધા જ યુવકો જગ્યા મળી તે ડબ્બામાં ચડી ગયા. હું દોડીને સ્વામીશ્રી સાથે જ થર્ડ કલાસના ડબ્બામાં ચડી ગયો. સ્વામીશ્રી અને જોડના સંત સાથે હું એકલો યુવક હતો. સ્વામીશ્રી બહુ રાજી થયા, ટ્રેઈન ઊપડી. સ્વામીશ્રી મને અભ્યાસ અંગે પૂછવા લાગ્યા. પછી એકદમ પૂછ્યું : 'ગળામાં કંઠી છે ?'
કંઠી હતી નહીં. સ્વામીશ્રીએ મને હેતથી સમજાવ્યું ને કહ્યું : 'યોગીબાપા પાસે પહેરી લેજો.' એવામાં તો જોડના સંતે સ્વામીશ્રીના હાથમાં કંઠી આપી દીધી, તે સ્વામીશ્રીએ મને પહેરાવી. પછી ધીરે ધીરે વાતનો દોર આગળ ચાલ્યો. સ્વામીશ્રી તૂટીફૂટી હિંદીમાં એકધારું બોલ્યે જતા હતા. વાતવાતમાં કહે, 'તમે સાધુ બની જાવ. બહુ સેવા થશે.' એમ કહી વાતો શરૂ કરી. એમાં આગ્રહ નહોતો, આજ્ઞા નહોતી. બસ, સંસારનાં દુઃખોનું, ભગવાનના અને ગુરુના સુખનું સચોટ વર્ણન હતું. સ્વામીશ્રી એવી રીતે વર્ણવતા હતા કે પસંદગી મારે કરવાની હતી.
સ્વામીશ્રીએ જે મીઠાશથી, નમ્રતાથી, પ્રેમથી વાતો કરેલી તેનાથી મને નવી જ દિશા મળેલી. બહુ જ શાંતિ થયેલી... આ પછી સાધુજીવન જીવવા માટેની મારી સુષુપ્ત અભિલાષા જાગ્રત થવા લાગી...
થોડી વારે સ્વામીશ્રીએ યોગીબાપાના મહિમાની વાતો ઉપાડી. ત્યારે તો એટલી ટાઢક થયેલી કે એમ જ થયું કે જાણે સ્વામીશ્રીએ મને પોતાના ખોળામાં લઈ લીધો હોય ને શું ! આમ, ધરબી ધરબીને જીવમાં મહિમા ઉતારી રહ્યા હતા. સ્વામીશ્રી એક નિરાળા-અસલી સાધુ લાગતા જ ગયા... લાગતા જ ગયા...


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS